ચોમાસું 2025: ગુજરાતમાં આ વર્ષે સરેરાશ કરતાં વધારે વરસાદ પડશે, દેશમાં ચોમાસું કેવું રહેશે, હવામાન વિભાગે જારી કર્યું પૂર્વાનુમાન

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં આ વખતે ચોમાસામાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે. ભારતના હવામાન વિભાગે ચોમાસાનું પૂર્વાનુમાન રજૂ કરતાં કહ્યું છે કે આ વર્ષે દેશમાં ચોમાસામાં સારો વરસાદ થશે.
ચોમાસું 2025ના પૂર્વાનુમાનમાં ભારતના હવામાન વિભાગે કહ્યું છે કે જૂન મહિનાથી શરૂ થતા અને ચાર મહિના સુધી ચાલતી આ વરસાદી સિઝનમાં સરેરાશ કરતાં વધારે વરસાદ પડવાની શક્યતા છે.
આ પહેલાં ભારતની ખાનગી હવામાન એજન્સી સ્કાયમૅટે પણ આગાહી કરતાં કહ્યું હતું કે ભારતમાં આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે અને ચાર મહિનાની લાંબાગાળાની સરેરાશમાં દેશભરમાં 103 ટકા જેટલો વરસાદ થવાની શક્યતા છે. એટલે કે ચોમાસું સારું રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગે 15 જૂનના રોજ જારી કરેલા પૂર્વાનુમાનની સાથે એક નક્શો પણ જારી કર્યો છે તે પ્રમાણે કયા રાજ્ય અને કયા વિસ્તારોમાં કેટલો વરસાદ થશે તેની માહિતી પણ આપી છે. જોકે, મે મહિનામાં ફરીથી હવામાન વિભાગ ચોમાસાનું અપડેટ પૂર્વાનુમાન જારી કરશે.
ભારતમાં ચોમાસાની શરૂઆત કેરળમાંથી થાય છે અને 1 જૂન દેશમાં ચોમાસું બેસવાની આધિકારિક તારીખ છે. કેરળમાં ચોમાસું શરૂ થયા બાદ ગુજરાત સુધી પહોંચતા સામાન્ય રીતે 15થી 20 દિવસ જેટલો સમય લાગે છે.
ભારતમાં 100 ટકા કરતાં વધારે વરસાદ, ગુજરાતમાં કેવું રહેશે ચોમાસું?

ઇમેજ સ્રોત, IMD
હવામાન વિભાગ અનુસાર ભારતમાં આ વર્ષે જૂનથી લઈને સપ્ટેમ્બર એમ ચાર મહિનાના લાંબાગાળા દરમિયાન 105 ટકા જેટલો વરસાદ થવાની શક્યતા છે. એટલે કે દેશમાં સરેરાશ કરતાં પણ વધારે વરસાદ થવાની શક્યતા છે.
આ પૂર્વાનુમાનમાં પાંચ ટકા વધારે-ઓછા વરસાદની ત્રુટી સીમા રાખવામાં આવી છે. એટલે કે હાલ જે પૂર્વાનુમાન કર્યું છે તેમાં પાંચ ટકા વધારો ઘટાડો થઈ શકે છે.
ચોમાસાના ચાર મહિના દરમિયાન જો 96 ટકાથી લઈને 104 ટકા સુધી વરસાદ થાય તો તેને સામાન્ય ચોમાસું કહેવામાં આવે છે, એટલે કે સરેરાશ જેટલો થાય એટલો વરસાદ થતો હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જો,104 ટકા કરતાં વધારે વરસાદ થાય તો તેને સરેરાશ કરતાં વધારે એટલે કે ખૂબ સારું ચોમાસું ગણવામાં આવે છે.
હવામાન વિભાગે જારી કરેલા નક્શા પ્રમાણે આગામી ચોમાસામાં ગુજરાતમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે.
હવામાન વિભાગના કહેવા પ્રમાણે 59 ટકા જેટલી એવી શક્યતા છે કે આ વર્ષે દેશના મોટા ભાગના વિસ્તારોમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થશે.
ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદ થશે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હવામાન વિભાગે હાલ જારી કરેલું ચોમાસાનું પૂર્વાનુમાન એપ્રિલ મહિના સુધીની સ્થિતિને આધારે છે, જે બાદ મે મહિનામાં ફરીથી આ પૂર્વાનુમાન અપડેટ કરવામાં આવશે અને કયા મહિનામાં કેટલો વરસાદ થશે એની પણ જાણકારી આપવામાં આવશે.
હવામાન વિભાગે રાજ્યવાર સીધી કોઈ માહિતી આપી નથી પરંતુ ચોમાસા 2025 માટે જે શક્યતા દર્શાવતો નક્શો જારી કર્યો છે તે પ્રમાણે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે.
નક્શા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની વધારે શક્યતા છે. જ્યારે મધ્ય ગુજરાતમાં પણ સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સામાન્ય કરતાં વધારે વરસાદ થાય તેવી શક્યતા જણાઈ રહી છે. જ્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં મૉડલ મજબૂત સિગ્નલ આપતું નથી એટલે કે અહીં સામાન્ય અને સામાન્ય કરતાં વધારે પણ વરસાદ થઈ શકે છે.
હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસું મોડું કે વહેલું શરૂ થાય તે મામલે કોઈ પૂર્વાનુમાન જારી કરવામાં આવ્યું નથી, પરંતુ સ્થિતિ સામાન્ય રહી તો સમય પ્રમાણે જ ચોમાસું શરૂ થાય તેવી શક્યતા છે. જો સમયસર જ ચોમાસું શરૂ થયું તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં જૂન મહિનામાં જ વાવણી થઈ શકે છે.
દેશમાં મધ્ય ભારત, પશ્ચિમ ભારત અને દક્ષિણ ભારતના મોટા ભાગના વિસ્તારોમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે, એટલે કે આ વિસ્તારોમાં ચોમાસું સારું રહેશે.
જ્યારે કાશ્મીર અને પૂર્વોત્તરનાં રાજ્યો તથા તામિલનાડુમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે.
આ વર્ષે ચોમાસા પર અલ-નીનોની અસર થશે?

ભારતની ખાનગી હવામાન એજન્સી સ્કાયમૅટના પૂર્વાનુમાનમાં પણ કહેવામાં આવ્યું હતું કે આગામી ચોમાસામાં અલ-નીનોની અસર જોવા મળે તેવી કોઈ શક્યતા નથી. આ ઉપરાંત લા-નીના પણ સર્જાય તેવી શક્યતા દેખાતી નથી.
સામાન્ય રીતે પ્રશાંત મહાસાગરમાં સર્જાતાં લા-નીના (La Nina) અને અલ-નીનો (El Nino) ભારતના ચોમાસા પર અસર કરે છે. જ્યારે અલ-નીનો હોય ત્યારે ભારતમાં ચોમાસું નબળું રહે છે અને સામાન્ય રીતે વરસાદ ઓછો થાય છે. જ્યારે લા-નીના હોય ત્યારે ભારતમાં ચોમાસું સારું રહે છે અને સામાન્ય રીતે વધારે વરસાદ થાય છે.
ભારતના હવામાન વિભાગનું કહેવું છે કે આગામી ચોમાસામાં પ્રશાંત મહાસાગરમાં ન્યૂટ્રલ અલ નીનો સધર્ન ઑસિલેશન (ENSO) એટલે કે તટસ્થ સ્થિતિ હશે. એનો અર્થ એ થયો કે જૂનથી સપ્ટેમ્બર મહિના દરમિયાન લા-નીના કે અલ-નીનો સર્જાશે નહીં અને બંને વચ્ચેની સ્થિતિ હશે.
સામાન્ય રીતે એવું જોવા મળ્યું છે કે જ્યારે તટસ્થ સ્થિતિ હોય ત્યારે ભારતના ચોમાસા પર તેની ખરાબ અસર થતી નથી એટલે કે ચોમાસામાં સારો વરસાદ થવાની સંભાવના વધારે રહે છે.
ભારતના ચોમાસામાં હિંદ મહાસાગરમાં થતા ફેરફારો પણ અસર કરે છે, જેને આપણે ન્યૂટ્રલ ઇન્ડિયન ઓશન ડાયપૉલ (IOD) ઇન્ડિયન ઑશન ડાયપૉલ તરીકે જાણીએ છીએ. આઈઓડી પણ આવનારા ચોમાસામાં તટસ્થ રહે તેવી સંભાવના છે.
સ્કાયમૅટના પૂર્વાનુમાનમાં પણ એવું જણાવવામાં આવ્યું હતું કે આ વર્ષે અલ-નીનો કે લા-નીના નહીં હોય અને પ્રશાંત મહાસાગરમાં તટસ્થ સ્થિતિ ચાર મહિના સુધી રહે તેવી સંભાવના છે. જેથી ચોમાસું સારું રહે તેવી શક્યતા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












