તારક મહેતામાં 'દયાભાભી' ક્યારે પરત ફરશે અને શો પર ઍક્ટરોએ લગાવેલા આરોપ પર પ્રૉડ્યુસર અસિત મોદીએ શું ખુલાસો કર્યો?

બીબીસી ગુજરાતી, ગુજરાત, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, તારક મહેતા, દયાભાઈ, જેઠાલાલ, અસિત મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દિશા વાકાણીએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં'માં દયાભાભીની ભૂમિકા ભજવી હતી પરંતુ વર્ષ 2017માં તેમણે આ શો છોડી દીધો હતો.

લગભગ 17 વર્ષથી ટેલિવિઝન શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં' લોકપ્રિય રહ્યો છે. જોકે, આ દરમિયાન સીરિયલના નિર્માતા અસિતકુમાર મોદીને સરાહનાની સાથોસાથ ટીકાનો સામનો પણ કરવો પડ્યો છે.

એક બાદ એક ઘણા કલાકારોએ આ શો છોડી દીધો. બીજી તરફ કલાકારોએ મેકર્સ પર શારીરિક અને માનસિક ઉત્પીડન સુધીના આરોપ પણ લગાવ્યા. પરંતુ હવે પહેલી વખત અસિત મોદીએ સીરિયલ સાથે જોડાયેલા વિવાદો અંગે મૌન તોડ્યું છે.

અંગ્રેજી અખબાર ધ ઇન્ડિયન ઍક્સપ્રેસની ઍન્ટર્ટેઇનમેન્ટ મૅગેઝિન 'સ્ક્રીન'ને આપેલા ઇન્ટરવ્યૂમાં અસિત મોદીએ કહ્યું છે કે તેમને તારક મહેતા કા ઉલટા ચશ્માંમાં કામ કરી ચૂકેલા ઍક્ટર્સ દ્વારા લગાવાયેલા આરોપોને કારણે ખરાબ તો લાગે છે, પરંતુ તેઓ એ તમામને માફ કરી ચૂક્યા છે.

નોંધનીય છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોનું પ્રસારણ વર્ષ 2008થી થઈ રહ્યું છે. અત્યાર સુધી આ શોના 4,370 કરતાં વધુ એપિસોડ પ્રસારિત થઈ ચૂક્યા છે.

અસિત મોદીએ શું કહ્યું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, તારક મહેતા, દયાભાઈ, જેઠાલાલ, અસિત મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સીરિયલની શરૂઆતમાં ટપુના પાત્રમાં ભવ્ય ગાંધી (જમણે)એ ભજવ્યું, પરંતુ વર્ષ 2017માં તેમણે પણ શો છોડી દીધો

આ સીરિયલ હજુ પણ ચાલી રહી છે, પરંતુ તેના ઘણા ખ્યાતનામ ઍકટર્સ તેનાથી અલગ થઈ ચૂક્યા છે અને કેટલાકનું અવસાન થયું છે.

વર્ષ 2023માં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો એ સમયે તપાસના ઘેરામાં આવ્યો, જ્યારે તેમાં કામ કરતા લોકોએ વેતન ન મળવાના અને સેટ પર દુર્વ્યવહાર જેવા ગંભીર આરોપ લગાવ્યા હતા.

અસિત મોદીને એવું પુછાયું કે શું પ્રોડ્યૂસર તરીકે તેમને આ આરોપોએ પરેશાન ન કર્યા. આ અંગે તેમણે કહ્યું કે, "મેં ક્યારેય મારા ઍક્ટર્સ સાથે સંબંધ નથી કાપ્યો. જો કોઈ પરેશાની હતી તો તેઓ હંમેશાં મને કહી શકતા હતા. હું હંમેશાં ખૂબ પ્રામાણિક રહ્યો. મેં ક્યારેય મારા ફાયદાનું ન વિચાર્યું. આ પ્રકારના મામલાઓથી હું પરેશાન તો થાઉં છું, પરંતુ એ બધું જીવનનો ભાગ છે."

તેમણે એવું પણ કહ્યું કે ભલે તેમના વિશે ઘણું બધું કહેવાઈ રહ્યું હોય, પરંતુ તેઓ કોઈ વિશે કંઈ નહીં બોલે.

અસિત મોદીએ કહ્યું, "જે ઍક્ટર્સ ગયા, તેઓ મારા વિરુદ્ધ બોલી રહ્યા છે. ઠીક છે કોઈ વાત નહીં. હું તેમના વિરુદ્ધ કંઈ નહીં બોલું. એ લોકોએ મારા શોમાં કામ કર્યું છે અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સફળતામાં તેમનું યોગદાન રહ્યું છે. ભલે મેં આ શો બનાવ્યો હોય, પરંતુ એ બધાના પ્રયાસોથી લોકપ્રિય બન્યો. હું એકલો જ આ બધું ન કરી શક્યો હોત. આપણે એક ટ્રેનની માફક છીએ. કેટલાક ડબ્બા પાટા પરથી ઊતરી જાય તો પણ ટ્રેન ચાલતી જ રહે છે. મને પણ ખરાબ લાગે છે. પરંતુ હું એ લોકોને માફ કરી દઉં છું. કારણ કે જો મેં પોતાના હૃદયમાં કોઈ દુર્ભાવના પાળી તો હું ખુશ ન રહી શકું અને લોકોને પણ ન હસાવી શકું."

તારક મહેતાની સફળતા પર અસિત મોદી શું બોલ્યા?

બીબીસી ગુજરાતી, ગુજરાત, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, તારક મહેતા, દયાભાઈ, જેઠાલાલ, અસિત મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અસિત મોદીએ શોની સફળતાને ટીમનો પ્રયાસ ગણાવી, આ તસવીર વર્ષ 2012ની છે

આ હાસ્ય ધારાવાહિક ખ્યાતનામ ગુજરાતી લેખક તારક મહેતાની ગુજરાતી મૅગેઝિનમાં છપાતી સાપ્તાહિક કૉલમ 'દુનિયાને ઊંધાં ચશ્માં'થી પ્રેરિત કૉમેડી શો છે.

જેઠાલાલ ગડા, દયાબહેન, તારકભાઈ, બબીતાજી, ટપુ, ચંપકલાલ, અય્યરભાઈ, રોશન સોઢી, હંસરાજ હાથી, ભિડે, નટુ કાકા, બાઘા, અબ્દુલ, પત્રકાર પોપટલાલ જેવાં પાત્રો વર્ષોથી લોકોની જીભે ચઢી ગયાં છે.

સીરિયલના કેન્દ્રમાં ગોકુલધામ સોસાયટી અને તેમાં રહેતા વિભિન્ન પૃષ્ઠભૂમિના લોકોનું જીવન છે. સોસાયટીમાં રહેતા લોકોએ ધીરે ધીરે ભારતનાં ઘરોમાં પોતાના માટે જગ્યા બનાવી લીધી. લોકો આ સીરિયલ પર ઘણો પ્રેમ વરસાવ્યો છે.

અસિત મોદી સીરિયલની સફળતાને તેમાં કામ કરનારા તમામ કલાકારો સાથે જોડે છે.

સ્ક્રીન મૅગેઝિનને આપેલા આ ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે, "જ્યારે કોઈ શો લોકપ્રિય બને છે તો એ સમગ્ર ટીમનો પ્રયાસ હોય છે. તમામે ખૂબ મહેનત સાથે કામ કર્યું. હું એ સુનિશ્ચિત કરીશ કે તેમને કોઈ પરેશાની ન થાય. મારું ધ્યાન બધાને એક સાથે રાખવામાં છે. જો તેઓ પણ પોતાના કામ પ્રત્યે ગંભીર હોય તો ઘણા મામલા ઊઠશે જ નહીં."

જ્યારે 'તારકભાઈ'એ અચાનક શો છોડી દીધો

બીબીસી ગુજરાતી, ગુજરાત, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, તારક મહેતા, દયાભાઈ, જેઠાલાલ, અસિત મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શૈલેશ લોઢાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડ્યા બાદ પ્રોડ્યૂસર પર અસભ્ય ભાષાનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો

એક તરફ સીરિયલ અને તેના તમામ કલાકારોને લોકપ્રિયતા મળી, અને બીજી બાજુ સીરિયલ ધીરે ધીરે વિવાદોમાં ઘેરાતી રહી.

સીરિયલમાં રોશન સોઢીનું પાત્ર ભજવનારાં જેનિફર મિસ્ત્રી બંદીવાલે લગભગ બે વર્ષ પહેલાં નિર્માતાઓ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો. જોકે, નિર્માતાઓએ આ આરોપને ખારિજ કર્યો હતો.

તેમજ શૈલેશ લોઢાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંમાં 14 વર્ષ સુધી તારક મહેતાનું પાત્ર ભજવ્યું.

સીરિયલના મુખ્ય પાત્ર જેઠાલાલના મિત્ર અને લેખક તારક મહેતાના પાત્રમમાં શૈલેશ લોઢા ઘણા લોકપ્રિય થયા હતા.

પરંતુ વર્ષ 2022માં અચાનક તેમણે સીરિયલ છોડી દીધી.

બાદમાં એવી વાત સામે આવી કે શૈલેશે નિર્માતાઓ સાથે મતભેદના કારણે શો છોડી દીધો હતો. મામલો હતો બાકીના પૈસા ચૂકવવાનો. શૈલેશ લોઢાએ બાદમાં નિર્માતાઓ વિરુદ્ધ કેસ પણ દાખલ કર્યો.

બીબીસી ગુજરાતી, ગુજરાત, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, તારક મહેતા, દયાભાઈ, જેઠાલાલ, અસિત મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઘણા સમય બાદ શૈલેશ લોઢાએ 'લલ્લનટૉપ'ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં આવું કરવા પાછળની કહાણી જણાવી.

શૈલેશે કહ્યું, "વાત આત્મસન્માનની હતી."

તેમણે જણાવ્યું કે શોમાં કામ કરતી વખતે તેઓ ચૅનલના બીજા કૉમેડી શોમાં મહેમાન તરીકે સામેલ થયા હતા. પરંતુ આ વાત પ્રોડ્યૂસર (અસિત મોદી)ને સારી ન લાગી અને તેમણે અસભ્ય ભાષાનો પ્રયોગ કર્યો. જોકે, તેમણે સેટ પર જવાનું ચાલુ રાખ્યું, પરંતુ બાદમાં વાત ન બની અને અંતે તેમણે શો છોડી દીધો.

પૈસા માટે વિવાદ થયો તો તેમણે કાયદાનો આશરો લીધો અને બાદમાં કોર્ટમાં તેમની લેણી નીકળતી રકમ જમા કરાવાઈ.

'દયાભાભી'ની વાપસી અંગે અસિત મોદીએ શું કહ્યું?

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સીરિયલના સૌથી ચર્ચિત પાત્ર દયાબેનની ભૂમિકા દિશા વાકાણીએ ભજવી હતી.હવે તેઓ આ સીરિયલનો ભાગ નથી.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં' સીરિયલના સૌથી ચર્ચિત પાત્ર દયાબહેનની ભૂમિકા દિશા વાકાણીએ ભજવી હતી.હવે તેઓ આ સીરિયલનો ભાગ નથી.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સીરિયલના સૌથી ચર્ચિત પાત્ર દયાબહેનની ભૂમિકા દિશા વાકાણીએ ભજવી.

પરંતુ 2017થી તેઓ સીરિયલનો ભાગ નથી. સીરિયલના નિર્માતાઓએ લાંબા સમય સુધી દર્શકોને વારંવાર ભ્રમમાં રાખ્યા કે દિશા વાકાણી પાછાં ફરશે. પરંતુ એવું ન થયું.

દિશા વાકાણીએ 2017માં મૅટરનિટી લીવ લીધી હતી અને પછી પાછાં નહોતાં ફર્યાં. એવા પણ સમાચાર હતા કે દિશાએ પેમેન્ટ વધારવાની માગણી કરી હતી. પરંતુ તેની પુષ્ટિ ન થઈ શકી.

પરંતુ દયાબેનની વાપસી ક્યારે થશે. આ અંગે હવે અસિત મોદીએ જાતે જણાવ્યું છે.

તેમણે સ્ક્રીન મૅગેઝિનને જણાવ્યું, "શો આજે પણ લોકપ્રિય છે. હું માનું છું કે જ્યારથી દયાભાભી ગયાં છે, તેમને શોમાં મજા નથી પડતી, હું ટૂંક સમયમાં દયાભાભીને પાછાં લાવીશ."

"રાઇટર્સ અને ઍક્ટર્સની આખી ટીમ દયાભાભીની કમી પૂરી કરવાની કોશિશ કરી રહી છે. દયાભાભી ટૂંક સમયમાં પાછાં ફરશે. અમે તો માત્ર એવી પ્રાર્થના કરી રહ્યા છીએ કે દિશા વાકાણી જ પાછાં ફરે. તેઓ આજે પણ મારાં નાના બહેન અને પરિવારની જેમ છે. તેમના માટે વાપસી કરવું મુશ્કેલ હોઈ શકે છે. મેં આ પાત્ર માટે કેટલાંકને શૉર્ટલિસ્ટ કર્યાં છે અને તમને એ વિશે જલદી જ ખબર પડી જશે. તેમણે શો છોડી દીધાને પાંચ વર્ષ થઈ ગયાં છે, પરંતુ અમે તેમને આજેય યાદ કરીએ છીએ. તેઓ પોતાના સાથી કલાકારો અને ક્રૂની ખૂબ જ પરવા કરતાં હતાં. અમે ઇચ્છીએ છીએ કે કોઈ દિશા વાકાણી જેવી જ મળે."

ટપુએ સીરિયલ છોડી

બીબીસી ગુજરાતી, ગુજરાત, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, તારક મહેતા, દયાભાઈ, જેઠાલાલ, અસિત મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સીરિયલની શરૂઆતમાં ટપુ પાત્રમાં ભવ્ય ગાંધી (જમણે)એ ભજવ્યું, પરંતુ વર્ષ 2017માં તેમણે પણ શો છોડી દીધો

સીરિયલમાં જેઠાલાલ અને દયાબેનના દીકરા ટપુ ભૂમિકામાં ભવ્ય ગાંધીને દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો.

ટપુ સેના શોમાં ખૂબ પ્રખ્યાત થઈ. લગભગ નવ વર્ષ સુધી બાળ કલાકાર તરીકે કામ કર્યા બાદ ભવ્ય ગાંધીએ 2017માં શો છોડી દીધો.

તેઓ કલાકાર તરીકે હજુ આગળ વધવા માગતા હતા, જે તેઓ શોમાં રહીને નહોતા કરી શકી રહ્યા. તેથી તેમણે શો છોડીને પોતાની કારકિર્દીની બીજી ઇનિંગ શરૂ કરી.

તેમના રિપ્લેસમેન્ટ તરીકે રાજ અનડકટ શોમાં ટપુ તરીકે આવ્યા. દર્શકોએ રાજ અનડકટને ટપુ તરીકે શોમાં અપનાવી લીધા. પરંતુ છ વર્ષ સુધી શોમાં રહ્યા બાદ તેમણે પણ વર્ષ 2022માં અલવિદા કહી દીધું.

હાલ આ પાત્ર નીતીશ ભલૂની ભજવી રહ્યા છે.

તેમજ શોમાં બબીતાજીનું પાત્ર ભજવનાર મુનમુન દત્તાએ મે 2021માં એક મેકઅપ વીડિયોમાં જાતિસૂચક શબ્દનો ઉપયોગ કર્યો, જેના કારણે સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો.

વીડિયો પોસ્ટ કર્યાના બીજા જ દિવસે તેમણે સોશિયલ મીડિયા પર માફી માગી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.