વાઇબ્રન્ટ ગુજરાતથી રાજ્યના વિકાસમાં કેટલો ફાયદો થયો અને ભાજપને તે કેટલું ફળ્યું?

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતને ‘વિકસિત રાજ્યની’ છબી બનાવવામાં મહત્ત્વનો ફાળો આપનાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ(વીજીજીઆઇએસ)ને આ વર્ષે 20 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. દર બીજા વર્ષે યોજવામાં આવતી સમિટમાં કરોડો રૂપિયાનાં એમઓયુ (મેમૉરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ - સમજૂતી કરાર) કરવામાં આવે છે અને દાવો કરવામાં આવે છે કે લાખો લોકોને રોજગારી મળશે.

બે દાયકાની સફર દરમિયાન વીજીજીઆઇએસ ગુજરાતના વિકાસના મૉડલનું એક ઉદાહરણ તરીકે રજૂ થયું હોવાથી તેણે ગુજરાતમાં ભાજપ સરકારને એક મજબૂત પકડ આપી છે. પરંતુ આ સમિટથી ગુજરાતની જનતા, રાજ્યની આર્થિક સ્થિતિ અને લોકોની સુખાકારીમાં શું ખરેખર વધારો થયો છે?

આ વર્ષે વાઇબ્રન્ટ ગુજરાતની 10મી આવૃત્તિ ગાંધીનગરસ્થિત મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટરમાં 10-12 જાન્યુઆરી દરમિયાન યોજવામાં આવશે. રશિયા, સાઉદી અરેબિયા સહિત 28 દેશો વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લઈ રહ્યા છે. જોકે 2011થી વાઇબ્રન્ટમાં પાર્ટનર રહેનાર કૅનેડા આ વખતે ભાગ લઈ રહ્યું નથી.

એક અહેવાલ મુજબ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પહેલાં ગુજરાત સરકારે વિવિધ કંપનીઓ સાથે 10.31 લાખ કરોડ રૂપિયાના 234 એમઓયુ પર સહી કરી છે. આ કંપનીઓ રાજ્યમાં વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરશે જેનાથી 12.89 લાખ નોકરીનું સર્જન થશે એવો દાવો કરવામાં આવ્યો છે.

3 જાન્યુઆરીએ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રૂપિયા 7 લાખ કરોડનાં એમઓયુ પર સહી કરવામાં આવી હતી. રાજ્ય સરકાર પ્રમાણે એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં એમઓયુ પર સહી થઈ હોય તેવી પ્રથમ ઘટના છે.

આ વર્ષે ઉત્સાહ સ્પષ્ટ છે કારણ કે સરકાર ત્રણ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ - ગાંધીનગરમાં ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ) સિટી, સુરતમાં ડાયમંડ રિસર્ચ ઍન્ડ મર્કેન્ટાઇલ (ડ્રીમ) સિટી અને અમદાવાદ જિલ્લાના ધોલેરાનું વાઇબ્રન્ટમાં પ્રદર્શન કરશે. ટેસ્લા ગ્રૂપના સીઈઓ એલોન મસ્ક વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લે એવી શક્યતા છે. ટેસ્લા ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત પણ કરી શકે છે.

'વાઇબ્રન્ટ ગુજરાત'નો વિચાર કેવી રીતે આવ્યો હતો?

નરેન્દ્ર મોદી સાથે કામ કરી ચૂકેલા અમુક સિનિયર નેતાઓ પ્રમાણે મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે તેમને ઉદ્યોગો માટે કંઈક કરવાની સલાહ મળી રહી હતી.

“નવા ઉદ્યોગો, નવી રોજગારી, નવા રોકાણ માટે તેમણે વાઇબ્રન્ટ ગુજરાત શરૂ કરવાનું આયોજન કર્યું હતું અને મને ખુશી છે કે તેને હવે 20 વર્ષ થઈ રહ્યાં છે.” બીબીસી ગુજરાતી સાથે વાત કરતા ભૂતપૂર્વ નાયબ મુખ્ય મંત્રી અને પહેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ સમયે કૅબિનેટ મંત્રી રહેલા નીતિન પટેલે બીબીસી ગુજરાતીને આ વાત કરી.

દર બે વર્ષે યોજનાર વીજીજીઆઇએસએ 2003થી 2019 સુધી 1,04,872 એમઓયુ કર્યાં છે. જેમાંથી નવેમ્બર 2021 પ્રમાણે 70,742 પ્રોજેક્ટ પૂર્ણ થયા છે, જ્યારે 3,661 કમિશન સ્ટેજ પર છે. એટલે કે સરકારી આંકડા પ્રમાણે 67.45% જેટલા પ્રોજેક્ટ શરૂ થઈ ચૂક્યા છે અથવા તો શરૂ થવાના છે.

જોકે સપ્ટેમ્બર 2023માં અમદાવાદના સાયન્સ સિટીમાં આ સમિટ વિશે વાત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે "આ સમિટ માત્ર રાજ્યની બ્રાન્ડ માટે નહીં પરંતુ બૉન્ડ માટેની છે."

તેમણે કહ્યું હતું કે 'ભૂકંપ, કોમી તોફાનો અને લાંબા દુકાળ વચ્ચે વીજીજીઆઇએસની શરૂઆત કરવામાં આવી હતી અને તેમને ખબર હતી કે તેઓ રાજ્યને આ ખરાબ સમયથી બહાર કાઢી લેશે. ' તેમના ભાષણમાં તેમણે તે સમયની કેન્દ્રની સરકાર પર ગુજરાત માટેના દુર્વ્હવહારનો પણ આરોપ લગાવ્યો હતો.

જોકે વીજીજીઆઇએસ કેટલી સફળ છે તેનો કોઈ એક જવાબ મળતો નથી કારણ કે તેમાં સહી કરાયેલાં એમઓયુ, રોકાણની રકમ, રોજગારની તકો વગેરે પર અનેકવાર સવાલ ઊભા થયા છે. વીજીજીઆઇએસના MoUsમાં નોંધાયેલી રોકાણની રકમ 2011 પછી જાહેર કરવામાં નથી આવી.

જોકે એમઓયુની જગ્યાએ તે બાદની સમિટમાં ‘ઇન્વેસ્ટમૅન્ટ ઇન્ટેન્શન્સ (રોકાણનો ઇરાદા)’ અને ‘સ્ટ્રૅટજિક પાર્ટનરશિપ ઇન્ટેન્શન્સ (વ્યૂહાત્મક ભાગીદારીના ઇરાદા)’ જેવા શબ્દોએ લઈ લીધી હતી. સરકારી આંકડા પ્રમાણે 2003થી 2011 સુધીમાં કૂલ 17,705 પ્રોજેક્ટ માટે એમઓયુ પર સહી કરવામાં આવી હતી.

જેમાંથી નવેમ્બર 2011 પ્રમાણે 1,907 પ્રોજેક્ટ પૂર્ણ થયા હતા અને 1,710 પ્રોજેક્ટ પ્રોસેસમાં હતા. આ આંકડા પ્રમાણે જે તે સમયે પૂર્ણ થયેલા પ્રોજેક્ટની ટકાવારી 10.77 ટકા જ્યારે પ્રોસેસમાં હતા તેવા પ્રોજેક્ટની ટકાવારી લગભગ 9.68 ટકા હતી. જોકે ત્યારબાદ રાજ્ય સરકારે ક્યારેય રોકાણની રકમ અને પ્રોજેક્ટની સંખ્યાની વિગત બહાર પાડી નથી.

વાઇબ્રન્ટ ગુજરાત - પ્રથમ સમિટ કેવી હતી?

સપ્ટેમ્બર-નવેમ્બર 2003માં પ્રથમ વાઇબ્રન્ટ સમિટ યોજાઈ હતી. આ સમિટ ખૂબ જ નાના પાયે અમદાવાદના ટાઉન હોલમાં યોજાઈ હતી. તે સમયના નાયબ વડા પ્રધાન એલ. કે. અડવાણીના હસ્તે આ સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને મુકેશ અંબાણી સહિત વિવિધ ઉદ્યોગપતિઓએ હાજરી આપી હતી.

આ વિશે વાત કરતા નીતીન પટેલ કહે છે કે, “આ સમિટને સફળતા મળી, ત્યારબાદ દર વર્ષે તેનું ફલક મોટું કરતા ગયા અને તેમાં ભાગ લેનારાની સંખ્યા પણ વધતી ગઈ હતી.”

જોકે, તે સમયે ગુજરાતની ભાજપની ટીમ માટે સૌથી મોટો પડકાર વિવિધ રોકાણકારોને ગુજરાત લાવવાનો હતો.

નીતિન પટેલ કહે છે, “વિવિધ ઉદ્યોગપતિઓને મળીને તે સમયે નેતાઓની અમારી ટીમ તેમને નરેન્દ્ર મોદીના વિઝન વિશે સમજાવતી અને જે-તે ઉદ્યોગને અનુરૂપ જે-તે વિસ્તારમાં તે પ્રમાણેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ એક ચોક્કસ સમયમાં અમે ઊભું કરતા હતા.”

“મને યાદ છે કે અમારા અધિકારીઓની ટીમ વિવિધ દેશોમાં જાય અને તેમને ગુજરાત વિશે વાત કરે અને તેમને આશ્વાસન આપે કે તેમને જોઈતી તમામ સગવડો રાજ્યમાં મળી રહેશે.”

પ્રથમ વીજીજીઆઇએસ સમયે નરેન્દ્ર મોદીની સરકારમાં અર્બન ડેવલપમૅન્ટ અને કૅપિટલ બિલ્ડિંગનો પૉર્ટફોલિયો સંભાળતા આઈ. કે. જાડેજાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું, “આવું પહેલીવાર થઈ રહ્યું હતું કે તમામ કામગીરી માટે એક જ જગ્યાએ સંપર્ક કરવાનો હોય. એટલે કે ‘સિંગલ વિન્ડો ક્લીયરન્સ’નો કૉન્સેપ્ટ પહેલીવાર મોદી ઉદ્યોગો માટે લઈને આવ્યા હતા. હું માનું છું કે ત્રીજી વીજીજીઆઇએસ સુધી લોકોને સમજાવવા અને તેમને અહીં સુધી લાવવા થોડી વધારે મહેનત કરવી પડી હતી પરંતુ ત્યારબાદ તો વીજીજીઆઇએસ પોતે જ એક બ્રાન્ડ બની ગઈ હતી.”

આવી જ રીતે રાજ્યનું લઘુ અને સુક્ષ્મ ઉદ્યોગનું સૅક્ટર પણ માને છે કે તેમને વીજીજીઆઇએસને કારણે ફાયદો થયો છે.

આ વિશે બીબીસી ગુજરાતીએ ગુજરાત ચૅમ્બર ઑફ કોમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝ(જીસીસીઆઇ)ની એમએસએમઇ કમિટીના ચૅરમૅન તેજસ મહેતા સાથે વાત કરી.

તેઓ કહે છે, “સામાન્ય રીતે સમિટમાં મોટી મલ્ટી નેશનલ કંપનીઓ એમઓયુ કરતી હોય છે. તેમાં અમારું કોઈ મોટું કામ નથી પરંતુ તે એમએનસી જ્યારે બજારમાં આવે ત્યારે તેને ઘણી નાની વસ્તુઓ, મશીનરી વગેરેની જરૂર હોય તેવા સમયે એમએસએમઇને સારો ફાયદો થાય છે. જેમકે મારૂતી કે તાતાને કારણે ઑટોમોબાઇલ્સના ઍન્સીલરી સૅક્ટર માટે અનેક નવી તકો ઊભી થઈ છે.”

વાઇબ્રન્ટ ગુજરાતે નરેન્દ્ર મોદીને કેવો ફાયદો કરાવ્યો?

વાઇબ્રન્ટ સમિટ માત્ર ગુજરાતને નહીં પરંતુ નરેન્દ્ર મોદીની પસર્નલ ઇમેજ બનાવવામાં ઘણી મદદરૂપ બની છે. 2011 અને 2013 વાઇબ્રન્ટ સમિટમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વનાં વખાણ થયાં હતા અને તેમને ભારતના સૌથી યોગ્ય નેતા કહેવામાં આવ્યા હતા.

મુકેશ અંબાણી, અનિલ અંબાણી, રતન તાતા, આદિ ગોદરેજ જેવા ઉદ્યોગકારોએ ગુજરાતના વિકાસ પાછળ નરેન્દ્ર મોદીની ભૂમિકાનાં વખાણ કર્યાં હતાં અને કહ્યું હતું કે તેમના નેતૃત્વના કારણે ગુજરાતમાં ચારેબાજુ વિકાસ થઈ રહ્યો છે.

2011ના વાઇબ્રન્ટ સમિટમાં મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, ‘‘ગુજરાત સોનાના દીપકની જેમ ચમકી રહ્યું છે અને તેનો શ્રેય નરેન્દ્ર મોદીના દૂરંદેશીભર્યા, અસરકારક અને પ્રખર નેતૃત્વને જાય છે. લોકોના જીવનની ગુણવત્તા અને સમૃદ્ધિ પ્રત્યે ગુજરાતની પ્રતિબદ્ધતાને જોતાં, મને કોઈ શંકા નથી કે ગુજરાત ભારતમાં ગરીબી દૂર કરનારું પ્રથમ રાજ્ય હશે."

આવી જ કંઈક વાત રતન તાતાએ નેનો પ્લાન્ટ સાણંદમાં સ્થાપિત કર્યા બાદ કરી હતી.

‘‘અમે જ્યારે પ્લાન્ટ માટે જગ્યા શોધી રહ્યા હતા ત્યારે નરેન્દ્ર મોદીએ અમને ઝડપથી તમામ આયોજન કરી આપવાની બાંયધરી આપી હતી અને તેમણે આ કરી પણ આપ્યું. તેઓ ગુજરાતને એક અલગ ઊંચાઈએ લઈ ગયા છે.’’

વિકાસની વાત કેટલી સાચી?

વીજીજીઆઇએસ જ્યારે શરૂ થયું ત્યારે ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના નેતા અર્જુન મોઢવાડિયા હતા. હવે તેઓ પોરબંદરના ધારાસભ્ય છે. તેઓ કહે છે, “આ બધી ઉપર ઉપરની વાતો છે. ગુજરાતનો વિકાસ 2002 પહેલાં પણ એટલો જ હતો.”

મોઢવાડીયા વધુમાં કહે છે, “અમે વર્ષોથી માગ કરી રહ્યા છીએ કે રાજ્ય સરકાર એક શ્વેતપત્ર બહાર પાડે જેમાં તેઓ વીજીજીઆઇએસની ઇવેન્ટ માટે કરેલો ખર્ચ, સહી કરેલા એમઓયુ અને તેના રોકાણની વિગત, તેમાંથી કેટલા પ્રોજેક્ટ ધરાતળ પર કાર્યરત્ છે? કેટલી રોજગારી મળી? આ તમામ વિગતો હોય. જેથી લોકોને ખબર પડે કે ખરેખર આનાથી લોકોને ફાયદો થયો છે કે કોઈ એક વ્યક્તિને.”

આ વિશે બીબીસી ગુજરાતીએ અર્થશાસ્ત્રી હેમંતકુમાર શાહ સાથે વાત કરી હતી. ‘સચ્ચાઈ ગુજરાત કી’ નામના તેમના પુસ્તકમાં તેમણે વિવિધ આંકડાઓના આધારે એવું કહ્યું છે કે વાઇબ્રન્ટ ગુજરાતને કારણે ગુજરાતને ફાયદો નહીં પરંતુ નુકસાન થયું છે.

“1980 થી 1995 સુધી દેશની જીડીપી (ગ્રોસ ડૉમેસ્ટિક પ્રોડ્યુસ) કરતાં ગુજરાત રાજ્યની સ્ટેટ ડૉમેસ્ટિક પ્રોડ્યુસ (એસડીપી) બમણી હતી. એટલે કે જ્યારે ભારતની જીડીપી 5.5 ટકા હતી ત્યારે ગુજરાતની એસડીપી 10 ટકા કરતાં પણ વધારે હતી. ભારત અને ગુજરાતના ડૉમેસ્ટિક પ્રોડ્યુસમાં અંતર ખૂબ વધારે હતું, પરંતુ 2001 પછી આ અંતર ઘટતું ગયું એટલે કે ગુજરાતની એસડીપી ઘટતી ગઈ અને જે એસડીપી એક સમયે રાષ્ટ્રીય GDP કરતાં બમણી હતી તે માત્ર 2 કે 3 ટકા જેટલી જ વધારે રહી છે.”

ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના વિવિધ આંકડાઓને ટાંકીને તેમના પુસ્તકમાં તેઓ લખે છે, “1992 થી 2008 સુધીનાં 16 વર્ષના સમયગાળામાં ભારત સરકાર પ્રમાણે 1,424 નવા પ્રોજેક્ટ શરૂ થયા. જેમાં 79,396 કરોડનું રોકાણ થયું છે. જ્યારે 2003, 2005, અને 2007ની ત્રણ વીજીજીઆઇએસનું કુલ રોકાણ રૂપિયા 1.74 લાખ કરોડનું બતાવવામાં આવ્યું છે.”

તેમણે કહ્યું, “એક અર્થશાસ્ત્રી તરીકે હું માનું છું કે જે કહેવામાં આવે છે અને જે આંકડા કહી રહ્યા છે તેમાં ખૂબ મોટો ફરક છે.”

નીતિન પટેલ જણાવે છે કે તે કર્મચારીઓનાં રહેઠાણથી લઈ રસ્તા વગેરે જેવાં અનેક વિકાસનાં કામો વીજીજીઆઇએસને કારણે થયાં છે. તેમનું માનવું છે કે અનેક રાજ્યોએ ગુજરાતની વીજીજીઆઇએસની જેમ રોકાણકારોને બોલાવવા ગુજરાતનાં મૉડલને અનુસર્યું હતું.

વાઇબ્રન્ટ ગુજરાતથી કોને ફાયદો?

વીજીજીઆઇએસને કારણે રાજ્યનાં અનેક સ્થળો પર નવા પ્રોજેક્ટ બન્યા છે. તેમાં સાણંદ સૌથી મોખરે છે. સાણંદની અમુક કંપનીમાં હાલમાં ઘણા યુવાનોએ નોકરી ગુમાવી છે. આવા બેરોજગાર યુવાનો માટે કામ કરતા અને ‘કામદાર એકતા સંઘ’ નામની એક સંસ્થાના સેક્રેટરી અંકુર ચાવડાએ આ વિશે બીબીસી ગુજરાતી સાથે વાત કરી.

તેઓ જણાવે છે, “મોટા ભાગની ઑટોમોબાઇલ કંપનીઓ મિકેનિકલ સ્ટાફને કૉન્ટ્રેક્ટ પર નોકરી કરાવીને થોડાં વર્ષો બાદ છુટા કરી દે છે અને અમારી જગ્યાએ ઓછા પગારમાં બીજા લોકોને કામ પર લઈ લે છે. હું માનું છું કે જો આવી સ્થિતિ રહે તો નવી નોકરી તો મળે પણ તેમાં પ્રગતિ ન થાય.”

વિરોધપક્ષ વીજીજીઆઇએસ સંબંધિત દાવા સાથે સહમત નથી થતો ત્યારે આ વિશે બીબીસી ગુજરાતીએ રાજકીય વિશ્લેષક વિદ્યુત જોષી સાથે વાત કરી.

તેઓ કહે છે, “દેશના રાજકારણમાં સ્પીડી પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રિયલાઝેશન (એસપીઆઈ - ઝડપી ખાનગી ઔદ્યોગિકીકરણ) અને મેજોરિટેરિએનિઝમ એમ બે પ્રવાહો ચાલી રહ્યા છે. ભારતના રાજકારણમાં મેજોરિટેરિએનિઝમની શરૂઆત આમ તો એલ. કે. અડવાણીએ કરી હતી અને નરેન્દ્ર મોદી તેમજ તેમના સાથીઓએ હિન્દુત્વની વાત કરી તેને આગળ વધારી છે. એસપીઆઈ માટે નરેન્દ્ર મોદીએ વીજીજીઆઇએસનો ઉપયોગ કર્યો. જેમાં તેઓ બહુરાષ્ટ્રીય કંપનીઓના લોકોમાં ખૂબ પ્રખ્યાત થઈ ગયા, અને ‘આપણો માણસ’ની એક નવી ઇમેજ ઊભી કરી, જેના કારણે ભારતના રાજકારણમાંથી બિનસાંપ્રદાયિકતા અને સામ્યવાદ જેવા શબ્દો અદૃશ્ય થઈ ગયા. જેના કારણે હું માનું છું કે ભાજપને અને નરેન્દ્ર મોદીને બન્નેને વીજીજીઆઇએસથી ફાયદો થયો છે.”

જોકે, જાડેજા ઉમેરે છે, “આજે ગુજરાતને દેશના ગ્રોથ એંજિનનું નામ મળ્યું છે. તે પાછળ વીજીજીઆઇએસનું યોગદાન મોટું છે.”

સરકારી આંકડા

  • 2003 થી 2019 સુધી કૂલ 1,04,872 પ્રોજેક્ટના એમઓયુ થયા છે. જેની 30મી નવેમ્બર 2021 સુધી 70,742 પ્રોજેક્ટ પૂર્ણ થયા છે અને 3,661પ્રોજેક્ટ્સ કમિશન સ્તર પર છે.
  • સરકારી આંકડા પ્રમાણે 2013 સુધી જેટલાં એમઓયુ થયા હતા. તેમાંથી 57.43% જેટલા કમિશન અથવા તો કમિશન થવાની પ્રક્રિયામાં હતા. જ્યારે 2016 સુધી આ ટકાવારી 65.86 ટકા સુધી પહોંચી હતી.
  • 2003ના પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટમાં 76 એમઓયુ થયા હતા. જેમાં 66,068.50 કરોડ રૂપિયાના રોકાણની વાત કરવામાં આવી હતી.
  • 2005ની બીજી સમિટમાં કુલ 226 એમઓયુ થયા હતા. જેમાં 1,06,160 કરોડ રૂપિયાના રોકાણની વાત કરવામાં આવી હતી. જેમાંથી 42 પ્રોજેક્ટ શરૂ થયા છે. જેમાં 7,787 કરોડનું રોકાણ થયું છે.
  • 2007ની સમિટમાં 363 એમઓયુ પર સહી થઈ હતી. જેમાં 4,61,835 કરોડ રૂપિયાના રોકાણની વાત કરવામાં આવી હતી અને 13,26,387 રોજગાર ઊભી કરવાની વાત કરવામાં આવી હતી. આ વર્ષમાં સૌથી વધુ એગ્રો ઍન્ડ ફૂડ પ્રોસેસિંગ માટે એમઓયુ કરવામાં આવ્યા હતા.
  • 2009ની સમિટમાં 28 વિવિધ સૅક્ટરમાં 8,660 એમઓયુ થયા. જેમાં 12.40 લાખ કરોડનાં રોકાણો અને 26.83 લાખ રોજગારીની વાત કરાઈ હતી.
  • 2011ની સમિટમાં 7,936 એમઓયુ થયા. જેમાં 20.83 લાખ કરોડ રૂપિયાના રોકાણની વાત કરાઈ છે.
  • 2013માં એમઓયુની જગ્યાએ ‘ઇન્વૅસ્ટમેન્ટ ઇન્ટેન્શન્સ’ અને ‘સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ઇન્ટેશન્સ’ થયા હતા. જેની સંખ્યા અનુક્રમે 17,719 અને 2,670 હતી.
  • 2015માં ‘ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટેન્શન્સ’ અને ‘સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ઇન્ટેશન્સ' અનુક્રમે 21,000 અને 1,225 રહ્યા હતા.
  • આ પછીની સમિટના આંકડા સરકારે જાહેર કર્યા નથી.

(સ્રોત : વાણિજ્યવિભાગ, ગુજરાત સરકાર)