You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ : શાહી અને પ્રિન્ટરની મદદથી કરોડપતિ થવા નીકળેલ ડ્રાઇવર કઈ રીતે પકડાયો?
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"સાંજે મારે રોજા ખોલવાના હતા એટલે હું ઇફ્તારની તૈયારી માટે બજારમાં ફળો લેવા ગઈ હતી. પાછા વળતી વેળા જોયું કે મારા ઘરની બહાર બે સફેદ ગાડીઓ ઊભી હતી. હું ઘરે પહોંચી ત્યારે મને ખબર પડી કે મારા ઘરમાં ભાડે રહેતો ભાડૂત નકલી નોટો છાપતો હતો."
અમદાવાદના સહજાદપાર્કમાં રહેતાં પ્રૌઢ રૂખસાનાબીબીના આ શબ્દો છે. ગુજરાત ઍન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડ દ્વારા જુહાપુરાના ફતેહવાડી વિસ્તારમાં આવેલા સહજાદપાર્કસ્થિત એક મકાનમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને કથિત નકલી નોટો છાપી રહેલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.
રૂખસાનાબીબી હાલમાં કોઈ સાથે વાત કરવા તૈયાર નથી. જોકે, જુહાપુરામાં પાંચ વખતના નમાઝી તરીકે જાણીતા અને હાલમાં જ હજ પઢીને આવેલા મુસ્તાક હાજીની મદદથી બીબીસીએ રૂખસાનાબીબી સાથે વાતચીત કરી.
બીબીસી સાથેની વાતચીતમાં બીબીએ જણાવ્યું, "બે પૈસાની આવક થાય એ માટે મેં ઘરનો એક ઓરડો ભાડે આપ્યો હતો. અમારા પડોશી ફૈઝાન મોમીનના કહેવાથી ઘરની ઉપરના ઓરડામાં એના મિત્ર આરીફ મકરાણીને ભાડૂત તરીકે રાખ્યો હતો. એ હજુ થોડા દિવસ પહેલાં જ અહીં રહેવા આવ્યો હતો અને એક મહિનાનું ભાડું પણ એણે ઍડવાન્સ આપ્યું હતું."
"રમઝાન મહિનો ચાલી ચાલતો હોવાથી મહોલ્લામાં રાતે ચહલપહલ રહે છે અને દિવસે શાંતિ હોય છે. એવામાં આરીફને મળવા બપોરે અમારા વિસ્તારમાં રહેતો ઑટોરિક્ષા ડ્રાઇવર અસલમ શેખ, છૂટક સામાનનો વેપારી મુજલીમ શેખ અને ફૈઝાન એને મળવા આવતા હતા. ક્યારેક મને મળી જાય તો દુઆસલામ પણ કરતા અને સીધા જ ઉપર જતા રહેતા. ઉપરથી કોઈ અવાજ આવતો નહોતો એટલે મને ક્યારેય શંકા ગઈ નહોતી."
જોકે, પોલીસના દરોડા બાદ રૂખસાનાબીબીને જાણ થઈ કે એમના ઘરના ઉપરના ઓરડે કથિત રીતે નકલી નોટો છાપવામાં આવતી હતી.
આરોપીઓ કઈ રીતે છાપતા હતા નકલી નોટો?
આ અંગે રૂખસાનાબીબી જણાવે છે, "એકવાર મેં ફૈઝાનને પૂછ્યું પણ હતું કે કામધંધો છોડીને બપોરે અહીં કેમ આવે છે તો ફૈઝાનને કહ્યું હતું કે 'આપા રમઝાનના મહિનામાં થાક લાગે એટલે આરામ કરવા માટે બપોરે આવીએ છીએ.' એમનો આ નિત્યક્રમ હતો અને સાંજે અસરની નમાજ પહેલાં એ લોકો ઘરેથી નીકળી જતા હતા."
"એ દિવસે હું ઇફ્તાર માટેનો સામાન લેવા ગઈ ત્યારે છેલ્લી વખત મળ્યા અને નમાજ પઢવા જવાનું કહીને એ નીકળ્યા હતા. પાછી આવી તો ખબર પડી કે કે પોલીસે ચારેયને પકડી લીધા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આરોપીઓ અંગે વધારે માહિતી આપતા જુહાપુરામાં ઠંડાં પીણાંની દુકાન ચલાવતા નાસિર મોમિન બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, "અસલમ અમારા વિસ્તારમાં રિક્ષા ચલાવતો હતો અને ફૈઝાન છૂટક મજૂરી કરતો હતો. પહેલાં બન્ને બધું ઉધારીમાં જ લેતા હતા અને ટુકડે ટુકડે પૈસા આપતા હતા. અચાનક જ આ લોકો સારાં કપડાં અને જૂતાં પહેરતાં થઈ ગયા હતા. ઉધારી બંધી કરી દીધી હતી. રોજા ખૂલે ત્યારે છૂટથી પૈસા વાપરતા હતા, પણ અમને ખબર નહોતી કે એ લોકો નકલી નોટો છાપતા હતા."
કઈ રીતે પકડાયા આરોપીઓ?
ઍન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડના એસ.પી. સુનિલ જોશી બીબીસી સાથેની વાતચીતમાં જણાવે છે, "જુહાપુરામાં નકલી નોટો છાપવાનો કારોબાર ચાલતો હોવાની બાતમી અમને મળી હતી. અમે હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો અને અમારા પી.આઈ. બી.એચ. કરોટ તથા પી.એસ.આઈ. એ.આર ચૌધરીને ઑપરેશન સોપ્યું."
"આ એવો વિસ્તાર છે કે જ્યાં અજાણી વ્યક્તિ તત્કાલ ઓળખાઈ જાય, એટલે આ ઑફિસરો વેશ બદલીને વૉચ રાખવા લાગ્યા. અમારી ટીમના એક અધિકારીએ કૉન્ટ્રેક્ટરની મદદથી ફૈઝાનને વધારે પૈસા આપીને કામે રાખવાની વાત કરી પણ એણે ઇન્કાર કરી દીધો. એ બાદ ડ્રાઇવર તરીકે કામ કરતા આરીફ મકરાણીને રાજસ્થાનની ટ્રીપ માટે બોલાવ્યો તો એણે પણ ઇન્કાર કરી દીધો. રીક્ષાડ્રાઇવર અસલમને બમણા ભાડાથી ઑફર આપી તોપણ એણે ના સ્વીકારી. એટલે અમારી શંકા પાક્કી થઈ ગઈ અને અમે દરોડા પાડ્યા."
એસ.પી. જોશી ઉમેરે છે, "મુજમીલ શેખ નામના એક ઇસમ પાસેથી પૈસા મેળવીને આ લોકોએ કલર પ્રિન્ટર મેળવ્યું હતું. એ પછી ચલણી નોટોમાં વાપરવા સારી ક્વૉલિટીના કાગળો એમણે લીધા હતા અને પાંચસો રૂપિયાની નોટો છાપવા માટે ખાસ પ્રકારની શાહી પણ લઈ આવ્યા હતા. નકલી નોટો છાપીને એને કાપવા માટે કટ્ટરનો ઉપયોગ કરતા હતા. નોટોને એકદમ અસલી લાગે એ માટે તેઓ મેટલના દોરાનો ઉપયોગ કરતા હતા અને ભારે કાળજીથી એને ચોટાડતા હતા. "
પોલીસ આ હાલ આ ચારેય આરોપીઓની પૂછપરછ કરી રહી છે અને વધુ માહિતી મેળવવા પ્રયાસ કરી રહી છે.