મુંબઈ : આ રિક્ષાવાળા ખરેખર 'મહિને પાંચથી આઠ લાખ રૂપિયા' કમાય છે?

રીક્ષાવાળા લાખોની કમાણી કેવી રીતે કરે છે, મુંબઈ કોન્સ્યુલેટ, મુંબઈ પોલીસ, અમેરિકાના વિઝા, રાહુલ રૂપાણી લૅન્સકાર્ટ, બીબીસી ગુજરાતી,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, અલ્પેશ કરકરે
    • પદ, બીબીસી મરાઠી માટે

સોશિયલ મીડિયા પર વ્યાપક ચર્ચા છે કે મુંબઈના બાંદ્રા-કુર્લા કૉમ્પ્લેક્સના (બીકેસી) અમુક રિક્ષાવાળા દર મહિને લાખો રૂપિયાની કમાણી કરે છે.

ચર્ચા મુજબ આ રિક્ષાવાળા અમેરિકાની કૉન્સ્યુલેટ પાસે ઊભા રહે છે અને આવનારા લોકોનો સામાન સાચવીને રૂ. પાંચથી આઠ લાખની કમાણી કરે છે.

સોશિયલ મીડિયાની પોસ્ટ વ્યાપક રીતે વાઇરલ થઈ હતી, એ પછી સુરક્ષાતંત્રની જાણ બહાર ચાલી રહેલી આ વ્યવસ્થા તરફ વહીવટીતંત્રનું પણ ધ્યાન ખેંચાયું છે.

જોકે, રિક્ષા ડ્રાઇવર તથા પોલીસનું કહેવું છે કે આ વાતમાં સત્ય નથી.

લોકો અંગે અલગ-અલગ મત વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ શું ખરેખર આવું થાય છે? બીબીસી મરાઠીએ આ અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો.

ગરજમાંથી પૈસા કમાવવાનો આઇડિયા?

રીક્ષાવાળા લાખોની કમાણી કેવી રીતે કરે છે, મુંબઈ કોન્સ્યુલેટ, મુંબઈ પોલીસ, અમેરિકાના વિઝા, રાહુલ રૂપાણી લૅન્સકાર્ટ, બીબીસી ગુજરાતી,

ઇમેજ સ્રોત, BBC/ALPESH KARKARE

ઇમેજ કૅપ્શન, બાંદ્રા પરિસર

મુંબઈસ્થિત અમેરિકાનું વાણિજ્ય દૂતાવાસ પરિસર શહેરના અતિસંવેદનશીલ વિસ્તારોમાંથી એક છે. ત્યાં એકદમ ચાંપતો સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવે છે.

દૂતાવાસ નજીક ચોક્કસ સ્થાનોને બાદ કરતાં ક્યાંય વાહન પાર્ક નથી કરી શકાતાં. સાથે જ દૂતાવાસમાં બૅગ સહિતનો સામાન લઈ જવા પર પ્રતિબંધ છે.

દૂતાવાસ ખાતે વિઝા ઇન્ટરવ્યૂ કે કામસર આવનારા લોકોને આ વાતની જાણ નથી હોતી, આથી તેમની પાસે બૅગ કે અન્ય સામાન ક્યાં મૂકવો, તેના વિશે સમસ્યા ઊભી થાય છે.

આ સમસ્યાને જોતા કેટલાક રિક્ષાવાળા તથા અન્ય લોકો બૅગ કે અન્ય સરસામાનનું ધ્યાન રાખવા માટે રૂપિયા લે છે.

સ્થાનિક દુકાનદારો અને સામાજિક કાર્યકરોએ નામ ન છાપવાની શરતે જણાવ્યું હતું કે કુર્લાના મોતીલાલનગર વિસ્તારમાં છેલ્લાં અનેક વર્ષોથી રિક્ષા કે લૉકરરૂમમાં સામાન સાચવવાનો ધંધો ચાલી રહ્યો છે.

અમેરિકાના દૂતાવાસમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો આવે છે. એટલે આ રિક્ષાવાળા તથા સામાન સાચવવાનો ધંધો કરનારા લોકોને સારી એવી આવક થઈ જાય છે.

દૂતાવાસમાં સામાન રાખવા માટે લૉકરરૂમ નથી. એટલે મુસાફરોને ભારે અગવડ પડે છે. એક મોટી કંપનીના ઉચ્ચ અધિકારીને આવો અનુભવ થયો, એ પછી આના વિશે ફરીથી ચર્ચા શરૂ થઈ છે.

રિક્ષાવાળાની કમાણીની ચર્ચા કેવી રીતે શરૂ થઈ?

રીક્ષાવાળા લાખોની કમાણી કેવી રીતે કરે છે, મુંબઈ કોન્સ્યુલેટ, મુંબઈ પોલીસ, અમેરિકાના વિઝા, રાહુલ રૂપાણી લૅન્સકાર્ટ, બીબીસી ગુજરાતી,
ઇમેજ કૅપ્શન, બાંદ્રાનો ભારતનગર વિસ્તાર

લૅન્સકાર્ટના પ્રોડક્ટ હેડ રાહુલ રૂપાણીએ લગભગ બે અઠવાડિયાં પહેલાં પ્રોફેશનલ નેટવર્કિંગ સાઇટ લિંક્ડઇન પર એક રિક્ષાચાલકની વાત લખી હતી અને લખ્યું, "કોઈ ઍપ નહીં, કોઈ ફંડિંગ નહીં અને કોઈ ટૅક નહીં."

રાહુલ રૂપાણી વિઝા અરજી માટે અમેરિકાના વાણિજ્ય દૂતાવાસ ખાતે ગયા હતા, ત્યારે તેમને જે અનુભવ થયો, એ તેમણે પોતાની પોસ્ટમાં લખ્યો હતો.

"હું વિઝા અપૉઇન્ટમેન્ટ માટે ગયો હતો. એ સમયે સિક્યૉરિટી ગાર્ડ્સે મને કહ્યું કે હું મારી બૅગ અંદર લઈ નહીં જઈ શકું. ત્યાં બૅગને સાચવવા માટે કોઈ લૉકર પણ ન હતું."

રાહુલ રૂપાણીએ પોસ્ટમાં જણાવ્યા પ્રમાણે, "હું ફૂટપાથ પર ઊભો હતો અને અલગ-અલગ વિકલ્પો વિશે વિચારી રહ્યો હતો, એવામાં એક ઑટો ડ્રાઇવર મારી પાસે આવ્યા અને બૅગને સાચવવાના બદલામાં રૂ. એક હજારની માગણી કરી. શરૂઆતમાં હું ચિંતિત હતો, પરંતુ પછી તેમને બૅગ સોંપી દીધી."

રાહુલ રૂપાણીએ આગળ જણાવ્યું, "મને જાણવા મળ્યું કે આ વ્યક્તિનો ધંધો (બૅગ સાચવવાનો) છે. દરરોજ 20-30 ગ્રાહક આવે છે. તે દરેક પાસેથી રૂ. એક હજાર લે છે. દર મહિને તે રૂ. પાંચથી આઠ લાખની કમાણી કરે છે."

મુંબઈના રિક્ષાચાલકોની મુશ્કેલી

રીક્ષાવાળા લાખોની કમાણી કેવી રીતે કરે છે, મુંબઈ કોન્સ્યુલેટ, મુંબઈ પોલીસ, અમેરિકાના વિઝા, રાહુલ રૂપાણી લૅન્સકાર્ટ, બીબીસી ગુજરાતી,
ઇમેજ કૅપ્શન, મુંબઈ પોલીસના સિનિયર ઇન્સ્પેક્ટર યોગેશ ચવ્હાણ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રાહુલ રૂપાણીની પોસ્ટ અંગે સોશિયલ મીડિયામાં વ્યાપક ચર્ચા થઈ હતી. આ માહિતી અંગે લોકોમાં ભારે કૌતુક અને ઉત્સાહ જોવાં મળ્યાં હતાં.

જોકે, તેના કારણે બાંદ્રાના રિક્ષાચાલકોની મુશ્કેલી વધી ગઈ. આ ચર્ચાને કારણે આ વિસ્તારના રિક્ષાચાલકો પોલીસના રડારમાં આવી ગયા છે. રિક્ષાચાલકોનું કહેવું છે કે પોલીસે તપાસ હાથ ધરી છે.

રાહુલ રૂપાણીએ તેમની પોસ્ટ સાથે આદિલ શેખ નામના રિક્ષાચાલકનો ફોટો શૅર કર્યો હતો. જેના કારણે લગભગ એક પખવાડિયાથી આદિલે પોલીસ તપાસ સહિત અનેક પ્રશ્નોનો સામનો કરવો પડી રહ્યો છે.

બાંદ્રાના ભારતનગર વિસ્તારમાં રહેતા રિક્ષાચાલક સુલતાન શેખના કહેવા પ્રમાણે, આ બધાને કારણે આદિલ અત્યારે ખૂબ જ તણાવ હેઠળ છે.

સુલતાન શેખ કહે છે, "પાંચથી આઠ લાખ રૂપિયાની કમાણીના સમાચાર ખોટા છે. અમુક રિક્ષાવાળા લોકોને મદદ કરે છે, પરંતુ આ તેમનો ધંધો નથી."

"અમુક રિક્ષાવાળા તથા કેટલાક લોકો દૂતાવાસમાં આવતા લોકોનો સામાન સાચવીને તેમની મદદ કરે છે. તેના બદલામાં કાયદેસર ફી લે છે. સોશિયલ મીડિયા પર જે કોઈ ચર્ચા થઈ રહી છે, તે ખોટી છે."

અન્ય એક રિક્ષાચાલક રાશિદ કુરેશીના કહેવા પ્રમાણે, કોઈકની સોશિયલ મીડિયા પ્રસિદ્ધિને કારણે રિક્ષાવાળાઓની કનડગત થઈ રહી છે.

જો રિક્ષાવાળા મહિને રૂ. પાંચથી આઠ લાખની કમાણી કરતા હોય, તો તેઓ ઝૂંપડપટ્ટીમાં રહેતા ન હોત. તેમની સ્થિતિ આટલી દયનીય ન હોત. રિક્ષાચાલકોનું કહેવું છે કે સોશિયલ મીડિયાની અફવાઓ પર વિશ્વાસ ન કરવો જોઈએ.

મુંબઈ પોલીસ શું કહે છે?

રીક્ષાવાળા લાખોની કમાણી કેવી રીતે કરે છે, મુંબઈ કોન્સ્યુલેટ, મુંબઈ પોલીસ, અમેરિકાના વિઝા, રાહુલ રૂપાણી લૅન્સકાર્ટ, બીબીસી ગુજરાતી,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શૈક્ષણિક, વ્યાવસાયિક તથા પર્યટન સહિત અલગ-અલગ કારણસર ભારતીયો અમેરિકાના વિઝા મેળવતા હોય છે

મુંબઈ પોલીસે અમેરિકાના દૂતાવાસની બહાર લૉકર સર્વિસની કામગીરી સાથે સંકળાયેલા રિક્ષાવાળા સહિત 12 લોકોને પૂછપરછ માટે બોલાવ્યા હતા.

પૂછપરછમાં બહાર આવ્યું હતું કે આમાંથી કોઈ પણની પાસે લૉકરસેવા આપવાની કે વસ્તુઓ સાચવવાની કાયદેસરની મંજૂરી ન હતી.

બીકેસી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર યોગેશ ચવ્હાણના કહેવા પ્રમાણે, "રિક્ષાચાલક તથા અન્ય કેટલાક શખ્સો દૂતાવાસમાં આવનારા લોકોને મદદ કરવા માટે તેમનો સામાન ગેરકાયદેસર રીતે સાચવી રહ્યા હતા."

સંબંધિત લોકોને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા અને તેમણે ખુલાસા આપ્યા હતા. ચવ્હાણના કહેવા પ્રમાણે, રિક્ષાચાલકોને સમજાવવામાં આવ્યું હતું કે તેમને માત્ર રિક્ષા ચલાવવા માટેનાં લાઇસન્સ મળેલાં છે તથા અન્ય કોઈ કામ માટે નહીં.

ચવ્હાણે કહ્યુ હતું કે જો ફરિયાદ મળશે તો અથવા કોઈ ગેરકાયદેસર રીતે સામાન કે બૅગને સાચવતું જણાશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

બીબીસી મરાઠીએ લૉકર વ્યવસ્થાના અભાવે સામાન કે ચીજવસ્તુઓને સાચવવામાં લોકોને પડતી હાલાકી વિશે યુએસ દૂતાવાસનો સંપર્ક સાધી તેમનો અભિપ્રાય જાણવા પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે પ્રતિક્રિયા આપી નથી.

'પ્રામાણિકતા માટે પોસ્ટ મૂકી હતી'

રીક્ષાવાળા લાખોની કમાણી કેવી રીતે કરે છે, મુંબઈ કોન્સ્યુલેટ, મુંબઈ પોલીસ, અમેરિકાના વિઝા, રાહુલ રૂપાણી લૅન્સકાર્ટ, બીબીસી ગુજરાતી,

ઇમેજ સ્રોત, LinkedIn Screen Grab

ઇમેજ કૅપ્શન, રાહુલ રૂપાણીની પોસ્ટ

રાહુલ રૂપાણીની પોસ્ટને કારણે આ ચર્ચા અને ચકચાર ફેલાઈ હતી. પોલીસની કામગીરી તથા રિક્ષાચાલકો વિશે પણ પ્રશ્ન ઊભા થાય હતા, એટલે રાહુલ રૂપાણીએ વધુ એક પોસ્ટ મૂકી હતી અને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.

રાહુલ રૂપાણીએ પોતાની પોસ્ટમાં લખ્યું, "રિક્ષાચાલકની પ્રામાણિકતા અને પરોપકારી ભાવનાની પ્રશંસા કરવાના હેતુમાત્રથી એ પોસ્ટ મૂકી હતી. જ્યારે કોઈ આગળ ન આવ્યું, ત્યારે એમણે મદદ કરી હતી. તેમણે દૂતાવાસની બહાર લોકોને ખૂબ જ જરૂરી સેવા આપી હતી."

રાહુલ રૂપાણીએ સ્પષ્ટતા કરી હતી કે તેમણે પોસ્ટમાં જે કોઈ માહિતી આપી હતી, એ તેમના વ્યક્તિગત અનુભવો તથા માત્ર એક વખતના સંવાદ પર આધારિત હતી. તેમણે અન્ય કોઈ ખરાઈ નહોતી કરી.

આ પોસ્ટ શૅર કરવા પાછળનો હેતુ સકારાત્મક હતો. કોઈને નુકસાન પહોંચાડે તેવી માહિતી આપવાનો કે સનસનાટી ફેલાવવાનો કોઈ હેતુ ન હતો.

રાહુલ રૂપાણીએ કહ્યું હતું કે તેમની પોસ્ટનું ખોટું અર્થઘટન ન થવું જોઈએ તથા સ્થાનિકોને કોઈ પણ પ્રકારની કનડગત ન થવી જોઈએ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન