ગુજરાત : ભાજપે વીસાવદરમાં આપ અને કૉંગ્રેસમાંથી આવેલા ઉમેદવારોને ટિકિટ કેમ ન આપી?

બીબીસી ગુજરાતી ભાજપ કૉંગ્રેસ આપ વીસાવદર પેટાચૂંટણી હર્ષદ રિબડિયા ભૂપત ભાયાણી

ઇમેજ સ્રોત, facebook

    • લેેખક, અજિત ગઢવી
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતમાં 19 જૂને કડી અને વીસાવદરની વિધાનસભાની બેઠક માટે પેટાચૂંટણી યોજાવાની છે, જેમાં ભાજપ, કૉંગ્રેસ અને આપ સહિતના રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે.

આ પેટાચૂંટણીમાં વીસાવદરની બેઠક પર ખાસ નજર છે, કારણ કે આમ આદમી પાર્ટીએ આક્રમક છબી ધરાવતા નેતા ગોપાલ ઇટાલિયાને ટિકિટ આપી છે, જ્યારે ભાજપે કિરીટ પટેલને અને કૉંગ્રેસે નીતિન રાણપરિયાને ઉમેદવાર બનાવ્યા છે.

વીસાવદરમાં ભાજપ કોને ટિકિટ આપશે તેના માટે અલગ-અલગ નામો ચર્ચાતાં હતાં, પણ બધી અટકળો ખોટી પડી છે.

2022ની ચૂંટણીમાં આપની ટિકિટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હોવા છતાં પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયેલા ભૂપત ભાયાણીને વીસાવદરમાં ટિકિટ મળશે તેવી અટકળો હતી.

આ ઉપરાંત કૉંગ્રેસનું ધારાસભ્યપદ છોડીને ભાજપમાં જોડાયેલા હર્ષદ રિબડિયાનું નામ પણ ચર્ચામાં હતું, પરંતુ ભાજપે ભૂપત ભાયાણી અને હર્ષદ રિબડિયાને સાઇડમાં મૂકીને કિરીટ પટેલને ઉમેદવાર બનાવ્યા છે.

વીસાવદરની ચૂંટણીની ગૂંચવણ

બીબીસી ગુજરાતી ભાજપ કૉંગ્રેસ આપ વીસાવદર પેટાચૂંટણી હર્ષદ રિબડિયા ભૂપત ભાયાણી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, હર્ષદ રિબડિયાએ 2022માં કૉંગ્રેસ છોડી ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું હતું

ઉત્તર ગુજરાતના કડીમાં ભાજપના ચાલુ ધારાસભ્ય કરસન સોલંકીનું અવસાન થતાં બેઠક ખાલી પડી હતી, પરંતુ વીસાવદરને કાયદાકીય ગૂંચવણ નડી રહી હતી.

વીસાવદરમાં 2017માં હર્ષદ રીબડિયા કૉંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. ત્યાર પછી ડિસેમ્બર 2022માં વિધાનસભાની ચૂંટણી અગાઉ ઑક્ટોબર મહિનામાં તેમણે કૉંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું અને ભાજપમાં જોડાઈ ગયા.

રાજીનામું આપ્યા બાદ રિબડિયાએ પત્રકારો સાથેની વાતચીતમાં "કૉંગ્રેસ દિશાવિહીન થઈ ગઈ હોવાની" અને "પોતે એકલા પડી ગયા" હોવાની વાત કરી હતી.

શરૂઆતમાં તેમણે ભાજપમાં જોડાવાની અટકળોને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે, "હું હજુ કોઈની સાથે બેઠો નથી. કઈ પાર્ટીમાં જોડાવાનું છું એ અંગે કંઈ નક્કી નથી કર્યું." પરંતુ અંતે તેઓ ભાજપમાં જોડાઈ ગયા.

ડિસેમ્બર 2022માં ચૂંટણી થઈ ત્યારે ભાજપના ઉમેદવાર તરીકે હર્ષદ રિબડિયા હારી ગયા અને આમ આદમી પાર્ટીની ટિકિટ પર ભૂપત ભાયાણીની જીત થઈ. ભૂપત ભાયાણી પણ મૂળ ભાજપમાંથી જ આવેલા હતા.

હર્ષદ રિબડિયાએ ભૂપત ભાયાણી પર ફૉર્મમાં ખોટી વિગત આપવાનો આરોપ મૂકીને તેમની જીતને હાઇકોર્ટમાં પડકારી હતી.

આ દરમિયાન ભૂપત ભાયાણી આપને છોડીને ફરી ભાજપમાં જોડાઈ ગયા, પરંતુ કોર્ટ કેસ ચાલતો હોવાથી વીસાવદરમાં વિધાનસભાની પેટાચૂંટણી યોજી શકાઈ ન હતી.

માર્ચ 2025માં હર્ષદ રિબડિયાએ હાઇકોર્ટમાંથી પિટિશન પરત લેતા ચૂંટણીનો માર્ગ મોકળો થયો હતો.

પક્ષપલટો કર્યા પછી ટિકિટ કેમ ન મળી?

બીબીસી ગુજરાતી ભાજપ કૉંગ્રેસ આપ વીસાવદર પેટાચૂંટણી હર્ષદ રિબડિયા ભૂપત ભાયાણી

ઇમેજ સ્રોત, BHUPENDRABHAI BHAYANI@FACEBOOK

ઇમેજ કૅપ્શન, ભૂપત ભાયાણી ગત ચૂંટણીમાં આપમાંથી ચૂંટણી લડીને ધારાસભ્ય બન્યા હતા અને બાદમાં ભાજપમાં જોડાયા હતા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વીસાવદર એ પાટીદાર મતદારોનો પ્રભાવ ધરાવતી બેઠક ગણાય છે. પૂર્વ મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલના વખતમાં ભાજપ માટે તે પાયાની બેઠક ગણાતી હતી, પણ અહીં છેલ્લે 2007માં ભાજપના કનુભાઈ ભાલાળા ચૂંટાયા હતા એ પછી ભાજપના ઉમેદવાર અહીંથી ચૂંટાયા નથી.

1995થી 2007 સુધીમાં કુલ ચાર વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપને અહીં સળંગ બહુમતી મળી હતી.

આ વખતે ભૂતપૂર્વ ધારાસભ્યો ભૂપત ભાયાણી અને હર્ષદ રિબડિયા વીસાવદરની ટિકિટ કેમ ન મેળવી શક્યા તે વિશે બીબીસીએ રાજકીય નિષ્ણાતો સાથે વાત કરી હતી.

સરદાર પટેલ યુનિવર્સિટીમાં પૉલિટિકલ સાયન્સ વિભાગના અધ્યાપક બળદેવ આગજાએ બીબીસી સાથે વાત કરતા કહ્યું કે, "ભૂપત ભાયાણી આપ છોડીને ભાજપમાં જોડાયા, પરંતુ ભાજપના મોવડીમંડળને લાગ્યું હશે કે આ વ્યક્તિ આપણી સાથે સ્થિર નહીં રહી શકે. લોકલ સ્તરે કિરીટ પટેલ વર્ષોથી કામ કરતા હતા, તેથી તેમના પર કળશ ઢોળ્યો હોય એમ લાગે છે."

તેઓ કહે છે, "પક્ષપલટો કરે ત્યારે ટિકિટ આપવાનું કદાચ મૌખિક વચન અપાતું હોય છે, પરંતુ તેનું કોઈ મહત્ત્વ હોતું નથી. આ ઉપરાંત પક્ષપલટો કરીને આવનારાઓને ટિકિટ આપવામાં આવે તો વર્ષોથી કામ કરતા કાર્યકરોમાં અસંતોષ ફેલાય છે."

બીજી તરફ રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્યે બીબીસી સાથે વાત કરતા કહ્યું કે, "વીસાવદરની બેઠક કાયમ રસાકસીની રહી છે. છેલ્લે આપની જીત થઈ, તેનો અર્થ એ થયો કે ભાજપવિરોધી લાગણી તો પ્રવર્તતી જ હતી. એવામાં પક્ષપલટો કરનારાઓને ભાજપ ટિકિટ આપે તો તે ભાજપને નડી શકે તેમ હતું."

તેઓ માને છે કે ભૂપત ભાયાણી કે હર્ષદ રિબડિયાએ કોઈ કારણ વગર તો પક્ષ નહીં જ છોડ્યા હોય. તેમને આગામી ચૂંટણીમાં ટિકિટ આપવાનું વચન અપાયું હશે અથવા બીજી કોઈ સોદાબાજી થઈ હોય અથવા લાલચ અપાઈ હોય."

જગદીશ આચાર્ય એક ઉદાહરણ આપતા કહે છે કે, "અર્જુન મોઢવાડિયા કૉંગ્રેસના મોટા નેતા હતા. તેમને ભાજપે ટિકિટ આપી અને તેઓ ચૂંટાઈ ગયા. છતાં હજુ સુધી મંત્રીપદ નથી મળ્યું. તેથી મોટી અપેક્ષા સાથે પક્ષપલટો કર્યો હોય છતાં પક્ષ તેનું કમિટમેન્ટ ન પાળે એવું બની શકે."

ભાજપ, કૉંગ્રેસ અને આપનું શું કહેવું છે?

બીબીસી ગુજરાતી ભાજપ કૉંગ્રેસ આપ વીસાવદર પેટાચૂંટણી હર્ષદ રિબડિયા ભૂપત ભાયાણી

ઇમેજ સ્રોત, @Kiritbhai_Patel

ઇમેજ કૅપ્શન, ભાજપના વીસાવદરના ઉમેદવાર કિરીટ પટેલ

આપના પ્રવક્તા યોગેશ જાદવાણીનું કહેવું છે કે, "વીસાવદરને દર વખતે અન્યાય થયો છે. આ બેઠકને ધારાસભ્યપદથી વંચિત રાખવામાં આવી. હર્ષદ રિબડિયા કૉંગ્રેસમાંથી જીતીને ભાજપમાં જોડાયા. ભૂપત ભાયાણી પણ આપની ટિકિટ પર જીત્યા અને ભાજપમાં જોડાઈ ગયા. જનતાએ ભૂપત ભાયાણીને જોઈને નહીં પણ આપના સિમ્બોલને મત આપ્યા હતા."

તેમણે કહ્યું કે, "ભૂપત ભાયાણીને ટિકિટ આપવાનું વચન ભાજપ પાળી શકતો ન હોય તો વીસાવદરની જનતાનાં વચનો કઈ રીતે પાળશે."

બીબીસી સાથે વાત કરતા આપના જાદવાણીએ કહ્યું કે, "ભાજપને ખાતરી છે કે ભૂપત ભાયાણી કે હર્ષદ રિબડિયાને ટિકિટ આપો તો ડિપૉઝિટ જપ્ત થાય એટલી હદે લોકોમાં નારાજગી છે. તેથી તેમણે નવો ચહેરો પસંદ કર્યો છે."

જ્યારે કૉંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ કહ્યું કે, "ભાજપ પાસે જોરદાર આર્થિક બળ અને સત્તાબળ છે, પરંતુ અમે લડવા તૈયાર છીએ."

તેમણે બીબીસી સાથે વાત કરતા કહ્યું કે, "કૉંગ્રેસમાંથી ઘણા લોકો ભાજપમાં ગયા હતા. હવે આજે તેમનું સરનામું ક્યાં છે તે જુઓ. ભાજપે આ લોકોનો ઉપયોગ કરીને ફેંકી દીધા છે."

આ વિશે બીબીસીએ ભૂતપૂર્વ ધારાસભ્યો ભૂપત ભાયાણી અને હર્ષદ રિબડિયા અને ભાજપના પ્રવક્તાનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.

પરંતુ માર્ચ મહિનામાં બીબીસી સાથે વાત કરતા ભૂપત ભાયાણીએ કહ્યું હતું કે "ભાજપ વીસાવદરની ટિકિટ આપે તો બિલકુલ લડીશ."

તેમણે એમ પણ કહ્યું હતું કે, "અમારી પાર્ટી હર્ષદભાઈ (હર્ષદ રિબડિયા) કે અન્ય કોઈ પણ ઉમેદવારને ટિકિટ આપશે તો હું ખભે બેસાડીને તેમને વિજય અપાવવા મહેનત કરીશ."

પક્ષપલટો કર્યા પછી રાજકીય કારકિર્દીનું શું?

બીબીસી ગુજરાતી ભાજપ કૉંગ્રેસ આપ વીસાવદર પેટાચૂંટણી હર્ષદ રિબડિયા ભૂપત ભાયાણી

ઇમેજ સ્રોત, @kunvarjibavalia

ઇમેજ કૅપ્શન, વીસાવદરમાં કિરીટ પટેલના ઉમેદવારીપત્ર ભરવાના કાર્યક્રમમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ

કૉંગ્રેસ અને આપ છોડીને ભાજપમાં આવેલા ભૂપત ભાયાણી અને હર્ષદ રિબડિયાને ભાજપે વીસાવદરની ટિકિટ ન આપી તે તેમના રાજકીય ભવિષ્ય માટે જોખમી બની શકે તેવું નિષ્ણાતો માને છે.

વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્ય કહે છે કે, "વ્યક્તિ સત્તા પર હોય ત્યાં સુધી જયજયકાર થાય છે. સત્તા ગુમાવ્યા પછી મુખ્ય મંત્રીઓની પણ કિંમત નથી રહેતી. આ ચૂંટણીમાં ભાજપના કિરીટ પટેલ ચૂંટાઈ જાય તો વીસાવદરમાં ભૂપત ભાયાણી અને હર્ષદ રિબડિયાનું રાજકારણ સમાપ્ત થઈ જાય તેવી શક્યતા રહે છે."

તેઓ માને છે કે સ્થાનિક નેતા તરીકે તેઓ કદાચ ઓળખ ટકાવી રાખે, પરંતુ પક્ષના રાજકારણમાં મહત્ત્વ ઘટી જાય."

જગદીશ આચાર્ય માને છે કે, "તમે વ્યક્તિગત રીતે ગમે તેવા શક્તિશાળી હોવ, પરંતુ પક્ષના બૅનર વગર સફળ થવું મુશ્કેલ છે. આ બંનેને ટિકિટ નથી આપી તેનો અર્થ એવો થયો કે તેમની અવગણના થઈ છે."

જ્યારે પૉલિટિકલ સાયન્સના અધ્યાપક બળદેવ આગજા માને છે કે, "આ રીતે પક્ષપલટો કરનારાઓની રાજકીય કારકિર્દી મોટા ભાગે પૂરી થઈ જતી હોય છે. આ ઉપરાંત આવા કિસ્સામાં સમાધાન કરાવનારા પણ રાજકીય પક્ષની મુખ્ય વ્યક્તિ નહીં પણ થર્ડ પાર્ટીની વ્યક્તિ હોય છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન