ભાજપના કમળ સામે અલ્પેશનું મશરૂમ ખીલ્યું

ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે નરેન્દ્ર મોદી રોજ લાખો રૂપિયાના મશરૂમ ખાય છે, તેવું નિવેદન કરીને વિવાદ છેડનારા અલ્પેશ પટેલે રાધનપુર બેઠક પરથી કોંગ્રેસ માટે વિજય નિશ્ચિત કર્યો છે. તેમણે ભાજપના લવિંગજી ઠાકોરને 14 હજાર 857 મતથી પરાજય આપ્યો છે.

કોંગ્રેસમાંથી સમાજનું સંગઠન બનાવી સમાજના કામ કરવા છૂટા પડેલા અલ્પેશ પટેલે ઠાકોર-ક્ષત્રિય સેનાનું સંગઠન એટલું શક્તિશાળી બનાવ્યું હતું કે, હાર્દિક પટેલની પાટિદાર અનામત આંદોલનની અમદાવાદમાં 25 ઓગસ્ટ, 2015માં યોજાયેલી રેલીની સામે તેમણે પણ સફળ રીતે રેલી યોજીને તેમના પ્રભાવનો પરિચય આપ્યો.

તમને આ વાંચવું પણ ગમશે:

જેને કારણે તે ઠાકોર-ક્ષત્રિય સેનાનાં સંગઠનથી આગળ વધીને ઓબીસી (અધર બૅકવર્ડ ક્લાસ)ના નેતા તરીકે પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવામાં સફળ રહ્યા.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વાવ અને થરાદ વિસ્તારમાં વિશાળ રેલી કરીને ભારતીય જનતા પક્ષના સ્થાનિક ધારાસભ્યોને ચિંતા થાય તેવા જન સમર્થનનું પ્રદર્શન કર્યા બાદ, અલ્પેશ ઠાકોર રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાઈ ગયા.

જોકે, તેમને ચૂંટણી લડવા માટે રાધનપુર બેઠક આપવામાં આવી. આખરે આજે તે રાધનપુરની બેઠક પરથી ચૂંટણી જીતી ગયા છે.

અલ્પેશની અસર ક્યાં ક્યાં થઈ?

રાધનપુર બેઠકના ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ તેમણે પોતાનું સંપૂર્ણ ધ્યાન એ બેઠક પર વિજય મેળવવા માટે આપ્યું અને કોંગ્રેસ માટે અન્ય બેઠકો પર પ્રચાર કરતાં જોવા ન મળ્યા.

બીજા તબક્કાની ચૂંટણી માટેના પ્રચારના છેલ્લા દિવસે તેમણે નરેન્દ્ર મોદી લાખો રૂપિયાના મશરૂમ ખાઈને ગોરા થયા હોવાનું નિવેદન કરીને એક નવો વિવાદ ઊભો કર્યો.

અલ્પેશનો રાજકીય વિકાસ

હાલમાં ઓબીસી સમાજના પ્રતિનિધિ તરીકે કોંગ્રેસમાં જોડાયેલા અલ્પેશ ઠાકોરનો પરિવાર છેલ્લી બે પેઢીથી કોંગ્રેસ સાથે જોડાયેલો છે.

તેમના દાદા અને પિતા બન્ને જિલ્લા પંચાયત માટે કોંગ્રેસ તરફથી ચૂંટાયેલા સભ્યો રહી ચૂક્યા છે.

અલ્પેશ ઠાકોરે પણ યુથ કોંગ્રેસના રાજ્ય કક્ષાના નેતા તરીકે રાજીનામુ આપીને જ્ઞાતિનું સંગઠન ઊભું કર્યું હતું.

રાજકારણમાં આવતાં પહેલાં શિસ્તબદ્ધ સ્વયંસેવકોની ટુકડીઓ ગામે ગામ તૈયાર કરી છે.

તેમણે રાજકીય અવતાર લેતા પહેલાં ઠાકોર અને ક્ષત્રિય સમાજમાં ફેલાયેલાં દારૂના વ્યસન જેવાં સામાજિક દૂષણોનો વિરોધ અને શિક્ષણને ઉત્તેજન આપવાનું કાર્ય કર્યું.

તેમણે પોતાના સંગઠન ઠાકોર-ક્ષત્રિય સેનાના માધ્યમથી સમાજના બાળકો માટે ટ્યૂશન ક્લાસ, યુવાઓ માટે સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટેની તાલીમની વ્યવસ્થા કરી હતી.

આ ઉપરાંત અલ્પેશે તેમના સમાજમાં જોવા મળતી દારૂના વ્યસનની સૌથી મોટી સમસ્યા સામે જાગૃતિ લાવવાનું કામ કર્યું.

તેમણે વ્યસનમુક્ત પરિવારમાં દીકરીના લગ્ન કરાવવા જોઈએ તેવું અભિયાન પણ કર્યું, જેને કારણે તે સમાજના યુવા નેતા તરીકે પ્રસ્થાપિત થયા.

આ તમામ અભિયાનોની આર્થિક વ્યવસ્થા માટે પરિવાર દીઠ દૈનિક એક રૂપિયા જેવી રકમના દાનથી જે-તે ગામમાં જ આ વ્યવસ્થાઓ ઊભી કરી હતી.

અલ્પેશનું વ્યક્તિત્વ

પોતાના પિતાને જ પોતાનો આદર્શ માનતા અલ્પેશ એક મહિનામાં 20થી 22 દિવસ સુધી સંગઠન અને સમાજના કામમાં સતત પ્રવાસ કરે છે.

તેમને વિદેશ પ્રવાસનો શોખ છે. અમદાવાદમાં કોલેજનો અભ્યાસ કરી ચૂકેલા અલ્પેશ ઠાકોર બ્રાહ્મણ પરિવારના જમાઈ છે. તેમણે તેમનાં પત્ની સાથે પ્રેમ લગ્ન કર્યા છે.

સામાન્ય રીતે સફેદ કપડામાં દેખાતા અલ્પેશને હાર્દિક પટેલની જેમ બાજરીના રોટલા, ખિચડી અને દૂધનું સાદું ભોજન જ પસંદ છે.

42 વર્ષના અલ્પેશને 17 વર્ષનો દીકરો ઉત્સવ અને 14નો નાનો દીકરો અનિશ છે.

જેને કારણે રાજ્યનાં દરેક ખૂણામાં તેમને સમાજના સંમાનનીય યુવા નેતા તરીકે જોવામાં આવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો