ધર્મેન્દ્રની તબિયત હાલમાં કેવી છે? હેમા માલિનીએ શું માહિતી આપી?

ધર્મેન્દ્રના નિધનની અફવા, ધર્મેન્દ્રને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથી રજા, ધર્મેન્દ્રને ઘરે લઈ જવામાં આવ્યા, ધર્મેન્દ્રની તબિયતના તાજા સમાચાર, શાહરુખ ખાન સલમાન ખાન અને સની દેઓલ ધર્મેન્દ્રને જોવા પહોંચ્યા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, રવિ જૈન
    • પદ, બીબીસી હિંદી માટે

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 'હિમૅન'ના નામથી જાણીતા અભિનેતા ધર્મેન્દ્રને મુંબઈની બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે અને તેમને ઘરે લઈ જવામાં આવ્યા છે.

ધર્મેન્દ્રનાં પત્ની અને સાંસદ હેમા માલિનીએ ધર્મેન્દ્રની તબિયત અંગે માહિતી આપી છે.

બીબીસીએ જ્યારે ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય અંગે તેમને મૅસેજ કર્યો તો હેમા માલિનીએ કહ્યું કે "ધરમજી રિકવર થઈ રહ્યા છે. ભગવાન કૃષ્ણના આશીર્વાદ અને તેમના ચાહકોની શુભકામનાઓ તેમની સાથે છે."

ધર્મેન્દ્રને લગભગ ત્રણ અઠવાડિયાં પહેલાં શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી અને તેમને ન્યૂમોનિયા થવાને કારણે હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા.

બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં ધર્મેન્દ્રની સરાવાર કરનારા તબીબોની ટીમના સભ્ય ડૉ. પ્રતીત સમદાનીએ બીબીસી હિંદીને જણાવ્યું કે બુધવારે સવારે ધર્મેન્દ્રને બ્રીચ કૅન્ડી હૉસ્પિટલેથી સવારે લઈ જવામાં આવ્યા હતા.

બીબીસી હિંદીએ પૂછ્યું કે શું ધર્મેન્દ્રની સ્થિતિ હજુ નાજુક છે કે પહેલાંથી સારી? આના વિશે ડૉ. સામદાનીએ માત્ર એટલું કહ્યું હતું કે 'હું આનાથી વધુ કંઈ ન કહી શકું અને તેમને (ધર્મેન્દ્રને) લઈ જવાનો નિર્ણય પરિવારવાળાઓનો હતો.'

આ પહેલાં મંગળવારે ધર્મેન્દ્રનાં પુત્રી ઇશા દેઓલ તથા પત્ની હેમા માલિનીએ અભિનેતાનાં 'મૃત્યુ' સંબંધિત ખોટા સમાચાર મીડિયામાં વહેતા થવા અંગે ભારે નારાજગી વ્યક્ત કરી હતી.

ઇશા દેઓલે ઇન્સ્ટાગ્રામ ઉપર લખ્યું, "મીડિયા ઉતાવળમાં છે અને ખોટા સમાચાર ચલાવી રહ્યું છે. મારા પિતાની તબિયત સ્થિર છે અને તેઓ રિકવર કરી રહ્યા છે. પપ્પાની સારી તબિયત માટે તમારી પ્રાર્થનાઓ બદલ આભાર."

ધર્મેન્દ્રનાં પત્ની, અભિનેત્રી તથા સંસદસભ્ય હેમા માલિનીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર લખ્યું, "જે કંઈ થઈ રહ્યું છે, તે અક્ષમ્ય છે. જે વ્યક્તિ પર સારવારની અસર દેખાઈ રહી છે અને સાજી થઈ રહ્યો છે, તેમના વિશે જવાબદાર ચૅનલ આવી રીતે ખોટા સમાચાર કેવી રીતે ચલાવી શકે?"

તેમણે લખ્યું, "આ ખૂબ જ અપમાનજનક તથા બેજવાબદારીપૂર્ણ છે. મહેરબાની કરીને પરિવાર તથા તેમની પ્રાઇવસીનું સન્માન કરો."

અનેક કલાકાર હૉસ્પિટલે પહોંચ્યા

ધર્મેન્દ્રનાં નિધનની અફવા, ધર્મેન્દ્રને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથી રજા, ધર્મેન્દ્રને ઘરે લઈ જવામાં આવ્યા, ધર્મેન્દ્રની તબિયતના તાજા સમાચાર, શાહરુખ ખાન સલમાન ખાન અને સની દેઓલ ધર્મેન્દ્રને જોવા પહોંચ્યા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ધર્મેન્દ્ર અને તેમનાં પત્ની હેમા માલિનીની ફાઇલ તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ધર્મેન્દ્રને પોતાના આઇડલ માનનારા સલમાન ખાન સોમવારે મોડી સાંજે બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં પ્રવેશતા દેખાયા હતા.

ધર્મેન્દ્ર સાથે અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અભિનેતા ગોવિંદા પણ મોડી રાત્રે ધર્મેન્દ્રના ખબરઅંતર પૂછવા માટે આવ્યા હતા.

દરમિયાન ધર્મેન્દ્રની ટીમના એક સભ્યે સોમવારે બીબીસીને એક મૅસેજ મારફત જણાવ્યું હતું, "ધર્મેન્દ્રની હાલત હવે સ્થિર છે અને તેમને દેખરેખ હેઠળ મૂકવામાં આવ્યા છે....અમે બધાને ધર્મેન્દ્ર જલ્દી સાજા થઈ જાય તેના માટે પ્રાર્થના કરવા તથા પરિવારની નિજતાનું સન્માન કરવા માટે અપીલ કરીએ છીએ."

ધર્મેન્દ્રને જ્યારે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, ત્યારે હૉસ્પિટલ કે તેમની સારવાર કરી રહેલા તબીબો તરફથી કોઈ પણ જાતનું હેલ્થ બુલેટિન બહાર પાડવામાં આવ્યું ન હતું.

આ પહેલાં સોમવારે બ્રીચ કૅન્ડી હૉસ્પિટલ ખાતે ભારે હલચલ જોવા મળી હતી. સવારે ધર્મેન્દ્રના મોટા દીકરા અને અભિનેતા સની દેઓલ બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં જોવા મળ્યા હતા. તેઓ બપોર પછી હૉસ્પિટલમાંથી નીકળ્યા. સની દેઓલ સાંજે ફરીથી હૉસ્પિટલમાં આવ્યા હતા.

ધર્મેન્દ્રનાં બીજા પત્ની હેમા માલિની પણ બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં જોવા મળ્યાં હતાં. થોડા સમય પછી તેઓ પોતાની કારમાં હૉસ્પિટલમાંથી નીકળ્યાં હતાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન