ઈરાન પર મર્યાદિત સૈન્ય હુમલો કરવાની અમેરિકાની તૈયારી - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે તેઓ ઈરાનનો અણુ કાર્યક્રમ રોકવા અને તેમના નેતાઓ પર દબાણ વધારવાના હેતુથી ઈરાન પર મર્યાદિત સૈન્ય હુમલો કરવાનો વિચાર કરે છે.
ટ્રમ્પે પત્રકારોના સવાલના જવાબમાં આ ટિપ્પણી કરી હતી. તેનાથી કેટલાક કલાક અગાઉ અધિકારીઓએ હુમલાની સંભાવનાના સંકેત આપ્યા હતા.
ગુરુવારે ટ્રમ્પે કહ્યું હતું કે દુનિયાને "કદાચ આગામી 10 દિવસમાં" ખબર પડી જશે કે ઈરાન સાથે સમજૂતી થશે કે પછી અમેરિકા સૈન્ય કાર્યવાહી કરશે. તાજેતરનાં અઠવાડિયાંમાં અમેરિકાએ આ ક્ષેત્રમાં પોતાની સૈન્ય હાજરી વધારી છે.
શુક્રવારે ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાગચીએ જણાવ્યું હતું કે "ઈરાન સંભવિત સમજૂતીના ડ્રાફ્ટ પર તૈયારી કરે છે અને આગામી કેટલાક દિવસોમાં અમેરિકાના વિશેષદૂત સ્ટીવ વિટકૉફને સોંપવામાં આવશે."
અમેરિકા અને તેના યુરોપિયન સહયોગીઓને શંકા છે કે ઈરાન પોતાના પરમાણુ હથિયારના કાર્યક્રમમાં આગળ વધી રહ્યું છે. ઈરાને હંમેશાં આ આરોપોને નકાર્યા છે.
અમેરિકન સુપ્રીમ કોર્ટના આદેશ પછી ટ્રમ્પે દુનિયાભરમાં નવા ટેરિફ લગાવ્યા

ઇમેજ સ્રોત, Chen Mengtong/China News Service/VCG via Getty
અમેરિકન સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે લગાવવામાં આવેલા તમામ ટેરિફ રદ કરી દીધા પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આખી દુનિયાપર 10 ટકા નવા ટેરિફ લગાવી દીધા છે.
ટ્રમ્પે અદાલતના નિર્ણયને ભયાનક ગણાવ્યો હતો અને તેમની વેપાર નીતિને રદ કરનારા ન્યાયાધીશોને 'બેવકૂફ' કહ્યા હતા.
આ અગાઉ અમેરિકન સુપ્રીમ કોર્ટે વ્હાઇટ હાઉસ દ્વારા ગયા વર્ષે જાહેર કરવામાં આવેલા મોટા ભાગના ગ્લોબલ ટેરિફને ગેરકાયદે ગણાવ્યા હતા. 6-3 નિર્ણયમાં કોર્ટે કહ્યું કે રાષ્ટ્રપતિએ પોતાના અધિકારોથી ઉપરવટ જઈને નિર્ણય લીધો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકાના બિઝનેસમેન અને રાજ્યો માટે આ ચુકાદો જીત માનવામાં આવે છે જેમણે ટ્રમ્પના ટેરિફને પડકાર્યા હતા.
તેનાથી સંભવિત રીતે અબજો ડૉલરના ટેરિફ રિફંડનો રસ્તો ખુલી ગયો છે, સાથે સાથે વૈશ્વિક વ્યાપારના પરિદૃશ્યમાં નવી અનિશ્ચિતતા પણ વધી છે.
શુક્રવારે વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પે એવા સંકેત આપ્યા કે કાનૂની લડાઈ વગર રિફંડ નહીં મળે. તેમણે કહ્યું કે તેમને આશા છે કે આ મામલો વર્ષો સુધી કોર્ટમાં અટવાયેલો રહી શકે છે.
ભારત સાથે અમેરિકાની ટ્રેડ ડીલમાં કોઈ ફેરફાર નહીં - ટ્રમ્પ

ઇમેજ સ્રોત, AFP via Getty Images
અમેરિકન સુપ્રીમ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પે લાદેલા ટેરિફને ગેરકાયદે ગણાવ્યા છે, પરંતુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેનાથી ભારત સાથેની ટ્રેડ ડીલમાં કોઈ ફેરફાર નહીં થાય.
તેનો અર્થ એવો કાઢવામાં આવે છે કે ભારત પર 18 ટકાના ટેરિફ ચાલુ રહેશે.
સમાચાર સંસ્થા પીટીઆઈના અહેવાલ પ્રમાણે ટ્રમ્પે જણાવ્યું કે "મને લાગે છેકે ભારત સાથે મારા સંબંધો બહુ સારા છે અને અને ભારત સાથે ટ્રેડ કરીએ છીએ. ભારત રશિયાથી અલગ થઈ ગયું છે."
"ભારત રશિયા પાસેથી ઑઇલ મેળવતું હતું."
"મારી વિનંતીના કારણે તેમણે તે બંધ કરી દીધું કારણ કે અમે ભયાનક યુદ્ધ બંધ કરાવવા માગીએ છીએ જેમાં દર મહિને 25 હજાર લોકો માર્યા જાય છે."
શુક્રવારે ટ્રમ્પે એક પત્રકાર પરિષદમાં આ વાત કરી હતી.તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેના સંબંધોની વાત કરતા કહ્યું કે "આ સંબંધો બહુ સારા છે."
પાકિસ્તાનમાં 28.9 ટકા ગરીબી દર, પૂર્વ મંત્રીએ કહ્યું- વાસ્તવમાં ઘણી વધારે ગરીબી

ઇમેજ સ્રોત, RIZWAN TABASSUM/AFP via Getty Images
પાકિસ્તાનમાં છેલ્લાં છ વર્ષમાં ગરીબી દરમાં ભારે વધારો થયો છે.
પ્લાનિંગ કમિશનના નવા આંકડા મુજબ 2018-19 માં ગરીબી દર 21.9 ટકા હતો, જે 2024-25માં વધીને 28.9 ટકા થઈ ગયો.
રિપોર્ટ પ્રમાણે શહેરોમાં ગરીબીનો દર 11 ટકાથી વધીને 17.4 ટકા થઈ ગયો, જ્યારે ગામડામાં આ દર 28.2 ટકાથી વધીને 36.2 ટકા થયો છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે ગરીબી વધવાનાં કારણોમાં કોરોના રોગચાળાની અસર, દુનિયાભરમાં માલસામાન અને ઍનર્જીના ભાવોમાં વધારો, પાકિસ્તાનમાં પૂરના કારણે માળખાકીય સવલતોને નુકસાન અને રોજગારની તકો ઘટવાનો સમાવેશ થાય છે.
બીબીસી ઉર્દૂ મુજબ ભૂતપૂર્વ નાણામંત્રી ડૉ. હફીઝ પાશાએ સરકારી રિપોર્ટની ટીકા કરી છે.
તેમનું કહેવું છે કે આ આંકડા જમીની હકીકતથી અલગ છે. તેમના કહેવા મુજબ વર્લ્ડ બૅન્કનો રિસર્ચ દર્શાવે છે કે પાકિસ્તાનમાં ગરીબીનો દર 45 ટકા છે, જ્યારે તેમના પોતાના સંશોધન પ્રમાણે આ દર 43 ટકા જેટલો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












