ગુજરાતમાં આજથી પલટાશે હવામાન, કયા જિલ્લામાં વરસાદની શક્યતા?

ગુજરાતમાં આવનારા ત્રણ દિવસ સુધી વરસાદી માહોલ સર્જાશે અને હવામાન વિભાગે પણ રાજ્યના નવ જિલ્લામાં વરસાદ પડશે તેવી આગાહી કરી છે.

દિલ્હીના હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની એક મજબૂત સિસ્ટમ ઉત્તર અને પશ્ચિમ ભારત તરફ આવી રહી છે અને તેની અસર ઘણાં રાજ્યોમાં થશે.

આ સિસ્ટમની અસર 29 ફેબ્રુઆરીથી ભારતના અનેક વિસ્તારોમાં શરૂ થઈ જશે. જ્યારે તેની સૌથી વધારે અસર 1 અને 2 માર્ચના રોજ થવાની છે.

ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન પરથી થઈને આ સિસ્ટમ ભારત પર પહોંચશે, જે દરમિયાન અરબી સમુદ્ર પરથી જતા પવનો ભેજ લઈને જશે અને તેના કારણે દેશના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

ગુજરાતમાં હાલ શિયાળો પૂરો થઈ રહ્યો છે અને ઉનાળાની શરૂઆત થવા જઈ રહી છે એ દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં ફરીથી વરસાદી માહોલ સર્જાશે.

ગુજરાતમાં કેટલા દિવસ સુધી વરસાદ પડશે?

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ભારત તરફ આવી રહેલી સિસ્ટમની અસર પશ્ચિમ હિમાલયના પહાડો પર 29 ફેબ્રુઆરીથી જ થઈ જશે.

આ સિસ્ટમને કારણે ગુજરાત સહિત ભારતનાં બીજાં રાજ્યોમાં પણ વરસાદ પડવાની શક્યતા છે અને સૌથી વધારે ભારેથી અતિભારે વરસાદની શક્યતા હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં છે. અહીં ઘણા વિસ્તારોમાં ભારે બરફવર્ષા પણ થઈ શકે છે.

ગુજરાતમાં આ સિસ્ટમની અસર 1 માર્ચથી થવાની શરૂઆત થશે, જ્યારે 29 ફેબ્રુઆરી જ પવનની દિશા અને ગતિમાં પરિવર્તન જોવા મળશે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 1 માર્ચથી 3 માર્ચ સુધી આ સિસ્ટમની અસર વધારે જોવા મળશે. આ દરમિયાન અરબી સમુદ્રમાંથી સિસ્ટમમાં ભેજ ભળશે અને તેના કારણે વરસાદ પડશે.

ગુજરાતમાં પણ 1 માર્ચના રોજ કચ્છ, સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાત પર તેની અસર જોવા મળશે, જે બાદ 2 માર્ચના રોજ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તથા પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તેની અસર જોવા મળશે.

3 માર્ચથી ગુજરાતમાં સિસ્ટમની અસર ઓછી થવાની શરૂઆત થઈ જશે, પરંતુ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળો જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે અને કોઈ એકાદ સ્થળે હળવો વરસાદ પડી શકે છે.

કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડે તેવી પણ શક્યતા દેખાઈ રહી છે, જોકે, ગુજરાતમાં ક્યાંય પણ ભારે વરસાદની શક્યતા નથી. હવામાન વિભાગના કહેવા પ્રમાણે ગુજરાતમાં છુટોછવાયો તથા હળવો વરસાદ થવાની શક્યતા છે.

ગુજરાતના કેટલા જિલ્લામાં પડશે વરસાદ?

ગુજરાતમાં વરસાદની સાથે-સાથે પવનની ગતિમાં પણ વધારો થાય તેવી શક્યતા છે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, પોરબંદરના કેટલાક વિસ્તારોમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.

હવામાન વિભાગે 1 માર્ચના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, દેવભૂમિ દ્વારકા અને ગીર-સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે.

આ ઉપરાંત 2 માર્ચના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ તથા સાબરકાંઠામાં વરસાદની આગાહી કરી છે. આ સિવાય જામનગર, સુરેન્દ્રનગર,સ મહેસાણા, ખેડા, આણંદ, અમરેલી, ભાવનગર જિલ્લાના કોઈ એકાદ વિસ્તારમાં હળવા વરસાદની શક્યતા દેખાઈ રહી છે.

3 માર્ચના રોજ પૂર્વ ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વાદળો છવાયેલાં રહે તેવી શક્યતા દેખાઈ રહી છે. ગુજરાતમાં ત્રણેક દિવસ વરસાદી માહોલ રહે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. આ દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, અમદાવાદ અને ગાંધીનગર તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગિર સોમનાથ તથા કચ્છ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

સામાન્ય રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઉત્તર ભારતનાં રાજ્યો પંજાબ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં વધારે થાય છે પરંતુ સિસ્ટમ જ્યારે મજબૂત હોય તો તેની અસર ગુજરાત અને મહારાષ્ટ્ર સુધી પહોંચતી હોય છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શું છે અને ભારત તરફ ક્યાંથી આવે છે?

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક પ્રકારનું તોફાન કે આંધી છે, જે ભૂમધ્ય સાગર કે કાસ્પિયન સમુદ્રમાં સર્જાય છે. જે બાદ તે પશ્ચિમ તરફથી પૂર્વ તરફ ભારત પર આવે છે.

આ સિસ્ટમને કારણે ભારતમાં ચોમાસા સિવાય ખાસ કરીને શિયાળામાં વરસાદ પડે છે અને તેની સૌથી વધારે અસર ઉત્તર અને પશ્ચિમ ભારત પર થાય છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને એક્સ્ટ્રો ટ્રોપિકલ સ્ટ્રૉર્મ તરીકે ઓળખવામાં આવે છે, જે એક પ્રકારની લૉપ્રેશર સિસ્ટમ છે. જે ઉત્તર ભારતમાં અને હિમાલયના પહાડોમાં બરફ વર્ષા માટે ખૂબ જરૂરી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જ્યારે ખૂબ મજબૂત હોય ત્યારે તે ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ તથા મહારાષ્ટ્ર સુધી તેની અસર દેખાય છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમ વિક્ષોભ, સાદી ભાષામાં સમજીએ તો આ સિસ્ટમ પશ્ચિમ તરફથી આવે છે અને ભારતના હવામાનમાં વિક્ષોભ ઊભો કરે છે તેથી તેને પશ્ચિમ વિક્ષોભ કહેવામાં આવે છે.