You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત તરફ આગળ વધી સિસ્ટમ, વરસાદના વિસ્તારોમાં થશે ફેરફાર, આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં હાલ ભારેથી અતિભારે વરસાદનો દોર ચાલી રહ્યો છે અને ઘણા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ પેદા થઈ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજી પણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. જોકે, હવે એવી સંભાવના છે કે રાજ્યમાં વરસાદના વિસ્તારો બદલાશે.
જુલાઈ મહિનો અડધો ગયા પછી શરૂ થયેલો વરસાદનો રાઉન્ડ કેટલાક વિસ્તારોમાં નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે તો કેટલાક વિસ્તારોમાં હજી પણ પૂરતો વરસાદ પડ્યો નથી અને ખેડૂતો રાહ જોઈ રહ્યા છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ હાલ ઓડિશા અને છત્તીસગઢ પર છે તે ગુજરાત તરફ આગળ વધી રહી છે અને તેના કારણે રાજ્યમાં વરસાદ સતત ચાલુ રહેવાની સંભાવના છે. આ સિસ્ટમ જ્યારે ગુજરાતની નજીક પહોંચશે ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની સાથે અન્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે.
રવિવારના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો હતો પરંતુ આ સાથે જ ગુજરાતના કુલ 137 તાલુકાઓમાં ઓછો વધારે વરસાદ નોંધાયો છે.
બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો...
ગુજરાતમાં હજી કેટલા દિવસ સુધી વરસાદ પડશે?
હાલ કચ્છ ઉપર એક સાયક્લૉનિક સર્ક્યુલેશનના રૂપે વરસાદી સિસ્ટમ બનેલી છે, દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી એક ઑફ શૉર ટ્રફ રેખા બનેલી છે અને બંગાળની ખાડી તરફથી એક નવી સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે. આ તમામ સ્થિતિને જોતાં ગુજરાતમાં આગામી દિવસોમાં પણ હજી ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.
હાલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે, કેટલાક વિસ્તારોમાં 20 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે અને કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પેદા થઈ છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજી બેથી ત્રણ દિવસ સુધી અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત 25 જુલાઈ સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લૉ-પ્રેશર એરિયા મધ્ય પ્રદેશ પર થઈને ગુજરાતની નજીક આવશે ત્યારે ફરીથી રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદનું જોર વધશે અને સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાત સિવાયના વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં હજી પણ વરસાદનું જોર ચાલુ રહેશે અને ઘણા વિસ્તારોમાં હળવો, મધ્યમ અને ભારે વરસાદ જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે.
ગુજરાતના કયા વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ?
ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં હાલ વરસાદની ઘટ વર્તાવી રહી છે, ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, મોરબી અને બોટાદ જિલ્લા ઘણા વિસ્તારોમાં પણ વરસાદની રાહ જોવાઈ રહી છે.
છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે, ઘણી જગ્યાએ ભારે વરસાદ પણ થઈ રહ્યો છે પરંતુ તે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પડી રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, રાજકોટ જિલ્લાના વિસ્તારોમાં ભારે અને કોઈ વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે.
આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, ભરૂચ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે, કોઈ વિસ્તારોમાં અતિભારે વરસાદ પણ પડી શકે છે.
રાજ્યમાં હજી પણ વરસાદનું જોર ચાલુ રહેશે અને પૂર્વ ગુજરાતના વિસ્તારો તથા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદનું પ્રમાણ વધે તેવી શક્યતા દેખાઈ રહી છે.
છોટા ઉદેપુર, વડોદરા, આણંદ, દાહોદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના વિસ્તારોમાં પણ છુટોછવાયો વરસાદ થવાની શક્યતા છે.
હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં હજી પણ આગામી દિવસોમાં વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે અને ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની શક્યતા છે.
ગુજરાતમાં કયા જિલ્લામાં કેટલો વરસાદ?
ભારતીય હવામાન વિભાગે 1 જૂનથી 22 જૂલાઈ સુધી કેટલો વરસાદ થયો છે, તેના આંકડા બહાર પાડ્યા છે. તે મુજબ, સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે વરસાદ દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં થયો હતો. તેના સિવાય, જૂનાગઢ, કચ્છ, મોરબી, જામનગર અને ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો.
એકંદરે, સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં સામાન્ય કરતાં વધારે જોવા મળ્યો હતો.
અત્યાર સુધી ગુજરાતમાં ભરૂચ, નવસારી, સુરત, ભાવનગર, અમરેલી અને રાજકોટમાં પણ સામાન્ય કરતાં થોડો વધારે વરસાદ થયો હતો,..
પરંતુ અમુક જિલ્લાઓમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ રહ્યો છે. ઉત્તર ભારતના અમદાવાદ, આણંદ, પાટણ, ખેડા, અરવલ્લી, ગાંધીનગર અને બનાસકાંઠામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ જોવા મળ્યો હતો.
સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં અતિશય ઓછો વરસાદ જોવો મળ્યો છે.
આ ઉપરાંત, દક્ષિણ ગુજરાતના છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, મહિસાગર, નર્મદા, પંચમહાલ, તાપી, વડોદરા, વલસાડ, બોટાદ અને દીવમાં પણ સામાન્ય કરતાં આછો વરસાદ જોવા મળ્યો હતો.