You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બિલકીસબાનો પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો ગુજરાત સરકાર અને ભાજપ માટે કેટલી મોટી લપડાક?
- લેેખક, રાઘવેન્દ્ર રાવ
- પદ, બીબીસી સંવાદદાતા
વર્ષ 2022ની 15 ઑગસ્ટ માત્ર ભારતના સ્વતંત્રતા દિવસના રૂપે જ ચર્ચામાં રહી ન હતી. એ જ દિવસે ગુજરાતની ગોધરા જેલમાંથી એ 11 લોકોને સજામાં છૂટ આપીને છોડી દેવામાં આવ્યા હતા જે લોકો ગુજરાત રમખાણો દરમિયાન બિલકીસ બાનોના સામૂહિક બળાત્કાર અને તેના પરિવારના સાત સદસ્યોની હત્યાના મામલામાં આજીવન કારાવાસની સજા કાપી રહ્યા હતા.
સોમવારે સુપ્રીમ કોર્ટે આ 11 દોષિતોની સજાને માફ કરવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ્દ કરી દીધો હતો અને તેમને બે અઠવાડિયાની અંદર જેલ અધિકારીઓ સમક્ષ હાજર થવા કહ્યું છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે સજા કાપી રહેલા આ ગુનેગારોની સજામાફીની અરજી પર વિચાર કરવો એ ગુજરાત સરકારના અધિકારક્ષેત્રમાં ન હતું. સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર આ કેસ બૉમ્બે હાઇકોર્ટમાં ચાલ્યો હોવાથી તેનો નિર્ણય મહારાષ્ટ્ર સરકાર જ કરી શકે.
ગુજરાત સરકાર પર ઊઠ્યા ગંભીર સવાલ
સોમવારે આપેલા ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે બિલકીસબાનો કેસમાં સજા કાપી રહેલા 11 દોષિતોની સજામાફીની અરજી સાંભળવા માટે મહારાષ્ટ્ર સરકાર યોગ્ય હતી, ગુજરાત સરકાર નહીં.
તેનું કારણ એ છે કે 21 જાન્યુઆરી 2008ના રોજ મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે બિલકીસબાનો પર ગૅંગરેપ અને પરિવારના સાત સભ્યોની હત્યાના કેસમાં 11 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી અને બાદમાં બૉમ્બે હાઈકોર્ટે તેમની સજામાં ફેરફાર કર્યો હતો. આ બંને નિર્ણયો મહારાષ્ટ્રમાં લેવામાં આવ્યા હતા.
15 વર્ષથી વધુ જેલની સજા કાપી ચૂકેલા દોષિતોમાંથી એક રાધેશ્યામ શાહે સજા માફી માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. 13 મે,2022ના રોજ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને સજામાફીના મુદ્દે નિર્ણય લેવા કહ્યું હતું.
ત્યારબાદ ગુજરાત સરકારની એક કમિટીએ આ મામલે 11 દોષિતોની સજા માફ કરવાનો સર્વસંમતિથી નિર્ણય લીધો અને તેમને છોડી મૂકવાની ભલામણ કરી.
અંતે 15 ઑગસ્ટ,2022ના રોજ આ મામલે આજીવન કારાવાસની સજા કાપી રહેલા 11 દોષિતોને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
8 ડિસેમ્બર, 2024ના રોજ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા એમ પણ કહ્યું હતું કે દોષિતોની માફી અને મુક્તિ સુનિશ્ચિત કરવામાં ગુજરાત સરકારની 11 દોષિતોમાંથી એક (રાધેશ્યામ શાહ) સાથે મિલીભગત હતી, જે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ નિષ્ફળ થયા પછી વિગતો છુપાવીને તેમણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. કોર્ટ સમક્ષ રિટ પિટિશન દાખલ કરી હતી અને યોગ્ય હકીકતો રજૂ કર્યા વિના સજા માફ કરવાની માંગણી કરી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે સુપ્રીમ કોર્ટ સામે તથ્યો છુપાવવાને કારણે આ દોષિતને રાહત મળી ગઈ હતી. આ જોઇને બાકીના તમામ 10 દોષિતોએ પણ આ સ્થિતિનો લાભ લીધો હતો અને ગુજરાત સરકારે તેમને પણ રાહત આપી હતી.
સુપ્રીમ કોર્ટના મતે ગુજરાત સરકારની આ કાર્યવાહી કાયદાની ભાવનાની વિરુદ્ધ હતી.
ભાજપ માટે ઝટકો?
બિલકીસબાનોના કેસમાં 11 દોષિતો ફરીથી જેલમાં જશે એ હવે નક્કી છે. તો એ સવાલો ઊઠવા સ્વાભાવિક છે કે શું આ ચુકાદો ભાજપ અને ગુજરાત સરકાર માટે ઝટકા સમાન છે?
વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક નીરજા ચૌધરી કહે છે કે સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય દૂરદર્શિતાભર્યો છે.
તેઓ કહે છે, “જ્યારે સજામાફી મળી હતી ત્યારે બધા લોકોને દંગ રહી ગયા હતા. આજે ભાજપની સરકાર ગુજરાત અને કેન્દ્ર બંને જગ્યાએ છે. તો સુપ્રીમ કોર્ટનો ચુકાદો ગુજરાતની સરકાર માટે એક મોટો ઝટકો તો છે જ.”
તો શું વિપક્ષ આ મુદ્દે ભાજપને ઘેરી શકશે? નીરજા ચૌધરી કહે છે, "વિપક્ષ પાસે સરકારને ઘેરવા માટે ઘણા મુદ્દા છે પરંતુ તેઓ તેનો ફાયદો ઉઠાવવામાં અસમર્થ છે. ગુજરાતમાં વિપક્ષ તેને મુદ્દો બનાવી શકે છે, પરંતુ ત્યાં ભાજપ એટલી મજબૂત છે કે આ મુદ્દાની તેને કોઈ નકારાત્મક અસર નહીં થાય. "
નીરજા ચૌધરી કહે છે કે આ કહેવું થોડું ઉતાવળભર્યું હશે પરંતુ એ જોવું દિલચસ્પ હશે કે જો નરેન્દ્ર મોદી ત્રીજી વખત સત્તામાં આવશે તો શું તેઓ મુસલમાનો અને અન્ય લઘુમતી સમુદાયો સુધી પહોંચવાની નવેસરથી કોશિશ કરશે?
તેઓ કહે છે કે, “એવું બની શકે કે તેઓ ઊંચી જાતિના મુસલમાનો સુધી પહોંચવાની કોશિશ ન કરે પરંતુ કદાચ તેઓ એ વિચારે કે ગરીબ અને પછાત મુસલમાનો માટે તેઓ શું કરી શકે છે. તેમના માટે ત્રીજા કાર્યકાળમાં તેમની પાસે શું હશે?”
વિપક્ષે ભાજપને નિશાન બનાવ્યો
સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કૉંગ્રેસ પાર્ટીએ તેના ઍક્સ અકાઉન્ટ પર લખ્યું હતું કે, “આ નિર્ણય બિલકીસબાનોના બળાત્કારીઓને મુક્ત કરવાના ગુજરાતની ભાજપ સરકારના મહિલા વિરોધી કૃત્યને છતું કરે છે. આ દર્શાવે છે કે મહિલાઓ વિશે ભાજપની વિચારસરણી કેટલી ઘૃણાસ્પદ છે."
અન્ય એક ટ્વીટમાં, પાર્ટીએ કહ્યું, "ચૂંટણીના ફાયદા માટે 'ન્યાયની હત્યા' કરવાની વૃત્તિ લોકશાહી પ્રણાલી માટે ખતરનાક છે. આજે સુપ્રીમ કોર્ટના નિર્ણયે ફરી એકવાર દેશને દેખાડ્યું છે કે 'ગુનેગારોના આશ્રયદાતા' કોણ છે. બિલકીસબાનોનો અથાક સંઘર્ષ અહંકારી ભાજપ સરકાર સામે ન્યાયની જીતનું પ્રતીક છે.”
એઆઈએમઆઈએમના સંસદસભ્ય અસદુદ્દીન ઓવૈસીએ ન્યૂઝ ઍજન્સી પીટીઆઈને કહ્યું, "હું પહેલા દિવસથી કહેતો આવ્યો છું કે એક પક્ષ તરીકે ભાજપ બિલકીસબાનોના બળાત્કારીઓને મદદ કરી રહી છે. હવે સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણયથી આ વાત ફરીથી સાચી સાબિત થઈ છે. હું બિલકીસબાનોની બહાદુરીને સલામ કરું છું. આટલા ઉતાર-ચઢાવવાળા સમયમાંથી પસાર થવા છતાં... માત્ર અલ્લાહ જ જાણે છે કે તેઓ કેવા ભય અને પીડામાંથી પસાર થયાં હશે."
ભાજપ પર નિશાન સાધતા ઓવૈસીએ કહ્યું, "એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે ભાજપ મહિલા શક્તિ, 'બેટી બચાવો, બેટી પઢાવો'ની વાતો કરે છે. આ બધા દાવા પોકળ છે. ભાજપે બિલકીસબાનો સાથે ઊભા રહેવું જોઈતું હતું. તેના બદલે તેણે એ વાતને સરળ બનાવી કે કઈ રીતે તેમનો જલદી છૂટકારો થાય. તેમને મુક્ત કરવામાં આવ્યા હતા અને એક ખોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. ભાજપના બે ધારાસભ્યો આ માફી પ્રક્રિયાનો ભાગ હતા. ભાજપના એક ધારાસભ્યે તો આ બળાત્કારીઓને સંસ્કારી કહ્યા હતા."
શું વધશે રાજકીય ગતિવિધિઓ?
રાજીવ શાહ ગુજરાતના વરિષ્ઠ પત્રકાર છે અને તેઓ હાલમાં ‘કાઉન્ટરવ્યૂ’ નામે એક ન્યૂઝપોર્ટલના મુખ્ય સંપાદક છે.
બિલકીસબાનો મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદાના રાજકીય અસર મામલે તેઓ કહે છે કે કૉંગ્રેસ કેવી પ્રતિક્રિયા આપે છે તેના પર મોટેભાગે બધું નિર્ભર છે.
રાજીવ શાહ કહે છે, "આ નિર્ણયને કારણે આરએસએસને લાગ્યું હશે કે આ એક ઝટકો છે. પરંતુ ગુજરાતમાં ભાજપ ખૂબ મજબૂત છે અને કૉંગ્રેસનો રાજ્યમાંથી લગભગ સફાયો થઈ ગયો છે. લગભગ 13 ટકા મતો સાથે આમ આદમી પાર્ટી થોડીઘણી ઊભરી આવી છે. તેથી જ્યાં વિપક્ષો વિભાજિત છે અને વડાપ્રધાન મોદીના કારણે ભાજપ મજબૂત છે તેવી સ્થિતિમાં મને નથી લાગતું કે આ મુદ્દાની બહુ અસર થશે."
આપણે એ વાત યાદ રાખવી જોઈએ કે 2017ની ચૂંટણીમાં 182 બેઠકોવાળી વિધાનસભામાં ભાજપને 99 અને કૉંગ્રેસને 77 બેઠકો મળી હતી. પરંતુ 2022 માં યોજાયેલી વિધાનસભામાં, જ્યારે કૉંગ્રેસ 17 બેઠકો પર જ જીતી શકી હતી, ત્યારે ભાજપ 156 બેઠકો જીતવામાં સફળ રહી હતી.
રાજકીય વિશ્લેષકો કહે છે કે ગુજરાતમાં ભાજપ ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે અને વિપક્ષ માટે કોઈપણ મુદ્દે તેની સામે લોકોનું સમર્થન મેળવવું ખૂબ મુશ્કેલ બની ગયું છે.
રાજીવ શાહનું કહેવું છે કે કૉંગ્રેસ આ મુદ્દાને પ્રચારનો મોટો મુદ્દો બનાવશે કે કેમ તે નક્કી નથી. તેઓ કહે છે કે જો કૉંગ્રેસ આ મુદ્દે પ્રચાર કરશે તો પણ ભાજપ તેનો હિંદુત્વ વિરોધી પગલા તરીકે ઉપયોગ કરવાનો પ્રયાસ કરશે. તેથી મને નથી લાગતું કે કૉંગ્રેસ આ મુદ્દાનો રાજકીય ઉપયોગ કરવાનો પ્રયાસ કરશે."
શાહ કહે છે કે તેમને નથી લાગતું કે લોકસભાની ચૂંટણી પહેલાં આ ચૂંટણીનો મુદ્દો બની જશે કે કોર્ટના આ નિર્ણયથી ગુજરાતના રાજકારણમાં કોઈ હલચલ થશે.
‘આ મુદ્દો જનતા સમક્ષ લઈ જઈશું’
અમે ગુજરાત ભાજપના પ્રવક્તા ઋત્વિજ પટેલ સાથે વાત કરી હતી અને સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પાર્ટીની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમણે આ મુદ્દે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
બીજી તરફ ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ભાજપનું મહોરું ઊતરી ગયું છે.
તેઓ કહે છે, "સરકાર અને કાયદાની જવાબદારી પીડિતોને રક્ષણ આપવાની અને તેમને ન્યાય આપવાની છે. તેનાથી વિપરીત ભાજપ સરકારનું વલણ અન્યાય કરનારાઓને કાયદાકીય રક્ષણ આપવાનું રહ્યું છે. હું માનું છું કે ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા આ આખી રમત રાજકીય નફો થાય તેના માટે રમવામાં આવી હતી. આ દોષિતોને એવી રીતે આવકારવામાં આવ્યા હતા જેઓ જાણે કે રાષ્ટ્રનિર્માણનું કામ કરીને પાછા આવ્યા હોય."
તેઓ કહે છે, "ભાજપે આ બાબતને પ્રોત્સાહન આપ્યું હતું. રાજકીય લાભ માટે રમાતી આ રમત પર આજે સુપ્રીમ કોર્ટે ભાજપને જોરદાર લપડાક મારી છે અને સંદેશો આપ્યો છે કે જે થયું તે ખોટું હતું. ભાજપનો અસલી ચહેરો સામે આવ્યો છે.”
દોશીનું કહેવું છે કે કૉંગ્રેસ પાર્ટી ચોક્કસપણે આ મુદ્દાને લોકો સમક્ષ ઉઠાવશે.