75મા ગણતંત્ર દિવસની ઉજવણી : કર્તવ્યપથ પર પરેડમાં ટ્રાઇ-સર્વિસ કંટિન્જેન્ટનું નેતૃત્વ મહિલાઓએ કર્યું

દિલ્હીના કર્તવ્યપથ પર ગણતંત્રિ દિવસની પરેડનું આયોજન કરવામાં આવ્યું છે.

ભારતીય સૈન્ય તકનીકના પ્રદર્શન સાથે પરેડની શરૂઆત થઈ.

ત્યાર બાદ ભારતીય સેનાની રેજિમેન્ટ્સની પરેડનું આયોજન થયું. ભારતીય સેનામાં સૌથી જૂની રેજિમેન્ટ મદ્રાસની છે.

આ વખતની પરેડમાં મહિલાઓએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. પ્રથમ વખત ટ્રાઇ સર્વિસ કંટિન્જેન્ટમાં બધી મહિલાઓ હતી અને તેનું નેતૃત્વ પણ મહિલા સૈન્ય અધિકારીએ જ કર્યું.

આ વર્ષે પરેડમાં 77 હજાર લોકોના બેસવાની ક્ષમતા છે અને 13 હજાર ખાસ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે.

ભારતના 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં ભાગ લેવા આવેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોંએ ભારતના વિદ્યાર્થીઓ માટે મોટું એલાન કર્યું છે.

તેમણે પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં સામેલ થતાં પહેલા એક ટ્વીટ કર્યું છે. તેમાં તેમણે લખ્યું છે કે, "ફ્રાન્સે એવું લક્ષ્ય રાખ્યું છે કે 2030 સુધીમાં ભારતના 30 હજારથી વધુ વિદ્યાર્થીઓ હશે. આ બહુ ઊંચો ટાર્ગેટ છે પણ અમે તેને હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ છીએ."

તેમણે કઈ રીતે આ લક્ષ્યને ફ્રાન્સ હાંસલ કરશે તેના વિશે પણ વાત કરી છે. તેમણે ફ્રેન્ચ ભાષા શીખવવા માટે નવા સેન્ટરો ખોલવાની જાહેરાત કરી છે.

આ સિવાય તેમણે કહ્યું છે કે તેઓ ઇન્ટરનેશનલ ક્લાસીસ ખોલી રહ્યા છે જેમાં ફૅન્ચ નહીં બોલી શકતા વિદ્યાર્થીઓ પણ યુનુવર્સિટીમાં જોડાઈ શકશે. વિઝા પ્રક્રિયામાં પણ મદદ આપવાની તેમણે ખાતરી આપી છે.

તેમની આ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે કૅનેડા અને યુકે જેવા દેશો ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે વિઝા અને પરમિટના નિયમો વધુ મુશ્કેલ બનાવી રહ્યા છે.

75મો પ્રજાસત્તાક દિન ઊજવી રહ્યું છે ભારત

દેશમાં 26 જાન્યુઆરી 2024ના ઉપલક્ષ્યમાં 75મો પ્રજાસત્તાક દિવસ ઉજવાઈ રહ્યો છે. કર્તવ્યપથ પર થનારી આ વર્ષની પ્રજાસત્તાક દિવસની પરેડમાં સૌનું ધ્યાન પર મહિલાઓ પર રહેશે.

આ વર્ષના પ્રજાસત્તાક દિનની થીમ 'વિકસિત ભારત' અને 'ભારત - લોકશાહીની માતા' છે.

75મા પ્રજાસત્તાક દિવસના પ્રસંગે ઉજવણીમાં મુખ્ય અતિથિ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોં છે. તેઓ ગુરુવારે જ ભારત આવ્યા હતા.

પ્રજાસત્તાક દિવસની પરેડ સવારે સાડા દસ કલાકે વિજય ચોકથી શરૂ થશે અને કર્તવ્ય પથ પર આગળ વધશે. આ વર્ષની પરેડમાં 77,000 લોકોની બેઠક ક્ષમતા છે અને 13,000 વિશેષ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે.

દિલ્હી પોલીસના વિશેષ પોલીસ કમિશનર (સુરક્ષા) દીપેન્દ્ર પાઠકે કહ્યું છે કે પ્રજાસત્તાક દિવસને લઈને દિલ્હીની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

14,000 સુરક્ષાકર્મીઓ ફરજ પર તહેનાત રહેશે.

દિલ્હી પોલીસના વિશેષ પોલીસ કમિશનર (કાયદો અને વ્યવસ્થા, ઝોન-2) મધુપ તિવારીએ જણાવ્યું હતું કે, "અમે નવી દિલ્હીના જિલ્લાઓને વિભાજિત કર્યા છે અને જ્યાં પરેડ થશે એ વિસ્તારને 28 સુરક્ષા ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. દરેક ક્ષેત્રનું નેતૃત્ત્વ વરિષ્ઠ અધિકારીઓના હાથમાં છે."

આજે પરેડ દરમિયાન કુલ 25 ઝાંખીઓ કર્તવ્ય પથ પર ફરશે, જેમાં 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તથા નવ મંત્રાલયો અને વિભાગોનો સમાવેશ થશે.

ગુજરાતની ઝાંખી વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહેશે, કારણ કે આ વખતે ટૅબ્લોમાં કચ્છની ઓળખ બની ગયેલા ધોરડોને લોકો સમક્ષ રજૂ કરવામાં આવશે.

પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિએ શું કહ્યું?

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ આપેલા ભાષણમાં ડૉ. ભીમરાવ આંબેડકર અને બંધારણના ઘડવૈયાઓને શ્રદ્ધાંજલિ આપી હતી અને ભારતને આ પ્રકારનું બંધારણ આપવા માટે તેમની દૃષ્ટિને બિરદાવી હતી.

તેમણે કહ્યું હતું કે, "ભારત એ વિશ્વની પ્રાચીન સભ્યતાઓ પૈકીની એક છે. તે મધર ઑફ ડેમૉક્રસી ગણાય છે અને એક લોકશાહી તરીકે તો આપણે યુવાન છીએ."

"એક પ્રજાસત્તાક દેશ તરીકે આપણે સફળ નીવડ્યા છીએ, કારણ કે અનેક જાતિઓ, સમુદાયો, ભાષાઓ હોવા છતાં પણ આપણે એકતા જાળવી રાખી છે. તેના કારણે આપણે વિભાજિત થયા નથી, આપણામાં વધુ એકતાની ભાવના વિકસી છે."

ભાષણ દરમિયાન તેમણે મહાત્મા ગાંધીજી અને તેમના સર્વોદયના સિદ્ધાંતને પણ યાદ કર્યા હતા.

આ સિવાય તેમણે ભારતની પ્રગતિની વાત કરતા સમયે ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના’, નવી શિક્ષણ નીતિ, ગગનયાન પ્રોજેક્ટ, મંગળ મિશન, ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ વગેરેનો ઉલ્લેખ પણ કર્યો હતો.

"આપણા પ્રજાસત્તાક રાષ્ટ્રની વિકાસગાથામાં અત્યાર સુધીમાં તેમના અમૂલ્ય યોગદાન માટે વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા લોકોની પેઢીઓ પ્રશંસાને પાત્ર છે. હું ખેડૂતો, કામદારો, વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોની ભૂમિકાની પ્રશંસા કરું છું, જેમની સંયુક્ત શક્તિ આપણા દેશને "જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય અનુસંધાન" ની ભાવનાને અનુરૂપ રહેવા સક્ષમ બનાવે છે. હું દરેક નાગરિકની પ્રશંસા કરું છું જે દેશની પ્રગતિમાં યોગદાન આપે છે. હું ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના મહાન દૂત એવા અનેક દેશોમાં વસતાં આપણા ડાયસ્પોરાને પણ મારી શુભેચ્છા પાઠવું છું."

પ્રજાસત્તાક દિવસના ઉપલક્ષ્યમાં પદ્મ પુરસ્કારોની જાહેરાત

વર્ષ 2024 માટે રાષ્ટ્રપતિએ 132 પદ્મ પુરસ્કારો પ્રદાન કરવાની મંજૂરી આપી છે. આ યાદીમાં પાંચ પદ્મવિભૂષણ, 17 પદ્મભૂષણ અને 110 પદ્મશ્રી પુરસ્કૃતોનો સમાવેશ થાય છે. પુરસ્કાર મેળવનારાઓમાં 30 મહિલા છે. અને આ યાદીમાં વિદેશી/NRI/ PIO/ OCIની શ્રેણીમાંથી આઠ વ્યક્તિઓ અને નવ મરણોત્તર પુરસ્કારોનો પણ સમાવેશ થાય છે.

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વૈંકેયા નાયડુ અને ફિલ્મસ્ટાર ચિરંજીવીને પદ્મવિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ફિલ્મસ્ટાર અને હવે રાજકારણી એવા મિથુન ચક્રવર્તી અને ગાયક ઉષા ઉથુપને પદ્મભૂષણ પુરસ્કાર આપવામાં આવ્યો છે.

ગુજરાતના ડૉ. તેજસ પટેલને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને પહેલાં પદ્મશ્રી પણ મળી ચૂક્યો છે.

જન્મભૂમિ સમૂહ સાથે જોડાયેલા અને દાયકાઓથી પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત મુંબઈસ્થિત કુંદન વ્યાસને પણ પદ્મભૂષણ સન્માન આપવામાં આવ્યું છે.

આ સિવાય સાહિત્યકાર રઘુવીર ચૌધરીને સાહિત્ય અને શિક્ષણ માટે, ડૉ.યઝદી માણેકશા ઈટાલિયાને સ્વાસ્થ્ય માટે, હરીશ નાયકને બાળસાહિત્યમાં પ્રદાન માટે મરણોપરાંત, હાસ્યકલાકાર જગદીશ ત્રિવેદીને કલાક્ષેત્રે, દયાળ પરમારને સ્વાસ્થ્ય ક્ષેત્રે કરેલા પ્રદાન માટે પદ્મશ્રી સન્માન આપવામાં આવ્યું છે.