ભાજપની 70 ઉમેદવારોની પ્રથમ યાદીમાં માત્ર ચાર જ મહિલાઓ

ચૌદમી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવાર પસંદગી પ્રક્રિયાની મહત્વની કામગીરીમાં આગળ વધતાં ભારતીય જનતા પક્ષે તેના ઉમેદવારોની પ્રથમ યાદી આજે જાહેર કરી હતી.

રાજ્ય સરકારના વર્તમાન પ્રધાનોને તેમની હાલની મૂળ બેઠક પરથી જ ટિકિટ આપવામાં આવી છે.

ભાજપની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીએ સિત્તેર (70) ઉમેદવારોના નામ ધરાવતી પ્રથમ યાદી પર મંજૂરીની મહોર મારી હતી.

પ્રથમ યાદીમાં ચાર મહિલાઓને સ્થાન મળ્યું છે, જે માંડ પાંચ ટકા જેટલું છે.

આગામી મહિને નવમી તેમજ ચૌદમી ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન યોજાશે.

18મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે અને ચૂંટણી પરિણામો જાહેર થશે.

તમને આ પણ વાંચવું ગમશે

મહિલાઓ પાંચ ટકા પણ નહીં

ભાજપ દ્વારા 70 ઉમેદવારોના નામોની જાહેર થયેલી પ્રથમ યાદીમાં માત્ર ચાર મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે.

લિંબાયત બેઠક પરથી સંગીતા પાટીલ અને ભાવનગર પૂર્વ બેઠક પરથી વિભાવરીબેન દવેને ટિકિટ આપવામાં આવી છ.

ખેડ બ્રહ્મા અનુસૂચિત જનજાતિ અનામત (ST) બેઠક પરથી રમીલા બારા તથા વડોદરા શહેરની અનુસૂચિત જાતિ અનામત (SC) બેઠક પરથી મનીષા વકીલને ટિકિટ આપવામાં આવી છે.

રમીલાબહેન બારા પૂર્વ ધારાસભ્ય છે, જ્યારે બાકીની ત્રણ મહિલા ઉમેદવાર વર્તમાન તેરમી વિધાનસભામાં ટિકિટ મેળવેલા વિસ્તારનું જ વિધાનસભા પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકો છે.

ગત ચૂંટણીઓમાં મહિલાઓ

તેરમી વિધાનસભા ચૂંટણીમાં સોળ (16) મહિલાઓ ધારાસભ્ય પદે ચૂંટાઈ આવ્યાં હતાં. જેમાં ભાજપના 12 તેમજ કૉંગ્રેસના ચાર મહિલા ધારાસભ્યો ચૂંટાયાં હતાં.

વર્ષ 2012ની તેરમી વિધાનસભા ચૂંટણીમાં અલગ-અલગ પક્ષની 91 મહિલાઓએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું.

જ્યારે વર્ષ 2007ની બારમી વિધાનસભા ચૂંટણીમાં 88 મહિલા ચૂંટણી મેદાનમાં ઉતરી હતી.

ગત ચૂંટણીઓમાં ભાજપે 19, જ્યારે કોંગ્રેસે 14 મહિલાને ટિકિટ આપી હતી, જ્યારે અન્ય મહિલાઓએ અપક્ષ કે અન્ય નાનામોટા રાજકીય પક્ષોમાંથી ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું.

વર્ષ 1960માં ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી અત્યારસુધી ક્યારેય 16થી વધુ મહિલાઓને ધારાસભામાં સ્થાન મળ્યું નથી.

1985 અને 2007માં 16-16 મહિલાઓ વિજેતા બની હતી. વર્ષ 1995માં સૌથી વધુ 95 મહિલાઓએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. પરંતુ માત્ર બે જ મહિલાઓ વિધાનસભામાં પ્રવેશી શકી હતી.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મહિલાઓને 50 ટકા પ્રતિનિધિત્વ મળેલું છે. પરંતુ વિધાનસભામાં ક્યારેય દસ ટકાથી વધારે પ્રતિનિધિત્વ મળ્યું નથી.

પ્રધાનોની બેઠક યથાવત્

પાટીદાર, ઓબીસી તથા દલિત આંદોલન પછી એવું માનવામાં આવતું હતું કે પ્રધાનોની બેઠકો બદલવામાં આવશે અથવા તો તેઓને પક્ષ તરફથી ચૂંટણીઓ નહીં લડવા કહેવામાં આવશે.

જોકે, પ્રથમ યાદીમાં મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન તથા અન્ય પ્રધાનોને તેમની પરંપરાગત બેઠકો પરથી જ ટિકિટ આપવામાં આવી છે.

વિજય રૂપાણી રાજકોટ પશ્ચિમ બેઠક પરથી, જ્યારે મહેસાણાની બેઠક પરથી નીતિનભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે.

ઉપરાંત જયેશ રાદડિયા (જેતપુર), જશાભાઈ બારડ (સોમનાથ), દિલીપ સંઘાણી (ધારી), બાવકુ ઉંઘાડ(અમરેલી), હીરા સોલંકી (રાજુલા), ચીમનભાઈ સાપરિયા (જામજોધપુર) અને શંકર ચૌધરીને (વાવ) બેઠકની ટિકિટ આપવામાં આવી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો