નરેન્દ્ર મોદીના ટેકેદાર વેપારીએ શા માટે કરી આત્મહત્યા?

ઇમેજ સ્રોત, PRAKASH PANDEY
- લેેખક, દિલનવાઝ પાશા
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતીય જનતા પાર્ટી(બીજેપી)ની દહેરાદૂન સ્થિત ઓફિસમાં ગયા શનિવારે જન સુનાવણી દરમ્યાન પહોંચેલા પ્રકાશ પાંડેએ જણાવ્યું હતું કે તેમણે ઝેર ખાધું છે. મંગળવારે હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું હતું.
ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતના મીડિયા સલાહકાર રમેશ ભટ્ટના જણાવ્યા અનુસાર, પ્રકાશ પાંડેના મૃત્યુની મેજિસ્ટ્રેટ મારફત તપાસની જાહેરાત સરકારે કરી છે.
એ ઉપરાંત પ્રકાશ પાંડેના પરિવારની મદદ માટે વિકલ્પ પણ વિચારવામાં આવી રહ્યા છે.
પ્રકાશ પાંડેના પરિવારમાં તેમનાં પત્ની કમલા, એક દીકરા અને એક દીકરીનો સમાવેશ થાય છે.
તમને આ વાંચવું પણ ગમશે:
બીબીસી સાથે ફોન પર વાત કરતાં કમલા પાંડેએ કહ્યું હતું, "વેપાર પર તાળું લાગી ગયું છે. તેઓ (પ્રકાશ પાંડે) ચાલ્યા ગયા છે."
"અમે બરબાદ થઈ ગયા છીએ. તેમની મુશ્કેલીની વાત કોઈ સાંભળી હોત તો સારું થાત."

વાયરલ થયો વીડિયો

ઇમેજ સ્રોત, PRAKASH PANDEY
કમલા પાંડેએ કહ્યું હતું, "આ સ્થળ સારું કામ કરતા લોકો માટે નથી. હું તો એમ કહીશ કે ખરાબ કામ કરો અને તમારાં બાળકો સાથે સુખેથી રહો."
પતિના મૃત્યુથી ગમગીન કમલા પાંડેને અફસોસ છે કે એક દિવસ બધાને છોડીને આ રીતે ચાલ્યા જશે તેની અનુભૂતિ તેમના પતિએ ક્યારેય થવા દીધી ન હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમામ આર્થિક મુશ્કેલીઓ હોવા છતાં પ્રકાશ પાંડે ઘરમાં બધા સાથે હસીને વાતો કરતા હતા.
વેપારમાં મંદી અને વધતા કરજને કારણે પોતાની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે એ વાતની ખબર તેમણે કોઈને પડવા દીધી ન હતી.
પ્રકાશ પાંડેએ તેમના એક વીડિયોમાં પોતાના વેપારમાં મંદી માટે નોટબંધી અને જીએસટીને કારણભૂત ગણાવ્યાં હતાં.
પ્રકાશ પાંડેનો એ વીડિયો સોશિઅલ મીડિયા પર મોટા પ્રમાણમાં શેર કરવામાં આવી રહ્યો છે.
ઝેર ખાધા પછી પ્રકાશ પાંડેએ વીડિયો પોસ્ટ કર્યો હતો.
એ વીડિયોમાં પ્રકાશ પાંડેએ જણાવ્યું હતું કે "બીજેપીની સરકારે ભારે નુકસાન કરાવ્યું છે. વેપારીઓને આત્મહત્યા માટે મજબૂર કર્યા છે."
"મેં ઝેર ખાઈ લીધું છે. હવે હું નહીં બચું, પણ બીજા વેપારીઓ સાથે આવું થાય એવું હું નથી ઈચ્છતો."

નોટબંધી અને જીએસટી

ઇમેજ સ્રોત, PRAKASH PANDEY
બીજેપીની દહેરાદૂનસ્થિત ઓફિસમાં ગયા શનિવારે રાજ્યના કૃષિ પ્રધાન સુબોધ ઉનિયાલ જન સુનાવણી હાથ ધરી રહ્યા હતા ત્યાં પ્રકાશ પાંડે પહોંચ્યા હતા.
જીએસટી તથા નોટબંધીથી પરેશાન થઈને પોતે ઝેર ખાઈ લીધું હોવાનું તેમણે કૃષિ પ્રધાનને જણાવ્યું હતું. તેમને તત્કાળ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા.
હલદવાનીમાં રહેતા પ્રકાશ પાંડેએ આઠ-નવ વર્ષ પહેલાં ટ્રાન્સપોર્ટનો બિઝનેસ શરૂ કર્યો હતો.
એક વાહન સાથે શરૂ કરેલો બિઝનેસ ધીરે-ધીરે વિસ્તરતાં તેમણે ચાર વાહન વસાવ્યાં હતાં.
ટ્રાન્સપોર્ટના મોટાભાગના ધંધાર્થીઓ લોન પર વાહનો ખરીદતા હોય છે. પ્રકાશ પાંડેએ પણ એવું કર્યું હતું.
કમલા પાંડેના જણાવ્યા અનુસાર, દોઢ વર્ષ પહેલાં સુધી બધું બરાબર ચાલતું હતું. લોનના હપ્તા સમયસર ચૂકવવામાં આવતા હતા. કોઈ તણાવ ન હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2016ની આઠમી નવેમ્બરે નોટબંધીની જાહેરાત કરી હતી. એ પછી 2017ના એપ્રિલમાં જીએસટી નીતિ અમલી બનાવવામાં આવી હતી.
પ્રકાશ પાંડેની માફક કમલા પણ તેમના પતિના બિઝનેસમાં આવેલી મંદી માટે નોટબંધી અને જીએસટીને જવાબદાર માને છે.

મોદીભક્ત હતા પ્રકાશ પાંડે

ઇમેજ સ્રોત, PRAKASH PANDEY
પ્રકાશ પાંડે ફેસબુક પર ઘણા સક્રીય હતા. તેમની પોસ્ટ પરથી જાણવા મળે છે કે તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજનીતિ પસંદ હતી.
નરેન્દ્ર મોદીએ નોટબંધીની જાહેરાત કરી ત્યારે પ્રકાશ પાંડેએ ફેસબુક પર લખ્યું હતું કે બિઝનેસમાં મુશ્કેલી થશે. તેમ છતાં તેઓ વડાપ્રધાનની સાથે છે.
શરૂઆતમાં નોટબંધીને ટેકો આપનારા પ્રકાશ પાંડેએ મે મહિનાની એક ફેસબુક પોસ્ટમાં નરેન્દ્ર મોદીનો પહેલીવાર વિરોધ કર્યો હતો.
પોતાની મુશ્કેલીઓ બાબતે પ્રકાશ પાંડેએ વડાપ્રધાનની ઓફિસને ફરિયાદ મોકલી હતી, જેની નોંધ લેવામાં આવી હતી.
પ્રકાશ પાંડેને આશા હતી કે સરકાર તેમની મદદ કરશે, પણ એવું થયું ન હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












