પ્રેસ રીવ્યૂ : પદ્માવતના વિરોધમાં મહિલાઓએ ખુલ્લી તલવારો સાથે રેલી કાઢી

ઇમેજ સ્રોત, TWITTER/DEEPIKAPADUKONE
ડીએનએ અખબારની વેબસાઈટ પર પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ રાજસ્થાન અને મધ્યપ્રદેશની મહિલાઓએ ચિત્તોડગઢમાં સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્મવતની રિલીઝને રોકવા માટે એક વિશાળ રેલી કાઢી હતી.
સ્વાભિમાન રેલીમાં આવેલી મહિલાઓએ હાથમાં ખુલ્લી તલવારો સાથે ફિલ્મનો વિરોધ કર્યો હતો.
આ રેલી જૌહર ક્ષત્રાણી મંચ, કરણી સેના અને જૌહર સ્મૃતિ મંચ દ્વારા સામૂહિક રીતે આયોજિત કરવામાં આવી હતી.
આ રેલીની શરૂઆત 13મી સદીમાં રાણી પદ્મિની દ્વારા જ્યાં જૌહર કરવામાં આવ્યું હતું ત્યાંથી થઈ હતી.
'જૌહર સ્થળ' થી લઈને 'જૌહર જ્યોતિ મંદિર', જ્યાં ત્રણ જુદી જુદી સદીઓમાં ચિતોડગઢમાં જૌહરો કરવામાં આવ્યા હતા - ત્યાં આ રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું.
રસ્તામાં આવતાં સિનેમાઘરોના માલિકોને મહિલાઓએ રાખડીઓ બાંધીને પદ્માવત ફિલ્મ ન દેખાડવા વિનંતી કરી હતી.
રેલી બાદ સિનિયર ડિવિઝનલ મેજિસ્ટ્રેટને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં પદ્માવત ફિલ્મ પર પ્રતિબંધ ના મૂકાય તો ઇચ્છામૃત્યુની માગ કરવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ગુજરાતમાં કોંગ્રેસ કરશે ખાતાંની વહેંચણી

ગુજરાત સમાચારની વેબસાઈટ પર પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ ગુજરાત કોંગ્રેસ શેડો મિનિસ્ટ્રી પેટર્ન ટૂંક સમયમાં કાર્યરત કરશે.
શેડો મિનિસ્ટ્રી પેટર્ન કેનેડા, ઓસ્ટ્રેલિયા, બ્રિટનમાં પ્રચલિત છે જેમાં વિરોધ પક્ષ પોતાના નેતાઓને ચોક્કસ ખાતાઓની વહેંચણી કરે છે.
શેડો મિનિસ્ટ્રીના ઉપયોગ થકી કોંગ્રેસના ધારાસભ્યો ભાજપ સરકારની પોલ છતી કરશે અને તેમની નિષ્ફળતાઓ પ્રજા સમક્ષ લઈ જશે.
જે ધારાસભ્યને ખાતું સોંપવામાં આવ્યું હશે તેના પર તે નજર રાખશે અને તેમાં થઈ રહેલી કામગીરી, ભ્રષ્ટાચાર, અધિકારીઓના વલણ જેવી બાબતો પર નજર રાખશે.
કેવી રીતે ભાજપ સરકાર અને તેની કામગીરી પર નજર રાખવી તે માટે કોંગ્રેસના ધારાસભ્યોને તાલિમ પણ આપવામાં આવશે.

2000 બિલ્ડિંગ્સ નીચેથી પસાર થશે મેટ્રો

ઇમેજ સ્રોત, WESTERN RAILWAY
દક્ષિણ મુંબઈના કોલાબાથી લઈને પશ્ચિમ મુંબઈના સીપઝને (સાંતાક્રુઝ ઇલેક્ટ્રોનિક્સ એક્સપોર્ટ્સ પ્રોસેસીંગ ઝોનને) જોડતો 33.5 કિલોમીટરનો 'અંડરગ્રાઉન્ડ' મેટ્રો રેલ પ્રોજેક્ટ શહેર માટે બહુ મોટી રાહત તરીકે જોવાઈ રહ્યાનું એનડીટીવીની વેબસાઈટમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં લખાયું છે.
આ ''અંડરગ્રાઉન્ડ' મેટ્રો રેલ પ્રોજેક્ટ મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા કાર્યરત છે જેમાં હાલ 220 મીટરનું ખોદકામ કરવામાં આવ્યું છે.
મેટ્રો-3ના નેજા હેઠળ કાર્યરત આ પ્રકલ્પમાં 27 સ્ટેશનોમાંથી પસાર થનારી મેટ્રો ટ્રેન સંપૂર્ણપણે અંદરગ્રાઉન્ડ હશે અને મુંબઈ સ્થિત 2,000 બિલ્ડીંગો નીચેથી પસાર થશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












