સુરત : મંદિર પર વીજળી પડવાનાં LIVE દૃશ્યો, વીજળી કઈ રીતે પડે અને બચવા શું કરવું?

વીજળી

સુરતના ડુમસમાં દરિયાઈ ગણેશ મંદિર પાસે વાદળોના ગળગળાટ અને કડાકા સાથે વીજળી પડવાનાં ભયાનક દૃશ્યો કૅમેરામાં કેદ થઈ ગયાં હતાં.

આ પહેલાં પણ દ્વારકામાં વિખ્યાત દ્વારકાધીશના મંદિર પર વીજળી પડવાનાં દૃશ્યો કૅમેરામાં કેદ થયાં હતાં પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આકાશમાંથી વીજળી પૃથ્વી પર કેમ પડે છે?

આ વીડિયોમાં આપણે જોઈશું કે વીજળી પડવાનું કારણ શું છે અને વીજળી પડ્યા બાદ થાય છે શું ?

આકાશી વીજળી એ એક પ્રાકૃતિક ઘટના છે. ભાગ્યે જ કોઈ હશે જેમણે વીજળી જોઈ નહીં હોય. એ વાત પણ સમજી લઈએ કે વીજળીનું ચમકવું અને પડવું એ બન્ને અલગઅલગ ઘટના છે.

વીજળી આકાશમાં જ રહે તો તેને વીજળી ચમકવી કે વીજળી થવી કહેવાય, પણ આ જ વીજળી જો ધરતી પરની કોઈ વસ્તુ સાથે ટકરાય તો તેને વીજળી પડી કહેવાય છે.

વીજળી એ બે વાદળો કે પૃથ્વી અને વાદળો વચ્ચે અસંતુલનને કારણે થતો વિદ્યુતસ્ત્રાવ છે. સાદી રીતે સમજીએ તો બે વાદળો વચ્ચેના ઘર્ષણને લીધે વીજળી થાય છે.

ગરમીમાં દરિયાનું પાણી ભેજ બનીને ઉપર જાય છે, આકાશમાં ગયા પછી તે ઠંડો પડે છે અને જેમ-જેમ ઠંડો પડતો જાય છે તેમ-તેમ પાણીનાં નાનાં ટીપાંમાં ફેરવાતો જાય છે અને એ ભેગા મળીને વાદળ બની જાય છે.

જેવા જ તે શૂન્ય ડિગ્રી સેલ્સિયસના તાપમાનની નીચે જાય છે પાણીના ટીપાં નાના નાના બરફના ક્રિસ્ટલમાં બદલાય જાય છે, અને આ જ બરફવાળાં વાદળો હવાને કારણે એકબીજા સાથે અથડાય છે, જેના કારણે ઘર્ષણ થાય છે અને તેમાં સ્ટેટિક કરંટ પેદા થાય છે, જેને વીજળી કહે છે.

એટલે મોટાં વાદળો અંદરોઅંદર અથડાય એટલે તેમાં વિદ્યુત સ્રાવ પેદા થાય છે જેને આપણે વીજળી થવી કહીએ છીએ.

સ્ટેટિક કરંટમાં નેગેટિવ અને પૉઝિટિવ એમ બન્ને પ્રકારના કરંટ હોય છે એટલે વાદળમાં પણ આ બન્ને કરંટ હોય છે. જ્યારે વાદળાં અથડાય ત્યારે તેમાં કરંટ પેદા થાય છે, આ કરંટનો પૉઝિટિવ ચાર્જ છે, તે ઉપર જતો રહે છે અને નેગેટિવ છે તે નીચેના ભાગમાં રહે છે.

હવે નીચે રહેલો નેગેટિવ ચાર્જ જમીન પર કે ક્યાંય પૉઝિટિવ ચાર્જને શોધતો હોય છે. ધરતી પર રહેલાં વૃક્ષો, ઘાસ તથા પૃથ્વી પણ પૉઝિટિવ ચાર્જ છોડે છે. જેના કારણે અસંતુલન સર્જાય છે. જેના કારણે વાદળનો નેગેટિવ કરંટ નીચેના પૉઝિટિવ કરંટ તરફ આવે છે. એટલે કે વાદળનો નેગેટિવ ચાર્જ જ્યારે ધરતી પર ડિસ્ચાર્જ થાય ત્યારે તેને વીજળી પડવી કહે છે. આ અંગે વધારે જણાવા, ઉપરના વીડિયો પર ક્લિક કરો

બીબીસી
બીબીસી