'લોકોને થાંભલે બાંધીને મારવાનો અધિકાર તમને કોણે આપ્યો?', ખેડામાં આરોપીઓને માર મારવાના કેસમાં પોલીસને સુપ્રીમ કોર્ટના આકરા સવાલો

ઇમેજ સ્રોત, UGC
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
સુપ્રીમ કોર્ટે 23 જાન્યુઆરીના રોજ ગુજરાત પોલીસના અધિકારીઓને 2022માં ખેડા જિલ્લાના ઉંઢેલા ગામમાં પાંચ લોકોને જાહેરમાં બાંધીને માર મારવા પર આકરા સવાલો પૂછ્યા હતા. સુપ્રીમે ગુસ્સે થઈને પૂછ્યું હતું કે, "લોકોને થાંભલા સાથે બાંધવાની અને માર મારવાની સત્તા તમને ક્યાંથી મળી?"
ચાર પોલીસ અધિકારીઓની અરજી પર જસ્ટિસ બી.આર.ગવઈ અને જસ્ટિસ સંદીપ મહેતાની બૅન્ચ સુનાવણી કરી રહી હતી.
જોકે, ખંડપીઠે અંતે તેમની અપીલ સ્વીકારી હતી અને ‘હાઈકોર્ટ સમક્ષ કન્ટેમ્ટ ઑફ કોર્ટ’ ની કાર્યવાહી પર સ્ટે આપ્યો હતો.
અહીં ઉલ્લેખનીય છે 2022માં ખેડા જિલ્લાના માતરના ઉંઢેલા ગામ ખાતે નવરાત્રી દરમિયાન કથિત પથ્થરમારાના બનાવ બાદ સ્થાનિક પોલીસે ઘટનાના આરોપીઓને જાહેરમાં માર માર્યાના વીડિયો સામે આવ્યા હતા.
આ મામલે પીડિતોએ ખેડાના 13 પોલીસ અધિકારીઓ સામે ‘કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટ’ પિટિશન દાખલ કરી હતી.
આ ઘટનાના લગભગ એક વર્ષ બાદ ગુજરાત હાઇકોર્ટે થોડા સમય પહેલાં આરોપી પોલીસ અધિકારીઓને ‘કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટ’ માટે દોષિત ઠેરવી, 14 દિવસની સજા સંભળાવી હતી.
ત્યારબાદ દોષિતોને ચુકાદા સામે અપીલ કરવાનો 30 દિવસનો સમય અપાતાં, તેમની સજા પર ત્રણ માસનો સ્ટે આપી દેવાયો હતો.
સુપ્રીમ કોર્ટે શું સવાલો પૂછ્યા?

ઇમેજ સ્રોત, Getty Images
પીટીઆઈના એક અહેવાલ અનુસાર, સુનાવણી દરમિયાન જસ્ટિસ બી.આર.ગવઈએ ગુસ્સે થતાં પૂછ્યું હતું કે, "તમને ક્યા કાયદા હેઠળ લોકોને થાંભલા સાથે બાંધીને જાહેરમાં મારવાની સત્તા છે? હવે, જાઓ અને કસ્ટડીનો આનંદ માણો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પોલીસ અધિકારીઓને સખત ભાષામાં ઠપકો આપતા જસ્ટિસ મહેતાએ કહ્યું હતું, "આ કેવા પ્રકારના અત્યાચારો છે? લોકોને થાંભલા સાથે બાંધવા, જાહેરમાં માર મારવા અને વીડિયો ઉતારવા. અને આવું કર્યા બાદ તમે ઇચ્છો છો કે સુપ્રીમ કોર્ટ આ મામલે હસ્તક્ષેપ કરે."
પોલીસ અધિકારીઓ તરફથી દલીલ કરી રહેલા સિનિયર ઍડવોકેટ સિદ્ધાર્થ દવેએ કહ્યું હતું કે, "આરોપીઓ પહેલેથી જ ફોજદારી કાર્યવાહી, તેમના વિભાગ દ્વારા કરવામાં આવતી કાર્યવાહી અને રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ દ્વારા તપાસનો સામનો કરી રહ્યા હતા. અહીં સવાલ તેમની સામે ‘કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટ’ની કાર્યવાહીમાં આગળ વધવાના હાઈકોર્ટના અધિકારક્ષેત્રનો છે."
તેમણે આગળ દલીલ કરી હતી કે, "સુપ્રીમ કોર્ટે 1996માં ડીકે બાસુ કેસમાં આપેલા ચુકાદાના સંદર્ભમાં આપણે જોઈએ તો આ અધિકારીઓ સામે ઇરાદાપૂર્વક આદેશનો ભંગ કરવાનો કોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો ન હતો."
તેમણે એમ પણ પૂછ્યું હતું કે, "શું કોર્ટના ચુકાદાની કોઈ જાણીજોઈને અવહેલના કરવામાં આવી હતી? આ એ પ્રશ્ન છે જેનો જવાબ શોધવાનો બાકી છે. શું પોલીસકર્મીઓ કોર્ટના આ ચુકાદાથી વાકેફ હતા?"
સિનિયર ઍડવોકેટે કરેલી દલીલ અનુસાર હાઇકોર્ટ દ્વારા દોષિત ઠરેલા આ પોલીસ અધિકારીઓને 1996માં ડી કે બાસુ કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદામાં આરોપીઓની અટકાયત, તપાસ અને પૂછપરછ અંગે આપેલી ગાઇડલાઇનનો ખ્યાલ ન હતો.
પરંતુ તરત જ જસ્ટિસ ગવઈએ તેમને આ દલીલ કરતા અટકાવ્યા હતા અને કહ્યું હતું, "કાયદાનું અજ્ઞાન એ માન્ય બચાવ નથી. દરેક પોલીસ અધિકારીને એ જાણકારી હોવી ફરજિયાત છે કે ડીકે બાસુ કેસમાં શું કાયદો ઘડવામાં આવ્યો છે. કાયદાના વિદ્યાર્થીઓ તરીકે પણ અમે ડીકે બાસુના ચુકાદા વિશે સાંભળતા અને વાંચતા આવ્યા છીએ."
જોકે, ઍડવોકેટ દવેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આરોપી પોલીસકર્મીઓ પર હાઈકોર્ટની અવમાનના હેઠળના ગુના માટે કાર્યવાહી થઈ શકે નહીં.
ત્યારપછી જસ્ટિસ ગવઈએ આરોપી પોલીસકર્મીઓ વિરુદ્ધ નોંધાયેલી ખાનગી ફરિયાદની સ્થિતિ વિશે પણ પૂછપરછ કરી હતી.
ફરિયાદી તરફથી હાજર રહેલા વરિષ્ઠ એડવોકેટ આઈએચ સૈયદે કોર્ટને કહ્યું હતું કે, "તે હજુ પણ પેન્ડિંગ છે. કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટના આરોપો સ્વતંત્ર હતા અને વિભાગ તરફથી કરવામાં આવેલી કાર્યવાહી અને ફોજદારી કાર્યવાહીને ધ્યાનમાં લીધા વિના તેઓ માત્ર કહી રહ્યા છે કે આ કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટ નથી. આ સિવાય તેમની પાસે કોઈ દલીલ નથી."
જસ્ટિસ ગવઈએ કહ્યું કે આ એક અપીલ હોવાથી કોર્ટે આ મામલાની સુનાવણી કરવી પડશે. ઍડવોકેટ દવેએ 14-દિવસની જેલની સજા આપતા હાઈકોર્ટના આદેશ પર સ્ટે માગ્યો હતો અને કહ્યું હતું કે જો સ્ટે નહીં આપવામાં આવે તો અપીલ નિરર્થક બની જશે. હાઇકોર્ટે પણ ત્રણ મહિનાનો સ્ટે આપ્યો હતો.
જસ્ટિસ ગવઈએ પોલીસ અધિકારીઓ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, "જાઓ અને કસ્ટડીનો આનંદ માણો. તમે તો તમારા પોતાના જ અધિકારીઓના જાણે કે મહેમાન બનશો. તેઓ તમને સ્પેશિયલ સેવાઓ આપશે."
જોકે, અંતે જસ્ટિસ ગવઈએ તેમની વિનંતી સ્વીકારી હતી અને સજા પર સ્ટે મૂકવાનો આદેશ આપ્યો હતો.
હાઈકોર્ટે શું કહ્યું હતું?

અગાઉ આ કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપી પોલીસવાળાને કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટ માટે દોષિત ઠેરવી, 14 દિવસની સજા સંભળાવી હતી.
કોર્ટે આ મામલામાં દોષિત પોલીસ અધિકારીઓની બિનશરતી માફીની પેશકશ ફગાવતાં કહેલું કે આ મામલામાં સુપ્રીમ કોર્ટ દ્વારા ડીકે બાસુ વિ. પશ્ચિમ બંગાળ કેસમાં અપાયેલી માર્ગદર્શિકાનું ઉલ્લંઘન થયું છે.
ધી ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે પીડિતો જાહિરમિયાં મલેક (62), મકસુદાબાનુ મલેક (45), સહદમિયાં મલેક (23), સકીલમિયાં મલેક (24) અને શાહિદરાજા મલેક (25) એ આ મામલે ખેડાના 13 પોલીસ અધિકારીઓ સામે કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરી હતી.
આ મામલે અરજદારોએ અમદાવાદ રેન્જ આઈજી અને ખેડા જિલ્લાના એસપી સહિત કુલ 15 અધિકારીઓ સામે ‘અવમાનના અને કાયદાનું અનુપાલન ન કરવાના’ આરોપસર પગલાં ભરવાની અને વળતર ચૂકવવાની માગ કરી હતી.
ડી.કે. બાસુ વિ. બંગાળના એક કેસમાં સુપ્રીમ કોર્ટે પોલીસને આરોપીની અટકાયત અને ધરપકડ વખતે કયા નિયમોનું પાલન કરવું એ અંગે ગાઇડલાઇન આપી હતી. અરજદારોએ આ કેસને આધાર બનાવ્યો હતો અને અપીલ કરી હતી.
આ મામલે ગુજરાત હાઇકોર્ટની ડિવિઝન બૅન્ચે પોલીસ અધિકારીઓ સામે કન્ટેમ્પ્ટ ઑફ કૉર્ટ હેઠળ આરોપો ઘડવાનું શરૂ કર્યું હતું.
જસ્ટિસ એ. એસ. સુપહિયા અને જસ્ટિસ એમ. આર. મેન્ગદેયની બૅન્ચે નડિયાદ ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટે આપેલા રિપોર્ટને આધારે કલમ-2બી અને કલમ 12 હેઠળ ચારેય આરોપીઓ સામે આરોપો ઘડવાનું ચાલુ કર્યું હતું અને ત્યારબાદ સજા ફટકારી હતી.
ચાર આરોપીઓમાં ઇન્સ્પેક્ટર એ. વી. પરમાર, સબ-ઇન્સ્પેક્ટર ડી. બી. કુમાવત, કૉન્સ્ટેબલ રાજુભાઈ ડાભી અને હેડ કૉન્સ્ટેબલ કનકસિંહનો સમાવેશ થાય છે.
આરોપીઓએ હાઇકોર્ટમાં એવી દલીલ કરી હતી કે અમે દસ-પંદર વર્ષ સુધી ગુજરાત પોલીસમાં સેવા આપી છે. જો અમે દોષી ઠરીશું તો અમારી કારકિર્દી અને અમારા રેકૉર્ડ પર અસર પડશે.
આ અરજીમાં પોલીસ અધિકારીઓએ એવી દલીલ પણ આપી હતી કે કૂલાના ભાગે લાકડીઓથી ફટકારવું એ ‘કસ્ટોડિયલ ટૉર્ચર’ નથી અને તેના કારણે તેમના પર કોર્ટની અવમાનના હેઠળ આરોપો ન ઘડાવા જોઈએ.
ખેડામાં શું બન્યું હતું?
ખેડામાં પોલીસે દાખલ કરેલી ફરિયાદ અનુસાર જિલ્લાના માતર તાલુકાના ઉંઢેલા ગામમાં ત્રીજી ઑક્ટોબર, 2022ની રાત્રે આઠમા નોરતે ગરબે રમતા ગ્રામજનો પર '150થી 200 લોકોના ટોળાએ હુમલો કર્યો હતો અને પથ્થરમારો કર્યો હતો'. લાકડી અને પથ્થર લઈને આવેલા ટોળાના હુમલામાં બે પોલીસકર્મીઓ સહિત 10 જેટલા ગ્રામજનો ઈજાગ્રસ્ત થયા હતા.
ત્યારબાદ આ મામલામાં પોલીસે નવ લોકોની ધરપકડ કરી હતી અને 43 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
આરોપીઓની ધરપકડ પહેલા પોલીસ આરોપીઓને ગામના ચોકમાં થાંભલે બાંધીને લાકડીથી મારતી હોય તેવા વીડિયો વાઇરલ થયા હતા. આ ઘટના પ્રકાશમાં આવતાં સમાચારોમાં છવાઈ ગઈ હતી.
આરોપીઓને કથિતપણે પોલીસ દ્વારા માર મરાયાના આ વીડિયોમાં એક તરફ પોલીસ યુવાનોને મારી રહી હતી, એ દરમિયાન બીજી બાજુ કથિત રીતે ગામલોકો તાળી પાડતા દેખાઈ રહ્યા હતા.
જાહેરમાં લોકોને ફટકારવામાં આવ્યા બાદ ગામમાં ભારે તણાવની પરિસ્થિતિ જોવા મળી હતી.
આ ઘટનાનો વીડિયો વાઇરલ થયા બાદ પોલીસના આ પગલા વિશે ચર્ચાઓ શરૂ થઈ હતી.
પોલીસ અધિકારીઓએ જાહેરમાં ભરેલા આ પગલાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને તેમની નિંદા થઈ હતી.
ત્યારબાદ પીડિતોએ ખેડાના કુલ 13 પોલીસ અધિકારીઓ સામે કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી જેમાંથી ચાર પોલીસ અધિકારીઓને કોર્ટે સજા ફટકારી હતી.












