પશ્ચિમ બંગાળ : મુર્શિદાબાદમાં વકફ સામેના વિરોધપ્રદર્શન દરમિયાન હિંસામાં ત્રણ લોકોનાં મોત – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વકફ કાયદા મુદ્દે ચાલતા વિરોધપ્રદર્શન દરમિયાન હિંસા થઈ છે. મુર્શિદાબાદ જિલ્લા પ્રશાસનના એક અધિકારીએ બીબીસી હિન્દીને જણાવ્યું કે આ હિંસામાં અત્યાર સુધીમાં ત્રણ લોકોનાં મોત થયાં છે.
વકફ કાયદાની વિરુદ્ધમાં મુર્શિદાબાદના જંગીપુરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી પ્રદર્શન ચાલી રહ્યાં છે, પરંતુ શુક્રવારે સ્થિતિ વણસી હતી.
અધિકારીએ બીબીસી હિન્દીને એ પણ જણાવ્યું કે વિસ્તારમાં સ્થિતિ ધીમે ધીમે કાબૂમાં આવી રહી છે. સ્થિતિ પર નિયંત્રણ માટે પોલીસ સહિત બીએસએફના જવાનોને પણ તહેનાત કર્યા છે.
શુક્રવારે બપોર બાદ તણાવ વધી ગયો અને મુર્શિદાબાદમાં તોડફોડ, આગચંપી, રાષ્ટ્રીય રાજમાર્ગ અને ટ્રેન વ્યવહારને રોકવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જેના કારણે કેટલીક ટ્રેનના આવનજાવનને પણ અસર પહોંચી હતી.
આ હિંસામાં મુર્શિદાબાદની અનેક જગ્યાએથી તોડફોડ અને આગચંપીની તસવીરો સામે આવી છે.
તો પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ વધી ગયું હતું.
આ દરમિયાન પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ શનિવારની હિંસા બાદ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર કહ્યું કે પશ્ચિમ બંગાળમાં વકફ સંશોધન કાયદો લાગુ નહીં થાય.
મમતા બેનરજીનું કહેવું છે કે આ કાયદો કેન્દ્ર સરકારે બનાવ્યો છે અને તેની પાસેથી જવાબ માગવો જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મમતા બેનરજીએ કહ્યું, "હું દરેક ધર્મના લોકોને શાંતિ જાળવવા અપીલ કરું છું. ધર્મના નામે કોઈ પણ પ્રકારના બિન-ધાર્મિક આચરણમાં ન પડો. દરેક જીવન અનમોલ છે. રાજકારણ માટે રમખાણો ન ફેલાવો, જે લોકો આવું કરે છે તેઓ સમાજને નુકસાન પહોંચાડી રહ્યા છે."
અમેરિકામાં અફઘાનિસ્તાન અને કૅમરૂનના લોકોને મળેલો ખાસ દરજ્જો થશે સમાપ્ત

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકામાં અફઘાનિસ્તાન અને કૅમરૂનના હજારો લોકોને મળેલો કામચલાઉ પ્રોટેક્ટેટ સ્ટેટસ એટલે કે અસ્થાયી સંરક્ષણનો દરજ્જો સમાપ્ત થઈ રહ્યો છે.
આ જાણકારી અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ હોમલૅન્ડ સિક્યૉરિટી(ડીએચએસ)એ આપી છે.
ડીએચએસે કહ્યું છે કે હજારો અફઘાની અને કૅમરૂન લોકોની અસ્થાયી નિર્વાસન સુરક્ષા સમાપ્ત કરી દેવાશે.
ઉલ્લેખનીય છે કે આ દરજ્જો એ દેશના નાગરિકોને આપવામાં આવે છે જે સશસ્ત્ર સંઘર્ષ કે પર્યાવરણીય આપદાઓ જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હોય. જેમના ઉપર પોતાના દેશમાં પરત ફરવું અસુરક્ષિત હોય.
આ દરજ્જો સામાન્ય પ્રકારે 18 મહિનાઓ સુધી રહે છે. જેને હોમલૅન્ડ સિક્યૉરિટી સેક્રેટરી દ્વારા રિન્યૂ કરવામાં આવી શકે છે. જેનાથી નિર્વાસનથી સુરક્ષા તથા વર્ક પરમિટ મેળવવામાં સુવિધા અને મદદ મળી રહે છે.
અમેરિકામાં રજિસ્ટ્રેશન વગર 30થી વધુ દિવસો સુધી રહેનારાને મળશે સજા

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકામાં 30 દિવસોથી વધારે સમયથી રહેતા વિદેશી નાગરિકોએ જો ઍલિયન રજિસ્ટ્રેશન ઍક્ટ અંતર્ગત રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તો તેમને જેલ થઈ શકે છે.
પ્રેસ સચિવ કૅરોલાઇન લઍવેટે શુક્રવારે કહ્યું, "ઍલિયન રજિસ્ટ્રેશન ઍક્ટ અંતર્ગત રજિસ્ટ્રેશનની આજે 11મી એપ્રિલે અંતિમ તારીખ છે. સંયુક્ત રાજ્ય અમેરિકામાં 30 દિવસોથી વધુ સમય રહેનારા તમામ વિદેશી નાગરિકોને સંઘીય સરકાર સાથે રજીસ્ટ્રેશન કરાવવું પડશે."
કૅરોલાઇને રાષ્ટ્રપતિ ટ્રમ્પની વાત યાદ કરાવતાં કહ્યું, "જેવું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને હોમલૅન્ડ સિક્યૉરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમ બંનેએ કહ્યું છે કે જો તમે રજિસ્ટ્રેશન નહીં કરાવો તો તેમારી ધરપડક થઈ શકે છે, દંડ લગાવી શકાય છે, દેશનિકાલ આપી શકાય છે. અને તમે ક્યારેય અહીં પરત નહીં આવી શકો."
જાણીતાં કથક નૃત્યાંગના અને પદ્મવિભૂષણ મેળવનાર કુમુદિની લાખિયાનું નિધન

ઇમેજ સ્રોત, KADAMB
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારતમાં કથક નૃત્યને પોતાના વિચારો અને રજૂઆતોથી નવો આયામ આપનારાં નૃત્યાંગના કુમુદિની લાખિયાનું અમદાવાદ ખાતે નિધન થયું છે. તેઓ એક ભારતીય કથક નૃત્યાંગના અને નૃત્ય નિર્દેશિકા હતાં. તેઓ અમદાવાદના વતની હતાં જ્યાં તેમણે 1967માં 'કદમ્બ સ્કૂલ ઑફ ડાન્સ ઍન્ડ મ્યુઝિક' નામની સંસ્થાની સ્થાપના કરી હતી.
તેમનાં નિધનના સમાચારની પુષ્ટિ કદમ્બ નૃત્ય સંસ્થાનાં સંચાલક પારૂલબહેન ઠાકોરે બીબીસી ગુજરાતીના આસિસ્ટન્ટ ઍડિટર પારસ ઝા સાથેની વાતચીતમાં કરી.
1960ના દાયકાથી કથકના એકલ સ્વરૂપથી દૂર જઈને તેમણે તેને સમૂહ નૃત્યના સ્વરૂપમાં પ્રદર્શિત કર્યું. આ સાથે તેમણે પરંપરાગત વાર્તાઓ અને દંતકથાઓને બદલે તેમાં સમકાલીન વાર્તાઓના પાત્રો ઉમેર્યા. કથક ક્ષેત્રે તેમણે નવતર પ્રયોગો કર્યા તેને આજે પણ લોકો યાદ કરે છે.
તેઓ 94 વર્ષનાં હતાં. તેમની અંતિમયાત્રા બપોરે એક વાગ્યે તેમના નિવાસસ્થાનથી નીકળશે. તેમનાં અંતિમસંસ્કાર વી.એસ. સ્મશાનગૃહ ખાતે કરવામાં આવશે.
તેઓ કથક શીખવા માટે દિલ્હી ગયાં હતાં. તેઓ બાદમાં અમદાવાદ આવીને વસ્યાં અને અહીં તેમણે કથકની નોખી દુનિયા ઊભી કરી. તેમણે અહીં કદમ્બ નામની સંસ્થાની રચના કરી. કદમ્બની રચના ગુજરાતના કથક શીખનારાઓ માટે એક નવું પ્લૅટફૉર્મ બન્યું.
હાલમાં જ તેમને ભારત સરકાર દ્વારા કથકમાં ઉત્કૃષ્ઠ પ્રદાન બદલ પદ્મવિભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
'50 કિલોથી ઓછા વજનવાળા લોકોને પવન ઉડાડી શકે છે' - ચીનમાં ભારે પવનની ચેતવણી

ઇમેજ સ્રોત, Getty Images
ચીનમાં કર્મચારીઓને વહેલા ઘરે જવાનો આદેશ આપવામાં આવ્યો છે. શિક્ષણ સ્થગિત કરી દેવામાં આવ્યું છે. આઉટડોર ઇવેન્ટ્સ રદ કરી દેવામાં આવ્યા છે. આ બધું આટલા માટે થઈ રહ્યું છે કારણકે શનિવાર અને રવિવારે ઉત્તર ચીનમાં જોરદાર પવન ફૂંકાઈ શકે છે જે લોકોને પણ ઉડાવી લઈ જઈ શકે છે.
ચીનના અધિકારીઓએ લાખો લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે. સરકારી મીડિયાએ ચેતવણી આપી છે કે 50 કિલોગ્રામથી ઓછા વજનવાળા લોકો આ પવનોમાં સરળતાથી 'હવામાં ઊડી' શકે છે.
અધિકારીઓનું કહેવું છે કે મંગોલિયાથી દક્ષિણ-પૂર્વ તરફ આગળ વધી રહેલા ઠંડાં પવનો આગળ વધી રહ્યા છે જેને કારણે શુક્રવારથી રવિવાર દરમિયાન બેઇજિંગ, તિયાનજિન અને હેબેઈ પ્રદેશના ભાગોમાં 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
તેથી દાયકામાં પહેલી વખત બેઇજિંગે આ ઝડપી પવનો માટે ઑરેન્જ એલર્ટ આપ્યું છે. જે ચાર સ્તરીય હવામાન ચેતવણી પ્રણાલીમાં બીજા ક્રમનું સૌથી ખતરનાક સ્તર છે.
વર્ષના આ સમયે મોંગોલિયામાંથી જોરદાર પવનો ફૂંકાય તે અસામાન્ય નથી. પરંતુ એવી આશંકા છે કે આ વખતે આ પવનો આ વિસ્તારમાં વર્ષો બાદ જોવા મળેલા કોઈ પણ પવનો કરતા સૌથી ખતરનાક હશે.
અધિકારીઓએ એમ પણ કહ્યું કે શનિવારે જ્યારે પવન ફૂંકાશે ત્યારે બેઇજિંગમાં 24 કલાકમાં તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ ઘટવાની સંભાવના છે.
બેઇજિંગના હવામાન ખાતાએ કહ્યું છે કે "જ્યારે શનિવારે જોરદાર પવનો ફૂંકાશે, તે લાંબા સમય સુધી ચાલી શકે છે અને વિશાળ વિસ્તારને અસર કરી શકે છે. ઉપરાંત તેમનું કહેવું છે કે તે અત્યંત વિનાશક છે."
મહમૂદ ખલીલ : અમેરિકાની કોર્ટે કોલંબિયા યુનિવર્સિટીના આ વિદ્યાર્થીને દેશનિકાલની મંજૂરી આપી

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના એક જજે ચુકાદો સંભળાવ્યો છે કે ટ્રમ્પ પ્રશાસને કોલંબિયા યુનિવર્સિટીના વિદ્યાર્થી મહમૂદ ખલીલને નિર્વાસિત એટલે કે દેશનિકાલ કરી શકે છે.
ઇમિગ્રેશન કોર્ટના ચુકાદાનો અર્થ એ નથી કે મહમૂબ ખલીલને તરત જ દેશનિકાલ મળશે.
જજે ખલીલના વકીલોને આ આદેશ સામે અપીલ કરવા માટે 23 એપ્રિલ સુધીનો સમય આપ્યો છે.
મહમૂદ ખલીલે કેટલાંક સપ્તાહો પહેલાં પેલેસ્ટેનિયન લોકોના સમર્થનમાં કરવામાં આવેલાં પ્રદર્શનોમાં ભાગ લીધો હતો અને તેમની ભૂમિકાને લઈને તેમની ધરપકડ કરવામાં આવી હતી.
મહમૂદ ખલીલ 8મી માર્ચથી લુઇસિયાના હિરાસત કેન્દ્રમાં છે.
તેઓ કાયદાકીય રીતે અમેરિકાના સ્થાયી નિવાસી છે અને તેમની સામે કોઈ અપરાધિક મામલો નથી.
એક પત્રમાં ખલીલે કહ્યું છે કે તેમની ધરપકડ પેલેસ્ટેનિયન નાગરિકોના અધિકારો સામે અવાજ ઉઠાવવાનું પરિણામ છે.
અમેરિકાએ કાયદાનો હવાલો આપીને મહમૂદની દેશમાં ઉપસ્થિતિ અમેરિકાની વિદેશ નીતિનાં હિતો માટે પ્રતિકૂળ ગણાવી છે.
વ્લાદિમીર પુતિનને મળ્યા અમેરિકન દૂત સ્ટીવ વિટકૉફ, શું થઈ વાત?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકૉફે શુક્રવારે સેંટ પીટર્સબર્ગમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી.
ક્રેમલિને કહ્યું કે આ બેઠક ચાર કલાકથી વધારે સમય સુધી ચાલી હતી. આ દરમિયાન યુક્રેની સમજૂતીના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું.
ઉલ્લેખનીય છે કે રશિયામાં થયેલી આ બેઠક પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ટ્રૂથ સોશિયલ એકાઉન્ટ પર રશિયા-યુક્રેન યુદ્ધને લઈને એક પોસ્ટ કરી હતી.
ટ્રમ્પે લખ્યું હતું, "રશિયાએ આગળ વધવું પડશે. ઘણા લોકો, હજારો લોકો, દર સપ્તાહે, ભયાનક અને નિરર્થક યુદ્ધમાં મરી રહ્યા છે. એક એવું યુદ્ધ જે ક્યારેય નહોતું થવું જોઈતું હતું. અને હું રાષ્ટ્રપતિ હોત તો ક્યારેય નહીં થયું હોત."
રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના વિશેષ દૂત કિરિલ દિમિત્રિવે પુતિન સાથે વિટકૉફની આ વર્ષની ત્રીજી વાતચીતને 'ફળદાયક' ગણાવી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












