નવનીત બાલધિયા કેસ : એ પુરાવા જેના લીધે જયરાજ આહીરને જેલમાં જવું પડ્યું

ઇમેજ સ્રોત, Facebook/Alpesh dabhi
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
લોકકલાકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની, નવનીત બાલધિયા સાથેની મારપીટના કેસમાં ત્રણ અઠવાડિયાં બાદ ધરપકડ કરવામાં આવી છે.
રાજ્ય સરકારે આ મામલાની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ(SIT)ની રચના કર્યા બાદ તપાસ વેગીલી બની છે અને કેટલાક પોલીસ અધિકારીઓની તાત્કાલિક બદલી પણ કરી દેવામાં આવી છે.
સમગ્ર તપાસ દરમિયાન પોલીસને એવા પુરાવા મળ્યા છે જેના આધારે જયરાજ આહીરની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દેતા હાલ તેમને જેલમાં જવાનો વારો આવ્યો છે.
નોંધનીય છે કે થોડા સમય પહેલાં એક કાર્યક્રમમાં માયાભાઈ આહીરે કરેલી ટિપ્પણી અંગે વાંધો વ્યક્ત કર્યા બાદ, બગદાણાના પૂર્વ સરપંચ નવનીત બાલધિયા પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. આ મામલે રાજકીય વિવાદ વકરતાં બાલધિયા અને તેમના સમર્થકોએ માયાભાઈના પુત્ર જયરાજ આહીર અને તેમના માણસો પર હુમલાનો આક્ષેપ કર્યો હતો.
શું હતો સમગ્ર મામલો?

ઇમેજ સ્રોત, Alpesh dabhi/bbc
આરોપ મુજબ, નવનીત બાલધિયાએ માયાભાઈના નિવેદન સામે વાંધો ઉઠાવ્યાના થોડા સમય બાદ, તળાજા ભાજપ યુવા મોરચાના અગ્રણી જયરાજ આહીરે તેમને ફોન કરીને રૂબરૂ મળવા બોલાવ્યા હતા.
ત્યારબાદ ગત 29 ડિસેમ્બરની રાત્રે કોળી સમાજના આગેવાન નવનીતભાઈ પર હુમલો થયો હતો. જેમાં તેમની મોટરસાઇકલ તોડી નાખવામાં આવી અને તેમને શારીરિક ઈજાઓ પહોંચાડવામાં આવી હતી, જેના પરિણામે તેમના હાથમાં ફ્રેક્ચર થયું હતું.
આ મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો (117(2), 118(1), 115(2), 324(4), 191(1), 191(2) અને 189(2)) હેઠળ ગુનો નોંધ્યો હતો. જોકે, નવનીત બાલધિયાએ આક્ષેપ કર્યો હતો કે પોલીસે શરૂઆતમાં જયરાજ આહીરના નામનો ઉલ્લેખ ટાળીને કેસને 'અલગ પાટે' ચડાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ ઘટનાના પડઘા પડતા કોળી સમાજ એકત્રિત થયો અને ધારાસભ્ય હીરા સોલંકીએ નવનીતભાઈને ન્યાય અપાવવાની ખાતરી આપી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યારબાદ 1 જાન્યુઆરીએ સ્થાનિક પી.આઈ. (PI) અને 2 જાન્યુઆરીએ ડી.વાય.એસ.પી. (DySP) રિમાબા ઝાલાની બદલી કરવામાં આવી હતી. શરૂઆતમાં પોલીસે જયરાજ આહીરને ક્લીનચિટ આપી હતી, પરંતુ વિવાદ વધતા સરકારે SITની રચના કરી હતી.
શું કહે છે પોલીસ ?

ઇમેજ સ્રોત, Alpesh dabhi/bbc
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઘટના અંગે પહેલી વાર ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આ મામલે આરોપીઓની ધરપકડ કરી હતી અને સમગ્ર ઘટના બંને પક્ષો વચ્ચે અંદરોઅંદરના 'રાગદ્વેષ અને શંકા'ને કારણે બની હોવાની વાત કરી હતી. ત્યાર બાદ હુમલો કરનાર આઠ આરોપીઓ સાથે ઘટનાનું રિકન્ટ્રક્શન કરાયું હતું.
ભાવનગર રેન્જ આઇજી ગૌતમ પરમારે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આ મામલામાં એસઆઇટીએ કરેલી તપાસની વિગતો આપી હતી.
તેમણે કહ્યું કે, "એસઆઇટીની રચના થયા બાદ અમે સમગ્ર ઘટનાનું અલગ રીતે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. એમાં પુરાવા ભેગા કર્યા હતા. આ ઉપરાંત પકડાયેલા તમામ આરોપીના ફોનનું ટૅક્નિકલ ઍનાલિસિસ કર્યું ત્યારે એમાં તથ્ય બહાર આવ્યું કે આરોપીઓ એક બીજાના સંપર્કમાં હતા."
તેમણે આગળ કહ્યું, "તેમના વૉટ્સઍપ કૉલના સમય એ સમયે મોબાઇલ ટાવરનું લોકેશન આ તમામ બાબતો સમય સાથે મૅચ કરતું હતું. આ ઍનાલિસિસ પછી અમે વધુ બે લોકોની અટકાયત કરી, તપાસ કરી તો એમના કૉલ ડિટેલ રેકૉર્ડ્સ અને મોબાઇલ ટાવર લોકેશન પરથી એમના એક બીજા સાથેના સંપર્ક સાબિત થયા."
"અમે પકડાયેલા તમામ આરોપીને એક બીજા સાથે બેસાડીને પૂછપરછ કરી તો તમામ કડીઓ મળી આવી હતી. એ પછી અમે બીજા સાક્ષીઓનાં નિવેદન અને એની સાથેના ટૅક્નિકલ ઍનાલિસિસ ના પુરાવા મૅચ કર્યાં. હ્યુમન ઇન્ટેલિજન્સ, ટૅક્નિકલ ઇન્ટેલિજન્સ ભેગા કરતા ખબર પડી કે આ સુનિયોજિત આયોજન છે, એમાં અમે અગાઉ પકડાયેલા આઠ આરોપીની પુનઃ તપાસ કરી તો એમની સાથે કાના કામલિયા, સંજય ચાવડા અને દિનેશ સોલંકીનાં નામ ખૂલ્યાં, અમે તાત્કાલિક એમની ધરપકડ કરી."
પોલીસ અધિકારી ગૌતમ પરમારે એસઆઇટીએ કરેલી કામગીરી અંગે આગળ વિગતો આપતાં કહ્યું કે, "એમની ઊલટતપાસ કરી તો જયરાજ આહીર સાથેના સંપર્ક દેખાયા, એટલે અમે પહેલાં જયરાજ આહીરની ત્રણ કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી. ત્યાં સુધીમાં અમારા હ્યુમન ઇન્ટેલિજન્સથી મળેલી માહિતીને આધારે ઉત્તમ બાંભણિયા અને અજય ભલિયાની ધરપકડ કરી એમની ઊલટતપાસમાં પણ એમના તાર આરોપીઓ સાથે જોડાયેલા હોવાની ખબર પડી. તમામ સાંયોગિક પુરાવા ટૅક્નિકલ પુરાવા અને ઘટનાના રિકન્સ્ટ્રક્શન પછી મળેલા પુરાવા બાદ અમે જયરાજ આહીરને ફરી તપાસ માટે બોલાવ્યા અને એક આરોપી રાજુની ઊલટતપાસમાં ખૂલ્યું કે સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા નિવેદન બાદ એને અને જયરાજ આહીરને નવનીતભાઈ પર રોષ હતો."
"ટૅક્નિકલ ઍનાલિસિસ અને રાજુની કબૂલાત તથા જયરાજની ઊલટતપાસમાં મળેલા પુરાવાને, મુખ્ય સાક્ષી ચેતન સોની અને રામભા વાળાનાં નિવેદન સાથે સરખાવ્યા બાદ અમે જયરાજની સંડોવણી જણાતાં એની ધરપકડ કરી છે. એફએસએલમાં કેટલીક મહત્ત્વની વીડિયો ક્લિપિંગની ચકાસણી થઈ રહી છે બાદમાં કેટલીક જરૂરી કલમોનો ઉમેરો કરી આ મામલે ચાર્જશીટ કરવામાં આવશે."
સમગ્ર મામલે જયરાજ આહીરની ધરપકડમાં 'વિલંબ' કરાયાની વાત અંગે પોલીસનો પક્ષ મૂકતાં પોલીસ અધિકારી ગૌતમ પરમારે કહ્યું હતું કે, "શરૂઆતના બે-ત્રણ દિવસ જે તપાસ ચાલી, એ બાદ અમે તમામ તથ્યોનું રિકન્સ્ટ્રક્શન અમે અમારી રીતે કર્યું હતું. તમામ નિવેદનો પણ ફરીથી લેવાયાં હતાં. એવો પણ ટાઇમ નથી લાગ્યો."
માયાભાઈ આહીરના પરિવાર અને નવનીત બાલધિયાએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Jayraj Ahir/Social media
નવનીત બાધલિયાએ બીબીસી ગુજરાતી સાથેની ટેલિફોનિક વાતચીતમાં કહ્યું કે "આમ મેં આ મામલે કુલ 15 પુરાવા અને આરોપીઓનાં નામ પણ આપ્યાં. ત્યાર બાદ બે દિવસ દરમિયાન બીજા લોકોની ધરપકડ થઈ અને પછી જયરાજ આહીરને બોલાવાયો અને એની સાડા ત્રણ કલાક સુધી પૂછપરછ થઈ, બાદમાં એને ત્રણ દિવસ પછી ફરી તપાસ માટે બોલાવાયા બાદ એની ધરપકડ થઈ છે."
માયાભાઈ આહિરના પરિવાર સાથે બીબીસી ગુજરાતીએ મંગળવારે મોડી રાત સુધી સંપર્ક સાધવાના પ્રયાસ કર્યા, પણ તેમણે આ અંગે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.
એમના સમર્થક વિરાજ આહીરે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "અમે તાત્કાલિક જામીન માટે સ્થાનિક વકીલની મદદ લીધી હતી, પણ નીચલી કોર્ટે જામીન ન આપતાં હવે અમે એફઆઇઆરનો અભ્યાસ કરી વકીલ રોકી સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરીશું."
નોંધનીય છે કે એસઆઇટી સમક્ષ હાજર રહેતા પહેલાં જયરાજ આહીરે સોશિયલ મીડિયા મારફતે કહ્યું હતું કે તેમને પોલીસ અને ન્યાયતંત્ર પર ભરોસો છે, તેઓ કાનૂની પ્રક્રિયામાં સાથે રહેશે અને જે નિર્ણય લેવાશે એને માન્ય રાખશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












