વીરમગામ : બીમાર બાળકીને ડામ ચાંપતાં મૃત્યુ, અંધશ્રદ્ધાનો સમગ્ર મામલો શો છે?

વીરમગામમાં કથિત રીતે અંધશ્રદ્ધામાં એક 10 મહિનાની બાળકીનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે એક વ્યક્તિની ધરપકડ પણ કરી છે.

10 મહિનાની બાળકી બીમાર થઈ હતી. બાળકીનો પરિવાર તેને એક મંદિરમાં લઈ ગયો હતો જ્યાં તેને કથિત સારવારના બહાને ડામ ચાંપવામાં આવ્યા હતા. ડામને કારણે બાળકીની તબિયત બગડતાં એને રાજકોટ હૉસ્પિટલમાં ખસેડવી પડી હતી, જ્યાં તેનું મૃત્યુ થઈ ગયું હતું.

બાળકીનો પરિવાર હવે તેની ભૂલ સ્વીકારે છે પણ ઇલાજને બદલે આવા નુસખા જિંદગીનો ભોગ લઈ લે છે તેનું આ માસૂમ બાળકી ઉદાહરણ છે.

મંદિરમાં બાળકીને ડામ ચાંપવાની આ ઘટનામાં પોલીસે એક મહિલાની ધરપકડ કરી છે.

અંધશ્રદ્ધાનિર્મૂલન માટે કામ કરતી વિજ્ઞાન જાથા સંસ્થાના સંચાલકોનું કહેવું છે કે સૌરાષ્ટ્રના ઘણા અશિક્ષિત પરિવારોમાં આ પ્રકારે બાળકોમાં ડામ ચાંપવાની કુપ્રથા છે, જેને કારણે માસૂમ બાળકોનો ભોગ લેવાતો રહે છે.

વિજ્ઞાન જાથાએ ડામ ચાંપવાની આવી કુપ્રથા પર કડક પ્રતિબંધ લગાવવાની માગ કરી છે.

શું છે સમગ્ર ઘટના?

બીબીસી ગુજરાતીના સુરેન્દ્રનગર ખાતેના સહયોગી સચીન પિઠવાના જણાવ્યા પ્રમાણે વીરમગામ તાલુકાના અલીગઢ ગામના દેવીપૂજક પરિવારની દસ મહિનાની બાળકી કોમલ બીમાર થઈ હતી. શરૂઆતમાં તેને શરદી અને ઉધરસની ફરિયાદ હતી.

કોમલના પિતા પ્રવીણ સુરેલા પોતાની બીમાર બાળકીને લઈને વીરમગામમાં એક ડૉક્ટર પાસે ઇલાજ માટે ગયા હતા. જોકે, બાળકીના પરિવારજનો સાથે સચીન પિઠવાની થયેલી વાતચીત અનુસાર એ ડૉક્ટરે બાળકીના ઇલાજ માટે 50 હજાર રૂપિયાનો ખર્ચ થશે તેમ કહ્યું.

પરિવારે આપેલી માહિતી અનુસાર 'આટલો મોટો ખર્ચ આ ગરીબ પરિવારને પોષાય તેમ નહોતો. તેથી તેમના કોઈ સબંધીની સલાહ પ્રમાણે તેઓ બાળકીને પાટડી તાલુકાના વડગામમાં આવેલા સિકોતરમંદિરમાં લઈ ગયા. ત્યાં 80 વર્ષનાં એક વૃદ્ધ મહિલા પૂતળીબહેન બાળકોને ડામ ચાંપીને કથિત ઇલાજ કરવાનો દાવો કરતાં હતાં.

કોમલના પરિવાર અનુસાર, 'પૂતળીબહેને કોમલને પેટના ભાગે ઘગઘગતા ગરમ સોયાથી ત્રણ ડામ ચાંપ્યા હતા.'

કોમલને ડામ આપ્યા બાદ પરિવાર તેને લઈને અલીગઢ ગામ પરત આવી ગયો પણ ત્યાં બાળકીની તબિયત વધુ લથડી હતી. ડૉક્ટરોએ તેને વધુ સારવાર માટે રાજકોટની હૉસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી હતી.

કોમલને તાત્કાલીક રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. કોમલની સારવાર કરી રહેલાં ડૉક્ટર રાજેશ્વરીબહેન વ્યાસના જણાવ્યાં પ્રમાણે "માસૂમ બાળાને ડામ દીધા હોવાથી તે સહન ન કરી શકતાં કોલમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. તેને ન્યુમોનિયા થઈ ગયો હતો અને ચાર દિવસની સારવાર બાદ એનું મૃત્યુ નીપજ્યું હતું."

કોમલના દાદા ચતુરભાઈ સાથે રાજકોટ ખાતેના બીબીસી ગુજરાતીના સહયોગી બિપિન ટંકારિયાએ આ મામલે વાત કરી હતી. વાતચીત દરમિયાન તેમણે આ ઘટના પર અફસોસ વ્યક્ત કર્યો હતો.

તેમણે કહ્યું હતું, "આવી ભૂલ કોઈ દિવસ ના કરતા! ભૂલ થઈ ગઈ તે શું થાય? હવે અમે બધાને આવું નહીં કરવાનું કહીશું. કોઈ દિવસ આવું ન થાય."

કોણ છે પૂતળીબાઈ જે બાળકોને ડામ આપીનું કામ કરે છે?

કોમલનું મૃત્યુ થતાં સુરેન્દ્રનગર જિલ્લાની દસાડા પોલીસે ડામ આપનારાં મહિલા પૂતળીબાઈની ધરપકડ કરી છે. પોલીસ આખા મામલાની વધુ તપાસ કરી રહી છે.

બીબીસીના સુરેન્દ્રનગર ખાતેના સહયોગી સચિન પિઠવાએ દસાડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. વી. આઈ. ખડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું, “તેમણે રાજકોટના ડૉક્ટરોનું પણ નિવેદન લીધું છે. બાળકીના મૃતદેહનું પૉસ્ટમૉર્ટમ પણ કરાવડાવ્યું છે. ડામ આપનાર મહિલાની ધરપકડ કરીને તેમને સુરેન્દ્રનગરની જેલમાં મોકલી દેવાઈ છે.”

સુરેન્દ્રનગરના ડીવાયએસપી જે. ડી. પુરોહિતે બીબીસી ગુજરાતીને જણાવ્યું, "આઈપીસી કલમ 308 અંતર્ગત તપાસ ચાલુ છે. પીએમનો રિપોર્ટ આવ્યા બાદ આઈપીસી કલમ 304 પણ ઉમેરવામાં આવશે."

બીબીસી સહયોગી સચિન પિઠવાના જણાવ્યા પ્રમાણે પૂતળીબહેન છેલ્લાં 20 વર્ષોથી માસૂમ બાળકોને ડામ ચાંપીને કથિત ઇલાજ કરવાનો દાવો કરતાં હતાં. તેમને ચાર સંતાનો છે. પૂતળીબહેન તેમના પતિ સાથે એક વાડીમાં રહે છે અને મંદિરમાં ઇલાજ માટે આવનારાં બાળકોને ડામ ચાંપીને કથિત સારવાર કરે છે.

બીબીસી સહયોગી સચિન પિઠવાએ જ્યારે આ મામલે વધુ તપાસ કરી તો જાણવા મળ્યું કે પૂતળીબહેન અલગ-અલગ બીમારીમાં અલગ-અલગ પ્રકારે ડામ ચાંપતાં હતાં.

  • માથા સંબંધિત બીમારીમાં કપાળના ભાગે ડામ
  • કુપોષણ કે ક્ષયની બીમારીમાં ગરદનની પાછળ રીંગ શૅપમાં ડામ
  • ફેંફસાંની બીમારીમાં છાતીના ભાગે ડામ
  • તાવની બીમારીમાં છાતીના ભાગે કે પેટના ભાગે ડામ
  • કમળો હોય તો પેટના ડાબી બાજુએ ડામ
  • સારણગાંઠની બીમારીમાં ગુપ્તાંગ પર ડામ
  • પૂંઠ બહાર આવતી હોય તો ગુદાપ્રદેશમાં ડામ

સચિન પિઠવા કહે છે કે સ્થાનિક લોકો આ કથિત ઇલાજને ‘ટાંઢા દેવાની પ્રથા’ કહે છે.

તેઓ જણાવે છે, “આ કુપ્રથામાં ધગધગતો લોખંડનો ગરમ સળિયો, ખીલીનો પાછળનો ભાગ, વાયર કે પછી ગોળ લોખંડની વીંટીને ગરમ કરીને રોગના આધારે બાળકના વિવિધ ભાગો પર ડામ આપવામાં આવે છે. આ પ્રકારે કથિત ભૂવાઓ અને ઊંટવૈદો દ્વારા ડામ આપવાથી રોગ કે બીમારી મટી જવાની ખાતરી પણ આપવામાં આવે છે. તેઓ કહે છે કે ડામના ધા પાકશે ત્યારે અંદરની બીમારી મટશે.”

અંધશ્રદ્ધા વિરુદ્ધ અભિયાન ચલાવતા લોકો શું કહે છે?

અંધશ્રદ્ધા વિરુદ્ધ અભિયાન ચલાવતી સંસ્થા 'વિજ્ઞાન જાથા'ના પ્રમુખ જયંત પંડ્યાએ બીબીસીના સહયોગી બિપિન ટંકારિયા સાથેની વાતચીતમાં કહ્યું કે માત્ર પૂતળીબહેનની ધરપકડ કરવાથી નહીં ચાલે, આ સાથે કોમલનાં માતા-પિતા અને અન્ય પરિવારજનોની પણ ધરપકડ થવી જોઈએ. કારણકે બાળકીના મૃત્યુ માટે તેઓ પણ જવાબદાર છે.

જયંત પંડ્યા જણાવે છે, “અજ્ઞાનતા અને અંધશ્રદ્ધાના કારણે આ વરવું સ્વરૂપ બહાર આવ્યું છે. મેડિકલ સારવારને બદલે ભૂવા પાસે જતા લોકો માટે આ લાલબત્તી છે. કેટલાક સમુદાયમાં આ પ્રકારે ડામ આપીને બાળકોની બીમારી ભગાવવાનું દૂષણ પ્રચલિત છે. નિર્દોષ અને માસૂમ બાળકોને ડામ આપવાની આ પાશવી કુપ્રથાને બંધ કરાવવા માટે જાગૃતિ જરૂરી છે.”

તેમણે જણાવ્યું હતું કે વાગડ પંથકમાં પણ આ પ્રકારે ડામ દેવાની કુપ્રથા હતી જેને તેઓ જાગૃતિ દ્વારા ઘણેખરે અંશે નાબૂદ કરાવી શક્યા છે પણ આ વિસ્તારમાં હજુ આ પ્રકારે ડામ ચાંપવાની પ્રથા પ્રચલીત છે.