કોટાની શાળામાં ધર્મપરિવર્તનના આરોપમાં ત્રણ મુસ્લિમ શિક્ષકોને સસ્પેન્ડ કરવાનો મામલો શું છે?

રાજસ્થાન

ઇમેજ સ્રોત, MOHAR SINGH MEENA/BBC

ઇમેજ કૅપ્શન, આ શાળાના શિક્ષકો પર આરોપ લાગ્યા છે
    • લેેખક, મોહરસિંહ મીણા
    • પદ, બીબીસી હિન્દી માટે, જયપુરથી

રાજસ્થાનના કોટામાં આવેલી સરકારી શાળામાં કથિત ધર્મપરિવર્તન અને લવ જેહાદના આરોપમાં ત્રણ મુસ્લિમ શિક્ષકોને સસ્પેન્ડ કરી દેવાતાં વિવાદ વકર્યો છે.

કોટામાં ખજૂરી ઓદપુરની સરકારી શાળામાં કથિત ધર્મપરિવર્તન અને લવ જેહાદના આરોપનો તપાસ રિપોર્ટ ઉચ્ચ અધિકારીઓને મોકલી દેવામાં આવ્યો છે.

આ મામલાની ફરિયાદ શિક્ષા મંત્રીને કરવામાં આવી હતી. ત્યાર પછી શાળાનાં ત્રણ મુસ્લિમ શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

સાંગોદના મુખ્ય બ્લૉક શિક્ષા અધિકારી (સીબીઈઓ) રામઅવતાર રાવલે શાળાનાં શિક્ષકો, વિદ્યાર્થીઓ અને આરોપી શિક્ષકોનાં નિવેદનો પર રિપોર્ટ તૈયાર કર્યો છે.

નામ ન આપવાની શરતે શિક્ષણ વિભાગના એક અધિકારીએ કહ્યું, "શિક્ષકો અને વિદ્યાર્થીઓએ આ આરોપોને ફગાવ્યા છે. એક માનવીય ભૂલને કારણે આ વિવાદ ઊભો થયો છે."

કથિત ધર્મપરિવર્તનના મામલાની બે વખત તપાસ થઈ

રાજસ્થાન

ઇમેજ સ્રોત, MOHAR SINGH MEENA/BBC

ઇમેજ કૅપ્શન, સાંગોદની એસડીએમ કચેરી ખાતે ઘટનાના વિરોધમાં દેખાવો

આ મામલે શિક્ષણ વિભાગ તરફથી બે વખત તપાસ કરવામાં આવી છે.

કોટાનાં મુખ્ય જિલ્લા શિક્ષા અધિકારી (સીડીઈઓ) ચારુમિત્રા સોનીના આદેશ પર એક તપાસ સાંગોદના સીબીઈઓ રામઅવતારે કરી હતી. જ્યારે બીજી તપાસ સાંગોદના સીબીઈઓ રામઅવતાર રાવલાના આદેશ પર એસીબીઈઓ પુરૂષોત્તમ મેઘવાલ સાથે ત્રણ તપાસ અધિકારીઓએ કરી હતી.

બન્ને રિપોર્ટ સીડીઈઓ ચારુમિત્રા સોનીને મોકલી દેવામાં આવી છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રિપોર્ટ તૈયાર કરનાર રામઅવતારે કહ્યું, "મેં આ મામલાનો વાસ્તવિક અહેવાલ ઉચ્ચ અધિકારીઓને મોકલી દીધો છે."

તેમણે અહેવાલ વિશે અન્ય કોઈ વાત કરવાની ના પાડી હતી. આ મામલે સીડીઈઓ ચારુમિત્રા સોનીએ પણ આ મામલે કોઈ ટિપ્પણી ન આપી.

શાળાના શિક્ષકોએ લેખિતમાં પોતાનાં નિવેદનો આપ્યાં છે. વિદ્યાર્થીઓનો પક્ષ જાણવા માટે તેમને પણ સવાલ પૂછવામાં આવ્યા હતા.

શાળાના આચાર્ય ડૉ કમલેશ બૈરવાએ પણ શિક્ષકો પર લાગેલા આરોપને નકારતા કહ્યું, "શાળામાં ક્યારેય કોઈ પણ વિદ્યાર્થીએ કે તેમના વાલીએ આ પ્રકારની ફરિયાદ નથી કરી. શિક્ષકો પર નિરાધાર આરોપ લગાવવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગના અધિકારીઓ તપાસ કરીને ગયા."

આ શાળામાં 12 વર્ષથી ભણાવી રહેલા દીપકે શિક્ષકો પર લાગેલા આરોપ વિશે બીબીસી સાથે વાત કરતા કહ્યું, "ધર્મપરિવર્તન કે નમાજ પઢાવવા જેવી કોઈ પ્રવૃત્તિ શાળામાં નથી થઈ. આ બધા ખોટા આરોપો છે."

સસ્પેન્ડ થયેલા શિક્ષકો ફિરોઝ ખાન અને શબાનાએ પણ પોતાનાં નિવેદનો તપાસ કરનાર અધિકારીઓને આપી દીધાં છે. જ્યારે, મિર્ઝા મુજાહિદનું નિવેદન લેવામાં નથી આવ્યું.

શિક્ષા મિર્ઝા મુજાહિદે કહ્યું, "તપાસ દરમિયાન હું 19થી 22 તારીખ સુધી હૉસ્પિટલમાં ભરતી હતો. મારી સાથે વાત કરવામાં આવી નથી."

ફિરોઝ ખાને કહ્યું, "અમારા પર લાગેલા આરોપો વિશે પૂછપરછ કરવામાં આવી. અમે જણાવ્યું કે આ આરોપ નિરાધાર છે. દરેક શિક્ષક સાથે અલગ-અલગ વાત કરવામાં આવી હતી. દરેક પાસેથી લેખિતમાં નિવેદનો લેવામાં આવ્યાં છે."

તપાસ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓને લેખિતમાં ચાર સવાલ પૂછવામાં આવ્યા. વિદ્યાર્થીઓ પાસે હા અને નામાં જવાબ લેવામાં આવ્યા.

આ વિશે જ્યારે એસીબીઈઓ પુરૂષોત્તમ મેઘવાલ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તો તેમણે ઉચ્ચ અધિકારીઓનો હવાલો આપીને વાત કરવાનો ઇનકાર કર્યો.

શું છે સમગ્ર મામલો?

રાજસ્થાન

ઇમેજ સ્રોત, MOHAR SINGH MEENA/BBC

સાંગોદ પોલીસ સ્ટેશનમાં પાંચ ફેબ્રુઆરીના દિવસે ખજૂરીના રહેવાસી બલરામ ગૌડ નામની એક વ્યક્તિએ એફઆઈઆર નોંધાવી હતી. તેમણે આરોપ લગાવ્યો કે તેમની દીકરી મુસ્કાન ગૌડને લક્કી અલી ખાન લાલચ આપીને પોતાની સાથે લઈ ગયા. જે પોતાના નાના મોહમ્મદ સલીમ સાથે ખજૂરીમાં રહે છે.

મુસ્કાન પોતાનાં માતા-પિતા, એક મોટી અને નાની બહેન સાથે ખજૂરી ગામના ગૌડ વિસ્તારમાં રહે છે.

ત્રણ વીઘાના ખેતરના માલિક બલરામે કહ્યું, "મારો પરિવાર તૂટી ગયો છે. હું હૉસ્પિટલમાં ભરતી થયો હતો અને આજે જ આવ્યો છું અને મારી પત્નીને પણ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. મુસ્કાન હજી પણ પાછી નથી આવી."

સાંગોદ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ હીરા લાલ મીણાએ જણાવ્યું, "પોલીસે તપાસ દરમિયાન ખજૂરી ઓદપુર શાળા પાસેથી મુસ્કાનનો રેકૉર્ડ મંગાવ્યો, મુસ્કાન આ શાળામાં ભણતી હતી."

"શાળાએ વર્ષ 2019માં ધોરણ 10માં પ્રવેશ માટે મુસ્કાનનું અરજીપત્રક પોલીસને આપ્યું હતું. આ અરજી પત્રની ધર્મ કૉલમમાં, મુસ્કાન ગૌરનો ધર્મ ઇસ્લામ તરીકે લખવામાં આવ્યો હતો."

આ અરજીપત્રક સામે આવ્યા પછી આ વિવાદની શરૂઆત થઈ હતી.

આ ઉપરાંત, મુસ્કાને 23 ફેબ્રુઆરીએ સ્ટેમ્પ પેપર પર આપેલી ઍફિડેવિટ પણ સામે આવી છે. જેમાં લખ્યું છે, "મેં દસમા ધોરણનું ફૉર્મ ભર્યું હતું જેમાં મેં ભૂલથી જાતિ મુસ્લિમ અને ધર્મ ઇસ્લામ લખ્યું હતું. જોકે, મારો ધર્મ હિંદુ અને જાતિ ખાતી છે."

શાળાના શિક્ષક ફિરોજ ખાને આરોપ લગાવ્યો કે, "અમે ત્રણેય મુસ્લિમ હોવાને કારણે અમને ટાર્ગેટ કરવામાં આવ્યાં છે. જોકે, અમારો કોઈ ગુનો નથી."

શિક્ષકો પર ધર્મપરિવર્તનનો આરોપ

રાજસ્થાન

ઇમેજ સ્રોત, MOHAR SINGH MEENA/BBC

મુસ્કાન ગૌડના પિતા બલરામ ગૌડે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "મુસ્કાનને વર્ષ 2019માં ખજૂરી ઓદપુર સ્કૂલમાં ધોરણ 10માં દાખલ કરવામાં આવી હતી."

"પાંચ ફેબ્રુઆરી 2024ના દિવસે સોગંદ પોલીસ સ્ટેશનમાં જ્યારે એફઆઈઆર દાખલ કરવામાં આવી તો પોલીસે આધાર કાર્ડના આધારે મુસ્કાનની ઉંમર માનવાનો ઇનકાર કરી દીધો. પોલીસને શાળામાંથી જે કાગળો મળ્યા તેમાં મુસ્કાનનો ધર્મ ઇસ્લામ લખવામાં આવ્યો હતો, અમને પણ ત્યારે જ આ વિશે ખબર પડી."

પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ હીરા લાલ મીણાએ બીબીસીને કહ્યું, "મુસ્કાનને આઠ ફેબ્રુઆરીએ બોલાવીને નારી નિકેતનમાં રાખવામાં આવ્યાં. ત્યાર પછી કોર્ટમાં હાજર કરવામાં આવ્યાં."

તેમણે ઉમેર્યું, "મુસ્કાને કોર્ટને જણાવ્યું કે તેણી સ્વેચ્છાએ લક્કી અલી ખાન સાથે ગયાં હતાં. તેઓ પુખ્ત છે તેથી તેઓ સ્વેચ્છાએ જવા માટે સ્વતંત્ર છે."

જોકે, શાળાનાં પ્રમાણપત્રો સામે આવે તે પહેલાં ક્યારેય આ પ્રકારનો આરોપ શાળાના શિક્ષકો પર નથી લાગ્યો. વર્ષ 2021માં મુસ્કાન શાળામાંથી પાસ આઉટ થયાં હતાં.

જ્યારે આ જાણકારી હિંદુ સંગઠનોને મળી તો મામલો વકર્યો. સાંગોદ એસડીએમ કાર્યાલય પર પ્રદર્શન પણ થયાં. 20 ફેબ્રુઆરીએ એક રેલી કાઢવામાં આવી હતી અને શિક્ષણ મંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

કોટામાં બજરંગ દળના પ્રાંતીય સંયોજક યોગેશ રેનવાલે બીબીસીને કહ્યું, "શાળામાં ધર્મપરિવર્તન, લવ જેહાદ થતો હતો. શિક્ષકોના સંબંધ એવાં સંગઠનો સાથે છે જેના પર ભારતમાં પ્રતિબંધ છે. અને મુસ્કાનનું બ્રેનવૉશ કરવામાં આવ્યું છે."

શિક્ષકો સામે કાર્યવાહી

રાજસ્થાન

ઇમેજ સ્રોત, MOHAR SINGH MEENA/BBC

ઇમેજ કૅપ્શન, મુસ્કાનનું એફિડેવિટ

શિક્ષણ મંત્રીને મળેલી ફરિયાદના આધારે 22 ફેબ્રુઆરીએ કોટાના જિલ્લા શિક્ષણ અધિકારીએ બે આદેશ જાહેર કર્યા કે મિર્ઝા મુજાહિદ અને ફિરોઝ ખાનને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

કોટાના જિલ્લા શિક્ષણ અધિકારી (પ્રાથમિક) યતીષ કુમાર 24 ફેબ્રુઆરીએ આદેશ જાહેર કરીને શિક્ષિકા શબાનાને પણ સસ્પેન્ડ કર્યાં.

શિક્ષા મંત્રી મદન દિલાવરે નિવેદન આપ્યું, "ખજૂરી સ્કૂલમાં એક હિંદુ છોકરીના ધર્મ કૉલમમાં શિક્ષકે મુસ્લિમ લખી દીધું. આ શાળા વિશે ફરિયાદો મળી હતી કે ત્યાં બળજબરીથી નમાજ પઢાવવામાં આવે છે."

તેમણે કહ્યું, "શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. તેઓ ધર્મપરિવર્તનનું મોટું ષડયંત્ર ચલાવી રહ્યાં હતાં. આ ધર્મપરિવર્તનના ષડયંત્રને અમે નહીં ચાલવા દઈએ. રાજસ્થાનની શાળાઓને અમે ધર્મ પરિવર્તન અને લવ જેહાદના અડ્ડા નહીં બનવા દઈએ."

બીજી તરફ ખજૂરી ઓદપુર શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષકોના સમર્થનમાં પ્રદર્શન કર્યું. આ દરમિયાન વિદ્યાર્થીઓ સસ્પેન્ડ શિક્ષકો પર લગાવેલા આરોપોને ખોટા બતાવ્યા અને શિક્ષકોને પુન:સ્થાપિત કરવાની માગ કરી.

મિર્ઝા મુજાહિદે કહ્યું, "વિભાગે અમારા પર લગાવેલા આરોપો વિશે અમારે પક્ષ પણ ન જાણ્યો અને અમને સસ્પેન્ડ કરી દીધાં. વિભાગ પાસેથી નિષ્પક્ષ તપાસની આશા કરીએ છીએ."

તેમણે ઉમેર્યું, "તપાસ બાદ અમને પુનઃસ્થાપિત કરવામાં આવશે તો પણ અમને શંકાની નજરે જોવામાં આવશે."

શબાના સામે શા માટે કાર્યવાહી કરવામાં આવી?

રાજસ્થાન

ઇમેજ સ્રોત, @MADANDILAWAR/X

ઇમેજ કૅપ્શન, રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવર

રાજકીય ઉચ્ચ માધ્યમિક વિદ્યાલય ખજૂરી ઓદપુર શાળા પહેલાં આઠ ધોરણ સુધી જ હતી.

વર્ષ 2018માં શાળાને ધોરણ 10 સુધી અપગ્રેડ કરવામાં આવી અને વર્ષ 2019માં તેને ધોરણ 12 સુધી અપગ્રેડ કરવામાં આવી હતી.

આ શાળામાં 15 શિક્ષકો છે, જેમાં ત્રણ મુસ્લિમ શિક્ષક મિર્ઝા મુજાહિદ, ફિરોઝ ખાન અને શબાના છે. મિર્ઝા મુજાહિદ પાંચ વર્ષથી અને ફિરોઝ ખાન આઠ વર્ષથી પોસ્ટ થયેલાં છે.

જ્યારે, ત્રીજાં સસ્પેન્ડ કરેલાં શિક્ષક શબાના ગત વર્ષે નવ ઑક્ટોબરે જ પોતાની નોકરીમાં જોડાયાં હતાં. માત્ર ચાર મહિનાની નોકરી પછી તેમણે એક પાંચ વર્ષ જૂના મામલામાં આરોપી બનાવીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં હતાં.

શબાનાનો પક્ષ જાણવા માટે તેમની સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નથી.

ફિરોજ ખાને કહ્યું, "જો કોઈએ પણ ભૂલ કરી હોય તો તે વર્ષ 2019માં થઈ હતી. શબાના તો ચાર મહિના પહેલાં નોકરીમાં જોડાયાં હતાં. તેમની શું ભૂલ છે?"

તેમણે ઉમેર્યું, "જે શાળાઓમાં પ્રવેશ કરે છે તેઓ પોતાનું અરજીપત્રક ભરીને લાવે છે. છોકરીએ હવે સ્ટેમ્પ પેપર પર લખીને આપ્યું છે કે તેમણે જ અરજીપત્રક લખ્યું હતું, તેમણે ભૂલ કરી હતી."

લક્કી અલી ખાન કોણ છે?

રાજસ્થાન

ઇમેજ સ્રોત, MOHAR SINGH MEENA/BBC

ઇમેજ કૅપ્શન, આ કેસની તપાસ દરમિયાન વિદ્યાર્થીઓને પૂછવામાં આવેલા પ્રશ્નો

લક્કી અલી ખાન ખજૂરી ગામમાં પોતાના નાના અબ્દુલ સલીમનાં ઘરે રહેતા.

મુસ્કાન ગૌડ અને લક્કી ખાન હવે ક્યાં રહે છે અબ્દુલ સલીમ આ વાતની જાણકારી હોવાનો ઇન્કાર કરે છે.

તેમણે બીબીસીને કહ્યું, "લક્કી મારી દીકરીનો દીકરો એટલે કે મારો નાતી છે. લક્કી જ્યારે મારી દીકરીના ગર્ભમાં હતો ત્યારે જ મારી દીકરીના પતિએ તેમને તલાક આપી હતી. લક્કી ત્યારથી મારી પાસે રહેતો હતો."

"તે બન્ને હવે ક્યાં રહે છે તેની અમને જાણકારી નથી. થોડા દિવસો પહેલાં તેમને હું મળ્યો હતો. મુસ્કાને પોતે સ્ટેમ્પ પેપર પર કબૂલાત કરી છે કે તેણે શાળાના અરજીપત્રકમાં ભૂલથી ઇસ્લામ લખી દીધું હતું. પોલીસના ડરથી તે છુપાઈને ફરે છે."

તેમણે આરોપ લગાવ્યો કે મુસ્કાને કોર્ટમાં નિવેદન આપ્યા પછી પણ સાંગોદ પોલીસ અમને હેરાન કરી રહી છે. મને પોલીસ સ્ટેશને લઈ જઈને બેસાડી રાખે છે અને કહે છે કે છોકરીના નિવેદનને બદલાવી નાખો નહીંતર બુલડોઝર ચલાવીશું.

સલીમના આ આરોપો પર રાજૂલાલ મીણાએ કહ્યું કે જ્યારે મુસ્કાને કોર્ટમાં પોતાનું નિવેદન આપી દીધું છે અને તેઓ સ્વતંત્ર પણ છે. એટલે આ નિવેદન બદલવા માટે દબાણ કરવાનો આરોપ નિરાધાર છે.