You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ-ભુજ વચ્ચે શરૂ કરાયેલી 'નમો ભારત રૅપિડ રેલ' શું છે અને તે બીજી ટ્રેનો કરતાં કેટલી અલગ છે?
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
નિયમિત રીતે ભુજથી અમદાવાદ અપડાઉન કરતાં રૂત્વી ઠક્કર જ્યારે 16 સપ્ટેમ્બરે સવારે ભુજના રેલવે સ્ટેશન પર પહોંચ્યાં ત્યારે તેમને શણગારેલી એક નવી ટ્રેન જોવા મળી. આ નવી ટ્રેન હતી ‘નમો ભારત રૅપિડ રેલ’ જેનું નામ પહેલાં ‘વંદે મેટ્રો ટ્રેન’ હતું અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ટ્રેનને લીલી ઝંડી બતાવવાના થોડાં કલાકો પહેલાં જ તેનું નામ બદલવામાં આવ્યું હતું.
જોકે રૂત્વી અને તેમની જેમ નિયમિત કચ્છ અને અમદાવાદ વચ્ચે અપડાઉન કરતાં હજારો મુસાફરો માટે આ ટ્રેનનાં નામ કરતાં તેમાં મળનારી સુવિધાઓ અને મુસાફરીના સમયમાં થયેલો ઘટાડો વધુ ઉપયોગી બની રહ્યો.
આ ટ્રેન શરૂ કરવામાં આવી તે પહેલાં અમદાવાદ અને ભુજ વચ્ચે દોડતી વિવિધ એક્સ્પ્રેસ, સુપરફાસ્ટ જેવી વિવિધ કૅટેગરીની ટ્રેનોમાં આ બન્ને સ્ટેશન વચ્ચેનો મુસાફરીનો સમય પોણા સાત કલાકથી સાત કલાક જેટલો રહેતો હતો. જે હવે નમો ભારત રૅપિડ ટ્રેનમાં મુસાફરી કરનારા પ્રવાસીઓ માટે એક કલાક જેટલો ઘટીને હવે પોણા છ કલાક જેટલો થઈ જશે.
ટ્રેનમાં કેવી સુવિધાઓ છે?
નમો ભારત રૅપિડ રેલની સાથે વડા પ્રધાન મોદીએ દેશમાં વિવિધ સ્ટેશનોને જોડતી વધુ છ વંદે ભારત ટ્રેનોને લીલીઝંડી આપીને તેમની શરૂઆત કરાવી હતી. જેમાં 20 કોચ ધરાવતી વારાણસી-દિલ્હી, પૂણે-હુબલી, નાગપુર-સિકંદરાબાદ, આગ્રા કૅન્ટથી બનારસ, દુર્ગ-વિશાખાપટ્ટનમ, તથા કોલ્હાપુર-પૂણે વચ્ચેની વંદે ભારત ટ્રેનોનો સમાવેશ થાય છે.
વડા પ્રધાને આ ઉપરાંત ગુજરાતમાં ગાંધીધામ આદિપુર અને સામખ્યાળીથી ગાંધીધામ ચાર ટ્રૅકની રેલવેલાઇન માટેનું ખાતમુર્હુત પણ કર્યું હતું.
અમદાવાદમાં અભ્યાસ કરતાં રૂત્વી ઠક્કરે નમો ભારત રૅપિડ ટ્રેનની પ્રથમ સફરમાં જ મુસાફરી કરી. તેમણે બીબીસી સાથેની વાતચીતમાં આ ટ્રેનની સુવિધાઓ વિશે જણાવ્યું હતું.
તેમણે કહ્યું, “મારે ભુજથી અમદાવાદ આવવાનું જ હતું. હું સ્ટેશન પર આવી ત્યારે મને નમો ભારત રૅપિડ રેલના ઉદ્ધાટન અંગે જાણ થઈ હતી. અમદાવાદથી ભુજ અપડાઉન કરનારા લોકો અને કચ્છના પ્રવાસે આવનાર પ્રવાસીઓ બધા માટે આ ખૂબ જ સરસ સુવિધા છે. ટ્રેનનું ઇન્ટિરીયર ખૂબ જ સરસ છે.”
તેમણે વધુમાં કહ્યું, “ટ્રેનનાં બધા જ કોચ એસી છે. તેમજ બેઠક વ્યવસ્થા પણ ખૂબ જ આરામદાયક છે. રણ ઉત્સવમાં આવતા લોકો માટે પણ ખૂબ જ સુવિધાજનક રહેશે એમ લાગે છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેટલી ગતિથી ટ્રેન દોડશે અને કયાં સ્ટેશનોએ ઊભી રહેશે?
ટ્રેનની ગતિ અંગે રેલ્વે વિભાગ દ્વારા આપાવામાં આવેલી માહિતી અનુસાર આ ટ્રેન 110 કીલોમીટર પ્રતિ કલાકની મહત્તમ ગતિએ દોડશે. અમદાવાદ અને ભુજ વચ્ચેનું 360 કિલોમીટરનું અંતર 5 કલાક 45 મિનિટમાં કાપશે. ટ્રેનનું એક તરફનું ભાડું 455 રૂપિયા રહેશે. આ ટ્રેનમાં 12 કોચ હશે. જેમાં એક વખતમાં 1150 મુસાફરો પ્રવાસ કરી શકશે.
અમદાવાદ અને ભુજ વચ્ચે શરૂ થનારી નમો ભારત રૅપિડ રેલ નવ સ્ટેશનો પર રોકાશે. જેમાં અંજાર, ગાંધીગ્રામ, ભચાઉ, સામખ્યાળી, હળવદ, ધ્રાંગધ્રા, વીરમગામ, ચાંદલોડિયા, સાબરમતી સ્ટેશનો પર રોકાશે.
ભારતીય પશ્ચિમ રેલ્વે દ્વારા આપવામાં આવેલી વિગત અનુસાર નમો ભારત આધુનિક સુવિધાઓથી સજ્જ હશે. જેમાં દરેક કોચ ઍર કન્ડિશનર, ઑટોમૅટિક સ્લાઇડ દરવાજા, મોડ્યુલર ઇન્ટિરીયર, એલઈડી લાઇટિંગ, ઇવૅક્યુએશન ફેસિલિટી સાથેનાં શૌચાલય, રૂટ મૅપ ઇન્ડિકેટર્સ, સીસીટીવી, ફોન ચાર્જિંગની ફેસિલિટી, ફાયર ડિટેક્શન સિસ્ટમ, ઍરોસોલ આધારિત અગ્નિશામક સિસ્ટમથી સજ્જ હશે.
અમદાવાદથી ભુજ જતી અન્ય ટ્રેનોનું ભાડું અને સમય
સામાન્ય રીતે ભારતીય રેલમાં અમદાવાદ અને ભુજ વચ્ચે મુસાફરીનો સમય પોણા સાત કલાકથી સાત કલાક સુધીનો છે. એક્સ્પ્રેસ, સુપર ફાસ્ટ જેવી વિવિધ પ્રકારની ટ્રેનોમાં ભાડું સ્લીપર કોચમાં 230 રૂપિયાથી શરૂ કરીને ફર્સ્ટ ક્લાસ એસી કોચનું ભાડું 1545 રૂપિયા સુધીનું છે.
ભુજમાં રહેતા બાંધણીના વેપારી આરિફ ખત્રીએ બીબીસીને કહ્યું, “બાંધણીના વેપાર માટે મારે અવારનવાર અમદાવાદ આવવાનું થાય છે. નમો ભારત ટ્રેન એસી હોવાથી અમે આરામથી મુસાફરી કરી શકીશું. આ ટ્રેનનો સૌથી મોટો ફાયદો એ છે કે તે સવારે 11 વાગ્યે અમદાવાદ પહોંચાડશે જેથી અમે દીવસભરમાં કામ પૂરું કરીને રાત્રે ઘર પરત જઈ શકીશું. આ ટ્રેન વેપારીઓ માટે તો ખૂબ જ સરસ સુવિધા છે.”
નમો ભારત રૅપિડ રેલ જાહેર જનતા માટે અમાદાવાથી ભુજ 17 સપ્ટેમ્બર અને ભુજથી અમદાવાદ 18 સપ્ટેમ્બરના રોજ શરૂ કરવામાં આવશે.
નમો ભારત રૅપિડ રેલનું સમયપત્રક
94801 નંબરની ટ્રેન અમદાવાદથી ભુજ વચ્ચે શનિવાર સિવાય દરરોજ (રવિવારથી શક્રવાર) સાંજે 5:30 વાગ્યે અમદાવાદથી ઉપડશે અને રાત્રે 11:10 વાગ્યે ભુજ પહોંચશે. જ્યારે 94802 નંબરની ટ્રેન ભુજથી અમદાવાદ વચ્ચે દોડશે. 94802 નંબરની ટ્રેન રવિવાર સિવાય (સોમવારથી શનિવાર દરમિયાન) ભુજથી સવારે 5.05 વાગ્યે ઉપડશે અને 10.50 વાગ્યે અમદાવાદ પહોંચાડશે.
અમદાવાદથી ભુજની સ્લીપર કોચ ટ્રેન કરતાં નમો રૅપિડ ભારત રેલનું ભાડું વધું છે. જોકે આ ટ્રેનમાં તમામ એસી કોચ છે અને તેમાં સુવિધાઓ પણ વધું છે.
જોકે, આ ટ્રેનની ભુજથી અમદાવાદની વચ્ચેની પ્રથમ સફરમાં તેમાં પ્રવાસ કરનારાં રૂત્વીને એક ફરિયાદ જરૂર છે.
તેમણે કહ્યું, “આ ટ્રેન શનિ-રવિ બંધ રહેવાથી અમારાં જેવાં કાયમી અપડાઉન કરનાર મુસાફરોને મુશ્કેલી પડશે. જે લોકો અમદાવાદમાં ભણે છે કે નોકરી કરે છે તે શનિવારે ઘરે જવાનું આયોજન કરતા હોય છે અને તેમની સંખ્યા પણ વધારે હોય છે. તેમજ રવિવારે ઘરેથી પરત આવનારની સંખ્યા પણ વધુ હોય છે. શનિ-રવિ ઘરે જનારાની સંખ્યા પણ વધારે હોય છે. જેથી આ ટ્રેનને શનિ-રવિના દિવસોમાં પણ ચાલુ રાખવા પર વિચાર કરવો જોઈએ.”
બીબીસી ગુજરાતીએ વેસ્ટર્ન રેલવેના પબ્લિક રિલેશન ઑફિસર પ્રદીપ શર્મા સાથે આ મામલે વાત કરવા સંપર્ક કર્યો હતો. અમે તેમની પાસેથી અમદાવાદ અને ભુજ વચ્ચે જ આ ટ્રેન શરૂ કરવા પાછળનું કારણ જાણવા પ્રયાસ કર્યો. જોકે તેમણે વધુ વિગતો તેમની પાસે ન હોવાનું જણાવીને કહ્યું, “અમદાવાદ-ભુજ વચ્ચે ટ્રેન શરૂ કરવા અંગે સર્વે કરવામાં આવ્યો હતો. એ સર્વેના આધારે જ ટ્રેન ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.”
કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “સરકાર દ્વારા અમદાવાદ થી કચ્છની વચ્ચે વંદેભારત ટ્રેન શરૂ કરાવાની વાત થઈ હતી જેને બદલે નમો ભારત રૅપિડ રેલ શરૂ કરવામાં આવી છે. પ્રજાને સસ્તી અને સુવિધાજનક ટ્રેનનો વાયદો કરીને મોંઘી ટ્રેન આપવામાં આવી છે.
તેઓ કહે છે કે, "રેલવે એ જાહેર પરિવહનની સુવિધા છે. જે સસ્તી અને સુરક્ષિત હોવી જોઇએ. આ સરકારમાં રેલવેમાં અકસ્માતો પણ વધી રહ્યા છે. આ સરકારમાં રેલવેની સુવિધા અસુરક્ષિત અને મોંઘી થઈ રહી છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન