ગુજરાતમાં ભરઉનાળે વરસાદની આગાહી, કયા-કયા જિલ્લામાં વરસાદ પડશે?

ઇમેજ સ્રોત, Getty Images
હાલ ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. અમદાવાદ, રાજકોટ અને સુરત સહિતના રાજ્યના અન્ય વિસ્તારોમાં બપોરના સમયે અગનવર્ષા જેવી જ સ્થિતિ અનુભવાઈ રહી છે.
પરંતુ આ ભરઉનાળામાં ભારતના હવામાન વિભાગે હવે રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે.
નોંધનીય છે કે પાછલા કેટલાક દિવસોથી ગુજરાત સહિત સમગ્ર ભારતમાં 40 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ તાપમાન જાણે સામાન્ય બની ગયું છે.
આવા સમયે કેટલાક વિસ્તારોમાં માવઠાં અને પવનની રાહત અનુભવાય તેવી શક્યતા પણ જોવા મળી રહી છે.
ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં પડી શકે છે છૂટોછવાયો વરસાદ

ઇમેજ સ્રોત, mausam.imd.gov.in
ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી આગાહી મુજબ, ગુજરાતમાં આગામી નવ મે સુધી શુષ્ક હવામાન અને કેટલાક સ્થળોએ છૂટાછવાયો વરસાદ પડી શકે છે.
આગાહી અનુસાર શનિવારે એટલે કે 3 મેના રોજ સમગ્ર રાજ્યમાં મોટા ભાગે શુષ્ક હવામાન રહેવાની શક્યતા છે.
આ સિવાય બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ અને ઝાપટાંની આગાહી છે.
આ સિવાય વાત કરીએ તો 4 મેના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ અને ઝાપટાની આગાહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર-સોમનાથ સહિત કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદ અને ઝાપટાંની આગાહી છે.
આગાહી અનુસાર આગામી 6થી 9 મે સુધી ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં શુષ્ક હવામાન રહેવાની આગાહી છે.
આગામી નવ મે સુધી જુદા-જુદા જિલ્લાઓમાં 30થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી પણ કરાઈ છે.
ગુજરાતમાં આ વર્ષે ચોમાસું કેવું રહેશે?

ઇમેજ સ્રોત, Getty Images
ગત વર્ષ એટલે કે 2024ના ચોમાસા દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ થયો હતો અને દેશમાં પણ સરેરાશ ચોમાસું સારું રહ્યું હતું.
આ વર્ષે હવામાન વિભાગના પૂર્વાનુમાન પ્રમાણે અને જે નક્શો જારી કર્યો છે, તે પ્રમાણે ગુજરાતમાં ચોમાસાના ચાર મહિના દરમિયાન સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે.
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત 15 જૂન બાદ થતી હોય છે અને તે બાદ સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયા સુધી સામાન્ય રીતે વરસાદ થતો હોય છે.
આ ચાર મહિનામાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતાં વધારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત નક્શા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં પ્રબળ શક્યતા છે કે સરેરાશ કરતાં વધારે વરસાદ થશે.
મધ્ય ગુજરાતમાં પણ આ વર્ષે એવી શક્યતા છે કે સરેરાશ કરતાં સારો વરસાદ થશે. જોકે, પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મૉડલ પ્રોપર સિગ્નલ આપતું નથી.
કેરળમાં જૂન મહિનાની 1 તારીખની આસપાસ ચોમાસું બેસે, ત્યારબાદ ગુજરાત સુધી પહોંચતા આશરે 15થી 20 દિવસનો સમય લાગતો હોય છે.
ગુજરાતના કયા જિલ્લામાં કેટલો વરસાદ થશે?

ઇમેજ સ્રોત, IMD
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થાય એ પહેલાં જ વરસાદની શરૂઆત થઈ જતી હોય છે, જેને પ્રિ-મૉન્સૂન એટલે કે ચોમાસા પહેલાંનો વરસાદ કહેવામાં આવે છે.
હવામાન વિભાગ 1 જૂનથી લઈને સપ્ટેમ્બરના અંત સુધી થતા તમામ વરસાદને ચોમાસાનો વરસાદ ગણે છે. મે મહિનામાં હવામાન વિભાગ કયા મહિનામાં કેટલો વરસાદ થશે એની પણ માહિતી આપશે.
હાલ ચોમાસાના ચાર મહિનાના પૂર્વાનુમાનનો જે નક્શો રજૂ કર્યો છે, તે પ્રમાણે કચ્છના કેટલાક વિસ્તારોમાં ચાર મહિના દરમિયાન સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે.
જ્યારે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, ગીર-સોમનાથ, અમરેલી અને ભાવનગરના દરિયાકાંઠા તરફના વિસ્તારોમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે.
જ્યારે સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ અને મોરબી જિલ્લામાં પણ સરેરાશ કરતાં વધારે વરસાદની શક્યતા છે.
દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ અને નર્મદા જિલ્લામાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની પ્રબળ શક્યતા છે. અહીં સરેરાશ કરતાં વધારે વરસાદની શક્યતા 55થી 65 ટકા જેટલી છે.
મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર અને દાહોદમાં પણ નક્શા પ્રમાણે સરેરાશથી વધારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે.
ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મૉડલમાં સફેદ રંગ અને લીલો રંગ દેખાય છે એનો અર્થ છે કે અહીં મૉડલ સ્પષ્ટ સંકેત આપતું નથી.
એનો અર્થ એ થયો કે અહીં સરેરાશ કરતાં ઓછો કે વધારે વરસાદ થશે કે નહીં તેની પ્રબળ શક્યતા વિશે વાત કરી શકાય નહીં. જોકે, સમગ્ર વિસ્તારમાં બ્લૂ કલર વધારે હોવાને કારણે આ જિલ્લાઓમાં પણ સારો વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે.
આ ઉપરોક્ત માહિતીમાં હજી ફેરફાર થવાની શક્યતા છે, આ લાંબાગાળાનું અનુમાન છે અને મે મહિનામાં ફરીથી એક અપડેટ અનુમાન હવામાન વિભાગ રજૂ કરશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












