બ્લોગઃ રાષ્ટ્રગાન પરના આદેશને પડકાર આપતા આ સિનેમાપ્રેમીઓ

    • લેેખક, સૌતિક બિસ્વાસ
    • પદ, બીબીસી સંવાદદાતા

ગત સપ્તાહે આશરે 200 જેટલાં લોકો દક્ષિણ ભારતના રાજ્ય કેરળનાં નાનકડાં ગામમાં આવેલા મૉલની અગાશી પર એકત્ર થયા હતા.

આ લોકો અહીં રોમાનિયામાં સામ્યવાદી શાસન પર આધારિત વર્ષ 2007ની ફિલ્મ જોવા એકત્ર થયા હતા.

કેરળની એક ફિલ્મ ક્લબ કોડુંગલ્લર ફિલ્મ સોસાયટીના અનુપ કુમારને કહ્યું, "અમારી અન્ય ફિલ્મોની જેમ આ ફિલ્મને પણ દર્શકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો."

ભારતની પહેલી મસ્જિદ જ્યાં બનાવાઈ હતી, તે કોડુંગલ્લર ગામમાં છેલ્લા છ વર્ષથી આ રીતે ક્લબમાં શુક્રવારની સાંજે ફિલ્મના શોખીન લોકો માટે અગાશી પર ફિલ્મ જોવાનું આયોજન થાય છે.

તમને આ વાંચવું પણ ગમશે :

અહીં ફિલ્મો જોવા માટે અલગ અલગ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો આવે છે. તેમાં વિદ્યાર્થીઓથી માંડીને શિક્ષકો, વેપારીઓ, લેખક, વકીલ, એન્જિનીયર, મજૂર વર્ગના લોકોનો સમાવેશ થાય છે.

નથી બતાવવામાં આવતી બોલિવૂડ-હોલિવૂડ ફિલ્મો

અહીં પ્રવેશ નિઃશુલ્ક છે. તમારે માત્ર તમારી સીટ સુરક્ષિત કરવા થોડું વહેલું આવવું પડે છે. અહીં લોકોને ભારતની સાથે સાથે દુનિયાની શ્રેષ્ઠ ફિલ્મો બતાવવામાં આવે છે.

ક્લબ દરેક શો દીઠ 500 રૂપિયા ભાડું ચૂકવે છે. રસપ્રદ વાત એ છે કે અહીં બોલિવૂડ કે હોલિવૂડની ફિલ્મો નથી બતાવવામાં આવતી. ક્લબ ઘણી વખત ફિલ્મ ફેસ્ટીવલનું પણ આયોજન કરે છે.

ગત વર્ષ ક્લબે 3 દિવસમાં 23 ફિલ્મો સ્થાનિક થિયેટરમાં બતાવી હતી. અહીં ફિલ્મો બતાવવામાં ઉપરાંત ફિલ્મોનું મુલ્યાંકન (ફિલ્મ અપ્રીશિએશન)નો કોર્સ પણ ચલાવવામાં આવે છે, જેમાં સ્થાનિકો ભાગ લે છે.

અહીં થિયેટરમાં પરફોર્મન્સનું પણ આયોજન કરાય છે. તો મલયાલમ ફિલ્મ ઉદ્યોગના ગણમાન્ય કલાકારોને 25 હજાર રૂપિયાનો પુરસ્કાર પણ આપવામાં આવે છે.

પોતાના આ કાર્યો માટે કોડુંગલ્લર ફિલ્મ સોસાયટી પ્રખ્યાત છે. પરંતુ આ વખતે અલગ કારણોસર તેનું નામ ચર્ચામાં આવ્યું છે.

સિનેમાપ્રેમીઓએ સુપ્રીમ કોર્ટના એ નિર્ણયને પડકાર ફેંક્યો છે જેમાં ગત વર્ષે કહેવાયું હતું કે દરેક ફિલ્મની શરૂઆતમાં રાષ્ટ્રગાન વગાડવામાં આવશે અને હાજર દર્શકોએ તે સમયે ઊભા રહેવું પડશે.

સિનેમામાં રાષ્ટ્રગીત શું છે નિયમો?

  • વર્ષ 1971ના પ્રિવેન્શન ઑફ ઇન્સલ્ટ ટુ નેશનલ ઑનર કાયદા મુજબ જ્યારે રાષ્ટ્રગીત ગાવામાં આવી રહ્યું હોય, ત્યારે તેમાં અડચણ ઊભી કરનારાને ત્રણ વર્ષની સજા અને દંડની જોગવાઈ છે.
  • વર્ષ 1960 અને 1970ના દાયકામાં સિનેમામાં રાષ્ટ્રગીત વગાડવામાં આવતું હતું પણ કોઈ ઊભું થતું ન હતું.
  • ભારતમાં રાષ્ટ્રગીતને લઈને જુદાં જુદાં રાજ્યોમાં એકસમાન કાયદો નથી. આ મુદ્દે ભારતનાં 29 રાજ્યોમાં અલગ અલગ નિયમો છે.
  • ગત ઑક્ટોબરમાં સુપ્રીમ કોર્ટે દરેક રાજ્યમાં એક સમાન કાયદો લાગુ કરવાનો આદેશ આપ્યો હતો.
  • નિર્ણયમાં કહેવાયું હતું કે દરેક થિયેટરમાં રાષ્ટ્રગીત વગાડવું અનિવાર્ય છે. રાષ્ટ્રગીત વાગતી સમયે સ્ક્રીન પર રાષ્ટ્રધ્વજનું ચિત્ર બતાવવામાં આવે અને તે દરમિયાન હાજર દરેક લોકો ઊભા રહે.
  • સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું હતું કે રાષ્ટ્રગીત ગવાતું હોય ત્યારે થિયેટરના દરવાજા બંધ કરી દેવા જેથી અવર જવર થતી રોકી શકાય.
  • જો કે કોર્ટે દિવ્યાંગ લોકોને ઊભા રહેવાથી છૂટ આપી હતી.

થિયેટરમાં રાષ્ટ્રગીત ગાવા બાબતે વિવાદો થયા

ગત ઑક્ટોબરમાં આ નિર્ણય એવા સમયે આવ્યો હતો જ્યારે ભારતીયોની દેશભક્તિ બતાવવાની માંગણી હતી. આ માંગને ભાજપના માધ્યમથી બળ મળ્યું હતું.

ઘણી વખત આ નિયમને લઈને કેટલીક ઘટનાઓ પણ ઘટી છે. ગોવામાં એક સમયે થિયેટરમાં રાષ્ટ્રગીત ગવાતું હતું, ત્યારે એક દિવ્યાંગ વ્યક્તિ ઊભો ન થઈ શકતા લોકોએ તેમના પર હિંસક હુમલો કર્યો હતો.

ઘણી વખત જે લોકો રાષ્ટ્રગીત સમયે બેસી રહ્યાં તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. રાજકીય પક્ષની જમણેરી પાંખના લોકોએ કાયદો પોતાના હાથમાં લીધો હોય તેવું લાગી રહ્યું હતું જેઓ સતત સિનેમાચાહકોને પરેશાન કરી રહ્યા હતા.

આ સમયગાળા દરમ્યાન કોડુંગલ્લર ફિલ્મ સોસાયટીના કેટલાક સભ્યોએ કેરળની રાજધાની ત્રિવેન્દ્રમની મુલાકાત લીધી હતી. ત્યાં તેઓ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં હાજરી આપવા ગયા હતા.

સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરૂદ્ધ અરજી દાખલ કરનારા પી વી દિનેશ કહે છે, "ફિલ્મ ફેસ્ટીવલ ખૂબ જ હાસ્યાસ્પદ બની ગયું હતું."

"ત્યાં એક દિવસમાં આશરે છથી સાત જેટલી ફિલ્મો કે તેનાથી વધારે બતાવવામાં આવતી હતી. પ્રતિનિધિઓએ જ્યારે પણ રાષ્ટ્રગીત વાગતું, ઊભું થવું પડતું હતું. "

કેમ કરી સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ અરજી?

કોડુંગલ્લર ફિલ્મ સોસાયટીની અરજી વિવાદાસ્પદ નિર્ણય સામે છે. તેમાં કહેવાયું છે કે લોકો પર રાષ્ટ્રગીત વગાડવાનું દબાણ કરવું અને રાષ્ટ્રગીત વાગતા સમયે ઉભા રહેવું તે લોકોનાં મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે.

અરજીમાં રાષ્ટ્રગીત પ્રત્યે સંમાનનો બાહ્ય દેખાવ અને સાચી લાગણીનો પણ ઉલ્લેખ છે. અરજીમાં ઉલ્લેખ છે કે સિનેમાઘર એવી જગ્યા નથી કે જ્યાં રાષ્ટ્રગીત વાગતા સમયે ગંભીરતા જળવાઈ રહે.

કેમ કે રાષ્ટ્રગાનના સમયે ગંભીરતા અને સંયમ હોવો જરૂરી છે જેના માટે સિનેમા હૉલ યોગ્ય જગ્યા નથી. અરજીના મુખ્ય મુદ્દા છે,

  • લોકો અલગ અલગ કારણોસર સિનેમાઘરોમાં જાય છે. તેમાં મૂળભૂત કારણ છે મનોરંજન.
  • સિનેમાઘરોમાં ચાલતી અનેક ફિલ્મોની થીમ અલગ અલગ હોય છે. તે આપણા રાષ્ટ્રના સન્માનથી ઘણી અલગ હોય છે."

સોમવારે કોર્ટમાં રાષ્ટ્રગીત મુદ્દે દલીલો થઈ હતી. કોર્ટમાં વકીલે મજાક ઉડાવતા કહ્યું કે એક સમય આવશે જ્યારે હજારો લોકો ઊભા ઊભા ફિલ્મો જોતાં હશે.

તે જગ્યા રેલવે સ્ટેશનનું વેઇટીંગ રૂમ હોઈ શકે છે, એરપોર્ટ હોઈ શકે છે. ત્યાં જ્યારે રાષ્ટ્રગીત વાગશે ત્યારે ઊભા રહીને રાષ્ટ્રગીતને સન્માન આપશે.

કોર્ટનું અવલોકન

એક જજે પણ સિનેમાપ્રેમીઓની વાત સાથે સંમતિ વ્યક્ત કરી.

જજ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, "કાલે કદાચ એવી માગ ઉઠે કે જે લોકો સિનેમાઘરોમાં ફિલ્મ જોવા જાય છે તેઓ શોર્ટ્સ અને ટી-શર્ટ ન પહેરે કેમ કે ત્યાં રાષ્ટ્રગીત વાગી રહ્યું છે. આ બધી વાતોનો અંત ક્યારે આવશે?"

તેમણે કહ્યું, "એવું શા માટે માની લેવામાં આવે છે કે જો રાષ્ટ્રગીત વાગી રહ્યું છે અને લોકો ઊભા નથી થતા, તો તે દેશભક્ત નથી."

ઘણા ભારતીયો પણ આ સવાલ ઉઠાવી રહ્યા છે. અંતે ચીફ જસ્ટીસ દિપક મિશ્રાએ સિનેમાઘરોમાં રાષ્ટ્રગીત વગાડવા મામલે સરકારને પગલાં લેવા આદેશ આપ્યા છે.

શું કહે છે વકીલ?

આ મામલે આગામી સુનાવણી 9 જાન્યુઆરીના રોજ યોજાશે. દિલ્હીના વકીલ ગૌતમ ભાટીયા કહે છે, "આ વખતે સરકારે પગલાં લેશે કે પછી કંઈ ન કરવાનું નક્કી કરશે. તો આપણે જોઈ લઈશું."

કોડંગુલ્લરમાં પાછા ફરીએ તો ત્યાં ફિલ્મોના શોખીન લોકો આગામી શોની રાહ જોઈ રહ્યા છે, જેની તેઓ મૉલની અગાશી પર બેસીને મજા માણી શકે.

આ શુક્રવારે તેઓ વર્ષ 2013ની ફિલ્મ 'વડજા' જોવાના છે. આ ફિલ્મ રિયાધમાં રહેતી એક યુવતીની કહાણી છે. અને આ પહેલી ફિલ્મ છે જેનું સાઉદી અરેબિયામાં શુટીંગ કરાયું છે.

કુમારન કહે છે, "અમને હાઉસફુલ શૉની આશા છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો