You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકાની 'કુખ્યાત' જેલમાંથી 20 વર્ષ બાદ મુક્ત થયેલા પાકિસ્તાનના રબ્બાની ભાઈઓની કહાણી
- લેેખક, જ્યોર્જ રાઈટ
- પદ, બીબીસી ન્યૂઝ
- છેલ્લા લગભગ 20 વર્ષથી ગ્વાન્ટાનામો ખાડીની અમેરિકી સેનાની જેલમાં કેદ પાકિસ્તાનના રબ્બાની બંધુઓને મુક્ત કરવામાં આવ્યા છે
- ગ્વાન્ટાનામો ખાડી જેલ ક્યુબામાં છે, જેનું નિર્માણ 2002માં તત્કાલીન રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યૂ. બુશ દ્વારા કરવામાં આવ્યું હતું
- આ જેલને ન્યૂયોર્ક પરના 9/11 હુમલામાં સામેલ શંકાસ્પદ ઉગ્રવાદીઓને કેદ રાખવા માટે બનાવવામાં આવી હતી
- બંને ભાઈઓને તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા છે
- અબ્દુલ અને મોહમ્મદ અહેમદ રબ્બાની નામના બે ભાઈઓની 2002માં પાકિસ્તાનમાં ધરપકડ કરવામાં આવી હતી
- પેન્ટાગોને કહ્યું હતું કે અબ્દુલ રબ્બાની અલ-કાયદા માટે સુરક્ષિત આશ્રયસ્થાન ચલાવતો હતો
- જ્યારે તેમના ભાઈ પર આ ઉગ્રવાદી સંગઠનના નેતાઓ માટે પ્રવાસ અને ભંડોળની વ્યવસ્થા કરવાનો આરોપ હતો
છેલ્લા લગભગ 20 વર્ષથી ગ્વાન્ટાનામો ખાડીની અમેરિકી સેનાની જેલમાં કેદ પાકિસ્તાનના રબ્બાની બંધુઓને મુક્ત કરવામાં આવ્યા છે. બંને ભાઈઓને તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
અબ્દુલ અને મોહમ્મદ અહેમદ રબ્બાની નામના બે ભાઈઓની 2002માં પાકિસ્તાનમાં ધરપકડ કરવામાં આવી હતી.
યુએસ ડિપાર્ટમૅન્ટ ઑફ ડિફેન્સના હેડક્વાર્ટર પેન્ટાગોને કહ્યું હતું કે અબ્દુલ રબ્બાની અલ-કાયદા માટે સુરક્ષિત આશ્રયસ્થાન ચલાવતો હતો, જ્યારે તેમના ભાઈ પર આ ઉગ્રવાદી સંગઠનના નેતાઓ માટે પ્રવાસ અને ભંડોળની વ્યવસ્થા કરવાનો આરોપ હતો.
રબ્બાની બંધુઓએ કહ્યું કે સીઆઈએના અધિકારીઓએ તેમને ગ્વાન્ટાનામો ખાડી મોકલતા પહેલાં યાતના આપી હતી.
જોકે, મુક્ત થયા બાદ હવે બંને ભાઈઓને પાકિસ્તાન મોકલી દેવામાં આવ્યા છે.
ગ્વાન્ટાનામો ખાડી જેલ ક્યુબામાં છે, જેનું નિર્માણ 2002માં તત્કાલીન રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યૂ. બુશ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ જેલને ન્યૂયોર્ક પરના 9/11 હુમલામાં સામેલ શંકાસ્પદ ઉગ્રવાદીઓને કેદ રાખવા માટે બનાવવામાં આવી હતી. આ જેલ અમેરિકન નૅવલ બેઝની અંદર બનાવવામાં આવી છે.
'આતંક વિરુદ્ધ યુદ્ધ'ના નામે યાતનાઓ
પરંતુ આ જેલ અમેરિકાના 'આતંકવાદ સામેના યુદ્ધ'ના નામે યાતનાઓનું પ્રતીક બની ગઈ. અહીં પૂછપરછ દરમિયાન કેદીઓને ભારે યાતનાઓ આપવામાં આવે છે. આ કારણે આ જેલને 'બદનામ જેલ'નું નામ પણ આપવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટીકાકારોનું કહેવું છે કે અહીં કેદીઓને લાંબા સમય સુધી કોઈ પણ સુનાવણી વગર કેદ રાખીને યાતના આપવામાં આવે છે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને આશા વ્યક્ત કરી છે કે આ જેલ ટૂંક સમયમાં બંધ કરી દેવામાં આવશે. જો કે હજુ પણ 32 કેદીઓને અહીં રાખવામાં આવ્યા છે. 2003માં અહીં એક સમયે 680 કેદીઓને રાખવામાં આવ્યા હતા.
પેન્ટાગોને ગ્વાન્ટાનામોમાં કેદીઓની સંખ્યા ઘટાડવાના પ્રયાસોમાં પાકિસ્તાન અને અન્ય સહયોગી દેશોના સહયોગની પ્રશંસા કરી છે.
પેન્ટાગોને કહ્યું છે કે, "યુનાઈટેડ સ્ટેટ્સ ગ્વાન્ટાનામોમાં કેદીઓની સંખ્યા ઘટાડવા અને આખરે તેને બંધ કરવાના પ્રયાસોમાં પાકિસ્તાન અને અન્ય સહયોગીઓની ઈચ્છાનું સન્માન કરે છે."
રબ્બાની બંધુઓ સાથે શું થયું હતું?
રબ્બાની બંધુઓની પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓએ સપ્ટેમ્બર 2002માં કરાચીમાંથી ધરપકડ કરી હતી.
ત્યાંથી તેમને ગ્વાન્ટાનામો ખાડીમાં ટ્રાન્સફર કરવામાં બે વર્ષ લાગી ગયાં.
તે પહેલાં તેમને અફઘાનિસ્તાનમાં સીઆઈએના ડિટેન્શન કૅમ્પમાં રાખવામાં આવ્યા હતા.
અહેમદ રબ્બાનીએ તેમની ધરપકડના વિરોધમાં 2013માં ભૂખ હડતાલ કરી હતી.
તેઓ થોડા સમયાંતરે ભૂખ હડતાળ પર ઊતરતા રહ્યા. સરવાળો કરતા તેમણે કુલ સાત વર્ષ સુધી ભૂખ હડતાળ કરી.
આ દરમિયાન, તેઓ ન્યુટ્રિશન સપ્લિમૅન્ટ પર જીવતા રહ્યા. કેટલીકવાર તેમને આ સપ્લિમૅન્ટ જબરદસ્તીપૂર્વક આપવામાં આવતા હતા.
કોર્ટમાં રબ્બાની બંધુઓનું પ્રતિનિધિત્વ કરનાર 3-ડી સેન્ટરના વકીલ ક્લાઇવ સ્ટેફર્ડ સ્મિથે બીબીસીને જણાવ્યું હતું કે તેઓ બંધુઓની જપ્તી રાખવા સામે કેસ કરવાનો પ્રયાસ કરશે.
જોકે તેઓ કહે છે કે તેમને વળતર અપાવવાનો અવકાશ ઘણો ઓછો છે કે ન તો તેમની માફી માંગવામાં આવશે.
બંને ભાઈઓને 2021માં મુક્ત કરવાની મંજૂરી મળી ગઈ હતી. પરંતુ તે પછી પણ તેમને જેલમાં કેમ રાખવામાં આવ્યા તે જાણી શકાયું નથી.
ધરપકડ સમયે અહેમદ રબ્બાનીનાં પત્ની ગર્ભવતી હતાં
જ્યારે અહેમદ રબ્બાનીની ધરપકડ કરવામાં આવી ત્યારે તેમનાં પત્ની ગર્ભવતી હતાં.
રબ્બાનીની ધરપકડના પાંચ મહિના બાદ તેમની પત્નીએ એક પુત્રને જન્મ આપ્યો હતો. રબ્બાની હજુ તેમના પુત્રને મળી શક્યા નથી.
સ્ટેફર્ડ સ્મિથે કહ્યું, "હું અહમદના પુત્ર જવાદ સાથે વાતો કરતો રહેતો. તે હવે તો 20 વર્ષનો થઈ ગયો છે. જવાદે હજુ સુધી તેના પિતાને જોયા નથી કારણ કે તેની ધરપકડ સમયે તેનો જન્મ થયો ન હતો. મારી ઈચ્છા છે કે પિતા-પુત્ર એકબીજાને ગળે લગાડે ત્યારે હું ત્યાં હાજર હોઉં."
ગ્વાન્ટાનામો ખાડીમાં તેમના રોકાણ દરમિયાન અહેમદ રબ્બાનીએ પોતાની ઓળખ બનાવી.
હવે તે મે મહિનામાં કરાચીમાં તેમના આર્ટવર્કનું પ્રદર્શન યોજવાનું વિચારી રહ્યા છે. તેમના કામથી પ્રેરિત થઈને વધુ 12 પાકિસ્તાની કલાકારો આ પ્રદર્શનમાં ભાગ લેશે.
'તેમણે એક પત્ની પાસેથી પતિ અને પુત્ર પાસેથી પિતા છીનવી લીધા'
જસ્ટિસ ચૅરિટી રિપ્રાઈવના ડિરેક્ટર માયા ફોઆએ ગયા વર્ષ સુધી અહેમદ રબ્બાનીને વકીલ પૂરા પાડ્યા હતા.
માયા ફોઆએ અહેમદ રબ્બાનીની બે દાયકાની જેલને 'ટ્રેજેડી' ગણાવી હતી. તેમણે કહ્યું, "આ મામલો દર્શાવે છે કે 'આતંક વિરૂદ્ધ યુદ્ધ' દરમિયાન પાકિસ્તાન તેના મૂળભૂત સિદ્ધાંતોથી કેટલું દૂર ગયું હતું."
માયાએ કહ્યું, "તેમણે એક પરિવાર પાસેથી તેમનો પુત્ર, પત્ની પાસેથી પતિ અને પુત્ર પાસેથી પિતા છીનવી લીધા. આ અન્યાયની ક્યારેય ભરપાઈ કરી શકાશે નહીં."
તેઓ કહે છે કે 'આતંક સામેના યુદ્ધ'ના ભયાનક નુકસાનની પૂરી ગણતરી ત્યારે જ શરૂ થઈ શકશે જ્યારે ગ્વાન્ટાનામો ખાડીને કાયમ માટે બંધ કરી દેવાશે.