એ પાકિસ્તાની મૂળના વકીલ જે નેતન્યાહૂ અને પુતિનની સામે મુશ્કેલી ઊભી કરી રહ્યા છે

કરીમ અસદ અહમદ ખાન

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, કરીમ અસદ અહમદ ખાન
    • લેેખક, ઈસ્માઈલ શેખ
    • પદ, બીબીસી ઉર્દુ

ધ ઇન્ટરનૅશનલ ક્રિમિનલ કોર્ટ (આઈસીસી)એ યુદ્ધ અપરાધ અને માનવતા સામેના ગુના બદલ ઇઝરાયલના વડા પ્રધાન, સંરક્ષણ પ્રધાન અને હમાસના નેતાઓ સામે ધરપકડનું વૉરન્ટની માગ કરી છે.

આઈસીસી વતી આ કેસમાં મુખ્ય વકીલ છે પાકિસ્તાની મૂળના કરીમ અસદ અહમદ ખાન.

અદાલતમાં નિવેદન આપતી વખતે તેમણે કહ્યું કે, "મારી પાસે એ માની લેવા માટે પૂરતાં પુરાવા છે કે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને ગાઝામાં હમાસના નેતા યાહ્યા સિનવાર યુદ્ધ અપરાધ અને માનવતા સામેના ગુના માટે જવાબદાર છે."

ખાને હમાસના નેતા ઇસ્માઇલ હાનિયા, મોહમ્મદ અલ માસરી અને ઇઝરાયલના સંરક્ષણ મંત્રી યોવ ગેલાન્ટ વિરુદ્ધ ધરપકડનું વૉરન્ટ બહાર પાડવાની માગ કરી છે.

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પોતાની ધરપકડ માટેની અરજીને વખોડતા કહ્યું કે આ ‘એકદમ પાયાવિહોણો અને ખોટો આદેશ’ છે.નેતન્યાહૂએ વકીલ ખાનએ હમાસ અને ઇઝરાયલની સરખામણી કરી છે તેને હકીકતની વિરુદ્ધ ગણાવ્યું છે.

તો કોણ છે વકીલ કરીમ અસદ અહમદ ખાન?

ઍડિનબર્ગથી આઈસીસી સુધીની સફર કરનાર કરીમ ખાન

કરીમ અસદ અહમદ ખાન

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, કરીમ અસદ અહમદ ખાન

કરીમ અસદ અહમદ ખાનનો જન્મ 30 માર્ચ 1970ના રોજ સ્કૉટલૅન્ડના ઍડિનબર્ગ શહેરમાં થયો હતો.

તેમના પિતા ડૉ. સઈદ અહમદ મૂળ પાકિસ્તાની હતા. તેઓ 1960ના દાયકામાં પાકિસ્તાનથી બ્રિટન આવ્યા હતા. અસદ ખાનનાં માતા બ્રિટિશ નાગરિક છે.

લંડનની કિંગ્સ કૉલેજમાંથી કાયદાની ડિગ્રી મેળવ્યા બાદ1992માં તેમણે કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી હતી.

તેઓ લંડનની કાયદાકીય પેઢી ટેમ્પલ ગાર્ડન ચેમ્બર્સના સભ્ય છે. તેઓ ઇન્ટરનૅશનલ ક્રિમિનલ લૉયર અને માનવ અધિકાર મામલાના વકીલ તરીકે 30 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે.

તેઓ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફોજદારી ટ્રિબ્યુનલ્સમાં ફરિયાદીઓ તથા પીડિતોના સલાહકાર અને બચાવપક્ષના વકીલ તરીકેનો બહોળો અનુભવ ધરાવે છે. ધ ઇન્ટરનૅશનલ ક્રિમિનલ કોર્ટ, ઇન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલ ફૉર રવાન્ડા, ભૂતપૂર્વ યુગોસ્લાવિયા માટેની ઇન્ટરનૅશનલ ટ્રિબ્યુનલ, કમ્બોડિયાની કોર્ટમાં વિશિષ્ટ ચેમ્બરો, લેબનોન માટેની સ્પેશિયલ ટ્રિબ્યુનલ અને સિએરા લિયોનની સ્પેશિયલ અદાલતમાં તેમણે વિવિધ કેસો લડ્યા છે.

સાલ 1997થી 2000 સુધી કરીમ ખાને ભૂતપૂર્વ યુગોસ્લાવિયા માટેની ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલ અને ઇન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલ ફૉર રવાન્ડા માટે કાયદાકીય સલાહકાર તરીકે સેવા આપી હતી.

ગદ્દાફીના પુત્ર માટે લડ્યો છે કેસ

 મુઅમ્મર ગદ્દાફીના પુત્ર સૈફ અલ ઇસ્લામ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, મુઅમ્મર ગદ્દાફીના પુત્ર સૈફ અલ ઇસ્લામ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટમાં કરીમ ખાન મુખ્ય વકીલ તરીકે કામ કર્યું છે. તેમણે લિબિયાના પૂર્વ રાષ્ટ્રપતિ મુઅમ્મર ગદ્દાફીના પુત્ર સૈફ અલ ઇસ્લામના વકીલ તરીકે સાલ 2016થી 2018 સુધી કામ કર્યું હતું.

તેઓ 2017 અને 2018માં આઈસીસી બાર કાઉન્સિલના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેમણે આફ્રિકન બાર એસોસિએશનના ગ્લોબલ ઍમ્બેસેડર તરીકે પણ કામગીરી કરી છે.

સાલ 2018માં યુએન સેક્રેટરી-જનરલ ઍન્ટોનિયો ગુટરેસે તેમની પ્રથમ સ્પેશિયલ એડવાઇઝર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ જ વર્ષે યુએનએ ઇરાકમાં ઇસ્લામિક સ્ટેટના યુદ્ધ અપરાધ અને માનવતા વિરુદ્ધના અપરાધની તપાસ માટે એક ટીમ બનાવી હતી, જેના વડા તરીકે પણ કરીમ અહમદ ખાનની નિમણૂંક કરી હતી.

12 ફેબ્રુઆરી 2021ના રોજ ન્યૂ યૉર્કમાં ઍસમ્બલી ઑફ સ્ટેટ પાર્ટીઝ ટુ ધ રોમ સ્ટેચ્યુટની 19મી બેઠક યોજાઈ હતી, જેમાં કરીમ ખાનની ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટના વકીલ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. તેમણે 16 જૂન 2021ના દિવસે પદભાર ગ્રહણ કર્યો હતો અને નવ વર્ષ સુધી હોદ્દા પર રહેશે. તેઓ ઇન્ટરનૅશનલ ક્રિમિનલ કોર્ટના ઇતિહાસમાં ત્રીજા વકીલ છે. આ કોર્ટની સ્થાપના જુલાઈ 2002માં થઈ હતી.

આ પ્રથમ વખત નથી જ્યારે આઈસીસીએ કોઈ વૈશ્વિક નેતા સામે ધરપકડનું વૉરન્ટ બહાર પાડવાની માગ કરી હોય.

એક વર્ષ અગાઉ આઈસીસીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને કમિશનર ફૉર ચિલ્ડ્રન રાઇટસ્ ઇન રશિયા મારિયા લેવોવા બેલોવા સામે ધરપકડનું વૉરન્ટ બહાર પાડ્યું હતું જેમાં કરીમ ખાને મુખ્ય ભૂમિકા ભજવી હતી.

આ નિર્ણયના થોડા દિવસો બાદ રશિયાએ કરીમ ખાન અને આઈસીસીના ત્રણ જજ સામે તપાસ આરંભી હતી. રશિયાએ ચુકાદો આપનારા ત્રણેય જજને વૉન્ટેડ ક્રિમિનલ્સ તરીકે જાહેર કર્યા હતા.

ધરપકડના ડરથી પુતિન દક્ષિણ આક્રિકામાં યોજવામાં આવેલા બ્રિક્સ સમિટમાં સામેલ થયા નહોતા.

કરીમ ખાન નેતન્યાહૂ અને હમાસ અધિકારીઓ સામે ઍરેસ્ટ વૉરન્ટની માગ કેમ કરી રહ્યા છે?

હમાસના નેતા ઇસ્માઇલ હાનિયા, મોહમ્મદ અલ માસરી અને ઇઝરાયલના ઇઝરાયલ ડિફેન્સ મિનિસ્ટર યોવ ગેલાન્ટ વિરુદ્ધ એરેસ્ટ વોરન્ટ બહાર પાડવાની માગ કરી છે

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, હમાસના નેતા ઇસ્માઇલ હાનિયા, મોહમ્મદ અલ માસરી અને ઇઝરાયલના ઇઝરાયલ ડિફેન્સ મિનિસ્ટર યોવ ગેલાન્ટ વિરુદ્ધ એરેસ્ટ વોરન્ટ બહાર પાડવાની માગ કરી છે

કરીમ ખાન અને તેમની ટીમે હમાસએ 7 ઑક્ટોબરના રોજ જે હુમલો કર્યો હતો તેના ભોગ બનનાર લોકોના ઇન્ટરવ્યૂ લીધા હતા. તેમનો આક્ષેપ છે કે આ હુમલાની પ્લાનિંગ અને હુમલા માટે ઉકસાવવા માટે હમાસના નેતાઓ જવાબદાર છે.

ખાન પ્રમાણે હમાસે જે યુદ્ધ અપરાધ કર્યો છે તેમાં સંહાર, ખૂન, બંધક બનાવવા, બળાત્કાર અને ટૉર્ચર સામેલ છે.

આઈસીસીએ બેન્જામિન નેતન્યાહૂ અને યોવ ગેલાન્ટ સામે જે ગુનાનો આક્ષેપ કર્યો છે તેમાં નાગરિકો પર હુમલા અને ભોજનની અછતને હથિયાર તરીકે ઉપયોગ કરવો સામેલ છે.

આઈસીસીના વકીલ કરીમ ખાને પુરાવાઓનો આધાર લઈને જણાવ્યું હતું કે "ઇઝરાયેલે ઇરાદાપૂર્વક અને વ્યવસ્થિત રીતે ગાઝાના તમામ ભાગોમાં નાગરિકોને જીવવા માટે અનિવાર્ય વસ્તુઓથી વંચિત રાખ્યા છે". આ પુરાવાઓમાં બચી ગયેલા અને પ્રત્યક્ષદર્શીઓ સાથેનાં ઇન્ટરવ્યૂ અને પ્રમાણિત વીડિયો, ફોટો અને ઑડિયો સામગ્રી સામેલ છે.

પોતાના નિવેદનમાં કરીમ ખાને કહ્યું કે ઇઝરાયલ પાસે પોતાની જાતને રક્ષણ કરવાનો અધિકાર છે પરંતુ આ અધિકાર ઇઝરાયલ અથવા બીજા દેશને આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું પાલન કરવાની જવાબદારીમાંથી મુક્ત થવાની પરવાનગી આપતો નથી.

બીબીસીના આંતરરાષ્ટ્રીય સંવાદદાતા જેરેમી બોવેન કહે છે કે સામે કોઈ પણ પક્ષ હોય પરંતુ આંતરરાષ્ટ્રીય કાયદા અને સશસ્ત્ર હુમલા માટેના કાયદાનું કડક રીતે પાલન કરાવવાનો નિર્ધાર એ કરીમ ખાનના નિવેદનનો હાર્દ છે. તેમનું નિવેદન ઍરેસ્ટ વૉરન્ટ પાછળના કારણો વિશે પણ ચોખવટ કરે છે.

કોઈ સૈનિક અથવા કમાન્ડર અથવા રાજકીય નેતા – કોઈ પણ – ગેરજવાબદારીપૂર્વક વર્તન ન કરી શકે છે. કાયદા પસંદગીપૂર્વક લાગુ કરી શકાય નહીં. કરીમ ખાન અનુસાર જો આમ થશે તો આપણે પતન માટેના સંજોગો ઊભા કરીશું.

કાયદાથી ઉપર કોઈ પણ નથી

આઈસીસીએ બેન્જામિન નેતન્યાહૂ અને યોવ ગેલાન્ટ સામે જે ગુનાનો આક્ષેપ કર્યો છે તેમાં નાગિકો પર હુમલા અને ભોજનની અછતને હથિયાર તરીકે ઉપયોગ કરવો સામેલ છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આઈસીસીએ બેન્જામિન નેતન્યાહૂ અને યોવ ગેલાન્ટ સામે જે ગુનાનો આક્ષેપ કર્યો છે તેમાં નાગિકો પર હુમલા અને ભોજનની અછતને હથિયાર તરીકે ઉપયોગ કરવો સામેલ છે

હાલમાં સીએનએન સાથેના ઇન્ટરવ્યૂમાં કરીમ ખાનને પૂછવામાં આવ્યું હતું કે, "શા માટે તેમણે પોતાની અરજીમાં નરસંહાર શબ્દનો ઉપયોગ કર્યો નથી જ્યારે બંને પક્ષો તેનો દાવો કરી રહ્યા છે."

તેમણે જવાબ આપ્યો હતો કે "આમાં હાલ તપાસ ચાલી રહી છે". તપાસ હાલ જે તબક્કામાં છે તેમાં ન્યાયાધીશો સમક્ષના આરોપોમાં નરસંહારનો સમાવેશ થતો નથી.

"પરંતુ અમારી તપાસ ચાલુ છે. આ એક જટિલ સ્થિતિ છે." તેઓ વધુમાં જણાવે છે કે ઇઝરાયલના સત્તાવાળાઓએ તેમને ગાઝામાં પ્રવેશ આપ્યો નથી.

તેમને ભરોસો છે કે સજા માટે હકીકતમાં જે જરૂરી હતું તે કરવામાં સફળતા મળી છે.

આઈસીસીની પ્રી-ટ્રાયલ જજોની પેનલે વૉરન્ટ બહાર પાડતા પહેલાં એકબીજા વચ્ચે સંમતિ સાધવાની રહેશે. આ પ્રક્રિયામાં કેટલાંક અઠવાડિયાં લાગી શકે છે.

અમેરિકા અને ઇઝરાયલ આઈસીસી નિયમોનું પાલન કરતા નથી.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન કહે છે કે ઍરેસ્ટ વૉરન્ટ માટે અરજી કરવી એ અપમાનજનક છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે કોઈ પણ પ્રકારની સમાનતા નથી.

ગયા મહિને જ્યારે એવા અહેવાલ સામે આવ્યા હતા કે આઈસીસીના મુખ્ય વકીલ ઍરેસ્ટ વૉરન્ટની કાર્યવાહી કરી શકે છે ત્યારે નેતન્યાહૂ કહ્યું હતું કે, "ઇઝરાયલ સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને સૈન્ય અધિકારીઓ વિરુદ્ધ આઈસીસીનું વૉરન્ટ ઐતિહાસિક અપમાન સમાન છે. ઇઝરાયલ પાસે પોતાની સ્વતંત્ર ન્યાયિક વ્યવસ્થા છે જે કોઈ પણ નિયમ ભંગ સામે કડક રીતે તપાસ કરે છે."

ઇઝરાયલની માનવતાવાદી સંગઠન બી ટી સેલમએ ઍરેસ્ટ વૉરન્ટ વિશે કહ્યું કે તે ઇઝરાયલના નૈતિક પતન વિશે આંગળી ચીંધે છે.

સીએનએન ઍન્કરે નેતન્યાહૂના નિવેદન વિશે પૂછતા કરીમ ખાને કહ્યું કે કાયદાથી ઉપર કોઈ પણ નથી.