ઇઝરાયલમાં નેતન્યાહુએ વૉર કૅબિનેટ ભંગ કરી, શું હવે સંઘર્ષ અટકશે?

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ છ સદસ્યોવાળી વૉર કૅબિનેટને ભંગ કરી દીધી છે.

આ પહેલાં બેની ગેન્ટ્ઝ અને ગાદી ઇસેનકોટે એક અઠવાડિયા પહેલાં જ આ વૉર કૅબિનેટમાંથી રાજીનામું આપીને પોતાને સરકારથી અલગ કરી લીધા હતા. તેઓ બંને વૉર કૅબિનેટના મહત્ત્વપૂર્ણ સદસ્ય હતા.

આ બંને લોકો કૅબિનેટમાંથી અલગ થયા બાદ જ નેતન્યાહુએ વૉર કૅબિનેટને ભંગ કરતાં અનેક ધારણાઓ આકાર લઈ રહી છે.

ઇઝરાયલી મીડિયા અહેવાલો પ્રમાણે ગાઝામાં હમાસ સાથે જંગ યથાવત્ રહેશે કે કેમ વગેરે જેવા સંવેદનશીલ મુદ્દાઓ અંગે હવે પહેલાંની સરખામણીએ નાના પ્લૅટફૉર્મ પર ચર્ચા થશે.

અહીં ઉલ્લેખનીય છે કે કૅબિનેટમાં અતિશય દક્ષિણપંથી સહયોગીઓ એવી માંગ કરી રહ્યા હતા જેના કારણે નેતન્યાહુની મુશ્કેલીઓ સતત વધી રહી હતી. એવી પણ શક્યતાઓ હતી કે તેમની માંગોને કારણે અમેરિકા સહિત અન્ય આંતરરાષ્ટ્રીય સહયોગીઓ સાથે પણ ઇઝરાયલના સંબંધો બગડી શકે તેમ હતા.

ઇઝરાયલી સેનાનું કહેવું છે કે આ નિર્ણયને કારણે તેમના અભિયાન પર કોઈ અસર નહીં પડે.

બે સદસ્યોએ કેમ રાજીનામું આપ્યું હતું?

બેની ગેન્ટ્ઝ અને ગાદી ઇસેનકોટે એ આરોપ લગાવતાં વૉર કૅબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું કે ગાઝામાં તણાવ અને સંઘર્ષની પરિસ્થિતિને ખતમ કરવા માટે નેતન્યાહુ પાસે કોઈ પ્લાન નથી.

તેમણે નેતન્યાહુની નેતાગીરી પર પણ સવાલ ઉઠાવ્યા હતા.

આ બંને ભૂતપૂર્વ સૈન્ય પ્રમુખો નેતન્યાહુની નેશનલ યુનિટી ગવર્મેન્ટમાં ગત ઑક્ટોબરની શરૂઆતમાં જોડાયા હતા.

'હેરેટ્ઝ'ના અહેવાલ પ્રમાણે વૉર કૅબિનેટમાં પહેલાં ચર્ચવામાં આવેલા કેટલાક મુદ્દાઓને અતિશય દક્ષિણપંથી ગણાતા રાષ્ટ્રીય સુરક્ષા અને નાણામંત્રીઓ ઇટામાર બૅન-ગ્વીર અને બેઝાલેલ સ્મોટ્રિક પાસે ચર્ચાવા માટે મોકલવામાં આવ્યા હતા.

તેમણે કહ્યું હતું કે આ પ્રકારના અત્યંત સંવેદનશીલ મુદ્દાઓને ‘હજુ નાના જૂથ’ પાસે મોકલવાની જરૂર છે. આ નાનું જૂથ એ હતું કે જેમાં સંરક્ષણ મંત્રી યોવ ગેલન્ટ, સ્ટ્રેટેજિક અફેર્સ મિનિસ્ટર રોન ડર્મર અને અલ્ટ્રા ઑર્થોડોક્સ શાસક પાર્ટીના ચૅરમૅન આર્યેહ ડેરી સામેલ હોય. આર્યેહ ડેરી એ વૉર કૅબિનેટમાં ઓબ્ઝર્વર હતા.

ઇઝરાયલનું આ મુદ્દે શું કહેવું છે?

'જેરૂસલેમ પોસ્ટ'ના અહેવાલ પ્રમાણે, નેતન્યાહુએ તેમના મંત્રીઓને 16મી જૂનના રોજ કહ્યું હતું કે, “વૉર કૅબિનેટ એ ગેન્ટ્ઝ સાથે થયેલા ગઠબંધન કરાર પ્રમાણે અને તેમની વિનંતીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હતી. હવે બેની ગેન્ટ્ઝ જતા રહ્યા હોવાથી આ કૅબિનેટની કોઈ જરૂર નથી.”

ઇઝરાયલી ડીફેન્સ ફોર્સીઝના મુખ્ય પ્રવક્તા રિઅર ઍડમિરલ ડેનિયલ હગારીએ આજે આ અંગે નિવેદન આપતાં કહ્યું હતું કે, “આ નિર્ણયને કારણે કોઈ મોટી અસર નહીં થાય.”

તેમણે પત્રકારોને કહ્યું હતું કે, “કૅબિનેટના સભ્યો બદલવામાં આવી રહ્યા છે અને પદ્ધતિ પણ અમે બદલી રહ્યા છીએ. અમારી પાસે સેનાના બે સરખા વિભાગ છે, અમને ચેઇન ઑફ કમાન્ડનો ખ્યાલ છે. અમે ચેઇન ઑફ કમાન્ડને ધ્યાનમાં રાખીને જ નિર્ણયો લઈ રહ્યા છીએ અને કામ કરી રહ્યા છીએ. આ જ લોકશાહી છે.”

ઇઝરાયલ દરરોજ સંઘર્ષમાં અમુક કલાકો વિરામ લેશે

ગાઝામાં માનવીય સહાયના માટેના ઇઝરાયલના કૉ-ઓર્ડિનેટરના કહ્યા પ્રમાણે દરરોજ સંઘર્ષ દરમિયાન સ્થાનિક સમય પ્રમાણે આઠથી સાંજના સાત વચ્ચે કોઈ હુમલાઓ થશે નહીં. એટલે આ સમયગાળામાં યુદ્ધવિરામ જેવી પરિસ્થિતિ હશે. ઉત્તરથી કેરેમ શાલોમ ક્રોસિંગ પોઇન્ટ સુધીના રસ્તાઓ પર આનું પાલન થશે. અહીં જ મદદ માટેની વસ્તુઓ પહોંચવાની છે.

આ જાહેરાત પછી જ ઇઝરાયલની સરકારમાં રહેલા અતિશય દક્ષિણપંથી મંત્રીઓએ અતિશય વિરોધના સૂરમાં કહ્યું હતું કે, “આ નિર્ણયથી એ સંકેત જરાય મળતો નથી કે તેનાથી દક્ષિણ ગાઝામાં યુદ્ધનો અંત થશે કે પછી માનવીય સહાયમાં કોઈ ફેરફાર થશે.”

જોકે, ઇઝરાયલનાં પગલાંથી જાણકારોનું માનવું છે કે ગાઝાના સંઘર્ષ પર કોઈ અસર થશે નહીં.