સ્ટારલિંકઃ એલન મસ્કની કંપનીના કારણે ભારતમાં ઇન્ટરનેટ વધુ ઝડપી અને સસ્તું થશે?

મોબાઇલ અને ઇન્ટરનેટ સર્વિસ કંપની ભારતી ઍરટેલ પછી રિલાયન્સ જિયોએ પણ સ્ટારલિંકની સર્વિસ ભારતમાં લાવવા માટે એલન મસ્કની કંપની સ્ટાર સ્પેસઍક્સ સાથે કરાર કર્યા છે.

સ્ટારલિંક એ સૅટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ છે જેનું સંચાલન એલન મસ્કની કંપની સ્પેસઍક્સ કરે છે. સૅટેલાઇટ બ્રૉડબૅન્ડ, સૅટેલાઇટ કવરેજની અંદર ગમે ત્યાં ઇન્ટરનેટ સેવા ઉપલબ્ધ કરાવી શકે છે.

એલન મસ્ક અત્યારે વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ છે. તેઓ સ્પેસઍક્સ, ટેસ્લા અને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ (અગાઉનું ટ્વિટર)ના માલિક છે. હાલમાં તેઓ અમેરિકન વહીવટીતંત્રમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

સ્ટારલિંક હાઈ સ્પીડ ઇન્ટરનેટ સર્વિસ પૂરી પાડે છે અને દૂરના એવા વિસ્તારોમાં પણ ઇન્ટરનેટ સર્વિસ પહોંચાડી શકે છે જ્યાં પરંપરાગત ઇન્ટરનેટ સર્વિસ પહોંચાડવામાં મુશ્કેલી નડે છે.

સ્ટારલિંક અને તેની યોજના

હાલમાં 100થી વધુ દેશોમાં સ્ટારલિંકની સર્વિસ હાજર છે. ભારતના પડોશી દેશ ભૂટાનમાં પણ સ્ટારલિંક સક્રિય છે.

ભારતમાં હજુ સુધી સ્ટારલિંકને નિયમનકારોની મંજૂરી નથી મળી અને તેમાં સુરક્ષાને લગતી ચિંતાઓ પણ છે.

પરંતુ હવે તેને મંજૂરી મળી જશે તો ભારતમાં ઇન્ટરનેટ સેવાઓની તસવીર બદલાઈ શકે છે.

મુકેશ અંબાણી અને ભારતી ઍરટેલના ચૅરમૅન સુનિલ મિત્તલે સૅટેલાઇટ સ્પેક્ટ્રમની ફાળવણી વહીવટી રીતે કરવાના બદલે તેની હરાજી કરવાની તરફેણ કરી છે.

પરંતુ એલન મસ્ક હરાજીના મૉડેલના વિરોધી છે.

સુનિલ મિત્તલનું કહેવું છે કે શહેરમાં ઇન્ટરનેટ સર્વિસ આપવા ઇચ્છતી કંપનીઓએ બાકીની કંપનીઓની જેમ ટેલિકૉમ લાઇસન્સ મેળવવા જોઈએ અને સ્પેક્ટ્રમ ખરીદવા જોઈએ.

મિત્તલ ભારતમાં બીજા સૌથી મોટા વાયરલેસ ઑપરેટર છે. તેઓ સુનિલ મિત્તલ અને મુકેશ અંબાણી ભારતના ટેલિકૉમ માર્કેટમાં લગભગ 80 ટકા હિસ્સા પર નિયંત્રણ ધરાવે છે.

સ્ટારલિંક કેવી રીતે કામ કરે છે, કઈ રીતે તેની સર્વિસ મેળવી શકાય?

પરંપરાગત બ્રૉડબૅન્ડ સેવાઓ અંડરગ્રાઉન્ડ ફાઇબર કેબલ અને સેલ્યુલર ટાવર્સ પર આધારિત હોય છે. જ્યારે સ્ટારલિંક 'લો અર્થ ઑર્બિટ' સૅટેલાઇટ દ્વારા ઇન્ટરનેટ સર્વિસ પૂરી પાડે છે.

સૅટેલાઇટ સિગ્નલ્સ જમીન પર હાજર રિસિવર્સ સુધી પહોંચે છે અને તેને ઇન્ટરનેટ ડેટામાં રૂપાંતરિત કરે છે.

મસ્કની કંપની સ્ટારલિંક પાસે હાલમાં ઑર્બિટ એટલે કે પૃથ્વીની ભ્રમણકક્ષામાં લગભગ 7000 સૅટેલાઇટ છે. તેઓ 100 દેશમાં 40 લાખ સબસ્ક્રાઈબર્સ ધરાવે છે.

મસ્કે કહ્યું કે તેઓ દર પાંચ વર્ષે નવી ટેકનૉલૉજી દ્વારા પોતાના નેટવર્કને અપગ્રેડ કરતા રહેશે.

મસ્ક 2021માં જ ભારતમાં આ સર્વિસ શરૂ કરવા માગતા હતા, પરંતુ નિયમો અને કાયદાના કારણે તેમાં વિલંબ થયો.

સ્ટારલિંકની સર્વિસ મેળવવા માટે યુઝર પાસે સ્ટારલિંકની ડિશ અને રાઉટરની જરર પડશે જે પૃથ્વીની ફરતે ચક્કર લગાવતા સૅટેલાઇટ્સ સાથે કૉમ્યુનિકેટ કરશે.

આ ડિશ પોતાની જાતે જ સૌથી નજીકના સ્ટારલિંક સેટેલાઈટ ક્લસ્ટર સાથે જોડાઈ જશે. તેથી કોઈ પણ અવરોધ વગર ઇન્ટરનેટ કનેક્ટિવિટી પ્રાપ્ત થશે.

સ્ટારલિંકને ફિક્સ્ડ લોકેશનમાં ઉપયોગ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. પરંતુ વધારાના હાર્ડવેર દ્વારા તે દોડતાં વાહનો, નૌકાઓ અને વિમાનોમાં પણ ઇન્ટરનેટ ઍક્સેસ પહોંચાડી શકશે.

સ્ટારલિંકની સ્પીડ કેટલી હશે?

ઇન્ટરનેટ એલઈઓ સૅટેલાઇટ ઓછી લેટેન્સી (25થી 60 મિલી સેકન્ડ)માં કામ કરતા હોય છે. જ્યારે પરંપરાગત જિયોસ્ટેશનરી સૅટેલાઇટ ઇન્ટરનેટ 600થી વધારે મિલીસેકન્ડમાં કામ કરે છે.

આટલી વધારે ઝડપના કારણે સ્ટારલિંકની ઇન્ટરનેટ સેવાઓ વીડિયો કૉન્ફરન્સિંગ, ઑનલાઇન ગેમિંગ અને એચડી સ્ટ્રીમિંગ માટે ખાસ ઉપયોગી ગણવામાં આવે છે. જોકે, જિયો ફાઇબર અને ઍરટેલ ઍક્સ્ટ્રીમ જેવા પરંપરાગત ફાઇબર આધારિત બ્રૉડબૅન્ડ પણ શહેરી વિસ્તારોમાં ઘણી સારી સ્પીડ આપે છે.

સ્ટારલિંકને ભારતના ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં ફાયદો મળી શકે છે જ્યાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી હાજર નથી અથવા જ્યાં તેની સર્વિસ નબળી છે.

જોકે, સ્ટારલિંકની સેવાઓ હાલની સર્વિસની તુલનામાં કેટલી સસ્તી છે તેના પર ઘણો આધાર રહેશે.

સ્ટારલિંકની ઇન્ટરનેટ સર્વિસનો કેટલો ભાવ હશે?

સ્ટારલિંકના પ્લાન હજુ ભારતમાં લૉન્ચ નથી થયા. પરંતુ ભૂતાન સ્ટારલિંકની સર્વિસોના જે દર છે તેના પરથી અંદાજ કાઢી શકાય કે ભારતમાં તેનો ચાર્જ કેટલો હશે.

ભૂતાનમાં રેસિડેન્શિયલ લાઇટ પ્લાનનો માસિક ભાવ 3000 ભૂતાની કરન્સી છે. ભારત અને ભૂતાનની કરન્સીનું મૂલ્ય લગભગ સરખું છે તેથી ભારતમાં પણ લગભગ 3000 રૂપિયા થાય.

ભૂતાનમાં તેની સ્પીડ 23 એમબીપીએસથી 100 એમબીપીએસ વચ્ચે છે. બ્રાઉઝિંગ, સોશિયલ મીડિયા અને વીડિયો સ્ટ્રીમિંગ માટે તે યોગ્ય ઝડપ છે.

25 એમબીપીએસથી 110 એમબીપીએસની સ્પીડના રેસિડેન્શિયલ પ્લાનની કિંમત 4200 રૂપિયાની આસપાસ થાય છે.

ટેલિકૉમ માર્કેટના જાણકારોનું માનવું છે કે ભારતમાં સ્ટારલિંકની સર્વિસનો ભાવ માસિક 3500થી 4500 રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. જોકે, રિલાયન્સ જિયો અને ભારતી એરટેલ સાથે કરાર થવાના કારણે તે સસ્તું પણ હોઈ શકે.

સ્ટારલિંક વિશે જાણકારો શું કહે છે?

કન્સલ્ટિંગ કંપની ઈ વાઈ પાર્થેનન મુજબ ભારતના 140 કરોડ લોકોમાંથી લગભગ 40 ટકા લોકો પાસે હજુ પણ ઇન્ટરનેટની સગવડ નથી. તેમાં મોટા ભાગના લોકો ગ્રામીણ વિસ્તારના છે.

ચીનની વાત કરવામાં આવે તો વિશ્વના ઓનલાઈન ટ્રેન્ડ પર નજર રાખતા ડેટા રિપોર્ટ મુજબ ચીનમાં લગભગ 1.09 અબજ ઇન્ટરનેટ યૂઝર્સ છે. જ્યારે ભારતમાં 75 કરોડની આસપાસ ઇન્ટરનેટ યૂઝર્સ છે.

ભારતમાં ઇન્ટરનેટના ફેલાવાનો દર વૈશ્વિક સરેરાશ કરતા નીચો છે. હાલમાં આ પ્રમાણ 66.2 ટકા છે. પરંતુ તાજેતરના અભ્યાસ પરથી જાણવા મળે છે કે આ અંતર ઘટતું જાય છે.

યોગ્ય રીતે કિંમત નક્કી કરવામાં આવે તો સૅટેલાઇટ બ્રૉડબૅન્ડ આ અંતરને ઘટાડવામાં મદદગાર સાબિત થઈ શકે છે.

સાથે સાથે ઇન્ટરનેટ ઑફ થિંગ્સ (આઈઓટી) પણ સહાયક બની શકે છે. આ એક એવું નેટવર્ક છે જે રોજબરોજની ચીજવસ્તુઓને ઇન્ટરનેટ સાથે જોડે છે અને તેમને એકબીજા સાથે સંદેશાવ્યવહાર કરવાની સગવડ પણ આપે છે.

ટૅકનિકલ બાબતોના નિષ્ણાત પ્રશાંતો કે રૉયે બીબીસી સંવાદદાતા સૌતિક બિસ્વાસને જણાવ્યું કે ભારતીય ઑપરેટર્સ સાથે આ પ્રાઇસ વૉરને કોઈ નહીં અટકાવી શકે. મસ્ક પાસે અઢળક નાણું છે. તેઓ ભારતના ઘરેલુ બજારમાં પોતાના પગ જમાવવા માટે કેટલાક વિસ્તારોમાં મફતમાં પણ સર્વિસ આપી શકે છે.

સ્ટારલિંકે કેન્યા અને દક્ષિણ આફ્રિકામાં પહેલેથી પોતાનો ભાવ ઘટાડી દીધો છે.

જોકે, આ કામ આસાન નહીં હોય. 2023ના રિપોર્ટમાં ઈવાઈ પાર્થેનને જણાવ્યું છે કે સરકારી સબસિડી વગર સ્ટારલિંકનો ઊંચો ભાવ પોસાવો મુશ્કેલ છે. તેનું કારણ છે કે ટોચની ભારતીય બ્રૉડબૅન્ક કંપનીઓની તુલનામાં સ્ટારલિંકને ચલાવવાનો ખર્ચ લગભગ 10 ગણો વધારે આવે છે.

ગ્લોલબલ કવરેજ આપવા માટે એમઈઓ સૅટેલાઇટની સરખામણીમાં ઘણા મોંઘા એલિયો સૅટેલાઇટ (જેનો ઉપયોગ સ્ટારલિંક માટે થાય છે) ની જરૂર પડે છે. તેના કારણે લૉન્ચ અને સારસંભાળનો ખર્ચ વધી જાય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.