You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કુંભમેળો : ભીડમાં અચાનક ભાગદોડ કેમ થાય છે, અભ્યાસો શું કહે છે?
- લેેખક, અમરેન્દ્ર યાર્લાગડ્ડા
- પદ, બીબીસી સંવાદદાતા
ઉત્તર પ્રદેશ સરકારે અંદાજ લગાવ્યો હતો કે વસંતપંચમીની ઉજવણી માટે સોમવારે (ત્રીજી ફેબ્રુઆરી) પ્રયાગરાજના મહાકુંભમાં કરોડો ભક્તો એકઠા થશે.
એક સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું કે કુંભમેળાના અંત સુધીમાં એટલે કે 45 દિવસમાં 45 કરોડથી વધુ ભક્તો આવશે. આમાંથી 15 લાખ વિદેશી યાત્રાળુઓ હશે.
2011ની વસ્તીગણતરી મુજબ પ્રયાગરાજની વસ્તી 12 લાખથી વધુ છે. એવો અંદાજ છે કે 2025 સુધીમાં આ સંખ્યા 16-17 લાખથી પણ વધુ થઈ જશે.
સરકાર કહે છે કે આવા સ્થળે વસ્તીથી 200 ગણા વધુ લોકો આવી રહ્યા છે.
હવે દરેકના મનમાં પ્રશ્ન એ છે કે આટલા મોટા મેળાવડામાં ભીડનું સંચાલન કેવી રીતે કરવું.
29 જાન્યુઆરીના રોજ મૌની અમાસના દિવસે થયેલી ભાગદોડમાં 30 લોકો માર્યા ગયા હતા અને 60થી વધુ ઘાયલ થયા હતા.
યુપી સરકારનું કહેવું છે કે તે દિવસે લગભગ સાતથી આઠ કરોડ લોકો આવ્યા હતા.
ત્રીજી ફેબ્રુઆરીએ વસંતપંચમી, 13 ફેબ્રુઆરીએ માઘપૂર્ણિમા અને 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના દિવસે પણ કરોડો શ્રદ્ધાળુઓ આવવાની અપેક્ષા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે યુપી સરકાર કહે છે કે તે ભીડને નિયંત્રિત કરવા માટે તમામ પગલાં લઈ રહી છે, પરંતુ આ બાબતે અગાઉના વિવિધ અભ્યાસો શું કહે છે તે જોઈએ.
જૂથમાં વ્યક્તિનું વર્તન બદલાય છે?
અલાહાબાદના પ્રોફેસરો અશોકકુમાર કનોજિયા અને વિનીત તિવારી કહે છે કે જ્યારે લોકો જૂથમાં હોય છે ત્યારે તેમનું વર્તન જે તે જૂથ પર આધાર રાખે છે.
અશોકકુમારે 2019માં કુંભમેળા માટે અધિક જિલ્લા મૅજિસ્ટ્રેટ તરીકે સેવા આપી હતી.
"ક્રાઉડ મૅનેજમૅન્ટ ઍન્ડ સ્ટ્રેટજિસ ફૉર સિક્યૉરિટી ઍન્ડ સર્વેલન્સ ડ્યુરિંગ માસ ગેધરિંગ ઇવેન્ટ્સ, ધ પ્રયાગરાજ કુંભમેલા 2019 એક્સપિરિયન્સ" શીર્ષક ધરાવતું તેમનું સંશોધનપત્ર નૅશનલ ઍકેડૅમી ઑફ સાયન્સના ધ સ્પ્રિંગર જર્નલમાં પ્રકાશિત થયું હતું.
અશોકકુમાર કનોજિયા કહે છે કે, "ભીડ નિયંત્રણ માટે એ સમજવાની જરૂર છે કે આ કાર્યક્રમમાં કેવા પ્રકારના લોકો આવશે."
તેમણે સમજાવ્યું કે, "ઉંમર, સામાજિક પૃષ્ઠભૂમિ, લિંગ, વિસ્તાર અને તેઓ કઈ પરિવહન સુવિધાઓનો ઉપયોગ કરી રહ્યા છે તે અંગે માહિતી હોવી જોઈએ."
કુંભમેળામાં દેશ અને વિદેશના સંતો, કલ્પવાસીઓ (મોટા ભાગે ગ્રામીણ પૃષ્ઠભૂમિના) અને સામાન્ય યાત્રાળુઓ હાજરી આપે છે. કલ્પવાસીઓ સિવાયના બાકીના યાત્રાળુઓ ત્રિવેણી સંગમમાં આવે છે અને પવિત્ર સ્નાન કરી પાછા ફરે છે.
અશોકકુમારે કહ્યું કે, "મોટા ભાગના યાત્રાળુઓ ત્રિવેણીસંગમમાં સ્નાન કરવાનું પસંદ કરે છે. પરંતુ તેના બદલે તેમને નાનાં જૂથોમાં રાખવા જોઈએ અને સમગ્ર ઘાટ પર ફેલાઈ જવા દેવા જોઈએ."
આ ત્રણ મુખ્ય બાબતો પર આખો આધાર રહેલો છે.
અશોકકુમાર અને વિનીત તિવારીએ તેમના સંશોધનપત્રમાં ઉલ્લેખ કર્યો છે કે મુખ્યત્વે ભીડ નિયંત્રણ ત્રણ પરિબળો પર આધાર રાખે છે.
તેઓ કહે છે, "ત્રણ પાસાં પર નિયંત્રણ રાખવું જોઈએ - લોકોને અંદર આવવા દેવા, સ્થળ (સંગમ) પર તેમને નિયંત્રિત કરવા અને પછી તેમને બહાર મોકલવા. આમ કરવાથી આપણે નાસભાગને અટકાવી શકીએ છીએ."
ઉપરાંત બિહાર રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા હાથ ધરવામાં આવેલા અગાઉના સર્વેમાં એવું સૂચન કરવામાં આવ્યું હતું કે લોકોને ભીડમાંથી ક્યાં જવું અને કેવી રીતે બહાર નીકળવું તે અંગે સતત શિક્ષિત કરવા જોઈએ.
તેમણે કહ્યું કે, "પ્રવેશની જગ્યાઓ અને બહાર નીકળવાની જગ્યાઓને પ્રદર્શિત કરવી જોઈએ. સામાન્ય યાત્રાળુઓ, વીઆઈપી અને મીડિયા વચ્ચે પણ વિભાજન હોવું જોઈએ. મેળાના સ્થળે સ્પષ્ટ સૂચનાવાળા બોર્ડ લગાવવા જોઈએ."
અઢી વર્ષ પહેલાંથી વ્યવસ્થા કરવામાં આવે
કુંભમેળાના અધિકારી વિવેક ચતુર્વેદીએ બીબીસીને જણાવ્યું હતું કે ભીડ વ્યવસ્થાપનના સંદર્ભમાં બેથી અઢી વર્ષ પહેલાંથી જ જરૂરી પગલાં લેવામાં આવ્યાં છે.
તેમણે કહ્યું, "પ્રયાગરાજમાં અમે ટ્રાફિક નિયંત્રણને ધ્યાનમાં રાખીને રસ્તાઓ પહોળા કર્યા છે, પુલ બનાવ્યા છે અને નવા રસ્તા પણ બનાવ્યા છે."
"અમે કુંભમેળા વિસ્તારમાં 30 તરતા પુલ બનાવ્યા છે. અમે ગયા કુંભમેળાની તુલનામાં 8 વધુ પુલ બનાવ્યા છે."
સરકારે સંગમ નજીકના વિસ્તારો તરફ જતા રસ્તાઓ પહોળા કર્યા છે. એવું કહેવાય છે કે સંગમ લોઅર રોડ 160 ફૂટ પહોળો કરવામાં આવ્યો છે અને ત્રિવેણી રોડ 150 ફૂટ પહોળો કરવામાં આવ્યો છે.
NDTVના અહેવાલ મુજબ વરિષ્ઠ પોલીસ અધીક્ષક રાજેશ દ્વિવેદીએ જણાવ્યું હતું કે લગભગ 50,000 પોલીસ કર્મચારીઓ સ્ટેન્ડબાય પર છે.
જોકે, 29 જાન્યુઆરીની મૌની અમાસના દિવસે ભાગદોડ મચી ગઈ હતી.
આ સંદર્ભમાં ઉત્તર પ્રદેશ સરકારે કુંભમેળાના આયોજનની જવાબદારીઓ માટે વધુ બે અધિકારીઓને નીમ્યા છે.
વરિષ્ઠ IAS અધિકારીઓ ભાનુચંદ્ર ગોસ્વામી અને આશિષ ગોયલને આ જવાબદારી સોંપવામાં આવી છે.
આ બંને 2019માં અર્ધ કુંભમેળાનું આયોજન કરવાનો અનુભવ ધરાવે છે.
ભાગદોડ શા માટે થાય છે?
ભીડમાં નાસભાગ થવા પાછળ વિવિધ કારણો ભાગ ભજવે છે. પ્રોફેસર અશોકકુમારે તેમાંથી કેટલોક ખુલાસો કર્યો છે.
તેઓ કહે છે, "અમે શોધી કાઢ્યું છે કે માળખાં ધરાશાયી થવા, આગ-અકસ્માતો, જાહેર વર્તન, સલામતીની ખામીઓ, ટ્રાફિક નિયંત્રણમાં આયોજનનો અભાવ, ભાગીદાર સંગઠનો વચ્ચે સંકલનનો અભાવ અને ટ્રાફિક નિયંત્રણનો અભાવ સહિતનાં વિવિધ કારણસર દોડભાગ થવાની સંભાવના રહે છે."
કુંભમેળામાં આવતા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને છેલ્લા બે દાયકામાં. મોટાં જૂથો ગ્રામીણ વિસ્તારોમાંથી આવી રહ્યાં છે.
અશોકકુમારે જણાવ્યું કે, "ગામડાના લોકો જૂથનું નેતૃત્વ કરનાર વ્યક્તિનું અનુસરણ કરે છે. જ્યાં પણ ટ્રાફિક ડાયવર્ઝન હોય છે ત્યાં જૂથમાં રહેલા લોકોની ગતિ અચાનક વધી જાય છે. તેનાથી ભાગદોડ થઈ શકે છે."
બિહાર રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા 2013ના કુંભમેળા પર "માસ ગેધરિંગ ઇવેન્ટ મૅનેજમૅન્ટ" નામનો અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. તેનું નેતૃત્વ નિવૃત્ત સનદી અધિકારી અનિલ કે. સિંહા દ્વારા કરવામાં આવ્યું હતું.
2013માં કુંભમેળો 56 દિવસ માટે યોજાયો હતો. આ સર્વેમાં જણાવાયું છે કે તે સમય દરમિયાન દસ કરોડ લોકો અલાહાબાદ આવ્યા હતા.
અહેવાલમાં જણાવાયું છે કે 25 જાન્યુઆરી, 2013ના રોજ તંબુઓમાં લાગેલી આગમાં પાંચ લોકો મૃત્યુ પામ્યા હતા અને 19 ઘાયલ થયા હતા.
ચાલુ કુંભમેળા દરમિયાન બે આગ અકસ્માતો થયા હતા.
બિહાર રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે સ્પષ્ટતા કરી છે કે "કુંભમેળામાં આગના અકસ્માતોમાંથી 37 ટકા વીજળીને કારણે થાય છે અને અન્ય 37 ટકા ગૅસ સિલિન્ડરોને વ્યવસ્થિત ન સાચવવાના કારણે થાય છે."
શું કરવું જોઈએ...
નિષ્ણાતો કહે છે કે ચોક્કસ મહત્ત્વપૂર્ણ તારીખો પર યાત્રાળુઓની નોંધણી ફરજિયાત બનાવવાની, સામાન્ય દિવસોમાં (પવિત્ર સ્નાન દરમિયાન) ડિસ્કાઉન્ટ જાહેર કરવાની, ઍડવાન્સ બુકિંગ કરાવનારાઓ માટે ખાસ કતારની સુવિધાઓ પૂરી પાડવાની, પવિત્ર સ્નાન દરમિયાન વીઆઈપી લોકોની અવરજવરને નિયંત્રિત કરવાની અને ખાનગી વાહનોને બદલે જાહેર પરિવહનને પ્રોત્સાહન આપવાની જરૂર છે.
અશોકકુમારે કહ્યું કે તેમના સંશોધનથી જાણવા મળ્યું છે કે ચોક્કસ સિદ્ધાંતોનું પાલન કરવાથી ભીડને નિયંત્રણમાં રાખી શકાય છે.
- કતારમાં રહેલા લોકો માટે સ્થળ (સંગમ અથવા નદી કિનારો) કેટલું દૂર છે? કેટલી ભીડ છે? કેટલી રાહ જોવી પડશે તે દરેકને જણાવવું જોઈએ.
- તેમને જણાવવું જોઈએ કે સંગમ કોઈ પણ સ્થળોથી કેટલું દૂર છે.
- વિવિધ સાઇનબોર્ડ અથવા ડિસ્પ્લે બોર્ડ લગાવવા જોઈએ.
- વૃદ્ધો, મહિલાઓ અને અપંગો પર ખાસ ધ્યાન આપવું જોઈએ.
- પીક અવર્સ દરમિયાન યાત્રાળુઓની અવરજવરમાં ફેરફાર કરવા જોઈએ.
- ભીડ નિયંત્રણ કર્મચારીઓને ખાસ ડ્રેસ કોડ સાથે હાજર રહેવાની વ્યવસ્થા હોવી જોઈએ.
- કટોકટીના કિસ્સામાં ગ્રીન કૉરિડૉર બનાવેલો હોય તેની ખાતરી કરવી જોઈએ.
- કમાન્ડ કંટ્રૉલ સેન્ટરમાંથી CCTV કૅમેરા અને ડ્રોનથી નિરીક્ષણ કરીને ટ્રાફિક ડાયવર્ટ કરવો જોઈએ.
- આ ભીડ વ્યવસ્થાપન વિશે બીબીસી સાથે વાત કરતા, કુંભમેળાના વધારાના અધિકારી વિવેક ચતુર્વેદીએ જણાવ્યું હતું કે આ વખતે 2700 AI-આધારિત કૅમેરા લગાવવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે, "કૅમેરાનો લાઇવ ફીડ ઇન્ટિગ્રેટેડ કમાન્ડ કંટ્રોલ સેન્ટરમાં આવે છે. તેના દ્વારા કુંભમેળાનું આયોજન થાય છે તે દરેક વિસ્તારનું નિરીક્ષણ શક્ય બને છે.
AI કૅમેરા અમને ચેતવણી આપે છે કે ક્યાં ભીડ વધી રહી છે. આનાથી અમે યાત્રાળુઓને એવા વિસ્તારોમાં રિડાયરેક્ટ કરી શકીએ છીએ જ્યાં ઓછી ભીડ હોય છે."
આ ઉપરાંત, બિહાર રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે કુંભમેળા દરમિયાન લોકોને ચાલવામાં મુશ્કેલી પડી રહી છે, કારણ કે વાહનો પાંચથી છ કિલોમીટરની અંદર રોકાઈ જાય છે.
2019માં લેવાયેલાં પગલાં
અશોકકુમારે એક સંશોધનપત્રમાં ખુલાસો કર્યો હતો કે 2019માં મોટી ભાગદોડ અટકાવવા માટે ટ્રાફિકને નિયંત્રિત કરવામાં આવ્યો હતો.
તેમણે જણાવ્યું કે, "સીસીટીવી કૅમેરાનાં દૃશ્યોના આધારે, તેઓએ લોકોને રોકવા અને રિડાયરેક્ટ કરવા જેવી વ્યૂહરચના અપનાવી. તેઓ ત્રિવેણી સંગમમાં જતા અને આવતા લોકોની ગતિવિધિ નજર રાખતા હતા."
તે સમયે લેવામાં આવેલાં કેટલાંક પગલાં જોઈએ તો...
- જાહેર પરિવહન દ્વારા અંતિમ મુકામ સુધી પહોંચવાની વ્યવસ્થા કરવામાં આવી હતી
- ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ અને સેટેલાઇટ પાર્કિંગ
- ટ્રાફિક ફક્ત ત્રિવેણી સંગમ તરફ જ નહીં, પરંતુ તમામ વિસ્તારોમાં સમાન રીતે ફરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી
- છ મહત્ત્વપૂર્ણ દિવસો દરમિયાન 'નો વ્હીકલ ઝોન' વ્યૂહરચના લાગુ કરવામાં આવી હતી
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન