વર્લ્ડ સ્ટાર્ટઅપ કન્વેન્શન : ભારતમાં વિશ્વનો સૌથી મોટો ફંડિંગ ઉત્સવ જે કૌભાંડ બની ગયો

    • લેેખક, મેરલીન સેબેસ્ટિયન
    • પદ, બીબીસી ન્યૂઝ

સેંકડો ઉદ્યોગસાહસિકો દેશની રાજધાની દિલ્હીની સીમાએ આવેલા નોઇડા ખાતે માર્ચમાં ત્રણ દિવસના સંમેલનમાં ભાગ લેવા માટે એકઠા થયા હતા. તે સંમેલનને “વિશ્વનો સૌથી મોટો ફંડિંગ ઉત્સવ” ગણાવવામાં આવ્યું હતું.

સ્ટાર્ટઅપના ઉત્સુક સ્થાપકો વર્લ્ડ સ્ટાર્ટઅપ કન્વેન્શન(ડબલ્યુએસસી)માં બિઝનેસ લીડરો સાથે ખભેખભા મેળવીને કામ કરવા આતુર હતા. તેમને આશા હતી કે તેમની 15 મિનિટની બિઝનેસ આઇડિયા પિચને લીધે બિઝનેસ માટે તેમને જરૂરી ભંડોળ (ફંડિંગ) મળશે.

2021 અને 2022ના વર્ષમાં ભારતની સ્ટાર્ટઅપ ઇકૉસિસ્ટમ ભંડોળથી છલકાતી હતી, કારણ કે કંપનીઓએ વિક્રમસર્જક પ્રમાણમાં નાણાં એકત્ર કર્યાં હતાં, અનેક યુનિકોર્નનો જન્મ થયો હતો અને કેટલાય ઉદ્યોગસાહસિકો રાતોરાત કરોડપતિ બની ગયા હતા, પરંતુ વૈશ્વિક પરિસ્થિતિને લીધે રોકાણકારો વધુ સાવચેત બન્યા હતા અને નાણાંનો પ્રવાહ અટકી ગયો હતો.

તેથી ડબલ્યુએસસી પાસેથી અપેક્ષા વધુ હતી, પરંતુ 24 માર્ચે પ્રારંભ સાથે જ આ સંમેલનમાં અરાજકતા સર્જાઈ. સહભાગીઓ અને કેટલાક સ્પૉન્સરોએ આક્ષેપ કર્યો હતો કે તેમને ખોટાં વચન આપીને લલચાવવામાં આવ્યા હતા તથા છેતરપિંડી કરવામાં આવી હતી. જોકે, આયોજકોએ તે આક્ષેપને નકારી કાઢ્યો હતો અને કેટલાક ઉદ્યોગસાહસિકો સંમેલનમાં વિક્ષેપ પાડવા ઇચ્છતા હોવાનો વળતો આક્ષેપ કર્યો હતો.

‘આયોજકો સામે ઉદ્યોગસાહસિકોએ છેતરપિંડીની ફરિયાદ કરી’

કાર્યક્રમના પહેલા દિવસે સચીન ચૌહાણ તેમની ટીમ સાથે ઉત્સાહભેર સંમેલનના સ્થળે આવી પહોંચ્યા હતા. હરિયાણાના ઉદ્યોગસાહસિક ચૌહાણે ફેબ્રુઆરીમાં સોશિયલ મીડિયામાં સર્વત્ર ડબલ્યુએસસીની જાહેરાત જોઈને કાર્યક્રમના પાસ ખરીદ્યા હતા.

ડબલ્યુએસસીની વેબસાઇટ પરની માહિતી મુજબ, કેન્દ્રના પરિવહનમંત્રી નીતિન ગડકરી અને આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા સહિતના ટોચના રાજકારણીઓ મુખ્ય અતિથિઓમાં સામેલ હતા.

અન્ય મહેમાનોમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) શાસિત રાજ્યોના મુખ્ય મંત્રીઓ અને પ્રધાનોનો સમાવેશ થતો હતો. નીતિન ગડકરીના ટ્વિટર તથા ઇન્સ્ટાગ્રામ પેજ પર, આ કાર્યક્રમ માટેના તેમના આયોજિત ભાષણ અંગે પોસ્ટ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના પ્રમોશનલ વીડિયોમાં અંકુર વારિકૂ, પ્રફુલ્લ બિલ્લોર, રાજ શમાની અને બેસ્ટસેલિંગ લેખક ચેતન ભગત જેવા લોકપ્રિય ઇન્ફ્લુએન્સરોને દર્શાવવામાં આવ્યા હતા. પ્રચારસામગ્રીમાં જણાવવામાં આવ્યું હતું કે આ કાર્યક્રમમાં 1,500 વેન્ચર કૅપિટલિસ્ટ્સ, 9,000 એન્જલ ઇન્વેસ્ટરો અને 75,000 સ્ટાર્ટઅપ ભાગ લે તેવી અપેક્ષા છે. આ કાર્યક્રમને સંભવિત ગ્રાહકો સાથે મુલાકાતનો, નેટવર્કિંગનો અને રોકાણકારો સમક્ષ બિઝનેસ આઇડિયા પિચ કરવાનો મંચ ગણાવવામાં આવ્યો હતો.

બાઇક સર્વિસિંગ અને રિપેર ઍપ 'અપના મિકેનિક'ના સહસ્થાપક ચૌહાણે પોતાના અને ચાર સાથીદારો માટે કાર્યક્રમના પાસ ખરીદવા રૂ. 20,000 ખર્ચ્યા હતા.

તેમણે બીબીસીને કહ્યું હતું કે, “કલાકો વીતી ગયા, પરંતુ અમને કોઈ રોકાણકાર ભાગ્યે જ જોવા મળ્યા હતા.”

રેપ્રોક નામના સ્ટાર્ટઅપના સ્થાપક ભૈરવ જૈન છેક તામિલનાડુથી હજારો કિલોમિટરનો પ્રવાસ કરીને અહીં આવ્યા હતા.

તેમણે કહ્યું હતું કે “કાર્યક્રમમાં સંખ્યાબંધ સ્ટાર્ટઅપ સ્થાપકોની ભીડ હતી. તેમાં એકાદ વ્યક્તિ પણ રોકાણકાર હોય એવું મને લાગ્યું નહીં.”

બપોરે દોઢ વાગ્યે નીતિન ગડકરીનું વર્ચ્યુઅલ સંબોધન રદ કરવામાં આવ્યું હતું અને સહભાગીઓમાં અસંતોષનું મોજું ફરી વળ્યું હતું. ઘણા લોકો સ્ટેજ પાસે એકઠા થઈ ગયા હતા અને તેમણે ખુલાસો માગ્યો હતો.

ચૌહાણે કહ્યું હતું કે, “લોકો પૂછવા લાગ્યા હતા કે રોકાણકારો ક્યાં છે? આયોજકો પાસે તેનો જવાબ ન હતો એટલે ટૂંક સમયમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી.”

દિવસના અંત સુધીમાં ચૌહાણ અને જૈન સહિતના 19 ઉદ્યોગસાહસિકોના જૂથે આયોજકો સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

  • નોઇડા ખાતે આયોજિત ‘વિશ્વનો સૌથી મોટો ભંડોળ ઉત્સવ’ને કાર્યક્રમમાં ભાગ લેનારા ઉદ્યોગસાહસિકો ‘કૌભાંડ’ ગણાવી રહ્યા
  • આ કાર્યક્રમના આયોજકોએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર કરેલી જાહેરાતો અનુસાર સરકારના મંત્રીઓ અને અનેક મોટાં માથાં સહિત ઘણા રોકાણકારો સામેલ થવાની અપેક્ષા હતી
  • પરંતુ ભાગ લેનાર ઉદ્યોગસાહસિકો આરોપ લગાવ્યો હતો કે ‘હજારો રૂપિયા ખર્ચીને તેમણે પાસ ખરીદ્યા’ પરંતુ કાર્યક્રમમાં ‘રોકાણકારોની નહીં પરંતુ આયોજકોની ભીડ’ હતી
  • કેટલાક ઉદ્યોગસાહસિકોએ આયોજકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી
  • જોકે આયોજકોએ ‘ઉદ્યોગસાહસિકોને લલચાવીને છેતરપિંડી કરવાના’ આરોપો નકાર્યા છે

આયોજકો ફરિયાદોને ગણાવી રહ્યા છે ‘ભાજપવિરોધી એજન્ડા’

આ કાર્યક્રમના આયોજક અને ક્યૂફંડર પ્રાઇવેટ લિમિટેડના સહસ્થાપક લ્યુક તલવાર અને અર્જુન ચૌધરીએ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. તેમણે બીબીસીને કહ્યું હુતં કે, “ભાજપવિરોધી એજન્ડા ધરાવતા વિક્ષેપકર્તાઓના એક જૂથે” કાર્યક્રમને ખોરવી નાખ્યો હતો. પરિણામે તેમને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.

પ્રધાનો અને ભાજપ તરફથી આ બાબતે કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

ચૌધરીએ જણાવ્યું હતું કે કાર્યક્રમમાં સર્જાયેલી અંધાધૂંધીને કારણે નીતિન ગડકરીનું પ્રવચન રદ કરવામાં આવ્યું હતું, જ્યારે બાકીનો કાર્યક્રમ પોલીસ સલામતી વચ્ચે આગળ વધ્યો હતો.

તેમણે ઉમેર્યું હતું કે, “રોકાણકારોની સંખ્યા ઓછી હશે, પરંતુ રોકાણકારો હતા ખરા.”

ચૌધરીના મતાનુસાર, કાર્યક્રમમાં દેશની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બૅન્ક આઇસીઆઇસીઆઇ, ઇન્વૅસ્ટમેન્ટ કંપની યુનિકોર્ન ઇન્ડિયા વેન્ચર્સ, ફાઇનાન્શિયલ સર્વિસિસ કંપની બજાજ ફિનસર્વ અને સૉફ્ટવૅર ક્ષેત્રના માંધાતા અઝીમ પ્રેમજીની માલિકીના પ્રાઇવેટ ઇક્વિટી ફંડ પ્રેમજી ઇન્વેસ્ટના પ્રતિનિધિઓ હાજર હતા.

પરંતુ ચૌહાણના જણાવ્યા મુજબ, આ કાર્યક્રમમાં સ્ટાર્ટઅપના સ્થાપકોએ સ્ટેજ પર જઈને અન્ય સ્ટાર્ટઅપ સ્થાપકો સમક્ષ બિઝનેસ આઇડિયા રજૂ કરવાના હતા. “તેનો શું અર્થ?” એવો સવાલ તેમણે કર્યો હતો.

કંપનીઓ અને ઇન્ફ્લુએન્સરોએ પણ લગાવ્યા આરોપ

અસંતુષ્ટ સહભાગીઓએ ડબલ્યુએસસીમાં તેમને થયેલા કડવા અનુભવની ઝાટકણી કાઢતી પોસ્ટ સોશિયલ મીડિયા લખી હતી અને ગૂગલ પર નૅગેટિવ રિવ્યૂ પોસ્ટ કર્યા હતા.

અનેક કંપનીઓએ પણ જણાવ્યું હતું કે તેમને કાર્યક્રમ સ્પૉન્સર કરવા માટે ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા.

સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર ધરાવતા વારિકૂ અને શમાનીએ આક્ષેપ કર્યો હતો કે ડબલ્યુએસસીએ તેમના વીડિયોનો ઉપયોગ પ્રચાર માટે પરવાનગી વિના કર્યો હતો. આ આક્ષેપને પણ આયોજકોએ નકારી કાઢ્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે આ બાબતે તપાસ ચાલી રહી છે. હજુ સુધી કોઈની ધરપકડ કે અટકાયત કરવામાં આવી નથી.

બૅંગલુરૂસ્થિત પૅકેજિંગ બ્રાન્ડ બામ્બ્રુ ખાસ કરીને સૌથી વધુ નિરાશ થઈ છે. તેના સ્થાપકોએ જણાવ્યું હતું કે તેમણે કાર્યક્રમ સ્પૉન્સર કરવા માટે લગભગ રૂ. 36 લાખ ખર્ચ્યા હતા.

બામ્બ્રુના સ્થાપક વૈભવ અનંતે કહ્યું હતું કે, “અમે જાળમાં સપડાઈ ગયા હતા. માત્ર પ્રાયોજક તરીકે જ નહીં, પરંતુ લોકોમાં વિતરણ માટેના સૅમ્પલ અને સેટઅપમાં પણ મોટું રોકાણ કર્યું હતું.”

સૉફ્ટવૅર ડેવલપમૅન્ટ પ્લૅટફૉર્મ બિલ્ડર અને એક અન્ય પ્રાયોજક Builder.aiના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ડબલ્યુએસસીમાં બનેલી ઘટનાઓથી તેઓ “બહુજ નિરાશ થયા છે.”

“અમે આયોજકો પાસે ખુલાસો તથા રિફંડ માગ્યું હતું અને કાર્યક્રમમાંથી તેમજ તેમની ચેનલમાંથી અમારી બ્રાન્ડ તથા નામ કાઢી નાખવા વિનંતી કરી હતી, પરંતુ તેનો કોઈ પ્રત્યુત્તર મળ્યો ન હતો,” એમ કંપનીના પ્રવક્તાએ કહ્યું હતું.

Builder.aiનું નામ અને લોગો આજે પણ ડબલ્યુએસસીની વેબસાઇટ પર ધ્યાનાકર્ષક રીતે જોવા મળે છે.

અન્ય સ્પૉન્સરોએ પણ આવી જ ટ્વીટ કરી હતી.

જોકે, આયોજકોએ સ્પૉન્સરો તથા ઇન્ફ્લ્યુએસરોની પ્રતિક્રિયા માટે વિરોધકર્તા ઉદ્યોગસાહસિકોને જવાબદાર ગણાવ્યા હતા.

વ્યાપક મીડિયા કવરેજને લીધે “અમારી જિંદગી બરબાદ થઈ ગઈ,” એમ ચૌધરીએ કહ્યું હતું.

'98 કરોડના કૌભાંડનો' આરોપ

કેટલાક સ્પૉન્સરો અને સહભાગીઓએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, આલ્ફાબેટના સીઇઓ સુંદર પિચાઈ અને ટ્વિટરના વડા એલન મસ્ક જેવા મહાનુભાવો કાર્યક્રમમાં હાજરી આપશે એવું અમે માનતા હતા, પરંતુ આયોજકોએ જણાવ્યું હતું કે મહાનુભાવોના ફોટોગ્રાફનો ઉપયોગ જાન્યુઆરીમાં યોજાયેલા કાર્યક્રમ માટે કરવામાં આવ્યો હતો.

નેટવર્કિંગની આશાએ ડબલ્યુએસસીમાં આવેલા અને હવે પોલીસ ફરિયાદ નોંધાવી ચૂકેલા જૂથનું પ્રતિનિધિત્વ કરતા વકીલ રઘુમન્યુ તનેજાએ બીબીસીને જણાવ્યું હતું કે વારિકૂ જેવા ઇન્ફ્લ્યુએન્સર આ કાર્યક્રમ સાથે સંકળાયેલા હોવાને કારણે તેમને ઇવેન્ટમાં ભરોસો પડ્યો હતો. હવે વારિકૂએ ભારતમાંના ઍન્ડોર્સમૅન્ટ નિયમો મુજબ દંડનો સામનો કરવો પડે તે શક્ય છે.

અલબત્ત, આ આક્ષેપનું ખંડન કરતાં વારિકૂએ એક ટેક્સ્ટ મૅસેજમાં જણાવ્યું હતું કે, “મને મૅસેજ કરી રહેલા અને મીડિયામાં મારો ઔપચારિક પ્રતિસાદ શૅર કરી રહેલા તમામને હું અંગત રીતે જવાબ આપું છું.”

ઉદ્યોગસાહસિકો દ્વારા નોંધાવવામાં આવેલી પોલીસ ફરિયાદમાં આયોજકો પર 1.20 કરોડ ડૉલર (અંદાજે રૂ. 98 કરોડ)નું કૌભાંડ આચરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ફરિયાદી ઉદ્યોગસાહસિકોના જૂથે આ આંકડો કાર્યક્રમમાં હાજર રહેલા લોકો તથા સ્ટાર્ટઅપની સંખ્યાના આધારે નક્કી કર્યો છે.

જોકે, ચૌધરીએ જણાવ્યું હતું કે સમગ્ર કાર્યક્રમમાંથી ડબલ્યુએસસીને બહુ ઓછી આવક થઈ હતી.

તેમણે સવાલ કર્યો હતો કે, “જો આ ખરેખર કૌભાંડ જ હોય તો અમે થોડા કલાકોમાં જ બધા જાણી જાય એવો કાર્યક્રમ શા માટે યોજીએ? અમે પૈસા લઈને નાસી ન જઈએ?”

તલવારના જણાવ્યા મુજબ, કાર્યક્રમમાં 4,000 સહભાગી હતા.

ડબલ્યુએસસીએ તેની વેબસાઇટ પરના સ્ટાર્ટઅપ ઍન્ડોર્સમૅન્ટની માહિતી બીબીસી સાથે શૅર કરી હતી. જોકે, પોતે કેટલાં નાણાં એકત્ર કરી શક્યાં એ વિશે એ પૈકીના કોઈએ કશું જણાવ્યું નથી.

ફરિયાદીઓનું કહેવું છે કે તેઓ વૉટ્સઍપ ગ્રૂપ મારફત આગામી પગલાનું આયોજન કરી રહ્યા છે. બીજી તરફ ડબલ્યુએસસીના આયોજકોએ જણાવ્યું હતું કે તેઓ ફરિયાદીઓ સામે કાયદાકીય પગલાં લેશે.