10 લાખની વસ્તીવાળા શહેર પર કબજો કરવાનું અભિયાન, '60 હજાર સૈનિકો'થી નિયંત્રણનો ઇઝરાયલનો પ્લાન શું છે?

ઇમેજ સ્રોત, Elke Scholiers/Getty Images
- લેેખક, કેલી એનજી
- પદ, બીબીસી ન્યૂઝ
- લેેખક, રૂથ કોમરફોર્ડ
- પદ, બીબીસી ન્યૂઝ
ગાઝા શહેર પર ઇઝરાયલી કબજાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. ઇઝરાયલી સેનાના આ પગલાના કારણે શહેરમાંના પેલેસ્ટિનિયન્સ પલાયન કરી રહ્યા છે.
શહેરના અધિકારીઓએ જણાવ્યું કે ગાઝા સિટીના કેટલાક વિસ્તારોમાંથી લોકો ભાગી રહ્યા છે, કેમ કે, ઇઝરાયલી સેનાએ યોજનાબદ્ધ જમીની હુમલાના પ્રથમ તબક્કાની શરૂઆત કરી દીધી છે.
ઇઝરાયલી સૈનિકોએ ઘણા દિવસ સુધી સતત બૉમ્બમારો અને ટૅન્કો દ્વારા ગોળાબાર કર્યા પછી શહેર બહારના વિસ્તારોમાં પોતાની પકડ જમાવી લીધી છે.
આ શહેર 10 લાખ કરતાં વધારે પેલેસ્ટિનિયન્સનું ઘર છે.
ગાઝાના અધિકારીઓ અનુસાર આ વિસ્તાર પહેલાંથી જ, ઘણા દિવસોથી બૉમ્બમારાનો ભોગ બનતો રહ્યો છે, જ્યાં 10 લાખ કરતાં વધુ લોકો રહે છે.
ઇઝરાયલી સેના અનુસાર, ગાઝા સિટીના બહારના વિસ્તારો તેના નિયંત્રણ હેઠળ આવી ગયા છે.
ઇઝરાયલના સુરક્ષા મંત્રી ઇઝરાયલ કાટ્ઝે મંગળવારે આ સૈન્ય અભિયાનને મંજૂરી આપી હતી અને તેને આ અઠવાડિયાના અંતે સુરક્ષા કૅબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવશે.
તેના હેઠળ, લગભગ 60 હજાર રિઝર્વ સૈનિકોને બોલાવાશે, જેથી સક્રિય ડ્યૂટી પરના જવાનોને આ અભિયાનમાં જોડી શકાય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સમાચાર એજન્સી રૉયટર્સ અનુસાર, હમાસે આરોપ કર્યો છે કે ઇઝરાયલ નિર્દોષ નાગરિકો વિરુદ્ધ આ નિર્મમ યુદ્ધ ચાલુ રાખવા માગે છે.
તેથી તેઓ યુદ્ધવિરામમાં અડચણો ઊભી કરી રહ્યા છે. ગાઝા પટ્ટીના ઉત્તર તરફના ભાગમાં આવેલા ગાઝા સિટીમાં લાખો પેલેસ્ટિનિયન્સ રહે છે.
યુદ્ધની પહેલાં તે આ વિસ્તારની સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર હતું.
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ફૉક્સ ન્યૂઝને કહેલું કે, ઇઝરાયલની યોજના આખી ગાઝા પટ્ટી પર કબજો કરવાની છે, તે તેને અરબની શક્તિઓને સોંપવા માગે છે.
દુનિયાભરના ઘણા નેતાઓએ આ યોજનાની નિંદા કરી છે અને સંયુક્ત રાષ્ટ્રએ ચેતવણી આપી છે કે તેનાથી "ખૂબ મોટા પાયે બળજબરીનું વિસ્થાપન" અને "ખૂબ વધુ હત્યાઓ" થશે.
હમાસે કહ્યું છે કે, તે આ પગલાનો સખત વિરોધ કરશે.
તો ચાલો, જાણીએ કે ઇઝરાયલની ગાઝા સિટી પર કબજો કરવાની યોજના શી છે અને તેના હેઠળ તે શું શું કરશે.
ગાઝા પર કબજો કરવાની ઇઝરાયલની યોજના શી છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઇઝરાયલના વડા પ્રધાન દ્વારા બહાર પડાયેલા એક નિવેદનમાં કહેવાયું છે કે ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ એટલે કે આઇડીએફ ગાઝા સિટીને નિયંત્રણમાં લેવાની તૈયારીમાં છે.
નિવેદનમાં યુદ્ધ સમાપ્ત કરવાના પાંચ સિદ્ધાંત અપાયા છે :
- હમાસનું નિઃશસ્ત્રીકરણ
- બધા જ બંધકોની વાપસી, ભલે તે જીવિત હોય કે મૃત
- ગાઝા પટ્ટીનું સૈન્યીકરણ ખતમ કરવું
- ગાઝા પટ્ટી પર ઇઝરાયલનું સુરક્ષા નિયંત્રણ
એક વૈકલ્પિક નાગરિક વહીવટી તંત્રની સ્થાપના, જે ન હમાસ હશે કે ન તો પેલેસ્ટિનિયન ઑથોરિટીનું
આઇડીએફએ કહ્યું છે કે સેના ગાઝા સિટી પર નિયંત્રણ મેળવવાની તૈયારી કરશે અને "યુદ્ધ ક્ષેત્રની બહારના વિસ્તારોથી બહાર રહેતા લોકો–નાગરિકોને માનવીય સહાયતા ઉપલબ્ધ કરાવશે."
પરંતુ એ સ્પષ્ટ નથી કે તે નવી સહાયતા હશે કે પછી તેને ઇઝરાયલ અને અમેરિકા સમર્થિત વિવાદાસ્પદ ગાઝા હ્યૂમનેટેરિયન ફાઉન્ડેશન દ્વારા પહોંચાડવામાં આવશે.
આ ઉપરાંત પણ શું કોઈ બીજી રીત અજમાવાશે?
માત્રા ગાઝા સિટી પર જ નિયંત્રણ શા માટે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઇઝરાયલની કૅબિનેટ બેઠકની પહેલાં વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહેલું કે તેઓ સમગ્ર ગાઝા પટ્ટી પર પોતાનું નિયંત્રણ ઇચ્છે છે. પરંતુ નવી યોજનામાં તેમણે માત્ર ગાઝા સિટીનો ઉલ્લેખ કર્યો છે.
ઇઝરાયલી મીડિયા રિપૉર્ટ્સ અનુસાર, આ મુદ્દે વડા પ્રધાન અને સેનાના ચીફ ઑફ સ્ટાફ વચ્ચે ઉગ્ર વાદવિવાદ થયો, કેમ કે, સેના પ્રમુખે આખા ગાઝા પર નિયંત્રણનો સખત વિરોધ કર્યો હતો.
ઇઝરાયલનું કહેવું છે કે હાલમાં ગાઝાના 75 ટકા ભાગ પર તેમનું નિયંત્રણ છે; જ્યારે સંયુક્ત રાષ્ટ્રનું અનુમાન છે કે લગભગ 86 ટકા વિસ્તાર કાં તો સૈન્ય ક્ષેત્ર છે અથવા એવો વિસ્તાર છે જ્યાંથી લોકોને બહાર નીકળી જવાનો આદેશ આપવામાં આવ્યો છે.
બીબીસીના મધ્યપૂર્વ સંવાદદાતા હ્યૂગો બાશેગા અનુસાર, ગાઝા સિટી પરનો કબજો સંભવત: આખી ગાઝા પટ્ટી પર પૂર્ણ નિયંત્રણની પહેલી કડી હોઈ શકે છે.
કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે સમગ્ર ગાઝા પર નિયંત્રણની ધમકીનો ઉપયોગ હમાસ પર દબાણ લાવવાની રણનીતિ પણ હોઈ શકે છે, જેથી તેઓ યુદ્ધવિરામની અટકી ગયેલી વાતચીત દરમિયાન છૂટછાટ આપે.
ફૉક્સ ન્યૂઝ સાથેની વાતચીતમાં નેતન્યાહૂએ કહેલું કે ઇઝરાયલ ગાઝાને પોતાના અંકુશમાં નહીં રાખે. નેતન્યાહૂ તેને અરબ શક્તિઓને સોંપી દેશે.
તેમણે કહ્યું હતું, "અમે એક સુરક્ષાઘેરો ઇચ્છીએ છીએ. અમે તેના પર શાસન કરવા નથી માગતા."
નેતન્યાહૂ ગાઝાને કઈ 'અરબ શક્તિઓ'ને સોંપવા માગે છે?

ઇમેજ સ્રોત, Reuters
બીબીસીનાં આંતરરાષ્ટ્રીય સંવાદદાતા લીસ ડૂસેટ અનુસાર બેન્જામિન નેતન્યાહૂ સમજીવિચારીને એ સ્પષ્ટ નથી કરતા કે તેઓ કઈ 'અરબ શક્તિઓ'ને ગાઝામાં શાસન ચલાવવા લાયક સમજે છે.
સંભવ છે કે તેઓ જૉર્ડન અને ઇજિપ્ત તરફ ઇશારો કરતા હોય. આ બંને દેશોએ તેમાં રસ બતાવ્યો હતો.
પરંતુ, બંને દેશોએ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ ઇઝરાયલી કબજા પછી ગાઝામાં પ્રવેશ નહીં કરે.
ગાઝા પર નિયંત્રણ પછી સરકાર ચલાવવાની સમયસીમા કે વ્યવસ્થા વિશે બીજી કશી માહિતી આપવામાં નથી આવી.
વિશ્વના નેતાઓ શું કહી રહ્યા છે?

બેન્જામિન નેતન્યાહૂએ હમાસ તરફથી બંધક બનાવવામાં આવેલા લોકોના પરિવારો અને દુનિયાભરના નેતાઓની ટીકાઓનો સામનો કરવો પડે છે.
બ્રિટનના વડા પ્રધાન કીર સ્ટાર્મરે ઇઝરાયલના આ પગલાને 'ખોટું' ગણાવ્યું છે અને કહ્યું છે કે તેનાથી હિંસામાં ખૂબ વધારો થશે.
જ્યારે, જર્મનીના ચાન્સલર ફ્રેડરિક મર્ત્ઝે કહ્યું કે તેમની સરકાર હવે ઇઝરાયલને કોઈ પણ એવાં હથિયાર મોકલવાની મંજૂરી નહીં આપે જેનો ઉપયોગ ગાઝામાં કરી શકાય. ઐતિહાસિક રીતે જર્મની ઇઝરાયલના સૌથી મોટા હથિયાર સપ્લાયરોમાંનું એક રહ્યું છે.
બીજી તરફ પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે આ પગલાને 'સંપૂર્ણ ગુનો' ઠરાવ્યો છે.
તુર્કીના વિદેશ મંત્રાલયે કહ્યું કે ઇઝરાયલનો ઉદ્દેશ પેલેસ્ટિનિયન્સને "બળપૂર્વક તેમની પોતાની જમીન પરથી વિસ્થાપિત કરવાનો" છે.
સંયુક્ત રાષ્ટ્રના માનવ-અધિકાર પ્રમુખ વોલ્કર ટુર્કેએ કહ્યું કે "ગાઝામાં યુદ્ધ હવે સમાપ્ત થવું જોઈએ". તેમણે કહ્યું કે તેનાથી વધુ મોટા પ્રમાણમાં જબરજસ્તી વિસ્થાપન અને હત્યાઓ, અસહ્ય પીડા, વિનાશ અને અત્યાચાર જેવા ગુના થશે.
બંધકોના પરિવારોના ફોરમે કહ્યું કે આ નિર્ણય "બંધકો અને અમારા સૈનિકો, બંનેને એક મોટા વિનાશ તરફ લઈ જઈ રહ્યો છે."
જોકે, અમેરિકાની પ્રતિક્રિયા થોડી ઓછી ટીકાત્મક રહી છે. ઇઝરાયલમાં અમેરિકાના રાજદૂત માઇક હકબીએ કહ્યું કે આ યોજના અમેરિકાની ચિંતાનો વિષય નથી.
તેમણે કહ્યું, "એ અમારું કામ નથી કે અમે તેમને જણાવીએ કે તેમણે શું કરવું જોઈએ કે ન કરવું જોઈએ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












