અરબી સમુદ્રમાં બન્યું વાવાઝોડું 'તેજ', કઈ તરફ જશે અને કેટલી ગતિથી પવન ફૂંકાશે? ગુજરાતને કઈ રીતે અસર કરશે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

અરબી સમુદ્રમાં આ વર્ષનું ચોમાસા બાદનું પ્રથમ વાવાઝોડું બની ગયું છે અને તેના કારણે ભારત સહિત અનેક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવ્યો છે.

ચોમાસા બાદનું આ પ્રથમ વાવાઝોડું તેજ નામે ઓળખાશે, જે નામ ભારતે આપેલું છે. હવામાન વિભાગનું કહેવું છે કે આવનારા 12 કલાકમાં આ વાવાઝોડું હજી વધારે મજબૂત બનશે અને તે ભીષણ ચક્રવાતમાં ફેરવાશે.

રવિવારની સાંજ સુધીમાં તે અતિ મજબૂત બનીને ભીષણ ચક્રવાતમાં પરિવર્તિત થવાની શક્યતા હાલ દેખાઈ રહી છે અને તેના કારણે હવામાન વિભાગે ચેતવણી જાહેર કરતાં માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપી છે.

અરબી સમુદ્રમાં બનેલી આ સિસ્ટમ સતત મજબૂત બની છે અને તેણે આગળ વધવાની શરૂઆત કરી દીધી છે. હાલ તે પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહી છે. છેલ્લા 6 કલાક દરમિયાન આ સિસ્ટમ 24 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે આગળ વધી રહી છે.

ભારતમાં સામાન્ય રીતે દર ચોમાસામાં 4થી 5 વાવાઝોડાં સર્જાય છે અને તેમાં અરબી સમુદ્ર કરતાં બંગાળની ખાડીમાં વધારે વાવાઝોડાં સર્જાય છે.

હાલની સ્થિતિ પ્રમાણે આ તેજ વાવાઝોડાના કારણે ગુજરાતને કોઈ ખતરો દેખાતો નથી કારણ કે તે ભારતના દરિયાકિનારાથી દૂર જઈ રહ્યું છે.

વાવાઝોડામાં પવનની ગતિ કેટલી હશે?

અરબી સમુદ્રમાં આ અઠવાડિયાની મધ્યમાં સર્જાયેલી સિસ્ટમ વધારે મજબૂત બનીને વાવાઝોડું તેજ બની ગઈ છે. આગામી 12 કલાકમાં તે સિવિયર સાયક્લૉનિક સ્ટ્રોમ એટલે કે ભીષણ ચક્રવાતમાં ફેરવાઈ જશે.

હાલ પવનની ગતિ 70 કિમી પ્રતિકલાકથી લઈને 85 કિમી પ્રતિકલાક સુધીની છે. જેમ જેમ સિસ્ટમ વધારે મજબૂત બનતી જશે તેમ તેમ તેના પવનની ગતિ પણ વધતી જશે.

22 ઑક્ટોબરના રોજ આ વાવાઝોડું જ્યારે ભીષણ ચક્રવાતમાં ફેરવાઈ જશે ત્યારે તેમાં પવનની ગતિ 150 કિમી પ્રતિકલાકથી લઈને મહત્તમ 175 કિમી પ્રતિકલાક સુધી પહોંચવાની શક્યતા છે.

હાલ અરબી સમુદ્રનું સરેરાશ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસથી લઈને 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું છે અને તેના કારણે વાવાઝોડાને વધારે તાકાત મળે તેવી સંભાવના છે.

આ વાવાઝોડાની ગુજરાતને કોઈ અસર થશે?

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે વાવાઝોડું તેજ ઓમાન અને યમનના દરિયાકિનારા તરફ જઈ રહ્યું છે અને 24 તારીખના રોજ તે થોડો વળાંક લે તેવી સંભાવના છે.

શનિવારની સવાર સુધીમાં આ વાવાઝોડું ઓમાનના સાલાહ ઍરપોર્ટથી 980 કિલોમિટર અને યમનથી 1050 કિલોમિટર દૂર હતું. દરિયાકિનારે પહોંચશે તે પહેલાં તે વધારે મજબૂત બને તેવી સંભાવના છે.

હવામાન વિભાગે તેજ વાવાઝોડાના ટ્રેકનો જે નક્શો જારી કર્યો છે તે પ્રમાણે તે સીધું પશ્ચિમઉત્તર તરફ આગળ વધે છે અને ઓમાનની પાસે પહોંચતાની સાથે જ તે વળાંક લે છે.

જોકે, હવામાન વિભાગનું કહેવું છે કે આ વાવાઝોડું ઓમાન અને યમનના દરિયાકિનારે ટકરાશે અને ભારતના દરિયાકાંઠા પર તેની કોઈ સીધી અસર થવાની શક્યતા નથી.

હાલની સ્થિતિ પ્રમાણે આ વાવાઝોડું વળાંક લઈને ગુજરાત કે પાકિસ્તાનની આસપાસ આવે તેવી વધારે શક્યતા દેખાતી નથી. પરંતુ આ મજબૂત સિસ્ટમને કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં પવનની દિશા બદલી ગઈ છે અને કેટલાક વિસ્તારોમાં હવામાન બદલાયું છે.

હવામાન વિભાગે આગામી પાંચ દિવસની કરેલી આગાહીમાં પણ ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી કરી નથી પરંતુ કદાચ કેટલાક વિસ્તારોમાં થોડાં વાદળો દેખાય તેવી શક્યતા છે.

વેધર ચેનલના એક રિપોર્ટ પ્રમાણે અરબી સમુદ્રમાં સર્જાતાં વાવાઝોડાં કેટલાં તીવ્ર બનશે અને કઈ તરફ જશે તેની આગાહી કરવી ખૂબ મુશ્કેલ હોય છે. નિષ્ણાતોનું માનવું છે કે જળવાયુ પરિવર્તનને કારણે આવું બની રહ્યું છે.

અહેવાલ મુજબ તાજેતરના એક સંશોધનમાં એવું જાણવા મળ્યું છે કે અરબી સમુદ્રમાં વાવાઝોડાની સંખ્યા વધી રહી છે અને તેનું મુખ્ય કારણ દરિયાની જળસપાટીનું વધી રહેલું તાપમાન છે.

2022માં ચોમાસા બાદ અરબી સમુદ્રમાં એક પણ વાવાઝોડું સર્જાયું ન હતું, જ્યારે વર્ષ 2019માં અરબી સમુદ્રમાં પાંચ વાવાઝોડાં સર્જાયાં હતાં તેમાં ચાર ચોમાસા બાદ સર્જાયાં હતાં. હિક્કા, કયાર, મહા અને પવન નામનાં વાવાઝોડાં ચોમાસા બાદ સર્જાયાં હતાં.

અરબી સમુદ્રની સાથે બંગાળની ખાડીમાં પણ બનશે વાવાઝોડું?

અરબી સમુદ્રમાં ચોમાસા બાદનું પ્રથમ વાવાઝોડું તેજ બની ગયું છે અને સાથે જ બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ બની છે અને તે પણ વધારે મજબૂત બનવાની શક્યતા છે.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે બંગાળની ખાડીમાં લૉ પ્રેશર એરિયા બની ગયો છે અને તે 22 તારીખના રોજ વધારે મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે.

આ સિસ્ટમ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકિનારા તરફ આગળ વધે તેવી સંભાવના છે. જોકે, ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટનું કહેવું છે કે કદાચ આ સિસ્ટમ પણ વાવાઝોડામાં ફેરવાઈ શકે છે.

હાલની સ્થિતિ પ્રમાણે જો બંગાળની ખાડીની સિસ્ટમ વાવાઝોડું બને તો પણ તેની વધારે અસર બાંગ્લાદેશ પર થાય તેવી શક્યતા છે.

ભારતના દરિયામાં હાલ ચોમાસા બાદની વાવાઝોડાની સિઝનની શરૂઆત થઈ છે અને એકસાથે બે વાવાઝોડાં સર્જાય તેવા સંજોગો હાલ દેખાઈ રહ્યા છે.