યુવાનને હનીટ્રૅપમાં ફસાવવાનો પ્રયત્ન કરી અપહરણ કર્યું, ચંબલનાં જગલોમાંથી પોલીસે કેવી રીતે છોડાવ્યો?

અપહરણ

ઇમેજ સ્રોત, JITU PATEL

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી માટે

થોડા દિવસ અગાઉ નવસારીમાં એવી ઘટના બની કે એ કેસ ઉકેલવા માટે પોલીસ પણ મૂંઝવણમાં મૂકાઈ ગઈ. કોઈ ધનવાન નહીં પણ સામાન્ય મજૂરીકામ કરીને પોતાના પરિવાર ચલાવતા યુવાનનું અપહરણ થયું. પહેલાં તેની સાથે કોઈ યુવતીની વાત પણ સામે આવી.

પણ જ્યારે પોલીસે તપાસ કરી તો આખાય પ્રકરણમાં યુવતી ક્યાંય નહોતી. અને બદલામાં રૂપિયા નહીં પણ તેમની પાસે રહેતાં બાળકોની માગ કરાઈ. અપહરણ કરીને યુવાનને તેઓ એવી જગ્યાએ લઈ ગયા હતા કે પોલીસ તેમનું લોકેશન પણ સરખી રીતે ટ્રૅસ નહોતી કરી શકતી.

એક ફોનમાં લોકેશન મધ્ય પ્રદેશ બતાવતું, તો બીજા ફોનમાં ઉત્તર પ્રદેશ. કેસ ઉકેલવા માટે નવસારી પોલીસે મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન પોલીસની એક સંકલન ટીમ બનાવી પડી. અને મધ્ય પ્રદેશના ચંબલની કોતરોમાં પાંચ દિવસ સર્ચ ઑપરેશન કર્યું.

બીબીસી ગુજરાતી

અપહરણ માટે બિછાવી હનીટ્રૅપની જાળ

અપહરણ

ઇમેજ સ્રોત, Getty Images

કોઈ ફિલ્મી કહાણી જેવી આ સત્ય ઘટના નવસારીમાં બની હતી. જે છોકરાનું અપહરણ કરાયું હતું તેનું નામ શીતલ છે. શીતલનાં માતા રમીલાબહેન, તેમની ભાણી ટ્વિન્કલ, તેનાં બે બાળકો, અને ભાણો અંકિત આટલા લોકો સાથે રહેતા હતા.

બધાની સારસંભાળની જવાબદારી શીતલને માથે હતી. ટ્વિન્કલે અગાઉ પરિવાર વિરુદ્ધ મધ્ય પ્રદેશમાં લગ્ન કર્યાં હતાં. પણ કોરોનામાં તેમના પતિનું મૃત્યુ થતાં તેમના પરિવારજનો ત્રાસ આપવા લાગ્યા અને ટ્વિન્કલે બાળકો સાથે રમીલાબહેનને ત્યાં રહેવા આવી ગયાં.

સમગ્ર કેસ અંગે વિસ્તારથી વાત કરતા નવસારીના ડીવાયએસપી એસ કે રાયે બીબીસી સાથે વાત કરતા કહ્યું કે, "દિવસ ઘરકામ કરીને રમીલાબહેન પોલીસ સ્ટેશન આવ્યાં અને કહ્યું કે તેમનો દીકરો શીતલ ગુમ થઈ ગયો છે."

આ અંગે માહિતી મળતા જ સૌથી પહેલા પોલીસે શીતલની જ્યાં બેઠક હતી, ત્યાં એક બેકરીએ તપાસ કરી. ત્યાં મિત્રો સાથે પોલીસે પૂછપરછ કરી.

જેમાં એક છોકરીની વાત સામે આવી. જેને શીતલ વારંવાર મળવા જવાનું કહેતો હતો. અને જ્યારથી તે ગુમ થયો એ દિવસથી એ એના મિત્રોને મળ્યો જ નહોતો.

મિત્રોએ છોકરીની વાત કરતા પોલીસે પ્રેમ પ્રકરણને લઈને તપાસ શરૂ કરી. પણ પ્રાથમિક તપાસમાં છોકરીની બાબત હોવાને લઈને કોઈ જ સંકેત ન મળતા પોલીસ પણ મૂંઝવણમાં પડી ગઈ.

બીબીસી ગુજરાતી

એક ફોનથી સમગ્ર કેસમાં આવ્યો વળાંક

અપહરણ

ઇમેજ સ્રોત, JITU PATEL

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પોલીસ ફરિયાદના બીજા જ દિવસે અપહ્ત શીતલના ભાણિયા અંકિત પર ફોન આવ્યો. અને અપહરણકર્તાઓએ કોઈ રૂપિયાની માગણી ન કરી પણ ટ્વિકન્કલનાં બે બાળકોની માગ કરી. સાથે જ શીતલને મારી નાખવાની પણ ધમકી આપી. શીતલ સાથે ફોન પર વાત કરાવી. શીતલે ફોન પર કહ્યું "તમે મધ્ય પ્રદેશ આવીને બાળકોને આપી જાવ નહીં તો આ લોકો મને મારી નાખશે"

અપહરણના બદલામાં ફોન પર રૂપિયાની ખંડણી નહીં પણ બાળકો માંગતા પોલીસે રમીલાબહેન (અપહ્ત શીતલનાં માતા)ની અને અન્ય પરિવારજનોની પૂછપરછ કરી તો કેસને લઈને પોલીસને નવી દીશા મળી.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે ટ્વિન્કલે મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં રહેતા મનોજસિંહ સાથે લગ્ન કર્યાં હતાં. મનોજ સિંહ સાથેનાં લગ્નજીવનમાં તેમને બે બાળકો થયાં હતાં. વર્ષ 2021માં મનોજસિંહનું કોરોનામાં અવસાન થયું હતું.

ત્યારબાદ ટ્વિન્કલને એના સાસરીવાળા ખૂબ પરેશાન કરતા હોવાથી તે મધ્ય પ્રદેશથી બે બાળકોને લઈને નવસારી શીતલને ત્યાં રહેવા આવી ગઈ હતી.

ટ્વિન્કલનાં માતા જયાબહેને બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે ''અગાઉ અમારી પરિસ્થિતિ બહુ સારી ન હતી. મનોજસિંહ ગ્વાલિયરથી ગુજરાત કપડાના વેપાર માટે આવતો હતો. અને ટ્વિન્કલ તે સમયે સુરતમાં નોકરી કરતી હતી. બન્નેનો પરિચય થયો એટલે તેમણે પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કર્યાં હતાં.''

જયાબહેને ઊમેર્યું, ''કોરોનામાં ટ્વિન્કલના પતિ મનોજસિંહનું અવસાન થયું. ટ્વિન્કલનો દિયર રાજેન્દ્રપ્રસાદ તેને રાખવા નહોતો ઇચ્છતો પણ તેના બે દીકરાને રાખવા માગતો હતો. જેને લઈને વારંવાર ધમકી પણ આપતા હતા.''

તો, આ બાબતે રમીલાબહેને બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે ''શીતલને તેની બહેન ટ્વિન્કલ સાથે અતિશય લાગણી હતી. તેથી તે તેના દિયરની ધમકી સામે ઝૂકતો ન હતો. અને લગ્ન પણ એવી યુવતી સાથે કરવા માગતો હતો તે તેના બે ભાણિયા અને બહેનને રાખવા તૈયાર હોય.''

પરિવારની સ્થિતિ પોલીસે જાણતા પોલીસને સમજાઈ ગયું કે આ કોઈ પ્રેમ પ્રકરણનો નહીં પણ ગંભીર અપહરણનો કેસ છે.

બીબીસી ગુજરાતી

અપહરણકારોએ એવી જગ્યા પસંદ કરી કે પોલીસ ગોથે ચઢી

અપહરણ

ઇમેજ સ્રોત, JITU PATEL

ઇમેજ કૅપ્શન, ડીવાયએસપી એસ કે રાય

જે દિવસે અપહરણ થયું તે જ દિવસે શીતલ બેકરીએ બેસવાનું કહીને નીકળ્યો હતો. પોલીસે તે તરફના બધા જ સીસીટીવી ચકાસવાનું શરૂ કર્યું.

નવસારીના ડીવાયએસપી એસ કે રાયે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે ''સીસીટીવી ફૂટેજ ચૅક કરતા જાણવા મળ્યું કે કારમાં આવેલા ત્રણ લોકોએ શીતલનું અપહરણ કર્યું હતું. કારને ટ્રૅસ કરી તો ટોલનાકાઓ પરથી તે મધ્ય પ્રદેશ તરફ જતી દેખાઈ અને ફોન નંબર ટ્રૅસ કર્યો તો ચંબલની ઘાટીનું લોકેશન મળતું હતું.''

પણ લોકેશન સુધી પહોંચવુ મુશ્કેલભર્યું એટલા માટે હતું કારણ કે અપહરણકર્તાઓએ એવી જગ્યા પસંદ કરી હતી કે જેનાથી એક કિલોમીટર આગળ જઈને ફોન કરે તો રાજ્ય બદલાઈ જતું હતું.

થોડીવારમાં મધ્ય પ્રદેશ, થોડીવારમાં રાજસ્થાન અને થોડીવારમાં ઉત્તરપ્રદેશ દેખાડતું હતું.

અપહરણનો સમય વધતા પોલીસની ચિંતા પણ વધતી હતી. એવામાં નવસારી પોલીસે મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશની પોલીસ સાથે સંકલન કરીને એક ટીમ બનાવીને કામ શરૂ કર્યું.

શીતલને છોડાવવા માટે ચંબલના જંગલોમાં ગયેલા નવસારીના પીઆઈ જે એસ ચૌધરીએ બીબીસી સાથેની વાતમાં કહ્યું કે, ''ત્યાં અમે અમે આદિવાસી અને મજૂરના ડ્રેસમાં હતા. મોબાઇલ નંબરથી જે ધમકીઓ મળી હતી તેના નેટવર્ક ટ્રૅસ કરીને અમે એ લોકેશન પર મૂવમૅન્ટ કરતા. જો પોલીસના ડ્રેસમાં અમને કોઈ જોવે તો અપહરણકર્તાઓ ઍલર્ટ થઈ જાય. એટલે અમે આદિવાસીઓના ડ્રેસમાં રહ્યા. અને પાંચ દિવસ બાદ અમને શીતલને છોડાવવામાં સફળતા મળી.''

બીબીસી ગુજરાતી

છોકરીને મળવા બોલાવી અપહરણનો કારસો નિષ્ફળ ગયો

અપહરણકર્તાઓ પોલીસના સકંજામાં આવતા તેમની પૂછપરછ કરી તો સામે આવ્યું કે અગાઉ છોકરીની પ્રેમજાળમાં ફસાવીને અપહરણનું આયોજન હતું.

શીતલ પોતાના મિત્રો સમક્ષ જે છોકરીને મળવા જવાની વાત કરતો હતો તે છોકરીની જાળ અપહરણકર્તાઓએ જ બિછાવી હતી.

ડીવાયએસપી એસ કે રાયે બીબીસીને જણાવ્યું ''આ લોકોએ પહેલા ગ્વાલિયરની એક છોકરી શાઝિયા ખાન મારફતે શીતલને ફેસબુક ફ્રેન્ડ બનવીને પ્રેમજાળમાં ફસાવ્યો હતો. તેને મળવા પહેલા સુરત અને બાદમાં ગ્વાલિયર બોલાવ્યો હતો. પણ તેને શંકા જતા તે ગયો જ નહીં. તેથી ટ્વિન્કલનો દિયર, ડ્રાઇવરને લઈને અન્ય ત્રણ શખ્સોને લઈને અપહરણ કરવા નવસારી આવ્યો હતો.''

ડીવાયએસપી રાયે ઊમેર્યું ''તેણે પોતાના ભાઈ મનોજસિંહના બે દીકરાને મેળવવા માટે અપહરણ કર્યું હતું.''

પોલીસે રાજેશસિંહ, વિષ્ણુ પ્રસાદ સિંહ અને છોટ્ટાન સિદ્દીકીની ધરપકડ કરી લીધી છે. જ્યારે જે ડ્રાઇવરને લઈને તેઓ નવસારી આવ્યા હતા તે મુકેશ, મનમોહનસિંહ અને શાઝિયા ખાન ભાગેડુ છે. જેમની તપાસ ચાલુ છે.

બીબીસીએ શીતલ પટેલ, અને ટ્વિન્કલ પટેલનો સંપર્ક સાધ્યો હતો, પણ બંન્ને એ આ અંગે કંઈ પણ કહેવાનો ઈનકાર કરી દીધો હતો.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી