2.30 લાખથી વધુનો ભોગ લેનાર સુનામીએ 14 દેશમાં કેવી તબાહી મચાવી હતી?

ઇમેજ સ્રોત, Getty Images
રશિયાના સમુદ્રમાં 30 જુલાઈએ આવેલા 8.8ની તીવ્રતાના ભૂકંપ બાદ રશિયા, અમેરિકા, જાપાન અને ફિલિપાઇન્સ સહિતના દેશોમાં સુનામીનું ઍલર્ટ જાહેર કરાયું છે.
સમુદ્રના પેટાળમાં પ્રચંડ તીવ્રતાનો ભૂકંપ આવે ત્યારે સમુદ્રમાં ઊંચી લહેરો અથવા મોજાં ઊઠે છે જેને સુનામી કહેવાય છે. આ મોજાં એટલી શક્તિશાળી હોય છે કે સેંકડો કિલોમીટર દૂર સમુદ્રકિનારે આવેલાં શહેરોને પણ નષ્ટ કરી શકે છે.
આ ઘટનાએ 2004ના ડિસેમ્બર મહિનામાં આવેલી સુનામીને યાદ અપાવી દીધી છે, જેમાં 14 દેશોના 2.30 લાખથી વધારે લોકો માર્યા ગયા હતા. તાજેતરનાં વર્ષોમાં મૃત્યુઆંકની દૃષ્ટિએ તે સૌથી મોટી કુદરતી આફત હતી.
આ વિનાશકારી સુનામીને હિંદ મહાસાગર સુનામી અથવા ક્રિસમસ સુનામી કહેવામાં આવે છે.
હાલમાં અમેરિકાએ અલાસ્કા અને હવાઈ ટાપુઓ પર સુનામીની ચેતવણી જારી કરી છે, જ્યારે ગુઆમ અને માઈક્રોનેશિયાના ટાપુઓને 'સુનામી વોચ' પર રાખવામાં આવ્યા છે.
પરંતુ 2004માં સુનામી અંગે અગાઉથી કોઈ આગાહી થઈ શકી ન હતી જેના કારણે એશિયાના એક ડઝનથી વધુ દેશો પર સુનામીના મોજાં ત્રાટક્યાં હતા.
2004 પછી પણ દુનિયાએ સુનામી જોઈ છે જેમાં 2011ની જાપાનની સુનામી સામેલ છે. માર્ચ 2011માં જાપાનના એક ટાપુ નજીક 9.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને તેનું કેન્દ્ર પેસિફિક સમુદ્રમાં લગભગ 30 મીટરની ઊંડાઈએ હતું.
જાપાનની સુનામીમાં લગભગ 15900 લોકો માર્યા ગયા હોવાનો અંદાજ છે. સુનામીના કારણે ઉત્તર જાપાનમાં ફુકુશીમા ડાઈચી પાવર પ્લાન્ટને ભારે નુકસાન થયું હતું જે એક ન્યુક્લિયર પાવર પ્લાન્ટ હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડિસેમ્બર 2004માં શું થયું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
26 ડિસેમ્બર, 2004ના રોજ ક્રિસમસ પછીના બીજા જ દિવસે ઉત્તર ઇન્ડોનૅશિયાના સમુદ્રમાં 9.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો જેના કારણે સુનામીનાં મોજાં સર્જાયાં હતાં.
ભૂકંપ આવ્યાના અડધા કલાકની અંદર જ સુમાત્રાના ઉત્તરી ભાગ અને ભારતના નિકોબાર દ્વીપ પર દરિયાકાંઠે વિશાળકાય લહેરો ઊઠવા લાગી હતી.
થોડી જ વારમાં હિંદ મહાસાગરમાં સુનામી ફેલાઈ જેના કારણે ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, મ્યાનમાર, મલેશિયા, થાઇલૅન્ડ અને માલ્દીવ્ઝ વગેરે ઝપેટમાં આવી ગયા હતા. તે વખતે દરિયામાં 17.4 મીટર (57 ફૂટ) ઊંચા મોજાં સર્જાયાં હતાં.
આવી જ લહેરો બે કલાકની અંદર દક્ષિણ ભારત, શ્રીલંકા અને થાઇલૅન્ડ સુધી પહોંચી હતી. થોડા કલાકોમાં તો તબાહી લાવતી લહેરો 'હૉર્ન ઑફ આફ્રિકા' સુધી પહોંચી ગઈ હતી.
ક્રિસમસના વેકેશનના દિવસો હોવાથી એશિયાના મોટા ભાગના દેશોમાં દરિયાકિનારે મોટી સંખ્યામાં પર્યટકો હતા.

ઇમેજ સ્રોત, AFP
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
યુનાઇટેડ નેશન્સ અનુસાર આ હોનારતમાં 14 દેશોમાં લગભગ 2,30,000 લોકોનો ભોગ લેવાયો હતો જેમાં 9,000 પર્યટકો હતા.
સુનામી ઇવૅલ્યુએશન કૉએલિશનના ડેટા અનુસાર, આ સુનામીમાં 2 લાખ 75 હજાર લોકોનાં મોત થયાં હોવાનું અનુમાન છે અને કેટલાય લોકો લાપતા ગણાવાયા છે.
શ્રીલંકામાં તો 30 હજાર લોકો એટલા માટે માર્યા ગયા કારણ કે તેમની પાસે રહેવા માટે પાકા મકાનો ન હતા. તેઓ દરિયાકિનારે ઝૂંપડા બાંધીને રહેતા હતા.
સુનામીના કારણે થયેલા કુલ મોતમાં એકલા ઇન્ડોનેશિયાના અડધા કરતા વધુ લોકો હતા. આ ઉપરાંત બીજા હજારો લોકો ગુમ થયા હતા જેમનો ક્યારેય પતો મળી શક્યો ન હતો.
ભારતમાં તમિલનાડુને સુનામીના કારણે સૌથી વધુ અસર થઈ હતી. એશિયા ડિઝાસ્ટર રિડક્શન સેન્ટર મુજબ ભારતમાં 2004ની સુનામીના કારણે લગભગ 10,600 લોકો માર્યા ગયા હતા અને ભારત સરકારના પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો અનુસાર 3000 લોકો ગુમ થયા હતા. તમિલનાડુ ઉપરાંત આંધ્ર પ્રદેશ અને અંદમાર નિકોબાર ટાપુઓ પર પણ લોકોનાં મોત થયાં હતાં.
હિંદ મહાસાગર વિસ્તારના દેશો પાસે 2004 સુધી સુનામી માટે કોઈ વૉર્નિંગ સિસ્ટમ અથવા દરિયાકાંઠાના વિસ્તારોમાં ઍલર્ટ જાહેર કરીને ખાલી કરાવવા માટે પણ સિસ્ટમ નહોતી.
સુનામી એટલે શું?

સમુદ્રમાં કેટલાય મીટર ઊંચી લહેરો ઊઠે અથવા મોજાં ઊછળે ત્યારે તેને સુનામી કહેવાય છે. તે વખતે સમુદ્રમાં અચાનક મોટી અને તીવ્ર હલચલ થાય છે, પાણીની સપાટી વધે છે જેના કારણે મોજાંની એક શૃંખલા રચાય છે અને તે અત્યંત તીવ્ર ગતિએ આગળ વધે છે. આવી લહેરો અથવા સમુદ્રના તોફાની મોજાંના સમૂહને સુનામી કહેવાય છે.
સુનામી શબ્દ જાપાની ભાષા પરથી આવ્યો છે. તેમાં 'સુ'નો અર્થ થાય છે સમુદ્ર કિનારો અને 'નામી' એટલે લહેર.
અગાઉ સુનામીને સમુદ્રમાં આવતી સામાન્ય ભરતી અને ઓટ ગણવામાં આવતા હતા, પરંતુ હવે એવું નથી.
હકીકતમાં સમુદ્રમાં સામાન્ય મોજાં ચંદ્ર, સૂર્ય અને અન્ય ગ્રહના ગુરુત્વાકર્ષણના પ્રભાવથી સર્જાય છે.
જ્યારે સુનામીના મોજાં ભૂકંપ, જ્વાળામુખી ફાટવાના કારણે અથવા જમીન સરકવાના કારણે પેદા થાય છે. તે સામાન્ય મોજાં કરતા ઘણી વધારે ઝડપી અને વધુ વિધ્વંસક હોય છે.
સુનામીનાં મોજાં કઈ રીતે ઊછળે છે?

ઇમેજ સ્રોત, Getty Images
સુનામીનાં મોજાં પાછળ ઘણાં કારણો હોઈ શકે, પરંતુ સૌથી મોટું કારણ ભૂકંપ છે.
કેટલીક વખત જમીન સરકે અથવા જ્વાળામુખી ફાટે, કોઈ મોટો વિસ્ફોટ થાય કે પછી ઉલ્કાપાત થાય ત્યારે સુનામીનાં મોજાં આવી શકે છે.
સુનામી વખતે સમુદ્રના કિનારે પ્રચંડ વેગ સાથે મોજાં ટકરાય છે અને મોટા પ્રમાણમાં જાનમાલનું નુકસાન થાય છે.
જે રીતે ભૂકંપની સચોટ આગાહી નથી થઈ શકતી, તેવી જ રીતે સુનામી પણ ક્યારે અને કયા સમયે આવશે તેનો અગાઉથી અંદાજ કાઢી શકાતો નથી.
જોકે, અત્યાર સુધીના રેકૉર્ડ અને મહાદ્વીપોની ભૌગોલિક સ્થિતિના આધારે વૈજ્ઞાનિકો કેટલીક સંભાવના વ્યક્ત કરી શકે છે.
ધરતીની ટેક્ટૉનિક પ્લેટ્સ જ્યાં ભેગી થાય, તે વિસ્તાર સુનામી માટે વધુ સંવેદનશીલ માનવામાં આવે છે.
ઉદાહરણ તરીકે સુમાત્રા એ એવી જગ્યા છે જ્યાં ઑસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટ ભેગી થાય છે. આ સ્થળ આગળ ફિલિપાઇન્સની પ્લેટ પણ જોડાયેલી છે.
આ ક્ષેત્રમાં અગાઉ પણ સુનામીની વિનાશક અસર જોવા મળી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












