You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બીટીપીના અધ્યક્ષ મહેશ વસાવાના ભાજપમાં જોડાવાથી ચૈતર વસાવાને શો ફરક પડશે?
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી સંવાદદાતા
11મી માર્ચના રોજ ગાંધીનગરના ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે બીટીપી એટલે કે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના અધ્યક્ષ મહેશ વસાવા ભગવો ખેસ ધારણ કર્યો છે. તેઓ સીઆર પાટિલના હાથે ભાજપનો ખેસ પહેરીને ભાજપમાં સામેલ થયા છે.
મહેશ વસાવા એક સમયે ડેડિયાપાડાના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે.
નર્મદા અને ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં બીટીપીનું સારું એવું પ્રભુત્વ છે.
મહેશ વસાવાના ભાજપમાં જોડાવાના નિર્ણયને કારણે વસાવા પરિવારમાં ઘમસાણ છે.
બીટીપીના સ્થાપક છોટુભાઈ વસાવા તેમના પુત્રના ભાજપમાં જવાના નિર્ણયથી નારાજ છે. તેમણે જારી કરેલા એક વીડિયો નિવેદનમાં ભાજપ પર આરોપ લગાવતા કહ્યું હતું કે ભાજપે તેમને ગેરમાર્ગે દોરીને તેમના પડખે લઈ લીધા છે.
જોકે, મહેશ વસાવા કહે છે કે આખી દુનિયા ભાજપમાં જોડાઈ રહી હોય તો તેમને જવામાં શો વાંધો હોય શકે.
ભાજપ પણ માને છે કે મહેશ વસાવાના પાર્ટીમાં આવવાથી લોકસભાની ચૂંટણીમાં તેમને ફાયદો થશે, જ્યારે કે આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ માને છે કે મહેશ વસાવાના ભાજપમાં જવાથી કોઈ ફરક નહીં પડે.
જ્યારે કે જાણકારો કહે છે કે ભરૂચથી ઇન્ડિયા ગઠબંધન તરફથી ઊભા રહેલા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાને પરાસ્ત કરવાની ગણતરીથી ભાજપે મહેશ વસાવાને પોતાના પક્ષે કરવાનો નિર્ણય લીધો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેટલાક જાણકારો એમ પણ કહે છે કે ભાજપને જેટલી જરૂર મહેશ વસાવાની છે તેના કરતા વધારે મહેશ વસાવાને ભાજપની જરૂર છે.
પિતા-પુત્ર વચ્ચે રમખાણ
ભારતીય ટ્રાઇબલ પાર્ટીના અધ્યક્ષ મહેશ વસાવાએ જાહેરાત કરી છે કે તેઓ 11મી માર્ચે તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે.
તેમના ભાજપમાં જોડાવાના નિર્ણયથી મહેશ વસાવાના પિતા અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના સ્થાપક છોટુભાઈ વસાવા નારાજ છે.
તેમણે એક વીડિયો મારફતે તેમની પ્રતિક્રિયા આપી છે. આ વીડિયો અમને બીબીસીના અમારા સહયોગી સાજીદ પટેલ મારફતે પ્રાપ્ત થયો છે.
આ વીડિયોમાં આપેલા નિવેદન પ્રમાણે છોટુભાઈ વસાવાએ ભાજપ પર આરોપ લગાવ્યો છે કે તેમનો પુત્ર નાદાન છે અને ભાજપે તેને ગેરમાર્ગે દોરીને પોતાની પાર્ટીમાં લઈ જવાનો નિર્ણય કર્યો છે.
આ વીડિયોમાં છોટુભાઈ વસાવા કહે છે, "તેના ભાજપમાં કે અન્ય પાર્ટીમાં જવાથી સમાજ(આદિવાસી)નું ભલું નહીં થાય. આરએસએસ અને ભાજપ તથા કૉંગ્રેસે મળીને સમસ્યા ઉભી કરી છે અને અમે અમારી રીતે આ સમસ્યાનું નિવારણ લાવીશું."
છોટુભાઈ વસાવાએ એ લોકો પર પણ પ્રહાર કર્યો કે જે લોકો તેમની પાસે રાજનીતિ શીખીને અન્ય પાર્ટીમાં જતા રહે છે. તેમણે તેમના પર નિશાન તાકતા કહ્યું, "બની શકે તેમને સમાજ(આદિવાસી) ન ગમતો હોય કે તેમને કોઈ લાલચ હોય એવું પણ હોય શકે છે."
છોટુભાઈ વસાવાએ નવી પાર્ટી બનાવીને લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરવાનું એલાન પણ કર્યું છે.
જોકે, મહેશ વસાવાએ પોતાના પિતાના તમામ આરોપોને ફગાવીને કહ્યું છે કે તેમની સાથે તેમના પિતાના આશીર્વાદ પણ છે અને સમર્થન પણ.
મહેશ વસાવાએ બીબીસી ગુજરાતી સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, “મારા પિતા છોટુભાઈ વસાવાએ 1989માં ભાજપના ઉમેદવાર ચંદુભાઈ દેશમુખને સમર્થન આપ્યું હતું. ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવા જ્યારે પહેલીવાર લોકસભાની ચૂંટણીમાં ઉભા રહ્યા ત્યારે પણ તેમણે તેમને ટેકો આપ્યો હતો.”
મહેશ વસાવા વધુમાં જણાવે છે, “આખો દેશ ભાજપમાં જોડાઈ રહ્યો છે તેમાં હું જોડાઉં તો શું ખોટું છે? દેશનો વિકાસ થઈ રહ્યો છે, ભાજપના શાસન દરમિયાન આદિવાસીઓની રોજગારી અને શિક્ષણની સમસ્યા દૂર થતી હોય તો તેમાં જોડાવા સામે સવાલો કેમ?”
ગત વિધાનસભાની ચૂંટણી વેળા પણ પિતા અને પુત્ર વચ્ચે સંઘર્ષ થયો હતો.
ગત વિધાનસભાની ચૂંટણીમાં પહેલા બીટીપીએ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું હતું. પરંતુ તે લાંબું ચાલ્યું નહોતું અને બંને વચ્ચે ગઠબંધન તૂટી જવા પામ્યું હતું. પરંતુ બીટીપીના આગેવાન નેતા ચૈતર વસાવા બીટીપી છોડીને આપમાં જોડાઈ ગયા હતા અને તેમણે ડેડિયાપાડા ખાતેથી ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું.
આ ચૂંટણી અગાઉ ડેડિયાપાડાથી મહેશ વસાવા બીટીપીમાંથી ધારાસભ્ય પદે ચૂંટાયા હતા. પણ ચૈતર વસાવાની સામે ઉભા રહેવાને બદલે મહેશ વસાવાએ ઝગડિયા ખાતેથી ફોર્મ ભર્યું. ઝગડિયા એ મહેશ વસાવાના પિતા છોટુભાઈ વસાવાનો ગઢ મનાય છે, તેઓ અહીંથી સાત વખત ધારાસભ્ય બની ચૂક્યા છે. પરંતુ પાર્ટી પ્રમુખ મહેશ વસાવાએ છોટુભાઈને પાર્ટીનો મેન્ડેટ નહોતો આપ્યો. છોટુભાઈ વસાવાએ મહેશ વસાવાની ઉમેદવારીનો વિરોધ કર્યો. છોટુભાઈએ ન માત્ર વિરોધ કર્યો પરંતુ છોટુભાઈ વસાવાએ અપક્ષ ઉમેદવાર તરીકે ઝગડિયાથી ઝંપલાવ્યું.
જેને કારણે છોટુભાઈ વસાવાના અન્ય પુત્ર દિલીપ વસાવાએ પણ અપક્ષ પદે ઝંપલાવ્યું હતું જોકે બાદમાં તેમણે ફોર્મ પરત ખેંચ્યું હતું.
આખરે પિતા અને પુત્ર વચ્ચે સમાધાન થયું હતું અને મહેશ વસાવાએ પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી. જોકે છોટુભાઈ વસાવા ચૂંટણી હારી ગયા હતા અને તેમની પાર્ટીને એ ચૂંટણીમાં એક પણ બેઠકો મળી નહોતી.
વરિષ્ઠ પત્રકાર નરેન્દ્ર પાનવાલા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, "પિતા-પુત્ર વચ્ચે સંઘર્ષની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે છોટુભાઈ વસાવાએ તેમની પાર્ટીનું જોડાણ જેડીયુ સાથે કર્યું હતું."
"ત્યારે મહેશ વસાવા બીટીપીનું ગઠબંધન ભાજપ સાથે કરવા માગતા હતા પરંતુ છોટુભાઈ વસાવાની નારાજગીને કારણે તેઓ ન કરી શક્યા."
બીબીસી સહયોગી સાજીદ પટેલ જણાવે છે, "મહેશ વસાવાનો ભાજપ તરફ ઝૂકાવ પહેલાંથી જ છે. હવે છોટુભાઈ વસાવાની બીટીપીનું અસ્તિત્વ જોખમમાં છે. તેમને લાગે છે કે આદિવાસીઓ પર તેમનું પ્રભુત્વ ખતમ થઈ રહ્યું છે જેથી તેમણે ભાજપના પ્રવાહમાં ઝંપલાવવાનો નિર્ણય કર્યો."
કેવી થશે અસર?
ભરૂચ ખાતેથી આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા ચૂંટણી લડી રહ્યા છે. કૉંગ્રેસનું તેમને સમર્થન છે. ભાજપ તરફથી સતત સાતમીવાર મનસુખ વસાવાને ટિકિટ આપવામાં આવી છે.
ગુજરાતની રાજનીતિમાં આદિવાસી મતો મહત્ત્વપૂર્ણ છે. જો મહેશ વસાવા ભાજપમાં જોડાશે તો ભાજપને બીટીપીની તૈયાર કૅડર મળશે જે આપના ચૈતર વસાવા સામે મોટો પડકાર ઉભો કરી શકે.
ઝગડિયા, વાલિયા, નેત્રંગ અને ડેડિયાપાડામાં બીટીપીનું વર્ચસ્વ છે. ભલે હાલ વિધાનસભામાં તેની એક પણ બેઠક ન હોય પરંતુ છોટુભાઈ વસાવાને માનનારા આ વિસ્તારમાં ઓછા નથી.
જોકે કેટલાક જાણકારો કહે છે કે મહેશ વસાવાના ભાજપમાં જવાથી કોઈ ફરક નહીં પડે કારણકે છોટુભાઈ વસાવા તો ભાજપમાં નહીં જોડાય.
બીબીસી સહયોગી સાજીદ પટેલ વાતચીતમાં કહે છે, “જેટલો પ્રભાવ છોટુભાઈ વસાવાનો છે એટલો પ્રભાવ મહેશ વસાવાનો નથી. ભલે મહેશ વસાવા પાર્ટીના પ્રમુખ હોય પરંતુ તેઓ બીટીપી માટે વોટ ભેગા કરી શકે પરંતુ ભાજપને એટલા વોટ નહીં અપાવી શકે.”
વરિષ્ઠ પત્રકાર નરેન્દ્ર પેપરવાલા કહે છે, "ભાજપની ગણતરી ચૈતરની સામે મહેશ વસાવાનો ઉપયોગ કરવાની જ છે. મહેશ વસાવા પણ ખુદ ઇચ્છે છે કે ચૈતર વસાવા જો સંસદ બની જશે તો આ વિસ્તારમાં આદિવાસીની તેમની રાજનીતિ ખતમ થઈ જશે. તેથી ચૈતરને રોકવા અને તેને ટક્કર આપવા મહેશ વસાવા ભાજપમાં જોડાઈ રહ્યા છે."
સુરત ખાતેથી પ્રકાશિત ગુજરાત ગાર્ડિયન અખબારના તંત્રી મનોજ મિસ્ત્રી બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે, "મહેશ વસાવાનું ભાજપમાં જવું ભાજપ માટે અનુકૂળ છે. ભાજપની ગણતરી ચૈતરને નુકસાન કરવાની છે."
"એવું નથી કે ભાજપને જ મહેશ વસાવાની જરૂર છે. મહેશ વસાવાને પણ ભાજપની એટલી જ જરૂર છે. ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાને તેનો ફાયદો થશે અને આ મહેશ વસાવા અને ભાજપ માટે મરજીનો સોદો છે."
ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું શું કહેવું છે?
છોટુભાઈ વસાવા દ્વારા ભાજપ પર જે આરોપો લગાવવામાં આવ્યા છે તેને ભરૂચ જિલ્લા ભાજપ અધ્યક્ષ મારૂતિસિંહ અટોદરિયાએ ફગાવી દીધા છે.
મારૂતિસિંહ અટોદરિયા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે, "શું મહેશ વસાવા નાદાન છે, નાના છોકરા છે? દેશને પરમ વૈભવ સુધી પહોંચાડવાનું કામ જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે થઈ રહ્યું હોય ત્યારે કોઈ પણ તેમના અભિયાનમાં જોડાઈ શકે છે."
શું તેમની સાથે કોઈ સમજૂતિ થઈ છે? આ સવાલના જવાબમાં મારૂતિસિંહ અટોદરિયા જણાવે છે કે કોઈ સમજૂતિ થઈ નથી.
તેઓ કહે છે, "તેમના આવવાથી ભાજપને ફાયદો થશે. ખાસ કરીને ભરૂચના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાને. અમે પાંચ લાખ મતોથી આ ચૂંટણી જીતી રહ્યા છે."
આમ આદમી પાર્ટીના નેતા અને ગુજરાત પ્રદેશના આપના પૂર્વ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા કે જેઓ હાલ ભરૂચ ખાતે ચૈતર વસાવાને મદદ કરી રહ્યા છે તેમણે બીબીસી ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી.
ગોપાલ ઈટાલિયા કહે છે, "મહેશ વસાવા કોઈ પણ પાર્ટીમાં જોડાય ચૈતર વસાવાના અભિયાનમાં કોઈ ફરક નહીં પડે."
ગોપાલ ઈટાલિયા ભાજપના ભરતી અભિયાન પર કટાક્ષ કરતા કહે છે, "મને તો ભાજપના જૂના કાર્યકર્તાઓ પર દયા આવે છે. તેમની ફરજ માત્ર ઝંડા ઉઠાવવાની અને પાથરણા પાથરવાની જ રહી છે. જ્યારે કે સરકાર અને સંગઠનમાં ઉચ્ચપદે બહારથી કે અન્ય પક્ષમાંથી આવેલા લોકો બેસી ગયા છે."
કૉંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલ કહે છે, "મહેશ વસાવાના ભાજપમાં જવાને લઈને તેમના પિતા છોટુભાઈ વસાવા જે પ્રકારે આક્રંદ કરી રહ્યા છે તે જોતાં લાગે છે કે જે પોતાના પિતાના ન થયા તે પાર્ટીને કઈ રીતે વફાદાર રહી શકશે?"
ભરૂચ જિલ્લાના કૉંગ્રેસ નેતા ઈશ્વરસિંહ પટેલ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, "મહેશ વસાવાના ભાજપમાં જોડાવાથી એટલો ફરક નહીં પડે કારણકે છોટુભાઈ વસાવા હજુ ભાજપમાં નથી જોડાયા. ઊલટું મહેશ વસાવાના ભાજપમાં જોડાવાથી જે આદિવાસીઓ પહેલા બીટીપીને વોટ આપતા હતા તે હવે ચૈતર વસાવાને વોટ આપશે."
કોણ છે મહેશ વસાવા?
56 વર્ષના મહેશ વસાવા 78 વર્ષના છોટુભાઈ વસાવાના પુત્ર છે.
નરેન્દ્ર પેપરવાલા કહે છે, "છોટુભાઈ વસાવાએ બે વખત લગ્ન કર્યાં છે. પહેલા પત્નીનું નિધન થયું છે. પ્રથમ પત્ની થકી જે પુત્ર છે તેનું નામ મહેશ વસાવા અને બીજી પત્ની થકી જે બે પુત્રો છે તેમનું નામ દિલીપ અને કિશોર."
છોટુભાઈ સાત વખત ઝઘડિયા ખાતેના ધારસભ્ય રહી ચૂક્યા છે. મહેશ વસાવાને છોટુભાઈ વસાવાના રાજકીય વારસદાર તરીકે ગણવામાં આવે છે.
મહેશે બીટીપીની રચનામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેનો જન્મ ભીલીસ્તાન ટાઇગરસેનાની ચળવળમાંથી થયો હતો.
2017માં જેડીયુના વિભાજન બાદ મહેશે બીટીપીની શરૂઆત કરી હતી. શરદ યાદવની આગેવાની હેઠળના જૂથે પક્ષના ચૂંટણી પ્રતિક પર અધિકાર ગુમાવ્યો હતો જેને કારણે તેમણે બીટીપીની રચના કરી હતી.
ચૂંટણીપંચમાં દાખલ સોગંદનામા પ્રમાણે મહેશ વસાવા સ્કૂલ પાસઆઉટ છે. વ્યવસાયે તેઓ ખેડૂત તરીકે ઓળખાવે છે.
ચૂંટણીપંચમાં દાખલ તેમના સોગંદનામા પ્રમાણે મહેશ વસાવા સામે 1991થી અત્યારસુધી 24 ક્રિમિનલ કેસો નોંધાયેલા છે.
2016માં અંકલેશ્વર કોર્ટ દ્વારા હત્યાના પ્રયાસના એક કેસમાં તેમને અને તેમના બે ભાઈઓને દોષિત ઠરાવી ત્રણ વર્ષની કેદની સજા ફટકારી હતી. કેસની સુનાવણી દરમિયાન ભોગ બનનાર યુવતી ફરી ગઈ હતી. ગુજરાત હાઇકોર્ટે મહેશને જામીન આપ્યા હતા. સજા સામેની અપીલ હાઇકોર્ટ સમક્ષ પેન્ડિંગ છે.
મહેશ વસાવાએ તેમની પાર્ટીનું એક સમયે જોડાણ કૉંગ્રેસ સાથે અને એઆઈએમઆઈએમ એટલે કે ઓવૈસીના પક્ષ સાથે પણ કર્યું હતું. પણ આ જોડાણ બહુ લાંબો સમય રહ્યું નહોતું.
ભરૂચ લોકસભાની બેઠક પર સાત વિધાનસભા બેઠકો છે. કરજણ, ડેડિયાપાડા, જંબુસર, વાગરા, ઝઘડિયા, ભરૂચ અને અંકલેશ્વર. આ સાત પૈકી ડેડિયાપાડામાં આપના ચૈતર વસાવા ધારાસભ્યપદે ચૂંટાયા છે. જે હાલ લોકસભાની બેઠકના ઉમેદવાર છે. બાકીની તમામ 6 બેઠકો ભાજપ પાસે છે.
ભાજપમાં જોડાવાને કારણે ચૂંટણીના પરિણામ પર કેવી અસર થશે તેના સવાલના જવાબમાં મહેશ વસાવા બીબીસી ગુજરાતીને કહે છે, "ચૈતર વસાવા સોશિયલ મીડિયાનો જ નેતા છે, ગ્રાઉન્ડ પર તેનું કોઈ વજૂદ નથી. આ ચૂંટણી બાદ આપનું પાર્ટી તરીકેનું વર્ચસ્વ પૂર્ણ થઈ જશે."
જ્યારે આપના નેતા ગોપાલ ઈટાલિયા કહે છે, "મહેશભાઈ જેવા નેતાઓએ નવયુવાન આદિવાસી નેતા જેવા કે ચૈતર વસાવાને સમર્થન આપવું જોઈએ તેને બદલે તેઓ ભાજપમાં જોડાય છે પણ તેનાથી ચૈતર વસાવાને કોઈ ફરક પડતો નથી."
નરેન્દ્ર પેપરવાલા કહે છે, "આ વિસ્તારમાં મુસ્લિમો અને આદિવાસીઓ એક તરફી મતદાન કરે તો પરિણામ પલટાઈ શકે છે. ભાજપ તે જાણે છે તેથી જ મહેશ વસાવાને પોતાના પડખે કર્યા છે. ચૂંટણી જાહેર થયા બાદ વધુ અપક્ષ મુસ્લિમો કે આદિવાસીઓ આ વિસ્તારમાં ઉમેદવાર તરીકે ઊભા રહે તો નવાઈ નહીં?"