અનિલ જોશી : ગુજરાતી સાહિત્યમાં ગીતકવિતાને વળાંક આપનાર કવિને કેવી રીતે યાદ રખાશે?

    • લેેખક, સુરેશ ગવાણિયા
    • પદ, બીબીસી સંવાદદાતા

'આપણું શહેરી જીવન રોજબરોજ કૃત્રિમ બનતું જાય છે એ ફરિયાદ હવે વાસી થઈ ગઈ છે. કાચી કેરીના લીલા રંગ જેવી હયાતી પરિપક્વ બનીને વધુ પડતી ઠાવકી થઈ ગઈ છે. આ મહાનગરમાં કોઈ માણસ હવે કાચું રહ્યું નથી. મને તો એવું લાગે છે કે આપણે જેટલા પરિપક્વ બનીએ છીએ એટલા બાળક મટી જઈએ છીએ. ઋતુપરિવર્તનનો આનંદ જેટલો બાળક લઈ શકે છે એટલો આપણે લઈ શકતા નથી. આંબાના ઝાડ પર ઉપર પથરો મારીને કેરી પાડતું બાળક જોઉં ત્યારે થાય છે કે આ નગરસંસ્કૃતિનાં આક્રમણથી આ બાળક બચી ગયું છે. એને સાચવી રાખવું જોઈએ. શિક્ષણે શિખવાડેલા શાણપણની હોળી કરીને ફાગણના રંગમાં થોડાક ભીંજાઈએ તો જ ઢાલ કાચબાની પીઠ જેવી આપણી ચામડીને રંગનો રોમાંચ થાય.'

આ વાત ગુજરાતના જાણીતા કવિ અને નિબંધકાર અનિલ જોશીએ પોતાના નિબંધસંગ્રહ 'સ્ટેચ્યૂ'માં કરી છે.

કવિ અનિલ જોશીની કાવ્યસફર સૌરાષ્ટ્રના ગોંડલથી માંડીને અમદાવાદ, વડોદરા, થોડો સમય વિદેશમાં અને પછી મુંબઈમાં વીરમે છે.

મૂળ તો ગીતકવિ તરીકે વધુ જાણીતા થયેલા અનિલ જોશી એમના નિબંધો અને છેલ્લા દિવસોમાં સોશિયલ મીડિયામાં કરેલી એમની સામાજિક પ્રતિબદ્ધતાની પોસ્ટને લીધે પણ ચર્ચામાં રહ્યા.

કવિ અનિલ જોશીનું 26 ફેબ્રુઆરી, 2025માં મુંબઈમાં તેમનું નિધન થયું છે.

ગુજરાતી સાહિત્યમાં ગીતકવિતામાં વળાંક લાવનારા કવિઓમાંના એક અનિલ જોશી

ગુજરાતી સાહિત્યમાં ગીતકવિતાની વાત આવે એટલે રમેશ પારેખ અને અનિલ જોશીનું નામ પણ અચૂક લેવાય છે.

ઇતિહાસમાં એ વાત નોંધાઈ છે કે આ બંને કવિઓએ ગુજરાતી ગીતકવિતાને 'નવો વળાંક' આપ્યો છે.

ગુજરાતી ભાષાના જાણીતા કવિ, નાટ્યકાર, વિવેચક સિતાંશુ યશશ્ચંદ્ર બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે કે વીસમી સદીના ઉત્તરાર્ધના જે ઉત્તમ કવિઓ હતા, એમાં એમનું (અનિલ જોશી) નામ આવે.

"રાજેન્દ્ર, નિરંજનના કાળખંડ પછી જે આધુનિકતા અને અનુઆધુનિકતાનો સમય શરૂ થયો એમાં આધુનિક સંચેતનાનાં ઊર્મિકાવ્યો આપનાર બે ઉત્તમ કવિઓ. એક રમેશ પારેખ અને બીજા અનિલ જોશી. રમેશ અને અનિલને સાથે મૂકીને જોઈએ તો અનિલની વિશેષતા એ હતી કે તેમનામાં આધુનિકતાનો રણકાર વધારે સ્પષ્ટ હતો. રમેશ તળનો કવિ હતો. અનિલ નગરનો કવિ હતો."

અનિલની કવિતામાં જે આધુનિકતાનો રણકાર હતો એ ભાવના સ્તરે અને અભિવ્યક્તિના બંને સ્તરે હતો એમ કહેતા સિતાંશુ યશશ્ચંદ્ર તેમની એક પંક્તિ ટાંકે છે, 'અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં,' આ વાત અનિલ જ કહી શકે.

અનિલ જોશીની મૂળ પંક્તિ કંઈક આવી છે-

અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં,

લૂમાં તરતો ઘોર ઉનાળો

અમે ઉઘાડે ડિલે,

ઓગળતી કાયાનાં ટીપાં

કમળપાંદડી ઝીલે.

તો જાણીતા કવિ ઉદયન ઠક્કર કહે છે, "ગુજરાતી ગીતકવિતામાં ઘણા મુકામ આવ્યા. નર્મદ, દલપત, નરસિંહરાવ, ભોળાનાથ, બ.ક. ઠાકોર, એમ કરતાં આપણે આગળ આવીએ તો રાજેન્દ્ર શાહ, ઉમાશંકર જોશી, પ્રહલાદ પારેખ, બાલમુકુન્દ દવે, મકરન્દ દવે - આવી રીતે ઘણા કવિઓએ ગુજરાતનાં ગીતોને રળિયાત કર્યાં છે. પરંતુ 1960 પછી એકાએક રમેશ પારેખ અને અનિલ જોશીની બેલડી એવાં ગીતોનું સર્જન કરવા લાગી, જેવી ભાષા તે કાળ પૂર્વ ગુજરાતી પ્રજાએ વાંચી કે સાંભળી ન હતી. એટલે ગીતકવિતાએ આ બે કવિઓ દ્વારા નવપ્રસ્થાન કર્યું."

ગીતકવિતાનું એક નવું સ્થિત્યંતર, નવું ખેડાણ

અનિલ જોશી ગુજરાતી ભાષાના એક એવા કવિ હતા, જેમની કવિતા આજે પણ લોકહૈયે વસેલી છે. 'કન્યાવિદાય', 'સાંજ', 'બીક ના બતાવો' સહિતનાં અનેક કાવ્યો લોકો સોશિયલ મીડિયામાં શૅર કરે છે, જે તેમની કાવ્યબાનીની બળકટતાને દર્શાવે છે.

ગુજરાતી ભાષાના જાણીતા કવિ, વિવેચક વિનોદ જોશી કહે છે, "ગુજરાતી કવિતા અને ખાસ કરીને ગીતકવિતામાં નિરંજન ભગત અને રાજેન્દ્ર શાહ પછીના સમયગાળાના જે બે યુગવર્તી સર્જકો આપણને મળ્યા, એમાં રમેશ પારેખ અને અનિલ જોશી. આ બંને કવિઓએ પ્રહ્લાદ પારેખે જે સૌંદર્યલક્ષી ગુજરાતી કવિતાને આપણી સમક્ષ મૂકી આપી એનું એટલું સૂક્ષ્મ અને સુંદર વિસ્તરણ કર્યું કે ગુજરાતી ભાષા જાણે આખી નવેસરથી સંસ્કરણ પામી."

"રમેશ પારેખ અને અનિલ જોશી, બંનેની ગીતકવિતા માટે તો એમ કહી શકાય કે આજે ગુજરાતી ભાષકના કંઠે એમની રચનાઓએ જે સ્થાન લીધું છે, એ મને લાગે છે કે ન્હાનાલાલ, બોટાદકર અને મેઘાણી- પછી આવી સમૃદ્ધિ ભાગ્યે જ કોઈને મળી છે."

"બંને કવિઓએ જે પ્રકારે ગુજરાતી ગીતકવિતાનું ખેડાણ કર્યું એમાં ગુજરાતી ભાષાને જાણે કે એક નવો ચળકાટ મળ્યો. કટાઈ ગયેલી ગુજરાતી કવિતા પર એક કાનસ ફેરવવાનું અને ઝળહળતી કરવાનું કામ એ બંનેએ કર્યું. અવનવાં પ્રતીકો, કલ્પનો, જુદા જુદા લયહિલ્લોળ એ સર્વ દ્વારા ગુજરાતી ભાષાની જે શક્યતાઓ છે, ગુજરાતી ભાષા કેટલી મહાન એ સિદ્ધ કરી આપ્યું."

તેઓ વધુમાં કહે છે, "ગુજરાતી કવિતાનું રમેશ પારેખ અને અનિલ જોશી પછીનું ગીતકવિતાનું એવું કોઈ મોટું સ્થિત્યંતર દર્શાવી શકાય નહીં. એમના એક અનુગામી તરીકે મને આટલું કહેવાનું પ્રાપ્ત થાય છે."

ઉદયન ઠક્કર કહે છે, અનિલભાઈએ અગાઉનાં ઉપમા, રૂપક, અગાઉનાં જે કલ્પનો, પ્રતીકો હતાં એ બધાં છોડી દીધાં. એટલે કે રોમૅન્ટિક શૈલી છોડી દીધી. પહેલાંનાં ગીતો તમે જોશો તો ચાંદો અને પોયણી, સૂરજ અને કમળ, ઘાસનાં મેદાન, વાદળો, વર્ષા, વૃક્ષો, મેઘધનુષ્ય- આવાં બધાં ઉપર નિર્વાહ થતો હતો. અનિલ જોશીનાં ગીતો આધુનિક ગીતો છે. પરંપરાનાં કે રંગદર્શી ગીતો નથી."

જાણીતા કવિ શોભિત દેસાઈ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, "જેવી રીતે ગઝલની ઇબારત બદલવાનું કામ, મિજાજ ચેન્જ કરવાનું કામ આદિલ મન્સૂરીને ફાળે જાય છે એવી રીતે ગીતનો નવોન્મેષ શરૂ થયો અનિલ જોશીથી. અનિલે પારંપરિત ગીતને અત્યંત નવ્ય કલ્પનોથી સજાવ્યાં, એના છંદમાં બહુ સરસ બદલાવ અનિલ જોશીને લીધે આવ્યા. કલ્પનો તો કમાલનાં લઈ આવ્યાં." જેમ કે-

સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઊઘલતી મ્હાલે,

કેસરીયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.

પાદર બેસી ફફડી ઊઠતી ઘરચોળાની ભાત,

ડૂસકે ડૂસકે હડસેલાતી બાળપણાની વાત.

રે મઠ અને અનિલ જોશી

ગુજરાતી સાહિત્યમાં એક સમયે આધુનિકતાનો વાયરો વાયો એ સમયે કેટલાક કવિઓએ વર્તમાન કવિઓ અને સાહિત્ય સામે બંડ પોકાર્યો હતો. લાભશંકર ઠાકર, ચિનુ મોદી, મનહર મોદી, આદિલ મન્સૂરી સહિતના સાહિત્યકારોએ 'રે મઠ' નામે એક સાહિત્યવર્તુળ શરૂ કર્યું હતું. અને આમાં અનિલ જોશી પણ સામેલ થયા હતા.

ઉદયન ઠક્કર એ સમયની વાત કરતા કહે છે, "અનિલ જોશી એક તોફાની, મસ્તીખોર જીવ હતા. એમની યુવાવસ્થામાં એ અમદાવાદની લેખકમંડળીમાં યોજાયા હતા. જેનું નામ હતું 'રે મઠ'. એમના પૂર્વકાલીન કવિઓને, સંપાદકોને એ લોકો પડકાર આપતા હતા. થયું એવું કે અનિલભાઈના એક ગીતમાં અમુક પંક્તિઓ આગળ-પાછળ કરીને કુમારના સંપાદક બચુભાઈ રાવતે એ ગીતરચના પોતાના સામયિકમાં છાપી."

"એનાથી અનિલ જોશીને એટલો ગુસ્સો ચડ્યો કે એમણે બચુભાઈને એક પોસ્ટકાર્ડ લખ્યું. 'પ્રિય ભાઈ, બચુ, તમારા બાળસામયિકમાં આજ પછી મારી કવિતા છાપતા નહીં.' સ્વાભાવિક છે કે બચુભાઈને અપમાનજનક લાગ્યું. તો અનિલભાઈનો ખુલાસો એમ હતો કે 'તમે મારા કાવ્યમાં શબ્દો આગળ-પાછળ કર્યા, તો મેં બચુભાઈનું આગળ-પાછળ કરીને ભાઈ બચુ લખ્યું. તો એમાં તમને કેમ ખોટું લાગ્યું?'

તેઓ કહે છે કે પરંતુ એય ખરું કે એમને (અનિલ જોશી) પૂર્વસુરીઓ સાથે સારાસારી હતી.

ઉમાશંકર જોશી સાથે 'સોહરાબ-રુસ્તમી'

અનિલ જોશી ગુજરાત યુનિવર્સિટીમાં ભણતા હતા અને એ સમયે ઉમાશંકર જોશી ગુજરાતી ભાષાભવનમાં ગુજરાતીના અધ્યાપક હતા.

ઉદયન ઠક્કર એ પ્રસંગને સંભારતા કહે છે, "ઉમાશંકર જોશી એમના ગુરુ હતા. અનિલ જોશી એમને પોતાની કાચી કવિતા વંચાવા ગયા કે એમણે ધ્યાનપૂર્વક વાંચીને કાગળ પાછો આપતા ઉમાશંકરે કહ્યું કે 'અક્ષર સારા છે'.

જોકે અનિલ જોશી અને ઉમાશંકર જોશી વચ્ચે પ્રેમભાવ અને આદર પણ એટલા જ હતા.

સિતાંશુ યશશ્ચંદ્ર કહે છે, "એમનું તેજ ઉમાશંકરે જોશીએ પારખ્યું હતું. ગુજરાત યુનિવર્સિટીમાં તેઓ ભણતા હતા અને ઉમાશંકરના પ્રિય વિદ્યાર્થી હતા. એ (ઉમાશંકર જોશી) જ્યારે વીસી થયા ત્યારે એમને ગમ્યું નહોતું. અનિલ તેમની પાસે ગયા અને કહ્યું કે 'તમે વીસી થયા છો એ મને નથી ગમ્યું, કેમ કે તમે અમને ભણાવવા નહીં આવો ને'. જોકે પછી ઉમાશંકર અનિલ અને એમના સાથીઓને ભણાવતા હતા."

મુંબઈમાં એક સમયે અનિલ જોશીને ભયંકર રોડ અકસ્માત નડ્યો હતો અને તેમને ગંભીર ઈજા થઈ હતી.

સિતાંશુ યશશ્ચંદ્ર કહે છે કે અકસ્માત સમયે ઉમાશંકર મુંબઈની હૉસ્પિટલમાં ગયા હતા અને અનિલ જોશીને જોઈને કહ્યું કે 'સોહરાબ-રુસ્તમી કરવી હોય તો આવી જા.' એમ કહીને ભેટી પડ્યા હતા.

ઉદયન ઠક્કર કહે છે કે એમને ગંભીર વાહન અકસ્માત નડ્યો હતો એ વખતે રક્તદાનની જરૂર પડી હતી તો હિન્દી કવિ સૂર્યભાનુ ગુપ્ત, કાંતિ મડિયા સહિત અનેક કલાકારો પોતાનું લોહી આપી ગયા હતા.

તેઓ કહે છે કે મુંબઈમાં એમની સર્જકતાને કારણે તેઓ વાચકપ્રિય, શ્રોતાપ્રિય થયા હતા.

અનિલ જોશીની એક કવિતાની પંક્તિ વાંચો-

ક્રાઉં ક્રાઉં કાગડાથી ખીચોખીચ લીમડામાં કીડીએ ખોંખારો ખાધો,

તમને નથી ને કાંઈ વાંધો?

મુંબઈમાં બાલાસાહેબે કહ્યું- 'તમે ગુજરાતી કવિ છો કે મરાઠી?'

અનિલ જોશીએ તેમના જીવનનાં અંતિમ વર્ષો મુંબઈમાં વિતાવ્યાં હતાં. તેઓ જાહેર વક્તવ્યમાં કહેતા કે મુંબઈ આવ્યા બાદ તેમના જીવનકવનને એક દિશા મળી છે. ઘણા હાથે તેમને ઘડ્યા છે. મુંબઈમાં તેઓ મરાઠી, હિન્દી કવિઓ અને લેખકો સાથે સંપર્કમાં આવ્યા હતા. ઘણા કવિઓ સાથે તેમનો ઘરોબો હતો.

અનિલ જોશી મહારાષ્ટ્રમાં ગુજરાતી સાહિત્ય અકાદમીના ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે.

સિતાંશુ યશશ્ચંદ્ર એક પ્રસંગ યાદ કરતા જણાવે છે, "અનિલનો શિવસેના સાથેનો સંબંધ પણ રસ પડે તેવો છે. એક વખતે એમણે મરાઠી સાહિત્ય સંમેલનમાં મરાઠી સાહિત્યકારો વિશે 'જરા કડક' વાત કરેલી. એ સમયે મરાઠી લેખકો વિંદા કરંદીકર, વસંત બાપટ વગેરે રાજીનામાં આપ્યાં હતાં. તો અનિલ જોશીએ પણ રાજીનામું આપી દીધું હતું. પછી અનિલ અને બાલાસાહેબ મળ્યા ત્યારે બાલાસાહેબે પૂછ્યું કે 'અનિલ તેં પણ રાજીનામું આપ્યું?' બાલાસાહેબે અનિલને કહેલું કે 'તમે (અનિલ) ગુજરાતી કવિ છો કે મરાઠી?' ટૂંકમાં બાલાસાહેબનો કહેવાનો મતલબ એ હતો કે ગુજરાતી કવિ આવું સ્ટેન્ડ ન લે."

સિતાંશુ યશશ્ચંદ્ર કહે છે કે અનિલ જોશીએ મુંબઈની શાળાઓમાં અનેક કામ કર્યાં હતાં, શાળામાં જતા અને તેને દત્તક લેવડાવતા હતા.

રાજકીય, સામાજિક સ્થિતિ સામે અવાજ ઉઠાવતી કલમ

જાણકારોના મતે અનિલ જોશીની કલમ એમના અંતિમ દિવસો સામાજિક, રાજકીય અને વર્તમાન ઘટનાઓ સંદર્ભે વધુ બળવત્તર બની હતી.

દેશમાં જ્યારે 'ઍવૉર્ડ વાપસી'ની ઝુંબેશ શરૂ થઈ ત્યારે અનિલ જોશીએ પણ સાહિત્ય અકાદમી દિલ્હી તરફથી એમને મળેલો ઍવૉર્ડ પાછો આપવાની જાહેરાત કરી હતી. એમને એમના નિબંધસંગ્રહ 'સ્ટેચ્યૂ' માટે આ ઍવૉર્ડ મળ્યો હતો.

અનિલ જોશી છેલ્લાં વર્ષોમાં સોશિયલ મીડિયામાં અને ખાસ કરીને ફેસબુકમાં વધુ સક્રિય જણાતા હતા.

જાણીતાં કવયિત્રી અને કર્મશીલ સરૂપ ધ્રુવ કહે છે કે અનિલ જોશીની કલમમાં સામાજિક નિસબત પાછળથી આવી હતી.

તેઓ કહે છે, "અનિલ જોશીનું બૅકગ્રાઉન્ડ મૂળે તો ગોંડલ અને સૌરાષ્ટ્રનું, એટલે યુવાનીમાં રમેશ પારેખની સાથે તેઓ સૌરાષ્ટ્રની બોલીમાં સરસ ગીતો અને ખાસ કરીને પ્રેમગીતો, લાગણીસભર ગીતો લખતા. એ તેમનો અગાઉનો ઇતિહાસ છે. એ સમયે અનિલ જોશી 'એન્ટિ એસ્ટાબ્લિસ્ટ કવિ' નહોતા."

"વર્ષો પછી અંદાજે 1980માં નવો એક વળાંક આવ્યો. એમણે એક કવિતા લખી- 'કાળો વર્સાદ મારા દેશમાં નથી...' આ કવિતા મને લાગે છે કે દલિત અને બિનદલિત વચ્ચેની જે સંઘર્ષકથા છે એ એમણે સચોટ અને સંક્ષિપ્ત અને લાગણીસભર વાણીમાં વ્યક્ત કરી હતી."

સરૂપ ધ્રુવ જેનો ઉલ્લેખ કરી રહ્યાં છે એ 'રંગભેદ' નામે લખેલી કવિતામાં અનિલ જોશી કહે છે-

કાળો વર્સાદ મારા દેશમાં નથી

કે નથી પીળો વર્સાદ તારા દેશમાં,

આપણે તો નોધારા ભટકી રહ્યા છીએ

ચામડીના ખોટા ગણવેશમાં...

તો જાણીતા કવિ પ્રવીણ પંડ્યા કહે છે કે "અનિલભાઈમાં એક ચોક્કસ પ્રકારની સ્પષ્ટતા હતી. એમને એક ખ્યાલ હતો કે લોકશાહી શું છે, લોકશાહીનું મૂલ્ય શું છે. અને રાજ્યનો રોલ સાહિત્યમાં શું હોવો જોઈએ અને સાહિત્યનો રોલ રાજ્યની ઍક્ટિવિટીમાં શું હોવો જોઈએ. એ સર્વધર્મસમભાવમાં માનતા હતા."

સરૂપ ધ્રુવ માને છે કે અનિલ જોશીના સર્જનમાં ધરમૂળથી ફેરફાર એ મુંબઈ ગયા પછી આવ્યો છે. મંબઈમાં ગયા પછી એમને લાગ્યું કે ગુજરાતીમાં કવિતામાં જેને આપણે 'સામાજિક, રાજકીય નિસબત' કહીએ કે 'વિદ્રોહ' કહીએ કે 'સ્થાપિત હિતો' સામે 'આંગળી ચીંધવાની જે હિંમત' કહીએ એ અત્યાર સુધી નહોતી. એટલે મુંબઈ પહોંચ્યા પછી એમણે આ પ્રકારનું ગદ્ય ઘણું લખ્યું છે, પદ્ય ઓછું લખ્યું છે."

સરૂપ ધ્રુવ તેમની સાથેનાં સંસ્મરણોને વાગોળે છે કે અમે બધાએ એક અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનું જૂથ શરૂ કર્યું છે એમાં એ જોડાયા હતા. એ વિવિધ સંમેલનોમાં પણ આવતા. આમોલ પાલેકર, આનંદ પર્ટવર્ધન જેવા રાજકીય પરિવર્તન માટે લખનારા લોકો સાથે પણ જોડાતા ગયા.

"એ મુંબઈમાં વિવિધ ભાષાઓના કવિઓ, લેખકો સાથે સંપર્કમાં આવતા ગયા. એ છેલ્લાં પાંચેક વર્ષમાં માત્ર ભારતમાં નહીં પણ દુનિયાભરમાં થતી હિંસાઓ, નફરતો અંગે ખુલ્લેઆમ લખતા. હિંમતપૂર્વક લખતા હતા, વિદેશની કવિતાઓનો આસ્વાદ કરાવતા હતા. "

છેલ્લે તેઓ ઉમેરે છે, "અંદરનો એમનો જે માયલો હતો એ છુપો રહી શક્યો નહીં હોય."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.