સંસદમાં પસાર થયેલા ત્રણ ફોજદારી કાયદાઓથી શું બદલાશે અને સામાન્ય લોકો પર કેટલી અસર થશે?

    • લેેખક, ઉમંગ પોદ્દાર
    • પદ, બીબીસી સંવાદદાતા

રાજ્યસભાએ ગુરૂવારે એટલે કે 21 ડિસેમ્બરે ત્રણ બિલ પસાર કર્યા. આ બિલ આપણા હાલના આપરાધિક કાયદાઓને બદલી દેશે.

ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય ખરડાને હવે મંજૂરી માટે રાષ્ટ્રપતિ પાસે મોકલાશે. તેમના હસ્તાક્ષર પછી આ ત્રણેય ખરડાઓ કાયદો બની જશે.

કેટલાય નિષ્ણાતોએ આ કાયદાઓની જરૂરિયાત પર પ્રશ્નો ઊભા કર્યા છે. કારણ કે આ મોટાભાગે જૂના કાયદાઓની નકલ જ કરે છે.

કેટલાક લોકોએ લોકતંત્ર પર તેના પ્રભાવ બાબતે પ્રશ્નો ઊઠાવ્યા છે કારણ કે હાલમાં જ સંસદની સુરક્ષામાં ખામી બાબતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાસે સંસદમાં નિવેદનની માગણી કરવા બાબતે 146 સંસદસભ્યોને સસ્પેન્ડ કરી દેવાયા હતા.

જાણીએ આ ખરડાઓના મુખ્ય મુદ્દાઓ વિશે જે આપે જાણવા જરૂરી છે.

સરકારનું શું કહેવું છે?

સંસદમાં અમિત શાહનું ભાષણ ઑગસ્ટમાં તેમના અગાઉના ભાષણ જેવું જ હતું જ્યારે તેમણે આ ખરડાઓ રજૂ કર્યા હતા. તેમણે એ વાત પર ભાર મુક્યો હતો કે આ સંસ્થાનવાદી ભૂતકાળનો વિરામ છે કારણ કે હાલમાં ઉપયોગમાં લેવાતા કાયદા બ્રિટિશ સમયગાળા દરમિયાન બનાવાયા હતા.

તેમણે કહ્યું, "અગાઉ સજા કરવાના વિચારને કેન્દ્રમાં રાખીને બનાવાયેલા કાયદાઓ હતા. જ્યારે હવે પીડિત કેન્દ્રિત ન્યાયવ્યવસ્થા શરૂ થઈ રહી છે."

તેમણે લોકસભામાં કહ્યું, "બ્રિટિશ રાજ અને બ્રિટિશ યુગની ગુલામીનાં તમામ નિશાનોને ખતમ કરીને આ સંપૂર્ણ ભારતીય કાયદો બનવા જઈ રહ્યો છે."

આ પછી શાહે કોડમાં થયેલા ફેરફારોની યાદી રજૂ કરી. હવે મહિલાઓ, બાળકો અને માનવ શરીર સામેના ગુનાઓને ઉપર મુકાયા છે. તેમણે કહ્યું કે અંગ્રેજોએ સરકાર સામેના ગુનાઓ પર વધુ ભાર મુક્યો હતો. પરંતુ હવે તેઓ ભારતીય નાગરિકો સામેના ગુનાઓને પ્રથમ પ્રાથમિકતા આપી રહ્યા છે.

તેમણે આતંકવાદી પ્રવૃત્તિઓ, મૉબ લિંચિંગ, ભારતના સાર્વભૌમત્વને જોખમમાં મૂકતા ગુનાઓને કાયદામાં સામેલ કરવા અને બળાત્કાર જેવા ઘણા ગુનાઓ માટે સજામાં વધારો કરવા વિશે પણ વાત કરી.

તેમણે તપાસ અને કોર્ટની સુનાવણીની પ્રક્રિયામાં ટેકનિકલ ફેરફારોને ધ્યાનમાં રાખવાના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો અને કેસનો નિર્ણય કેટલી ઝડપથી લેવાનો છે તેની સમય મર્યાદા નક્કી કરી હતી.

અમિત શાહે કહ્યું, "તારીખ પે તારીખ યુગનો અંત સુનિશ્ચિત કરવામાં આવશે."

આનાથી શું બદલાશે?

બંધારણીય કાયદાના નિષ્ણાત પ્રોફેસર તરુણાભ ખેતાનની સરખામણી અનુસાર નવા કાયદામાં 80 ટકાથી વધુ જોગવાઈઓ સમાન છે. આ પછી પણ કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો થયા છે.

  • ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકતાં કૃત્યોને નવા અપરાધની શ્રેણીમાં સામેલ કરાયા છે. આઈપીસીમાંથી તકનીકી રીતે રાજદ્રોહ દૂર કરાયો છે. જેના પર સુપ્રીમ કોર્ટે પણ સ્ટે આપ્યો હતો, આ નવી જોગવાઈ ઉમેરવામાં આવી છે. જેમાં કેવા પ્રકારની સજા આપી શકાય તેની વિસ્તૃત વ્યાખ્યા આપવામાં આવી છે.
  • આતંકવાદી કૃત્યો જે અગાઉ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ જેવા વિશેષ કાયદાઓનો ભાગ હતા તે હવે ભારતીય ન્યાય સંહિતામાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.
  • તેવી જ રીતે પાકીટની ચોરી જેવા નાના સંગઠિત ગુનાઓને રોકવા માટે જોગવાઈઓ દાખલ કરાઈ છે. અગાઉ આવા સંગઠિત ગુનાઓનો સામનો કરવા માટે રાજ્યો પાસે પોતાના કાયદા હતા.
  • મૉબ લિંચિંગ એટલે કે જ્યારે પાંચ કે તેથી વધુ લોકોનું ટોળું જાતિ અથવા સમુદાય વગેરેના આધારે કોઈ વ્યક્તિની હત્યા કરે છે ત્યારે આ જૂથના દરેક સભ્યને આજીવન કેદની સજા કરવામાં આવશે.
  • લગ્નનાં ખોટા વચન હેઠળ સેક્સને ખાસ અપરાધ તરીકે મૂકવામાં આવ્યો છે.
  • વ્યભિચાર અને કલમ 377 જે ગે સેક્સ પર કાર્યવાહી કરતી હતી તેને હવે દૂર કરવામાં આવી છે.
  • અગાઉ માત્ર 15 દિવસના પોલીસ રિમાન્ડ મળી શકતા હતા. પરંતુ હવે ગુનાની ગંભીરતાને જોતા તેને 60 કે 90 દિવસનો સમય આપી શકાય છે.
  • નાના અપરાધો માટે સજાના નવા સ્વરૂપમાં સમુદાયિક સેવાનો સમાવેશ કરાયો છે. સામુદાયિક સેવા સમાજ માટે ફાયદાકારક હોવાનું કહેવાયું છે.
  • હવે તપાસમાં ફૉરેન્સિક પુરાવા એકત્રિત કરવાને ફરજિયાત કરાયું છે.
  • માહિતી ટેકનૉલૉજીનો વધુ ઉપયોગ જેમ કે શોધ અને જપ્તીનું રેકૉર્ડિંગ, તમામ પૂછપરછ અને સુનાવણીઓ ઑનલાઇન મોડમાં કરવી.
  • એફઆઈઆર, તપાસ અને સુનાવણી માટે ફરજિયાત સમય મર્યાદા નક્કી કરાઈ છે. ઉદાહરણ તરીકે હવે સુનાવણીના 45 દિવસમાં ચુકાદો આપવો પડશે. ફરિયાદના 3 દિવસમાં એફઆઈઆર દાખલ કરવી પડશે.
  • હવે માત્ર મૃત્યુદંડના દોષિતો જ દયા અરજી દાખલ કરી શકશે. અગાઉ એનજીઓ અથવા નાગરિક સમાજજૂથો પણ દોષિતો વતી દયા અરજી દાખલ કરતા હતા.

સામાન્ય લોકો માટે આ પરિવર્તનોનો શો અર્થ?

ઘણા કાયદા નિષ્ણાતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે આ બિલ પોલીસને જવાબદાર ઠેરવવાને બદલે પોલીસને વધુ સત્તા આપશે.

કાયદા શિક્ષણશાસ્ત્રી અને નિષ્ણાત જી મોહન ગોપાલે લખ્યું, "આ ખરડાઓ તમામ સ્તરે- કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સ્તરે રાજકીય નેતૃત્વને રાજકીય લાભ મેળવવા માટે આપરાધિક ન્યાય પ્રણાલીનો દુરુપયોગ કરવાની વધારે તક આપવા માટે પોલીસ અને આપરાધિક ન્યાય પ્રણાલીને હથિયાર બનાવે છે."

તેઓ માને છે કે તે ધરપકડ કરાયેલ વ્યક્તિના બાયોમેટ્રિક્સ એકત્રિત કરવાનું ફરજિયાત બનાવીને એક સર્વેલન્સ સ્ટેટ પણ બનાવે છે.

નિષ્ણાતને એ વાતની પણ આશંકા છે કે શું સમયસીમા નક્કી કરવાથી મદદ મળશે?

ઉદાહરણ તરીકે અનૂપ સુરેન્દ્રનાથ તેમના સહયોગીઓ સાથે પ્રોજેક્ટ 39-એ ચલાવે છે. તે મૃત્યુદંડના દોષિતોનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે લખ્યું છે કે ત્વરિત ન્યાય માટે ન્યાયિક ખામીઓ અને ન્યાયિક ભારણ ઘટાડવું પડશે. ફૉરેન્સિકના ઉપયોગ માટે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કર્મચારીઓની તાલીમમાં રોકાણની જરૂર પડશે.

આ સાથે કેટલાંક પરિવર્તનોને આવકારાયા પણ છે. જેમકે તપાસ અને જપ્તીનું ઑડિયો-વિઝ્યુઅલ રૅકોર્ડિંગ. જોકે આ કેટલું અસરકારક રહેશે તેનો આધાર એ વાત પર છે કે તેને લાગુ કેવી રીતે કરાય છે.

'પ્રોજેક્ટ 39-A' માને છે કે કાયદો 'ગ્રૉસ ઓવરક્રિમિનલાઇઝેશન અને વ્યાપક પોલીસ સત્તાઓ દ્વારા રાજ્યના નિયંત્રણને અયોગ્ય રીતે વિસ્તૃત કરે છે'. આ સંબંધમાં સૌથી મોટો ફેરફાર એ છે કે પોલીસ કસ્ટડીનું વિસ્તરણ અને ભારતના સાર્વભૌમત્વને જોખમમાં મૂકવા માટે નવા ગુના દાખલ કરવામાં આવ્યા છે.

તેમણે લખ્યું, "આ ખરડાઓ, કોલોનિયલ સમયના ફોજદારી કાયદાને નાબૂદ કરવાથી દૂર છે અને કોલોનિયલ તર્કને ગૂંચવણમાં નાખે છે. જ્યાં ફોજદારી કાયદામાં રાજ્યનું સર્વોચ્ચ હિત લોકોને શક્ય તેટલી મહત્તમ હદ સુધી નિયંત્રિત કરવાનો છે."

'ઇન્ડિયા ટુડે' સાથે વાત કરતા વરિષ્ઠ વકીલ અને કૉંગ્રેસના સાંસદ અભિષેક મનુ સિંઘવીએ પણ કહ્યું કે આ કાયદો 'લવ જેહાદ'ને સજા આપશે. સેક્સ ફ્રૉડ પર નવી જોગવાઈ હોવાથી તેમનું માનવું હતું કે તેનો ઉપયોગ લોકોને નિશાન બનાવવા માટે કરાશે.

હાલમાં સત્તાધારી ભાજપ સાથે સંકળાયેલા કેટલાક નેતાઓ આરોપ લગાવી રહ્યા છે કે ઘણા મુસ્લિમ પુરુષો હિંદુ મહિલાઓ સાથે માત્ર તેમનું ધર્માંતરણ કરવા માટે લગ્ન કરે છે.

આ ખરડાઓ પર સંસદમાં ચર્ચા શા માટે થવી જોઈએ?

આપણી ન્યાય પ્રણાલીમાં આ એક સૌથી મહત્ત્વપૂર્ણ ફેરફાર છે. આ દેશમાં સમગ્ર ક્રિમિનલ લૉ કોડને ઉથલાવી દેશે. ખરડાઓને સંસદમાં પસાર કરવા દરમિયાન આશરે 150 વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરાયા. કોઈ પણ એક સત્ર દરમિયાન સસ્પેન્શનની આ સૌથી વધુ સંખ્યા છે. આ ત્રણેય ખરડાઓ પસાર થયા તે અગાઉ સંસદના બંને ગૃહોમાં કુલ 5 કલાક ચર્ચા થઈ હતી.

માત્ર ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન અને શિરોમણી અકાલી દળના સંસદસભ્યોએ જ આ ખરડાઓનો વિરોધ કર્યો. અભિષેક મનુ સિંઘવી અનુસાર તેમણે કૉંગ્રેસ તરફથી ચર્ચાની શરૂઆત કરવાની હતી પણ તેમને તો સંસદમાંથી સસ્પેન્ડ જ કરી દેવાયા.

સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ મદન લોકુરના મતે આ કાયદાઓ પર વધુ ચર્ચાની જરૂર છે. કારણ કે તે ભારતની ફોજદારી ન્યાય પ્રણાલી પર નોંધપાત્ર અસર કરે છે. ઘણા સાંસદોએ ધ્યાન દોર્યું હતું કે સરકારે પોલીસની જવાબદારી સુધારવાની તક ગુમાવી દીધી છે. જેમ કે ભારતના કાયદા પંચના અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે.

ઘણા સાંસદોએ આ ઘટનાને 'લોકશાહીનું મૃત્યુ' ગણાવી છે.

પ્રતાપભાનુ મહેતાએ 'ઇન્ડિયન એક્સપ્રેસ'માં લખ્યું છે કે, "વિરોધ વિનાની સંસદ એ માત્ર કાર્યપ્રણાલીની બેલગામ સત્તા છે."

થોડાં વર્ષો અગાઉ મદ્રાસ હાઈકોર્ટના ન્યાયાધીશ કે. ચંદ્રુએ ટિપ્પણી કરી હતી કે સંસદ ટૂંક સમયમાં સરકાર માટે રબર સ્ટેમ્પ બની જશે, ખરડાઓ કોઈપણ ચર્ચા વિના પસાર થઈ જશે.

પાછલાં કેટલાંક વર્ષોમાં સંસદમાં નોંધપાત્ર વિક્ષેપો સર્જાયો છે. જેમાં ઘણા કાયદાઓ બહુ ચર્ચા વિના પસાર કરવામાં આવ્યા છે. તે જ સમયે સાંસદોએ એવી ચિંતા પણ વ્યક્ત કરી છે કે ઘણા ખરડાઓ ચર્ચા માટે સ્થાયી સમિતિઓમાં મોકલવામાં આવી રહ્યા નથી.