એ દેશ જ્યાં મચ્છર મારવા બદલ ઇનામ આપવામાં આવે છે

    • લેેખક, વિર્મા સિમોનેટ અને જૉએલ ગુન્ટો
    • પદ, બીબીસી ન્યૂઝ, મનિલા અને સિંગાપોરથી

ફિલિપીન્ઝના અતિશય વસ્તી ધરાવતા આ શહેરી વિસ્તારમાં સત્તાવાળાઓ લોકોને મચ્છર મારવા બદલ ઇનામ આપી રહ્યા છે. તેમનો આશય ડેન્ગ્યૂનો ફેલાવો અટકે તેના માટે લોકોને પ્રોત્સાહિત કરવાનો છે.

મધ્ય મનિલાના બારાંગે ઍડિશન હિલ્સ ગામના પ્રમુખ કાર્લિટો સર્નેલે પાંચ મચ્છર મારવા માટે એક ફિલિપીન્ઝ પેસો (બે અમેરિકી સૅન્ટ્સ કરતાં ઓછું)નું ઇનામ જાહેર કર્યું છે.

આ જાહેરાત પછી સોશિયલ મીડિયા પર ચર્ચા છેડાઈ ગઈ હતી પરંતુ ગામના પ્રમુખનું કહેવું છે કે લોકોના સ્વાસ્થ્ય માટે આમ કરવું જરૂરી છે.

તાજેતરમાં ફિલિપીન્ઝમાં મચ્છરોને કારણે ડેન્ગ્યૂનો ત્રાસ ખૂબ વધી ગયો છે અને તેના કેસ ખૂબ વધી ગયા છે.

સોશિયલ મીડિયામાં રમૂજ

લોકોને ઇનામ તરીકે પૈસા આપવાનો આ કાર્યક્રમ ઓછામાં ઓછા એક મહિના સુધી ચાલશે.

પ્રમુખ સર્નેલના પાડોશમાં બે વિદ્યાર્થીઓનું ડેન્ગ્યૂથી મૃત્યુ થઈ ગયા બાદ તેમણે આ નિર્ણય લીધો હતો.

જીવતું મચ્છર કે મરેલું મચ્છર હોય, કે પછી તેની લાર્વા હોય, ઇનામ આપવામાં આવે છે. જીવતા પકડેલાં મચ્છરોને અલ્ટ્રાવાયલેટ લાઇટથી ખતમ કરી દેવામાં આવશે.

સર્નેલે બીબીસીને જણાવ્યું હતું કે, "અત્યાર સુધીમાં કુલ 21 લોકોએ પોતાનું ઇનામ મેળવવા દાવો કર્યો છે અને 700 જેટલાં મચ્છરો અને લાર્વા તેમણે પકડ્યાં છે."

આ જાહેરાત પછી સોશિયલ મીડિયા પર ભાતભાતની કૉમેન્ટ્સ થઈ રહી છે.

એક સોશિયલ મીડિયા કૉમેન્ટમાં લખવામાં આવ્યું હતું કે, "દેશમાં મચ્છરોની ખેતીનું આગમન થઈ રહ્યું છે."

અન્ય એક યૂઝરે લખ્યું હતું કે, "શું મરેલા મચ્છરને એક જ પાંખ હશે તો જ તેને સ્વીકારવામાં આવશે?"

ફિલિપીન્ઝમાં ડેન્ગ્યૂનો પ્રકોપ વધ્યો

ફિલિપીન્ઝના હૅલ્થ ડિપાર્ટમેન્ટે બીબીસીને કહ્યું હતું કે "સ્થાનિક સંસ્થાઓ ડેન્ગ્યૂ સામે લડવા માટે જે પ્રયત્નો કરી રહી છે તેને અમે બિરદાવીએ છીએ."

જ્યારે તેમને મચ્છરો મારવાના બદલામાં ઇનામ આપવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે "અમે તમામ લોકોને સ્થાનિક સ્વાસ્થ્ય અધિકારીઓ અને ડિપાર્ટમેન્ટ ઑફ હૅલ્થની સ્થાનિક ઑફિસનો સંપર્ક કરવાનું સૂચન કરીએ છીએ. તેઓ મચ્છરોને કેવી રીતે રોકવા તેની પ્રમાણ સાથેની પદ્ધતિઓ જાણે છે."

સેર્નલે કહ્યું કે તેઓ જાણતા હતા કે આ ઇનામ આપવાની સોશિયલ મીડિયા પર ટીકા કરવામાં આવશે. પરંતુ તેમણે ઉમેર્યું, "આ સૌથી મોટા અને સૌથી ગીચ વિસ્તારો પૈકીનો એક વિસ્તાર છે. સ્થાનિક સરકારને મદદ કરવા માટે આપણે કઇંક કરવું પડશે."

તેમણે ધ્યાન દોર્યું હતું કે સ્થાનિક આરોગ્ય અધિકારીઓએ ચેપના તાજેતરના વધારા દરમિયાન ડેન્ગ્યૂના નવા 44 કેસ નોંધ્યા છે.

બારાંગે ઍડિશન હિલ્સ લગભગ 70 હજાર લોકોનું ઘર છે. તે રાજધાની મનિલાના 162 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે.

સેર્નલે કહ્યું હતું કે "ઇનામ આપવાનો હેતુ શેરીઓ સાફ કરવા અને ડેન્ગ્યૂ વહન કરતાં મચ્છરો જ્યાં ઈંડા મૂકે છે ત્યાં પાણીના સંચયને રોકવા જેવા હાલનાં પગલાંઓને થોડી મદદ પૂરી પાડવાનો હતો."

ઉષ્ણકટિબંધીય દેશોમાં ડેન્ગ્યૂનો પ્રકોપ વધારે છે, અને શહેરી વિસ્તારોમાં ઘણીવાર રોગચાળો પણ ફેલાય છે. જ્યાં સ્વચ્છતા નબળી હોય ત્યાં વાયરસ વહન કરતાં મચ્છરો વધે છે.

ગંભીર કિસ્સાઓમાં, ડેન્ગ્યૂ એ શરીરમાં આંતરિક રક્તસ્રાવનું પણ કારણ બને છે જે તમને મૃત્યુ તરફ દોરી શકે છે. તેનાં લક્ષણોમાં માથાનો દુ:ખાવો, ઉબકા, સાંધા અને સ્નાયુઓમાં દુ:ખાવો સામેલ છે.

ફિલિપીન્ઝના અધિકારીઓએ તાજેતરમાં મોસમી વરસાદને કારણે દેશભરમાં ડેન્ગ્યૂના કેસમાં વધારો નોંધ્યો છે. આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે 1 ફેબ્રુઆરીએ 28,234 કેસ નોંધાયા હતા, જે પાછલા વર્ષ કરતાં 40% વધુ છે.

વિભાગે લોકોને સલાહ આપી છે કે તેઓ તેમની આસપાસની સ્વચ્છતા જાળવી રાખે, ટાયર જેવાં સંભવિત મચ્છર પ્રજનન સ્થળોનો નાશ કરે, લાંબી બાંયના શર્ટ અને ટ્રાઉઝર પહેરે અને મચ્છરોને ભગાડવાની દવા લગાવે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.