રાજપૂત કરણી સેનાના પ્રમુખની તેમના ઘરમાં ગોળી મારીને હત્યા બાદ વિરોધમાં રાજસ્થાન બંધનું એલાન

    • લેેખક, મોહર સિંહ મીણા
    • પદ, બીબીસી માટે, જયપુરથી

રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની મંગળવારે 5 ડિસેમ્બરે બપોરે જયપુરમાં ગોળીઓ મારીને હત્યા કરી દેવામાં આવી.શ્યામનગર વિસ્તારમાં તેમના ઘરે મળવાના બહાને આવેલા ત્રણ હુમલાખોરોએ તાબડતોબ ગોળીબાર કરીને તેમની હત્યા કરી દીધી. આ ઘટનાક્રમમાં એક હુમલાખોરનું મૃત્યુ પણ થયું છે.

સુખદેવસિંહ ગોગામેડીને ગંભીર હાલતમાં માનસરોવરની એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.

હૉસ્પિટલની બહાર રાજપૂત કરણીસેના સાથે જોડાયેલા લોકો ટોળે વળ્યા હતા અને વિરોધપ્રદર્શન કર્યું હતું.

જયપુર, ઉદયપુર અને બાડમેર સહિત અનેક જગ્યાએથી વિરોધ પ્રદર્શનના સમાચારો આવી રહ્યા છે.

આ ઘટનાનાં ત્રણ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે જેમાં બે હુમલાખોરો હૉલમાં બેઠેલા સુખદેવસિંહ પર ગોળીઓ વરસાવે છે.

સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ હુમલાખોરોની શોધ કરી રહી છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખતા પ્રદેશભરમાં પોલીસને ઍલર્ટ પર રાખવામાં આવી છે. ડીજીપી ઉમેશ મિશ્રાએ સતર્કતા વર્તવાના આદેશ આપ્યા છે.

કરણી સેના પ્રમુખની હત્યા બાદ રાજસ્થાનમાં બંધનું એલાન, પોલીસે એલર્ટ જાહેર કર્યું

જયપુરથી બીબીસી હિંદીના સહયોગી પત્રકાર મોહરસિંહ મીણાએ જણાવ્યું કે મંગળવારે જયપુરમાં રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરવામાં આવ્યા બાદ લોકોમાં ગુસ્સો વધી રહ્યો છે.

રાજપૂત સમાજે આજે રાજ્યમાં બંધની જાહેરાત કરવામાં આવી છે અને અનેક જિલ્લાઓમાં આ બંધને સમર્થન આપવામાં આવી રહ્યું છે.

કરણી સેનાના સમર્થકોએ મંગળવારે કહ્યું હતું કે જો આજ રાત સુધીમાં આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે તો બુધવારે વિરોધમાં રાજ્ય બંધ રહેશે.

રાજ્યમાં હિંસક વિરોધ પ્રદર્શનની આશંકા વચ્ચે પોલીસે પણ એલર્ટ જાહેર કર્યું છે અને કહ્યું છે કે દરેક વિસ્તારમાં સુરક્ષા વધારવામાં આવે જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઊભી ન થાય.

ભાજપ નેતા અને રાજ્યનાં પૂર્વ મુખ્ય મંત્રી વસુંધરા રાજે સિંધિયાએ ગોગામેડીની હત્યા પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે - “રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા નિંદનીય અને દુર્ભાગ્યપૂર્ણ છે.

આ વચ્ચે કેસ પર રાજનીતિ વધી રહી છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આરોપો અને પ્રત્યારોપ વધી ગયા છે.

રાજસ્થાન પોલીસે શું કહ્યું?

શ્યામનગર વિસ્તારમાં સુખદેવસિંહ ગોગામેડીના ઘરમાં ઘૂસીને બપોરે દોઢ વાગ્યે ગોળી મારવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ ગોગામેડીના ઘરે પહોંચી હતી. એફએસએલની ટીમે પણ પુરાવાઓ એકત્રિત કર્યા છે.

જયપુર પોલીસ કમિશનર બીજુ જ્યૉર્જ જોસેફે ઘટનાની જાણકારી આપતા મીડિયાને જણાવ્યું હતું કે, ‘ત્રણ લોકો ગોગોમેડીને મળવા માટે આવ્યા હતા. મંજૂરી મળ્યા બાદ તેઓ અંદર આવ્યા હતા અને દસેક મિનિટ સુધી તેમની સાથે વાતચીત કરી હતી.’

તેમણે કહ્યું, “દસ મિનિટ પછી એ લોકોએ સુખદેવસિંહ ઉપર ફાયરિંગ કર્યું હતું જેના કારણે તેમનું મૃત્યુ થઈ ગયું. તેમની પાસે ઊભેલા સુરક્ષા ગાર્ડને પણ ગોળી વાગી હતી. તેઓ પણ આઈસીયુમાં ભરતી છે. આ ગોળીબારમાં એક હુમલાખોરનું મૃત્યુ પણ થયું છે.”

તેમણે જણાવ્યું હતું કે મૃતક હુમલાખોર નવીનસિંહ શેખાવત શાહપુરાનો વતની હતો અને તે જયપુરમાં રહીને કપડાંની દુકાન ચલાવતો હતો.

કમિશનર જોસેફે કહ્યું, “આખો ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ થઈ ગયો છે. અમે ફૂટેજને આધારે તેની તપાસ કરી રહ્યા છીએ. જેટલા પુરાવાઓ અને માહિતી અમારી પાસે છે તેનાથી અમે બાકીના બે હુમલાખોરો સુધી પહોંચી જઈશું.”

કોણ હતા સુખદેવસિંહ ગોગામેડી?

પંજાબને અડીને આવેલા હનુમાનગઢ જિલ્લાના સુખદેવસિંહ ગોગામેડી રાજપૂત સમુદાયના આક્રમક નેતા તરીકે જાણીતા હતા.

2017માં ફિલ્મ પદ્માવતના વિરોધ દરમિયાન તેઓ દેશભરમાં ચર્ચામાં આવ્યા હતા. જયપુરમાં ફિલ્મ પદ્માવતના શૂટિંગ દરમિયાન રાજપૂત કરણી સેનાએ ફિલ્મના સેટ પર પણ તોડફોડ કરી હતી અને વિરોધ કર્યો હતો. રાજપૂત કરણી સેનાએ ફિલ્મમાં સમાવિષ્ટ અનેક દૃશ્યો સામે વાંધો ઉઠાવ્યો હતો.

આ દરમિયાન ફિલ્મ નિર્દેશક સંજય લીલા ભણસાલીને થપ્પડ મારવાની ઘટના બાદ પણ સુખદેવ સિંહ ગોગામેડી દેશભરમાં ચર્ચામાં રહ્યા હતા.

તેઓ ઘણાં વર્ષોથી 'કરણી સેના' સંગઠન સાથે જોડાયેલા હતા. પરંતુ લોકેન્દ્ર સિંહ કાલવી સાથેના વિવાદને કારણે તેમણે 'રાજપૂત કરણી સેના' નામનું સંગઠન બનાવ્યું હતું.

લોકેન્દ્ર સિંહ કાલવીના નિધન પછી સુખદેવસિંહ ગોગામેડી રાજપૂત સમાજના મોટા નેતા તરીકે ઊભરી આવ્યા હતા.

તેમના ઉપર ઘણા અપરાધિક મામલાઓ પણ નોંધાયેલા હતા. તેઓ રાજકારણમાં પણ સક્રિય રહ્યા હતા અને બહુજન સમાજ પાર્ટીમાંથી બે વખત ચૂંટણી પણ લડ્યા હતા. જોકે, તેઓ જીતી શક્યા ન હતા.

વર્ષ 2020માં, ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત અને શિવસેનાના નેતા સંજય રાઉત વચ્ચેના શાબ્દિક યુદ્ધ દરમિયાન, સુખદેવ સિંહ ગોગામેડી કંગના રનૌતના સમર્થનમાં ઊભા હતા. તે દરમિયાન રાજપૂત કરણી સેનાએ પણ કંગના રનૌતના સમર્થનમાં ઘણી જગ્યાએ પ્રદર્શન કર્યું હતું.

ડીજીપી ઉમેશ મિશ્રાએ કહ્યું છે કે 'હુમલાખોરોના સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. જયપુર અને બિકાનેર ડિવિઝનના પડોશી જિલ્લાઓમાં પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. હરિયાણા પોલીસનો પણ સહયોગ માંગવામાં આવ્યો છે."

રાજસ્થાનમાં ઠેર ઠેર પ્રદર્શન

ગોગામેડીની હત્યા પછી સમગ્ર રાજસ્થાનમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ચૂક્યાં છે. સુખદેવસિંહને જે માનસરોવર હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા તેની બહાર રાજપૂત કરણી સેના સાથે જોડાયેલા લોકો અને રાજપૂત સમાજના લોકો રસ્તા રોકીને વિરોઘ પ્રદર્શન કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓની માંગ છે કે બને તેટલી ઝડપથી હત્યારાઓની ધરપકડ કરવામાં આવે.

જયપુર, ઉદયપુર, પ્રતાપગઢ, બિકાનેર, બાડમેર, જોધપુર, અને જેસલમેરમાં ઘણી જગ્યાએ રાજપૂત સમાજના લોકોએ પ્રદર્શનો કર્યાં. હાઈવે અને રસ્તા રોકવાના પણ સમાચાર મળી રહ્યા છે.

ક્ષત્રિય કરણી સેના પરિવારનાં રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. રાજ શેખાવતે આંદોલનની ચીમકી પણ આપી છે.

તેમણે નિવેદન જાહેર કરીને કહ્યું કે, “કરણી સેનાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની જે પ્રકારે જયપુરમાં પોતાના ઘરની અંદર હત્યા કરવામાં આવી છે તેને લીધે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ છે.”

“સરકાર સમક્ષ અમારી માંગણી છે કે ગોગામેડીનાં હત્યારાઓની બને તેટલી જલદી ધરપકડ કરવામાં આવે નહિંતર જયપુરમાં એક મોટું આંદોલન કરવામાં આવશે અને સરકાર તેનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહે.”

કૉંગ્રેસ સરકારના પૂર્વ મંત્રી રાજેંદ્ર ગુઢાએ સોશિયલ મિડીયા પર પોસ્ટ કરીને આ ઘટનાને કાયરોનું કૃત્ય ગણાવ્યું છે. આખા રાજ્યના રાજપૂત સમાજના લોકોએ જયપુરમાં ભેગા થવાનું શરૂ કરી દીધુ છે.

હત્યાનાં વિરોધમાં જયપુરના ઘણા વિસ્તારોમાં બજારો બંધ કરાવામાં આવી છે. બધા જ સમાજ તરફથી બુધવારે જયપુર બંધનુ એલાન કરવામાં આવ્યું છે.

બીજી તરફ, રાજસ્થાન પોલિસના ડીજીપી ઉમેશ મિશ્રાએ લોકોને શાંતિ જાળવાની અપીલ કરી છે.

લૉરેન્સ બિશ્નોઈ ગૅંગ સાથે સંબંધ

ડીજીપી ઉમેશ મિશ્રાએ કહ્યું હતું, “રોહિત ગોદારા ગૅંગે આ હત્યાની જવાબદારી લીધી છે. અમે શક્ય તેટલી વહેલી તકે ધરપકડની ખાતરી કરીશું.”

એક લાખનું ઇનામ ધરાવનાર રોહિત ગોદારા ગૅંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈ ગૅંગ સાથે સંબંધ ધરાવે છે.

મૂળ બિકાનેરના લુણકરણસરના કપૂરિયાસરના રહેવાસી રોહિત ગોદારા પર પણ ગયા વર્ષે દેશ છોડીને ભાગી જવાનો આરોપ છે.

આ પહેલાં રોહિત ગોદારાએ સીકરમાં ગૅંગસ્ટર રાજુ થેહતની હત્યાની જવાબદારી પણ લીધી હતી.

રાજકીય નેતાઓનાં નિવેદનો આવ્યાં

મુખ્ય મંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, “સુખદેવસિંહ ગોગોમેડીની હત્યાની ઘટના ખૂબ દુખદ છે. હું ઇશ્વર પાસે દિવંગત આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરું છું અને પરિજનોને આઘાત સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરું છું.”

રાજ્યપાલ કલરાજ મિશ્રએ પણ ફોન કરીને ડીજીપીને પ્રદેશની શાંતિ વ્યવસ્થા જાળવવાનો નિર્દેશ કર્યો છે.

જોધપુરના સાંસદ ગજેન્દ્ર સિંઘ શેખાવતે નિવેદન કરતા કહ્યું, “શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના સમાચારથી આઘાત લાગ્યો છે. આ સંદર્ભે પોલીસ કમિશનર પાસેથી માહિતી લેવામાં આવી છે અને તેમને આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવા જણાવ્યું છે. લોકોએ શાંતિ અને ધીરજ જાળવવી પડશે."

'ભાજપ સરકાર શપથ લેતાંની સાથે જ રાજ્યને ગુનામુક્ત બનાવવું એ અમારી ટોચની પ્રાથમિકતાઓમાંની એક છે. ભગવાન ગોગામેડીજીના આત્માને શાંતિ આપે. પરિવારના સભ્યો અને સમર્થકો અને શુભેચ્છકોને શક્તિ મળે.”

એવી આશંકા છે કે આ હત્યાકાંડ બાદ બુધવારે રાજ્યમાં મોટાપાયે વિરોધ પ્રદર્શનો જોવા મળી શકે છે. પોલીસ બંને ફરાર હુમલાખોરોને શોધવામાં વ્યસ્ત છે. જોકે, હજુ સુધી પોલીસને ખાસ સફળતા મળી નથી.