એર ઇન્ડિયા: તૂટેલાં શૌચાલયો, ઉંદરો અને સારા અનુભવોની વાત

    • લેેખક, તૃષાર બારોટ
    • પદ, ડિજિટલ એડિટર, બીબીસી

હું ચાર વર્ષનો હતો અને વિમાનમાં એ મારી પ્રથમ સફર હતી. હું મારી માતા સાથે મુસાફરી કરતો હતો.

અમે ભારતથી યુ.કે.માં સ્થળાંતર કરી રહ્યા હતા. અમારી ફ્લાઇટ બૉમ્બેથી લંડન સુધીની હતી.

મારા પપ્પા હિથ્રો એરપોર્ટ પર મારા કાકા, કાકી અને બીજા કેટલાક પરિવારના સભ્યો સાથે અમારા આવવાની રાહ જોઈ રહ્યા હતા.

હું એક ખૂબ જ શરમાળ બાળક હતો. આખી ફ્લાઇટની સફર દરમિયાન હું મારી માતાને વળગીને જ બેસી રહ્યો હતો.

મે પ્લેનમાં કંઈ જ ખાધું નહોતું. તે સમયે હું દરરોજ બૉર્નવિટા કે હૉટ ચોકલેટનો કપ જેવું જ લેતો હતો. તેથી એર ઇન્ડિયાના ફ્લાઇટ મેનુમાં મને કંઇ રસ નહોતો.

એક એરહૉસ્ટેસે બર્બન ચોકલેટ ક્રીમ બિસ્કિટના એક પેકેટને ક્રૂના કોઈ સભ્ય પાસેથી શોધી કાઢ્યું અને તેમણે મને આપ્યું. હું ખચકાટ વગર બધા જ બિસ્કિટ ખાઈ ગયો.

આજથી લગભગ 35 વર્ષ પહેલાં તે મારી એર ઇન્ડિયાની પ્રથમ ઉડાન હતી.

એર ઇન્ડિયાને ચાર અલગ-અલગ કંપનીઓમાં વિભાજીત કરવાની ભારત સરકારની યોજનાના સમાચારના કારણે ઘણી બધી યાદો તાજી થઈ છે.

આ યાદો સારી પણ છે અને ખરાબ પણ છે. મારી સાથે, મારા મિત્રો અને કુટુંબીજનો સાથે પણ આવું જ થયું છે.

યુ.કે. અને યુ.એસ.ના જે એનઆરઆઈ સમુદાયને હું ઓળખું છું તેમના માટે એર ઇન્ડિયા હંમેશાથી મજાક અને શરમની બાબત રહી છે.

ઓવરબુક્ડ ફ્લાઇટ્સ, ફ્લાઇટથી વંચિત મુસાફરો, ચેક-ઇન ડેસ્ક પર ગુસ્સો-રાડારાડ, જમવાના ડાઘા પડેલી અને તૂટેલી સીટ, કામ ન કરતા શૌચાલયો અને તુંડમિજાજી એરહૉસ્ટેસ.

આવી કેટલીય વાતો વર્ષોથી એર ઇન્ડિયા સાથે જોડાયેલી છે.

મેં ફ્લાઇટ્સ પર ઉંદરો જોવા મળ્યાની વાતો પણ સાંભળી છે. જોકે, મને કોઈ પોતાની અંગત વ્યક્તિનો આવો અનુભવ સાંભળવા મળ્યો નથી.

મેં સોશિયલ મીડિયા પર મિત્રોને પૂછ્યું હતું કે તેઓ એર ઇન્ડિયા વિશે શું વિચારે છે. તેમના અલગઅલગ જવાબો મને મળ્યા.

  • મારા એક મિત્ર જ્યારે એકલાં મુસાફરી કરી રહ્યાં હતાં, તેમણે ફ્લાઇટ પર આલ્કોહોલિક પીણું માંગ્યું તો તેમને કરડી નજરે જોવામાં આવ્યાં.
  • દિલ્હીથી લંડન સુધી સફર કરી રહેલા બીજા એક મિત્રએ ફરિયાદ કરી કે ફ્લાઇટ પર દરેકને બતાવવામાં આવતી ફિલ્મ ફ્રેન્ચ ભાષામાં હતી. તેની ભાષા બદલવાના વચનો આપવા છતાં કંઈ જ થયું ન હતું. જ્યારે તેમણે ફરી એ વિશે પૂછ્યું તો જવાબ મળ્યો કે 'ફિલ્મ આમ પણ પૂરી થવા આવી છે, સર'.
  • અન્ય એક મિત્રના જણાવ્યા પ્રમાણે એરલાઇન પર ફ્લાઇટમાં મુસાફરી કરતી વખતે મારા એક મિત્ર બીમાર હતા. જેમને એર ઇન્ડિયાના પાયલટે જોયા, જેઓ ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરી રહ્યા હતા. તેમણે મારા મિત્રની સ્થિતિ જોઈને તેણીને પોતાનું સ્થાન આપ્યું અને તેઓ ઇકોનોમી ક્લાસમાં બેઠા.
  • ઇન-ફ્લાઇટ ભોજનને નકારનાર એક મિત્રને એર હૉસ્ટેસે ગાજરનો હલવો આપ્યો હતો.
  • મિજાજી એર હૉસ્ટેસ એર ઇન્ડિયા માટે એક સામાન્ય બાબત હતી. એક મિત્રએ તેમની સામે બેઠેલા પેસેન્જરની ફરિયાદ કરી, જેઓ ટેક-ઑફ દરમિયાન સતત તેમની સીટ પાછી ખેંચી રહ્યા હતા. એર હૉસ્ટેસને બોલાવવામાં આવી અને જ્યારે તેમણે સાથી પેસેન્જરને કનડતા મુસાફરને જોયા, તો બેઠકને ફરી પાછી લાવવા દબાણ કર્યું અને ચેતવણી આપી 'હું તમને ચેતવણી આપું છું કે જો ફરીથી આવું કર્યું તો હું તમને પ્લેનમાંથી બહાર ફેંકી દઇશ. આ રિક્લાઇનર સીટ નથી!' મને જણાવવા દો કે પેસેન્જરે બાકીની મુસાફરી દરમિયાન સારી વર્તણૂક કરી હતી.
  • મારા અન્ય એક બિનભારતીય મિત્ર, જૅફની ફ્લાઇટ રદ થઈ ગઈ હતી. ત્યારે તેમને 'આવતીકાલે પાછા આવો' એવું કહેવામાં આવ્યું હતું. તેઓ પોતાના પરિવાર સાથે મુસાફરી કરી રહ્યા હતા. તેઓ કહે છે "મેં શાંતિથી, પરંતુ દૃઢ રીતે ચેક-ઇન કાઉન્ટર પર રહેલા વ્યક્તિને જણાવ્યું હતું કે એર ઇન્ડિયાએ તેમને ફ્લાઇટ પર લેવા જ પડશે. તો અમને બિઝનેસ ક્લાસમાં અપગ્રેડ કરવામાં આવ્યા. માત્ર સમસ્યા એ હતી કે મારા બે બાળકો તે પછીના વર્ષે ઇકોનોમી ક્લાસમાં પાછા જવા માગતા નહોતા."

એર ઇન્ડિયા પર મારી પ્રથમ ઉડાનના પાંત્રીસ વર્ષ પછી મારી તાજેતરની સફર ગયા અઠવાડિયે લંડનથી દિલ્હીની હતી.

એર ઇન્ડિયાના 787 ડ્રીમલાઇનરમાં મારી જમણી તરફની બન્ને બેઠકો સમગ્ર સફરમાં ખાલી હતી. મેં મારા પગ તેના પર લાંબા કર્યા અને ઇન-ફ્લાઇટ એન્ટરટેઇનમેન્ટ સિસ્ટમમાં એક ફિલ્મ જોવા માટે તૈયાર થઈ ગયો.

એક ચાર વર્ષના બાળક તરીકેની યાદો પાછી તાજી થઈ. મેં આજુબાજુનાં આધુનિક વાતાવરણમાં જોયું અને સ્મિત કર્યું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો