પ્રેસ રિવ્યૂ : આર્મી-પોલીસ જવાનો માટે 'શહીદ' જેવો કોઈ શબ્દ નથી

સંદેશના અહેવાલ મુજબ આર્મી તેમજ પોલીસના જવાનો માટે સંરક્ષણ વિભાગ કે ગૃહ વિભાગના શબ્દકોશમાં 'શહીદ' જેવો કોઈ શબ્દ નથી તેવો ચોંકાવનારો ખુલાસો થયો છે.

ભારતીય બંધારણમાં શહીદની વ્યાખ્યા જાણવા માટે કરવામાં આવેલી RTIમાં આ ખુલાસો થયો છે.

તમને આ પણ વાંચવું ગમશે

આર્મીના મૃતક જવાન માટે સંરક્ષણ વિભાગ દ્રારા 'બેટલ કેઝ્યુઅલ્ટી' શબ્દનો ઉપયોગ થાય છે જ્યારે મૃતક પોલીસ જવાન માટે 'ઓપરેશન કેઝ્યુઅલ્ટી' શબ્દનો ઉપયોગ કરાય છે.

આવી સ્પષ્ટતા બંને વિભાગોએ એક RTIના જવાબમાં સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન(સીઆઈસી)ને કરી હતી.

સીઆઈસી કમિશનર યશોવર્ધન આઝાદે જણાવ્યું કે શહીદ શબ્દની વ્યાખ્યાનું ખોટું અર્થઘટન કરીને આ શબ્દનો દુરુપયોગ કરાઈ રહ્યો છે તેવા આરોપ સાથે એક વ્યક્તિએ RTI દ્વારા ગૃહ વિભાગ પાસે જવાબ માગ્યો હતો.

ખેડૂત, યુવા અને સારા લોકોની સરકાર આવશે ઘમંડીઓની નહીં : હાર્દિક પટેલ

દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ હાર્દિક પટેલ અંબાજી દર્શન માટે ગયા હતા.

હાર્દિક પટેલે શુક્રવારે અંબાજી જતાં પહેલાં વડાલી ગામની મુલાકાત લીધી હતી.

આ યાત્રા દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, ''માનાં ખૂબ જ નજીકથી દર્શન કર્યા છે. ખેડૂતો, યુવાનો અને સારા માણસોની સરકાર આવશે અને ઘમંડીઓની સરકાર જશે.''

તે અંગે વધુમાં તેમણે જણાવ્યું હતું કે આપણા માટે ચૂંટણીનું પરિણામ મહત્વનું નથી પાટીદારોની એકતા મહત્ત્વની છે.

રવિન્દ્ર જાડેજાએ છ બોલમાં છ સિક્સર ફટકારી

નવભારત ટાઇમ્સના અહેવાલ મુજબ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ શુક્રવારે એક ઘરેલું ટૂર્નામેન્ટમાં ઈતિહાસ રચ્યો હતો.

જાડેજાએ સૌરાષ્ટ્ર ક્રિકેટ અસોસિએશનની ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ ટૂર્નામેન્ટમાં રમાયેલી એક મેચમાં એક ઓવરમાં છ સિક્સર ફટકારી હતી.

તે સાથે જ જાડેજાએ મેચમાં પોતાના નામે શાનદાર સદી પણ નોંધાવી હતી અને જામનગરના વિજયમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

તેમણે પોતાની આ ઇનિંગમાં 69 બોલ રમી 15 બાઉન્ડ્રી અને 10 સિક્સર મારફતે 154 રન ફટકાર્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો