You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નીતીશકુમાર રાજીનામું આપ્યાના કલાકોમાં જ ફરી બિહારના મુખ્ય મંત્રી બન્યા, નવમી વખત લીધા શપથ
નીતીશકુમારે ફરી એકવાર બિહારના મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. તેઓ નવમી વખત બિહારના મુખ્ય મંત્રી બન્યા છે.
નીતીશકુમાર રવિવારે સવારે રાજ્યપાલને મળ્યા અને રાજીનામું આપ્યું હતું.
નીતીશકુમારની જનતા દળ યુનાઇટેડ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી સાથે મળીને સરકાર બનાવી છે.
શપથ ગ્રહણ સમારોહમાં ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડા, લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના નેતા ચિરાગ પાસવાન સહિત ભાજપના ઘણા નેતાઓ હાજર રહ્યા.
ચિરાગ 2020થી નીતિશકુમાર વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા છે, પણ તેઓ આ શપથ સમારંભમાં હાજર રહ્યા હતા અને આશા વ્યક્ત કરી હતી કે બિહારના વિકાસની દિશામાં તેઓ કામ કરશે.
નીતિશકુમારની નવી સરકારના નવા મંત્રીઓ કોણ છે?
નીતિશકુમારે નવમી વખત બિહારના મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા ત્યારે મુખ્ય મંત્રી સહિત કુલ નવ મંત્રીઓએ રવિવારે રાજભવન ખાતે શપથ લીધા હતા.
આમાં ત્રણ મંત્રીઓ ભાજપના છે, મુખ્ય મંત્રી સહિત ચાર મંત્રીઓ જેડીયુના છે, એક મંત્રી હિન્દુસ્તાની અવામ મોરચાના છે અને એક અપક્ષ છે.
મુખ્યમંત્રી નીતીશ કુમાર સાથે શપથ લેનારાઓમાં ભાજપના બિહારના પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરી, વિધાનસભાના બે પૂર્વ અધ્યક્ષ વિજય કુમાર સિંહા (ભાજપ) અને વિજય કુમાર ચૌધરી (જેડીયુ), વિજેન્દ્ર યાદવ (જેડીયુ), પ્રેમ કુમાર (ભાજપ), શ્રવણ કુમાર (જેડીયુ), સંતોષ કુમાર સુમન (હમ) અને સુમિત સિંહ (અપક્ષ)નો સમાવેશ થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નીતીશકુમાર સરકારના આઠ મંત્રીઓ પર જો નજર કરીએ તો સમ્રાટ ચૌધરી વિધાન પરિષદના સભ્ય અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે. તેઓ આ પહેલા પણ રાજ્ય મંત્રી રહી ચૂક્યા છે. સમ્રાટના પિતા શકુનિ ચૌધરી પણ ઘણી વખત મંત્રી રહી ચૂક્યા છે.
વિજય સિંહા લખીસરાય સીટથી ધારાસભ્ય છે. તેઓ 2020 થી ઑગસ્ટ 2022 સુધી વિધાનસભાના સભ્ય રહ્યા છે.
વિજય કુમાર ચૌધરી 2015 થી 2020 વચ્ચે બિહાર વિધાનસભાના અધ્યક્ષ રહી ચૂક્યા છે.
સમસ્તીપુરની સરાયરંજન સીટના ધારાસભ્ય એવા આ નેતાની ગણતરી નીતીશકુમારના કેટલાક વિશ્વાસુ નેતાઓમાં થાય છે.
સુપૌલથી જેડીયુના ધારાસભ્ય વિજેન્દ્ર યાદવ પણ નીતીશકુમારના ખાસ સાથી ગણાય છે. તેઓ ઘણી વખત મંત્રી રહી ચૂક્યા છે.
અત્યંત પછાત સમુદાયમાંથી આવતા પ્રેમકુમાર ગયાના ધારાસભ્ય છે. તેઓ ભાજપના વરિષ્ઠ નેતા છે. 2020માં તેમને મંત્રી બનાવવામાં આવ્યા ન હતા.
નાલંદાના ધારાસભ્ય શ્રવણકુમારને પણ નીતીશકુમારના ખાસ સહયોગી માનવામાં આવે છે.
સંતોષકુમાર સુમન જીતનરામ માંઝીના પુત્ર છે અને વિધાન પરિષદના સભ્ય છે.
પૂર્વ મંત્રી નરેન્દ્રસિંહના પુત્ર સુમિતકુમાર સિંહ અપક્ષ ધારાસભ્ય છે.
બિહારમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી રાજકીય ખેંચતાણ વચ્ચે મુખ્ય મંત્રી નીતીશકુમારે રાજ્યપાલને રાજીનામું સોપી દીધું છે.
રાજીનામું આપ્યા પછી પત્રકારો સાથે વાતચીત દરમિયાન નીતીશકુમારે કહ્યું, “આજ મેં રાજીનામું સોપી દીધું છે અને સરકારને પણ સમાપ્ત કરી છે. અમે પાર્ટીના લોકોની વાત માની અને સરકારને વિખેરી નાખવાનો પ્રસ્તાવ આપ્યો છે. અમે આજે ગઠબંધનથી અલગ થઈ ગયા છીએ.”
તેમણે ગઠબંધન છોડવાની વાત વિશે કહ્યું કે તેમણે દોઢ વર્ષ જૂના ગઠબંધનને છોડી દીધું છે. તેમણે કહ્યું, “નવા ગઠબંધન વિશે અને આગળની સરકાર માટે એનડીએની મીટિંગમાં નિર્ણય થશે.”
બિહારની રાજધાની પટણામાં આ પહેલાં જનતા દળ યુનાઇટેડની એક મીટિંગ મળી હતી. આ મીટિંગ મુખ્ય મંત્રીના આવાસ પર થઈ હતી, જેમાં ધારાસભ્ય, વિધાન પરિષદના સભ્યો અને સાંસદો સામેલ હતા.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાંથી નીતીશકુમારના રાજીનામાની અટકળો વહેતી થઈ હતી. તેમના રાજીનામા બાદ વિવિધ પક્ષોની પ્રતિક્રિયા પણ આવી રહી છે.
ભાજપે શું પ્રતિક્રિયા આપી?
ભાજપના નેતા શાહનવાઝ હુસૈને બીબીસીને જણાવ્યું કે ભાજપના ધારાસભ્ય દળના નેતા સમ્રાટ ચૌધરી હશે જ્યારે ઉપનેતા વિજય સિંહા હશે.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, "શું તેઓ આજે શપથ લેશે?" તો તેમણે કહ્યું કે, "જોઈએ શું થાય છે."
લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના નેતા ચિરાગ પાસવાને નીતિશ કુમાર એનડીએમાં સામેલ થતા પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે નવી સરકારની નીતિઓમાં તેમની પાર્ટી અને ભાજપના વિકાસના વિઝનનો સમાવેશ કરાશે.
ચિરાગે કહ્યું, "અમે ઘણા સમયથી કામ કરી રહ્યા છીએ, સરકારની રૂપરેખા આગામી દિવસોમાં શું રહે છે તેને જોતાં આ ક્યાંકને ક્યાંક અમારા વિઝનને સાકાર કરવાના પ્રયાસની એક તક છે."
નીતીશ કુમાર અંગે ચિરાગે કહ્યું હતું કે, "મારો મુખ્ય મંત્રી નીતિશ કુમાર સામે નીતિગત વિરોધ હતો અને છે અને જો તેઓ આવી જ રીતે તેમની નીતિઓ પર કામ કરતા રહ્યા તો ભવિષ્યમાં પણ હશે. હું હંમેશાx માનું છું કે તેમની નીતિઓથી બિહારનો વિકાસ થયો નથી. "
"આવી સ્થિતિમાં, ભાજપ અને લોક જનશક્તિ (રામ વિલાસ) પાર્ટીનું વિઝન નવી એનડીએ સરકારમાં ઉમેરવામાં આવે તો ખરા અર્થમાં, અમે બિહારને વિકાસના માર્ગ પર લઈ જઈ રહ્યા છીએ, જ્યાંથી બિહાર ઘણું દૂર રહ્યું છે. તો ખાતરી છે કે આ અમારા માટે સફળ નિર્ણય હશે."
આરજેડી અને કૉંગ્રેસે શું કહ્યું?
નીતીશકુમારના રાજીનામા પર આરજેડીએ પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે.
આરજેડીના પ્રવક્તા એઝાઝ અહમદે કહ્યું, “નીતીશકુમારે પોતાના સ્વાર્થ માટે યુવાઓના રોજગારને ઠેસ મારી છે અને નફરતના રાજકારણને પોષવાનું કામ કર્યું છે. નોકરી મળ્યા પછી બિહારના યુવાઓના ચહેરાઓ પર જે સ્મિત હતું તેને નીતીશકુમારે છીનવવાનો પ્રયાસ કર્યો છે. નીતીશકુમારે રાજીનામું આપીને યુવાનો અને યુવાનોના નેતા તેજસ્વી યાદવના વિચારોને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું છે. નીતીશકુમારે એ જણાવવું જોઈએ કે તેઓ શા માટે અને કયા સ્વાર્થ માટે ભારતીય જનતા પાર્ટી સાથે જઈ રહ્યા છે.”
અહમદે ઉમેર્યું કે બિહારમાં ઠગ અને લોભીઓનું ગઠબંધન તૈયાર થઈ રહ્યું છે. નીતીશકુમારે પોતે જ નવ ઑગસ્ટ 2022માં કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી અમારા અસ્તિત્વને ખતમ કરવા માગે છે. આપણે બધા સમાજવાદી વિચારધારાનો લોકો સાથે મળીને ભાજપની તાકાતનો મુકાબલો કરી શકીએ છીએ. જોકે, આજ પોતાના સ્વાર્થ માટે નીતીશકુમાર ભાજપ સાથે જઈ રહ્યા છે.
નીતીશકુમારના રાજીનામા પર કૉંગ્રેસ નેતા જયરામ રમેશે નિવેદન આપ્યું કે ‘નીતીશકુમાર રંગ બદલવામાં કાચંડાને પણ મજબૂત ટક્કર આપી રહ્યા છે.’
તેમણે કહ્યું કે "વારંવાર રાજકીય સાથી બદલનારા નીતીશકુમાર રંગ બદલવામાં કાચંડાને પણ આકરી ટક્કર આપી રહ્યા છે. આ વિશ્વાસઘાતના નિષ્ણાત અને તેમને ઈશારા પર નચાવનારાઓને બિહારની જનતા માફ નહીં કરે."
તો બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવના મોટા પુત્ર અને નીતિશ સરકારમાં પર્યાવરણમંત્રી રહેલા તેજ પ્રતાપ યાદવે નીતિશના મહાગઠબંધન સાથે ભંગાણ કરી ફરી ભાજપ સાથે સરકાર બનાવવાની કવાયત વચ્ચે સોશિયલ મીડિયા પર એક કવિતા પોસ્ટ કરી.
તેજ પ્રતાપ યાદવ તેમના અલગ અંદાજ માટે પ્રખ્યાત છે. હવે નીતિશકુમારના રાષ્ટ્રીય જનતાદળ સાથે ગઠબંધન તોડ્યા પછી તેમણે કવિતાના માધ્યમથી નિશાન સાધ્યું હતું.
રાજકીય સાથી છોડવામાં માહેર નીતીશકુમાર
1995ની વિધાનસભા ચૂંટણીમાં બિહારમાં આરજેડી કે જેડીયુ નહોતા. 1994માં નીતીશકુમારે તત્કાલીન જનતા દળથી અલગ થઈને સમતા પાર્ટી બનાવી હતી. પછી તેઓ ભાજપના વફાદાર બન્યા અને અટલ બિહારી વાજપેયીના મંત્રીમંડળમાં મંત્રી બન્યા હતા.
2003માં જનતા દળના શરદ યાદવ જૂથ, લોકશક્તિ પાર્ટી અને જ્યૉર્જ ફર્નાન્ડીઝ અને નીતીશકુમારની સમતા પાર્ટીએ મળીને જનતા દળ (યુનાઇટેડ)ની રચના કરી હતી.
જ્યારે નરેન્દ્ર મોદીને ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર કર્યા ત્યારે 17 વર્ષના ગઠબંધન બાદ 2013માં નીતીશકુમારે એનડીએ સાથે છેડો ફાડી નાખ્યો.
2015માં સત્તાધારી જનતા દળ (યુનાઇટેડ), રાષ્ટ્રીય જનતા દળ (RJD), કૉંગ્રેસ, જનતા દળ, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી, ઇન્ડિયન નેશનલ લોકદળ અને સમાજવાદી જનતા પાર્ટી (નેશનલ)એ મહાગઠબંધન કરીને ચૂંટણી લડી હતી.
તો 2017માં જેડીયુ મહાગઠબંધનથી અલગ થઈ ગઈ અને નીતીશકુમારે ભાજપ સાથે મળીને સરકાર બનાવી હતી. તો છેલ્લી ચૂંટણીમાં પણ નીતીશકુમારે ભાજપ સાથે મળીને ચૂંટણી લડી હતી અને તેઓ મુખ્ય મંત્રી બન્યા હતા.
નીતીશકુમાર 2014ની લોકસભાની ચૂંટણી પહેલાં એનડીએથી અલગ થયા હતા. ત્યાર પછી તેમણે કૉંગ્રેસ અને આરજેડી સાથે મળીને મહાગઠબંધન બનાવ્યું.
વર્ષ 2017માં તેઓ મહાગઠબંધન સાથે છેડો ફાડીને ફરીથી એનડીએમાં સામેલ થયા.
જોકે, તેમણે ફરીથી એનડીએ સાથે ગઠબંધન તોડીને ફરી પાછી મહાગઠબંધનમાં વાપસી કરી હતી અને મુખ્ય મંત્રી બન્યા હતા, હવે તેમણે ફરી વાર મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપ્યું છે.