બ્રિટનના ગોરા લોકો, કાળા અને ઘઉંવર્ણા લોકો પર પોતાનો ગુસ્સો કેમ કાઢે છે? – બ્લૉગ

બ્રિટનમાં શરણાર્થીઓ માટેની હોટલની બહાર પ્રદર્શનકારીઓ, ઑગસ્ટ, 2024

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બ્રિટનમાં શરણાર્થીઓ માટેની હોટલની બહાર પ્રદર્શનકારીઓ, ઑગસ્ટ, 2024
    • લેેખક, મહમદ હનીફ
    • પદ, વરિષ્ઠ પત્રકાર અને લેખક, બીબીસી પંજાબી માટે

લગભગ 70-75 વર્ષ પહેલાં અમારા પૂર્વજો બ્રિટનથી સ્વતંત્રતા મેળવવા માટે પોતાના ઘરેથી નીકળ્યા હતા.

તમે હાલમાં જોયુ જ હશે કે બ્રિટનમાં શ્વેત લોકોનાં જૂથ રસ્તા પર આવી ગયાં છે, તેઓ હવે અમારાથી સ્વતંત્રતા માગે છે.

બ્રિટનમાં હોટલો, દુકાન, અને મસ્જિદો પર હુમલા થઈ રહ્યા છે.

દાયકાઓ પહેલાં જે શ્વેત લોકો અડધી દુનિયા પર રાજ કરતા હતા. તેઓ હવે અમને કહી રહ્યા છે કે તમે અહીં (બ્રિટન) આવીને અમારી નોકરીઓ છીનવી લીધી.

શ્વેત લોકો કહી રહ્યા છે કે તમે નાનકડી હોડીમાં બેસીને આવી જાવ છો અને આખું જીવન ફોર સ્ટાર હોટલમાં અમારી સરકારના ખર્ચે રહો છો. તમે (અશ્વેત અને ભૂરા રંગના લોકોએ) અમારી પાસેથી અમારું બ્રિટન છીનવી લીધું છે.

બ્રિટનના મીડિયા અને સરકારને પણ સમજ નથી આવતી કે આ જૂથોને શું કહેવું.

વડા પ્રધાન કહે છે કે આ લોકો બદમાશ છે, જ્યારે મીડિયા કહે છે આ પ્રો-યુકે વિરોધપ્રદર્શન થઈ રહ્યાં છે.

કેટલાક સમજદાર લોકો આવીને બતાવે છે કે આ ગરીબ શ્વેત લોકોનો ગુસ્સો છે, જે બહાર આવી રહ્યો છે.

શ્વેત દેશોથી આવેલા માઇગ્રન્ટસ પર ગુસ્સો કેમ નથી?

બ્રિટનના એન્ટી-ઇમિગ્રેશન પ્રદર્શનની તસવીર, ઑગસ્ટ 2024

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બ્રિટનના એન્ટી-ઇમિગ્રેશન પ્રદર્શનની તસવીર, ઑગસ્ટ 2024

કોઈ એ નથી જણાવતું કે ગુસ્સો શ્વેત લોકોના દેશોથી આવેલા માઇગ્રન્ટસ પર કેમ નીકળતો નથી.

યુક્રેનમાં યુદ્ધ થાય છે તો ત્યાંના લોકો ભાગીને અહીં (બ્રિટન) પહોંચે છે.

સરકાર અને શ્વેત નાગરિકો પોતાનાં ઘરોના દરવાજા ખોલીને તેમનું સ્વાગત કરે છે, જે થવું પણ જોઈએ.

જોકે, અફઘાનિસ્તાનમાં બ્રિટન 40 વર્ષથી યુદ્ધમાં પોતાની ભૂમિકા નિભાવી રહ્યું છે. જો ત્યાંથી કોઈ ભાગીને બ્રિટન આવી જાય તો શ્વેત લોકોની સંસ્કૃતિ પર જોખમ આવી જાય છે.

તેને વંશવાદ કહીએ, વંશપરસ્તી કહીએ કે જૂની બીમારી, જેને કારણે એક શ્વેત વ્યક્તિ કોઈ અન્ય રંગની વ્યક્તિને માણસ માનતી નથી.

બધો જ ભાર અશ્વેત અને ઘઉંવર્ણા લોકો પર, તો પણ...

બ્રિટનમાં એન્ટી-ઇમીગ્રેશન પ્રદર્શનો વિરુદ્ધમાં પણ કેટલાક લોકો રસ્તાઓ પર આવ્યાં

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બ્રિટનમાં એન્ટી-ઇમિગ્રેશન પ્રદર્શનો વિરુદ્ધમાં પણ કેટલાક લોકો રસ્તાઓ પર આવ્યા

ગોરા લોકો ભલે ઓછું ભણેલા-ગણેલા હોય, પરંતુ ભારત, પાકિસ્તાન જેવા દેશમાં જઈને પોતાને પ્રધાન સમજવા લાગે છે અને આ દેશમાંથી કોઈ સર્જન બનીને પણ આવી જાય તો શ્વેત લોકોની નજરમાં તેઓ એક અપ્રવાસી અને ગેરકાયદે જ રહે છે.

બુદ્ધિમાન લોકો એ પણ સમજાવે છે કે બ્રિટનમાં ગરીબ શ્વેત લોકો જ્યારે ઘરેથી નીકળે છે ત્યારે ઈંડાં અને ડબલ બ્રેડ પટેલજીની દુકાનેથી ખરીદે છે.

ટ્રેનમાં બેસે છે તો કંડક્ટર મીરપુરી હોય છે અને ઉબરમાં બેસે તો ડ્રાઇવર ઝેલમ કે લુધિયાણાના હશે.

જ્યારે ઢાકાવાળાના ઢાબા પરથી ચિકન ટિક્કા મસાલા ખાઈને બીમાર પડેતો તેમની સારવાર ગુજરાતથી આવેલા કોઈ ડૉક્ટર કરશે, નર્સ જમૈકાનાં હશે. તેઓ (શ્વેત લોકો) જ્યારે દવા લેવા માટે ફાર્મસીની દુકાન પર જશે તો ત્યાં પણ કોઈ અમારાં જ ભાઈ-બહેન ઊભાં હશે.

બાદશાહત છીનવાઈ ગઈ?

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બ્રિટનના રાજકારણીઓએ પોતાની તમામ અસમર્થતાનો ભાર વિદેશથી આવેલા અશ્વેત અને ઘઉંવર્ણા લોકો પર થોપી દીધો છે.

યુકે એક ઔદ્યોગિક દેશ હતો. દેશમાં ફેકટરી અને મિલો ચાલતી હતી. અલગ-અલગ વસ્તુઓ બનાવીને તેને દુનિયાને વેચતો હતો.

યુકે હવે યુરોપથી પણ અલગ થઈ ગયો છે. તેને ત્યાં ખેતરમાં કામ કરવા માટે મજૂરો પણ મળી રહ્યા નથી. અને ડૉક્ટરો અને નર્સ તો આમ પણ પહેલેથી જ બહારથી આવતા હતા.

શ્વેત લોકો હવે બસ એમ કહે છે કે અમે એક સમયે વિશ્વના બાદશાહ હતા. હવે બહારના લોકોએ હવે આવીને અમારી બાદશાહત છીનવી લીધી છે.

સત્ય વાત તો એ છે કે બાદશાહતને કોઈ ખતરો નથી. ફર્ક માત્ર એટલો છે કે બ્રિટનનાં રાજા કે રાણીનો હુકમ પહેલાં અડધી દુનિયા પર ચાલતો હતો. હાલમાં અમારા (બ્રિટનના) જે રાજા છે, તેમની વાત તેમના દીકરા હેનરી પણ માનતા નથી.

બ્રિટને ભારત પર સેંકડો વર્ષો સુધી શાસન કર્યું અને ફૉર્મ્યૂલા એક જ હતી, જેને ત્યારે “ડિવાઇડ ઍન્ડ રૂલ” એટલે કે “ભાગલા પાડો અને રાજ કરો” કહેવામાં આવતી હતી. હિંદુને મુસ્લિમ સાથે લડાવો અને પંજાબીઓને પંજાબી સાથે.

હવે લાગે છે કે તેઓ આ જ ફૉર્મ્યૂલા પોતાના દેશમાં પણ લઈને આવ્યા છે.

અહીં (બ્રિટનમાં) પણ ગરીબોને કહેવામાં આવે છે કે બહારથી આવેલા ગરીબો તમારો હક છીનવી રહ્યા છે.

કેટલાક વિસ્તારોમાં લોકોએ એકઠા થઈને કહ્યું કે અમારે ધર્મ અને રંગના નામે લડવું નથી. અને તેમણે જે જ્ઞાન અને કાયદો અડધી દુનિયાને બતાવ્યો હતો એનું પાલન ઘર પર પણ કરે. કદાચ જૂની બીમારીથી થોડીક રાહત મળે.

ઈશ્વરના આશીર્વાદ.

(આ લેખમાં વ્યક્ત થયેલા વિચાર લેખકના છે. આ લેખમાં સામેલ તથ્ય કે વિચાર બીબીસીનાં નથી અને બીબીસી તેની કોઈ જવાબદારી લેતું નથી.)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.