નરેન્દ્ર મોદી કેમ છે યશવંત સિંહાના નિશાના પર?

યશવંત સિંહાના 'I NEED TO SPEAK NOW' એટલે 'હવે મારે બોલવું પડશે' શીર્ષક ધરાવતા લેખથી દેશની ધીમી ગતિએ ચાલતી અર્થવ્યવસ્થા મામલે ચર્ચા ગરમાઈ છે.

તો બીજી તરફ સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે પૂર્વ નાણાંમંત્રીએ વર્તમાન નાણાંમંત્રી અરૂણ જેટલીની તીખી આલોચના માટે આ જ સમયની કેમ પસંદગી કરી?

અને શું આ માત્ર જેટલી અને તેમની નીતિઓની નિંદા છે કે પછી સિંહા જેટલીના બહાને નરેન્દ્ર મોદી પર નિશાન સાધી રહ્યા છે?

રાજનૈતિક વિશેષજ્ઞ શેખર અય્યર કહે છે, "બીજેપીના એક મોટા વર્ગમાં ચિંતા છે કે અર્થવ્યવસ્થાની કથળેલી હાલતમાં આગામી દોઢ વર્ષમાં સુધાર આવશે કે નહીં!"

તમને આ પણ વાંચવું ગમશે.

"જો તેવું નહીં થાય તો વર્ષ 2019ની ચૂંટણીમાં તેઓ જનતાની સામે શું મોઢું લઈને જશે?"

ચૂંટણીની ચિંતા

અય્યર રાષ્ટ્રીય કાર્યકરિણીમાં પીએમ નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલા ભાષણ તરફ ધ્યાન દોરે છે. એ ભાષણમાં વડાપ્રધાને દેશના હિતમાં પાર્ટીની બહારથી વિચારવાની જરૂર પર ભાર આપ્યું હતું.

બીજેપી પર લાંબા સમથી નજર રાખવા વાળા રાજનૈતિક પત્રકાર પ્રદીપ કૌશલ આ સમગ્ર મામલાને બે વર્ષ બાદ યોજાનારી ચૂંટણીના અર્થમાં જોતા નથી. તેઓ કહે છે, "હજુ તેમાં ઘણો સમય બાકી છે."

પ્રદીપ કૌશલ કહે છે, "યશવંત સિંહાએ કોઈ નવી વાત નથી કરી. નાણાંમંત્રી અરૂણ જેટલીએ કહ્યું છે કે અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે સરકારે કેટલાક પગલાં ઉઠાવવાનું મન બનાવ્યું છે."

"હાલ જ સરકારે આર્થિક સલાહકાર સમૂહનું ગઠન કર્યું છે અને યશવંત સિંહાના આ લેખને પણ આ જ દૃષ્ટિથી જોવો જોઈએ."

સિંહાનો પત્ર

પ્રદીપ કૌશલનું એવું પણ માનવું છે કે આ પહેલી વખત નથી કે જ્યારે યશવંત સિંહાએ પાર્ટીની અંદરના કોઈ મુદ્દાને ઉઠાવ્યો હોય. તેઓ પહેલા પણ તેવુ કરતા રહ્યા છે.

શેખર અય્યર પણ આ વાત સાથે સંમતિ વ્યક્ત કરે છે. તેમણે વર્ષ 2009ના યશવંત સિંહાના એ પત્રની યાદ અપાવી જેમાં તેમણે લોકસભા ચૂંટણીમાં હારની જવાબદારી લેવાની વાત કરતા પાર્ટીમાં પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું.

ત્યારે રાજનાથ સિંહ ભાજપના અધ્યક્ષ સ્થાને હતા.

આર્થિક મુદ્દા

પ્રદીપ કૌશલ યશવંત સિંહાના બીજા મામલાને ઉઠાવવાના ક્રમમાં એ પ્રતિનિધિમંડળની વાત કરે છે, જે તેમના નેતૃત્વમાં કશ્મીર ગયું હતું.

કૌશલ જણાવે છે, "જો કે આ કોઈ અધિકારિક પ્રતિનિધિમંડળ ન હતું, પરંતુ ત્યાંથી પરત ફર્યા બાદ યશવંત સિંહાએ નિવેદન જાહેર કર્યુ હતું, કેટલીક સલાહ પણ આપી હતી."

તેમણે પ્રધાનમંત્રીને મળવાનો સમય પણ માગ્યો હતો જ્યાં તેઓ કદાચ તે મામલાઓ અંગે ચર્ચા કરવા માગતા હતા. પરંતુ પ્રધાનમંત્રી પાસેથી તેમને સમય ન મળી શક્યો.

કૌશલ કહે છે કે આર્થિક મુદ્દો તો એક વાત છે. યશવંત સિંહા બીજા ઘણા મામલાને પણ સમય સમય પર ઉઠાવતા આવ્યા છે.

સિંહાની કડવાહટ

અય્યર કહે છે કે યશવંત સિંહા ક્યાંક ને ક્યાંક પાર્ટીમાં અલગ થલગ પડી ચૂક્યા છે, "પાર્ટીએ તેમને ચૂંટણીમાં ટિકિટ ન આપી, તો ઝારખંડ ચૂંટણીમાં પણ તેમનું નામ ક્યાંય પણ મુખ્યમંત્રી પદના દાવેદાર તરીકે સામે ન આવ્યું. તે જ વાતની કડવાહટ તેમની અંદર ક્યાંક ને ક્યાંક છે."

અય્યર યશવંત સિંહાના નાણાંમંત્રીના કાર્યકાળની વાત કરતા કહે છે કે તેમના કાર્યકાળ દરમિયાન પણ વિવાદ ઘણા હતા. અટલ બિહારી વાજપેયી મંત્રીમંડળમાં થયેલા ફેરબદલમાં તેમને નાણામંત્રાલયમાંથી વિદેશ મંત્રાલયનો ભાર સોંપવામાં આવ્યો હતો.

જવાબદાર કોણ ?

રાજનીતિના વિશેષજ્ઞો માને છે કે હાલમાં પુનઃગઠિત આર્થિક સલાહકાર સમૂહમાં તેમને કોઈ પ્રકારની ભૂમિકા નથી મળી. તેના કારણે તેમના મનમાં વધારે ખટાશ જોવા મળી રહી છે.

એ પૂછવા પર કે શું જેટલીના બહાને સિંહા મોદી પર નિશાન લગાવી રહ્યા છે તો કૌશલ કહે છે, "આજે સરકારમાં જે કોઈ નિર્ણય લેવામાં આવે છે તે માત્ર 3 લોકો લે છે- નરેન્દ્ર મોદી, અમિત શાહ, અને અરૂણ જેટલી. તેવામાં GST કે નોટબંધી માટે માત્ર જેટલીને કેવી રીતે જવાબદાર ગણાવી શકાય છે ?"

(તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો)