ગુજરાત હાઇકોર્ટે કહ્યું, 'કીધા વિના પિયરમાં રોકાયેલી પત્નીને એક વખત થપ્પડ મારવી ક્રૂરતા ન ગણાય' – ન્યૂઝ અપડેટ

ગુજરાત હાઇકોર્ટ, આઇપીસી 498એ, 306, આત્મહત્યા માટે દુષ્પ્રેરણા, ભારતીય દંડ સંહિતા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Wodicka/ullstein bild via Getty Images

વાંચવાનો સમય: 7 મિનિટ

ગુજરાત હાઇકોર્ટે એક કેસની સુનાવણી કરતી વખતે અવલોક્યું હતું, "પત્ની કહ્યાં વગર પિયરમાં રાત રહે અને પતિ એક વખત થપ્પડ મારે, તો તેને ક્રૂરતા માની ન શકાય. તેને ભારતીય દંડ સંહિતાની (આઇપીસી) કલમ 498અ હેઠળ લગ્નસંબંધમાં ક્રૂરતાનો ગુનો ન માની શકાય."

બાર ઍન્ડ બેન્ચના અહેવાલ મુજબ, જસ્ટિસ ગીતા ગોપીએ એક વ્યક્તિને છોડી મૂકવાનો ચુકાદો આપતી વેળાએ આ ટિપ્પણી કરી હતી.

સેશન્સ કોર્ટે આ શખ્સને પત્ની સાથે ક્રૂરતા આચરવાનો તથા આત્મહત્યા માટે ઉશ્કેરણી કરવા સબબ દોષિત ઠેરવ્યો હતો.

જજે તેમની ટિપ્પણીમાં કહ્યું, "પત્ની પિયરમાં કહ્યા વગર રાત રોકાઈ હોય, એ બદલ પતિ દ્વારા એક વખત થપ્પડ મારવાની ઘટનાને ગુનાહિત ક્રૂરતા ન માની શકાય."

જસ્ટિસ ગીતા ગોપીએ કહ્યું કે વારંવાર મારઝૂડ કરવાના આરોપ મૂકવામાં આવ્યા હતા, પરંતુ ક્યારેય પોલીસ કે સમાજના વડીલો સમક્ષ કોઈ ફરિયાદ કરવામાં નહોતી આવી. આ સિવાય મારઝૂડને કારણે ઈજા પહોંચવાના કોઈ તબીબી પુરાવા કે સારવારના કોઈ કાગળિયા રજૂ નહોતા કરી શક્યા.

કોર્ટે આરોપીની અપીલને મંજૂરી કરી હતી. આ અપીલમાં વર્ષ 2003માં વલસાડની સેશન્સ કોર્ટે આપેલા ચુકાદાને પડકારવામાં આવ્યો હતો. જેમાં (તત્કાલીન) આઇપીસીની કલમ 498એ (ક્રૂરતા) તથા 306 (આત્મહત્યા માટે ઉશ્કેરણી) હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો હતો.

(આત્મહત્યા ગંભીર મનોવૈજ્ઞાનિક તથા સામાજિક સમસ્યા છે. જો તમે તણાવગ્રસ્ત હો, તો ભારત સરકારની જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330 ની મદદ લઈ શકો છો. આ અંગે મિત્રો તથા પરિવારજનો સાથે વાત કરવી જોઈએ.)

ડોનાલ્ડ ટ્રમ્પે નાખેલા ટેરિફને અમેરિકાની સુપ્રીમ કોર્ટે રદ કર્યા

ડોનાલ્ડ ટ્રમ્પે નાખેલા ટેરિફને અમેરિકાની સુપ્રીમ કોર્ટે રદ કર્યા , ભારત ઉપર ટેરિફ 18 ટકા, ઇન્ડિયા યુએસ ટ્રેડ ડીલ

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના અનેક દેશો સાથેની વેપારખાધને પૂરવા માટે આ દેશો ઉપર ટેરિફ લાદ્યા હતા. ત્યારે યુએસની સર્વોચ્ચ અદાલતે ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફને ગેરકાયદેસર ગણાવીને રદ કરી દીધા છે.

એક તબક્કે ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની ઉપર 25 ટકાના રેસિપ્રોકલ ટેરિફ તથા રશિયન ઑઇલ ખરીદવા બદલ 25 ટકા એમ કુલ 50 ટકા ટેરિફ લાદ્યો હતો.

ભારત-અમેરિકા વચ્ચે વેપારકરાર થયા બાદ ટેરિફનો દર ઘટાડીને 18 ટકા કરી દેવામાં આવ્યો હતો.

સર્વોચ્ચ અદાલતે 6-3ની બહુમતીથી આ ચુકાદો આપ્યો હતો. ખંડપીઠનું અવલોકન હતું કે ઇન્ટરનૅશનલ ઇમર્જન્સી પાવર્સ ઍક્ટ હેઠળ મળેલી સત્તાઓનો કટોકટીના સંજોગોમાં ઉપયોગ થઈ શકે. પરંતુ તેના હેઠળ રાષ્ટ્રપતિ ટ્રમ્પને જે સત્તાઓ મળેલી છે, તેનો ઉપયોગ ટેરિફ લાદવા માટે ન થઈ શકે.

સુપ્રીમ કોર્ટના ચુકાદાની અમેરિકાના શૅરબજારો ઉપર સકારાત્મક અસર જોવા મળી હતી અને નાસ્ડેક, એસઍન્ડપી 500 તથા ડાઉ જોન્સમાં ઉછાળો જોવા મળ્યો હતો.

શર્ટ ઉતારીને કૉંગ્રેસી કાર્યકરોનું એઆઇ સમિટમાં પ્રદર્શન

એઆઈ સમિટ, યુવા કોંગ્રેસ દ્વારા વિરોધ, ભાજપ દ્વારા ટીકા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, x/IYC

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

દિલ્હીમાં ચાલી રહેલી એઆઇ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) સમિટ દરમિયાન યૂથ કૉંગ્રેસના કાર્યકર્તા પહોંચ્યા હતા અને તેમણે ટીશર્ટ ઉતારીને વડા પ્રધા નરેન્દ્ર મોદી વિરુદ્ધ નારેબાજી કરી હતી.

કૉંગ્રેસના કહેવા પ્રમાણે, વિરોધ એ તેની ફરજ છે, જ્યારે ભાજપે કૉંગ્રેસની ઉપર આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની છાપને મેલી કરવાનો આરોપ મૂક્યો છે.

યૂથ કૉંગ્રેસે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "એઆઇ સમિટના ચમકદાર મંચની પાછળ સત્યને દબાવી ન શકાય. જ્યારે દેશહિત કરતાં ઉપર કૉર્પોરેટહિત દેખાય તથા વિદેશનીતિમાં નરમાશ સ્પષ્ટપણે જોવા મળે, ત્યારે વિરોધ કરવોએ ફરજ બની રહે છે."

"એટલે ઇન્ડિયન યૂથ કૉંગ્રેસના જાંબાઝ કાર્યકર્તા ભારત મંડપમ્ ખાતે પહોંચ્યા હતા, જેથી કરીને 'કૉમ્પ્રોમાઇઝ્ડ પીએમ' સામે અવાજ બુલંદ થાય તથા દેશની અસ્મિતા સાથે જે સમાધાન કરવામાં આવી રહ્યા છે, તેના વિશે મોદી સરકારે જવાબ આપવો પડે."

ભાજપે તેના ઍક્સ ઍકાઉન્ટ પર લખ્યું, "ભારત એક મોટા અને સન્માનિત એઆઇ સંમેલનનું આયોજન કરી રહ્યું છે, દેશ પોતાની તકનીક અને નેતૃત્વનું નિદર્શન કરી રહ્યું છે, એવા સમયે કૉંગ્રેસ પાર્ટીએ તેની ગરિમા જાળવી રાખવાના બદલે તેમાં અવરોધ ઊભો કરવાનું પસંદ કર્યું."

"રાહુલ ગાંધીના નેતૃત્વમાં કૉંગ્રેસી કાર્યકરોએ શર્ટ ઉતારીને હોબાળો કરવા લાગ્યા. દેખીતી રીતે આ કામ વિશ્વ સામે ભારતને શરમજનક પરિસ્થિતિમાં મૂકવા માટે કરવામાં આવ્યું હતું."

ભાજપે લખ્યું, "રાજકીય વિરોધ એ લોકતાંત્રિક અધિકાર છે, પરંતુ ભારતની વૈશ્વિક છાપને નુકસાન પહોંચાડવું બરાબર નથી. ભારત આના કરતાં વધુ સારાનું હક્કદાર છે."

આ સિવાય સંરક્ષણમંત્રી રાજનાથસિંહ, વાણિજ્યમંત્રી પીયૂષ ગોયલ તથા સંબિત પાત્રા સહિતના ભાજપના નેતાઓ યુવા કૉંગ્રેસના પગલાની ટીકા કરી ચૂક્યા છે.

બોર્ડ ઑફ પીસમાં ભારત ઑબ્ઝર્વર તરીકે સામેલ

ગાઝા, બોર્ડ ઓફ પીસ, ભારત ઓબ્ઝર્વર, વિદેશ મંત્રાલય, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, MEA India

ભારતના વિદેશ મંત્રાલયનું કહેવું છે કે ભારત બોર્ડ ઑફ પીસમાં ઑબ્ઝર્વર તરીકે સામેલ થયું છે. સાથે જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના 'ગાઝા પીસ પ્લાન'નું પણ સમર્થન કર્યું હતું.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શુક્રવારે પત્રકારપરિષદમાં જણાવ્યું, "બોર્ડ ઑફ પીસની વૉશિંગ્ટન ખાતે બેઠક મળી હતી, જેમાં ભારત ઑબ્ઝર્વર તરીકે સામેલ થયું હતું. ભારતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના 'ગાઝા પીસ પ્લાન'નું સમર્થન કર્યું છે."

રણધીર જયસ્વાલને ભારત-પાકિસ્તાન સંઘર્ષ સંદર્ભે ટ્રમ્પના દાવા અંગે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે જણાવ્યું કે ભારતનાં સંરક્ષણ મંત્રાલયે આ અંગે અગાઉથી જ સ્પષ્ટતા કરી દીધી છે. આ અંગે તમારે સંરક્ષણ મંત્રાલયનો સંપર્ક કરવો જોઈએ, કારણ કે તે ઑપરેશન માહિતી છે.

વૉશિંગ્ટન ડીસી ખાતે આયોજિત 'બોર્ડ ઑફ પીસ'ની પહેલી બેઠક દરમિયાન પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફની હાજરીમાં ટ્રમ્પે 11 વિમાનોના નુકસાનની વાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ભારત-પાકિસ્તાન વચ્ચે સૈન્યસંઘર્ષ થયો, એ પછી ટ્રમ્પ અલગ-અલગ સમયે ભિન્ન-ભિન્ન સંખ્યામાં વિમાનો તોડી પડાયાં હોવાનો દાવો કરતા રહ્યા છે.

કૉંગ્રેસે એનએસયુઆઇના નવા વડાના નામની જાહેરાત કરી

વિનોદ જાખડની નિમણૂક, એનએસયુઆઈ, કોંગ્રેસ વિદ્યાર્થી પાંખ, બીબીસી ગુજરાતી,

ઇમેજ સ્રોત, OfficialVinodJakhar

ઇમેજ કૅપ્શન, વિનોદ જાખડ

કૉંગ્રેસની વિદ્યાર્થી પાંખ નૅશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઑફ ઇન્ડિયાના (એનએસયુઆઇ) વડા તરીકે વિનોદ જાખડની નિમણૂક કરી છે.

જાખડ રાજસ્થાન એનએસયુઆઇના વડા છે અને અગાઉ રાજસ્થાન યુનિવર્સિટીના અધ્યક્ષપદે પણ રહી ચૂક્યા છે. તેમને રાજસ્થાન કૉંગ્રેસના નેતા સચીન પાઇલટની નજીક માનવામાં આવે છે.

વિનોદ જાખડની નિમણૂક વિશેની માહિતી કૉંગ્રેસના સત્તાવાર ઍક્સ હૅન્ડલ પર આપવામાં આવી હતી.

જાખડે રાજસ્થાન યુનિવર્સિટીના વિદ્યાર્થીસંઘની ચૂંટણી લડી, એ પહેલાં તેઓ એનએસયુઆઇમાં જ હતા, પરંતુ ટિકિટ નહીં મળવાને કારણે તેઓ બળવાખોર થઈ ગયા હતા અને ચૂંટણી લડી હતી.

ચૂંટણી જીત્યા પછી તેઓ ફરીથી એનએસયુઆઇમાં સામેલ થઈ ગયા હતા.

સુપ્રીમ કોર્ટમાં 'બાબરી મસ્જિદ'ના નિર્માણ પર પ્રતિબંધની માગ કરતી અરજી પર સુનાવણી

સુપ્રીમ કોર્ટ, બાબરી મસ્જિદ, મુર્શિદાબાદ, હુમાયુ કબીર, તૃણમુલ કોંગ્રેસ ભરતપુર ધારાસભ્ય, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, MONEY SHARMA/AFP via Getty

દેશભરમાં 'બાબર કે બાબરી મસ્જિદ'ના નામે કોઈ પણ ધાર્મિકસ્થળના નિર્માણ કે નામકરણ ઉપર નિષેધ મૂકવાની માગ કરતી જાહેરતહિતની અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી, જેની ઉપર સુનાવણી કરવાનો સર્વોચ્ચ અદાલતે ઇનકાર કરી દીધો છે.

કાયદાકીય બાબતોનું રિપોર્ટિંગ કરનારી સંસ્થા લાઇવ લૉ તથા ન્યૂઝ એજન્સી પીટીઆઇએ આના વિશે માહિતી આપી છે.

લાઇવ લૉના અહેવાલ મુજબ, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમનાથ તથા જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠ સમક્ષ આ કેસ આવ્યો હતો.

અરજદારના વકીલે 'બાબરના નામે મસ્જિદ'ના નિર્માણ સંબંધિત પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી, જેને સાંભળવાનો સર્વોચ્ચ અદાલતે ઇનકાર કરી દીધો હતો.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં તૃણમૂલ કૉંગ્રેસના ધારાસભ્ય હુમાયુ કબીરે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ ખાતે 'બાબરી મસ્જિદ'ના નામે મસ્જિદનું નિર્માણ કરવાની તજવીજ હાથ ધરી હતી. એ પછી તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. તેઓ જિલ્લાની ભરતપુર બેઠક ઉપરથી ધારાસભ્ય છે.

ઈરાન નજીક અમેરિકાની સૈન્ય હાજરી વધી, યુદ્ધ જહાજો દેખાયાં

યુએસએસ જેરોલ્ડ આર ફૉર્ડ મધ્ય-પૂર્વ તરફ આગળ વધી રહયું છે.

બીબીસી વેરિફાઇડ અનુસાર, બુધવારે, વિશ્વનું સૌથી મોટું યુદ્ધ જહાજ, યુએસએસ જેરાલ્ડ આર. ફોર્ડ, મોરૉક્કોના ઍટલાન્ટિક કિનારા નજીક જોવા મળ્યું હતું.

જે 48 મિનિટ સુધી તેનું લોકેશન સાર્વજનિક હતું, તે દરમિયાન યુદ્ધ જહાજ ભૂમધ્ય સમુદ્ર તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગ્યું. જોકે, હજુ સુધી આ ઍરક્રાફ્ટ કેરિયરને જિબ્રાલ્ટર સ્ટ્રેટ પાર કરીને ભૂમધ્ય સમુદ્રમાં પ્રવેશતું જોવા મળ્યું નથી.

ગુરુવારે જેરાલ્ડ આર. ફોર્ડ દ્વારા ઑપરેટ એક વિમાનને ઍટલાન્ટિક તરફ પાછા ફરતું ટ્રેક કરવામાં આવ્યું.

સોમવારે, બીબીસી વેરિફાઈએ શનિવારે લીધેલી સેટેલાઇટ તસવીરોથી અન્ય એક ઍરક્રાફ્ટ કેરિયર યુએસએસ અબ્રાહમ લિંકનની ઓળખ કરી હતી.

આ યુદ્ધ જહાજ ઓમાનના દરિયાકાંઠેથી આશરે 700 કિલોમીટર અને ઈરાનથી લગભગ 430 માઇલ દૂર હતું.

બીબીસી વેરિફાઇએ છેલ્લા અઠવાડિયાઓમાં મધ્ય પૂર્વ ક્ષેત્રમાં યુદ્ધ જહાજો અને ફાઇટર જેટની સંખ્યામાં વધારાને ટ્રેક કર્યો છે.

જેરાલ્ડ આર. ફોર્ડ અને અબ્રાહમ લિંકન બંને યુદ્ધ જહાજ તેમની સાથે ઘણા ગાઈડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર યુદ્ધ જહાજોના સમૂહોને લીડ કરે છે. તેના સંચાલનમાં 5,600થી વધુ કર્મચારીઓ અને ડઝનેક વિમાનો સામેલ છે.

મંગળવારે, અમેરિકા અને ઈરાની અધિકારીઓ વચ્ચે સ્વિટ્ઝર્લૅન્ડમાં બીજા તબક્કાની વાટાઘાટો થઈ હતી જેમાં કેટલીક સકારાત્મક બાબતો હોવાના અહેવાલ છે.

તે દરમિયાન, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે કહ્યું હતું કે દુનિયાને "કદાચ આગામી 10 દિવસમાં" ખબર પડી જશે કે અમેરિકા ઈરાન સાથે કોઈ કરાર કરશે કે લશ્કરી કાર્યવાહી કરશે.

ઈરાન વિરુદ્ધ લશ્કરી કાર્યવાહી અંગે ટ્રમ્પે કહ્યું, 'દુનિયાને 10 દિવસમાં ખબર પડી જશે'

ટ્રમ્પે કહ્યું કે ઈરાન સાથેની વાતચીત 'ખૂબ સારી' રહી છે પરંતુ ઐતિહાસિક રીતે તે મુશ્કેલ છે.

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, દુનિયાને "કદાચ આગામી 10 દિવસમાં" ખબર પડશે કે અમેરિકા ઈરાન સાથે કોઈ કરાર કરશે કે લશ્કરી કાર્યવાહી સાથે આગળ વધશે.

વૉશિંગ્ટન, ડીસીમાં 'બોર્ડ ઑફ પીસ'ની ઉદ્ઘાટન બેઠકમાં ટ્રમ્પે ઈરાન સાથે તેના પરમાણુ કાર્યક્રમ અંગે ચાલી રહેલી વાટાઘાટો વિશે કહ્યું, "આપણે એક એવો સોદો કરવો પડશે જે સાર્થક નીવડે, નહીંતર તો ભવિષ્યમાં જોખમ વધશે."

અમેરિકાએ તાજેતરમાં મધ્ય-પૂર્વમાં પોતાની લશ્કરી હાજરી વધારી છે. બીજી તરફ, સ્વિટ્ઝર્લૅન્ડમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની વાટાઘાટોમાં સુધારો થયો હોવાના અહેવાલો સામે આવ્યા છે.

ડેમોક્રૅટિક સાંસદો અને રિપબ્લિકન નેતાઓએ અમેરિકાની સસંદની મંજૂરી વિના ઈરાનમાં કોઈપણ સંભવિત લશ્કરી કાર્યવાહીનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

ટ્રમ્પે પોતાના સંબોધનમાં કહ્યું કે અમારા ખાસ દૂત સ્ટીવ વિટકૉફ અને જેરેડ કુશનર, જે ટ્રમ્પના જમાઈ પણ છે, તેઓએ ઈરાન સાથે બેઠકો કરી હતી. જે એકંદરે સારી રહી હતી.

ટ્રમ્પે કહ્યું, "વર્ષોના અનુભવથી તે સાબિત થયું છે કે, ઈરાન સાથે એક સાર્થક કરાર પર પહોંચવું સરળ નથી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન