You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સેલ્ફીને કારણે સૌથી વધારે મૃત્યુ ક્યાં થાય છે?
- લેેખક, પદ્મા મિનાક્ષી
- પદ, બીબીસી તેલૂગુ
સેલ્ફી લેતી વખતે થતાં મૃત્યુની ઘટનાઓમાં હાલ વધારો થયો છે. કેટલાક દિવસો પહેલાં આંધ્ર પ્રદેશના વારંગલમાં જિમ ટ્રેનરે પાટા પર આવતી ટ્રેન સાથે સેલ્ફી લેવાની કોશિશ કરી અને ટ્રેન સાથે અથડાતાં તેનું મૃત્યુ થઈ ગયું.
ફેસબુક પર 21 સેકન્ડનો એ વીડિયો હજારો વખત શૅર કરવામાં આવ્યો જેમાં 25 વર્ષનો ટી. શિવા પાટાની નજીક ઊભો છે અને પાછળથી ટ્રેન આવતી દેખાય છે.
તેની પાસે ઊભેલા એક શખ્સ દ્વારા આપવામાં આવતી ચેતવણી અને વારંવાર વાગી રહેલું ટ્રેનનું સાયરન વીડિયોમાં સ્પષ્ટ સાંભળાઈ રહ્યું છે.
શિવા ત્યાંથી હટતો નથી, વીડિયો બનાવતો રહે છે અને તે ચેતવણી આપનારને પણ કહે છે કે 'વન મિનિટ'
એટલામાં ટ્રેન તેને ટ્રેનની ટક્કર વાગે છે અને તે ફોન સાથે નીચે પડી જાય છે.
દક્ષિણ મધ્ય રેલવેના પોલીસ ઓફિસર અશોક કુમારે બીબીસી ન્યૂઝ તેલુગુને જણાવ્યું કે શિવા આ રીતે સનસનાટી ફેલાવવા માગતો હતો અને પોતાની 'વીરતા' બતાવવા માગતો હતો.
અશોક કુમાર યુવાનોને ચેતવણી આપતા કહે છે કે તેઓ પોતાની જિંદગી જોખમમાં મૂકીને આવાં કારનામાં ના કરે.
સેલ્ફીનો ટ્રેન્ડ અને ભારતમાં મૃત્યુ
પીટર્સબર્ગની કાર્નેજ મેલન યુનિવર્સિટીમાં પીએચડી કરી રહેલા હેમંક લાંબા અને તેમના મિત્રોએ 2014થી 2016 વચ્ચે સેલ્ફી સાથે સંબંધિત મૃત્યુનો અભ્યાસ કર્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમના રિસર્ચ અનુસાર સ્પીડથી આવી રહેલી ટ્રેનની આગળ વીડિયો બનાવવો ભારતમાં ઘાતક પ્રવૃત્તિ બની ગઈ છે.
ઑક્ટોબર 2017માં રેલવે ટ્રેક પર સેલ્ફી લેવા જતાં કર્ણાટકમાં ત્રણ અને દિલ્હીમાં બે કિશોરોનાં મૃત્યુ થયાં હતાં.
ઑક્ટોબર 2017માં જ ઓડિશાના રાયગઢ જિલ્લામાં સેલ્ફી લેવા જતાં આંધ્ર પ્રદેશની 27 અને 23 વર્ષની બે યુવતીઓનાં નદીમાં ડૂબી જતાં મૃત્યુ થયાં હતાં.
જુલાઈ 2017માં આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ્ જિલ્લાના બોર્રા કેવ્સ જંક્શન પર ચાલતી ટ્રેનની આગળ સેલ્ફી લેવા જતાં ફાર્મસીમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું.
આંધ્ર પ્રદેશમાં જ ટ્રેનના ડબ્બા પર ચઢીને સેલ્ફી લેવા જતાં હાઇ વૉલ્ટેજ વાયરને અડી જતાં એન્જિનિયરિંગના એક વિદ્યાર્થીનું કરંટ લાગવાથી મૃત્યુ થયું હતું.
કાર્નેજના વિદ્યાર્થીઓ તથા દિલ્હીનાં ઇન્દ્રપ્રસ્થ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફૉર્મેશન દ્વારા વિશ્વમાં સેલ્ફી લેવા જતાં થયેલાં 127 મૃત્યુનો જ્યારે અભ્યાસ કરવામાં આવ્યો તો એવું તારણ નીકળ્યું કે 76 મૃત્યુ માત્ર ભારતમાં થયાં હતાં. ભારતનો મૃત્યુનો આ આંકડો સમગ્ર વિશ્વમાં સૌથી વધારે હતો.
કઈ રીતે અટકશે આ મૃત્યુ?
સેલ્ફી લેવાને કારણે વધી રહેલી મૃત્યુની સંખ્યાને જોતાં મુંબઈ પોલીસે 15 જગ્યાઓને ચિહ્નિત કરી છે જ્યાં સેલ્ફી ખતરનાક સાબિત થઈ શકે છે.
દક્ષિણ મધ્ય રેલવેના પ્રવક્તા શકીલ અહમદે બીબીસીને જણાવ્યું કે એ વાતને ધ્યાનમાં રાખવી જરૂરી છે કે રેલવે ઍક્ટ, 1989ની કલમ 145 અને 147 અંતર્ગત રેલવે ટ્રેક પર ચઢીને અથવા તેની આસપાસ ઊભા રહીને સેલ્ફી કે ફોટો લેવો એ ગુનો બને છે.
2017માં સેમસંગ કંપનીએ એક વીડિયો જારી કર્યો હતો જેમાં મોબાઇલ ઉપયોગકર્તાઓને આગ્રહ કરાયો હતો કે સેલ્ફી લેતી વખતે તેઓ સાવધાન રહે.
ત્યાં સુધી કે કેન્દ્રીય પરિવહનમંત્રી નીતિન ગડકરી પણ આ અભિયાનમાં સામેલ હતા.
યુવાનોમાં સેલ્ફીની ઘેલછા
સેલ્ફી લેવાને કારણે થતી દુર્ઘટનાઓ પર અભ્યાસ કરનારી ટીમે એક મોબાઇલ એપ પણ લૉન્ચ કરી છે જેમાં સેલ્ફી માટે ખતરનાક એવી દુનિયાભરની જગ્યાઓ દર્શાવાઈ છે.
વિજયવાડાની સિદ્ધાર્થ એન્જિનિયરિંગ કૉલેજમાં લેક્ચરર અને બે પુત્રોનાં માતા પ્રસૂના બલંતરાપૂ વર્તમાન પેઢીને 'સેલ્ફીવાળી પેઢી' ઉપનામ આપતાં કહે છે કે સેલ્ફી જિંદગીનો ભાગ બની ગઈ છે. યુવાનો વચ્ચેના આ ટ્રેન્ડને કોઈ રોકી શકશે નહીં. ત્યાં સુધી કે હવે તો મોટી ઉંમરના લોકો પણ સેલ્ફી લઈ રહ્યા છે.
ભૂતકાળમાં થયેલાં મૃત્યુનો ઉલ્લેખ કરતાં તેઓ કહે છે કે યુવાનો સેલ્ફીનો મોહ કેવી રીતે છોડી શકે જ્યારે આ સંસ્કૃતિને દેશના વડાપ્રધાનથી લઈને ફિલ્મ સ્ટાર સુધીના લોકો ઉત્તેજન આપી રહ્યા છે.
તેઓ કહે છે, "સમાજ લાગણીઓના અભાવથી પીડાય છે. સમગ્ર સમાજ કિશોરાવસ્થામાં છે જે સારાંનરસાંનો ભેદ કરી શકતો નથી."
હૈદરાબાદના એક મનોચિકિત્સક સી. વીરેન્દ્ર કહે છે કે મોટાભાગના યુવાનો એ રીતે સેલ્ફી લે છે કે જાણે તેઓ અટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવ ડિસૉર્ડર(એેડીએચડી)નો શિકાર છે.
વીરેન્દ્ર જણાવે છે કે બે કિશોરીઓએ તેમનો સંપર્ક કર્યો હતો કે તેઓ કોઈ પણ વિષય પર ધ્યાન કેન્દ્રીત કરી શકતી નથી. તેમને જાણવા મળ્યું કે અભ્યાસમાં સતત ખરાબ પ્રદર્શનની પાછળ સેલ્ફી લેવાનું ઝનૂન પણ હતું.
અબુધાબીના ઑર્થોપીડિક ડૉક્ટર કિરણકુમાર માને છે કે સેલ્ફીને કારણે થઈ રહેલાં મૃત્યુને રોકવા માટે ટેક્નોલૉજીની બહાર રહેલાં જીવનને મહત્ત્વ આપવાની જરૂર છે.
તેમણે ફોન પર જણાવ્યું કે આજ વાસ્તવિક જીવનમાં જેમને ભાવનાત્મક સમર્થન નથી મળી રહ્યું તેઓ તેને સોશિયલ મીડિયામાં શોધવાની કોશિશ કરે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો