You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સાઉદી અરેબિયામાં 14 હજયાત્રીઓનાં હીટ વેવથી મોત
સાઉદી અરેબિયામાં હજ દરમિયાન આકરી ગરમીના કારણે જૉર્ડનના 14 નાગરિકોનાં મૃત્યુ થયાં છે. જૉર્ડનના અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે.
જૉર્ડનના વિદેશ મંત્રાલયે કહ્યું કે વધુ પડતી ગરમી અને લૂ લાગવાના કારણે તેનાં 14 નાગરિકોનાં મૃત્યુ થયાં છે અને 17 લોકો ગુમ થયા છે.
અધિકારીઓએ કહ્યું કે ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલી રહી છે.
સમાચાર સંસ્થા એએફપી અનુસાર ઈરાની રેડ ક્રિસેન્ટે પાંચ ઈરાની નાગરિકોનાં મૃત્યુ થવાની પુષ્ટિ કરી છે, પરંતુ નાગરિકોનાં મૃત્યું પાછળનું કારણ જણાવ્યું નથી.
જૉર્ડનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે મૃત્યુ પામનારા લોકોના પરિવારજનોની ઇચ્છા પ્રમાણે મૃતદેહની દફનવિધિ કરવા માટે અથવા સ્વદેશ પાછા લાવવા માટે તેઓ સાઉદી અરેબિયાના અધિકારી સાથે મળીને કામ કરી રહ્યા છે.
હજ વિશ્વના સૌથી મોટી ધાર્મિક કાર્યક્રમમાં સામેલ છે. સાઉદી અરેબિયાના અધિકારીઓ અનુસાર આ વર્ષે 18 લાખથી વધુ લોકો હજમાં ભાગ લઈ રહ્યા છે.
આ અઠવાડિયે તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ વધારે હતું, જેના કારણે ખુલ્લામાં અને ચાલીને કરવામાં આવતી કેટલીક ધાર્મિક પ્રક્રિયા પૂર્ણ કરવી લોકો માટે મુશ્કેલ થઈ. ખાસ કરીને વડીલો માટે આ વધુ પડકારજનક બની ગઈ.
ગયા અઠવાડિયે સાઉદી હવામાન કેન્દ્રના પ્રમુખ આયમાન ગુલામે ચેતવણી આપી હતી કે, આ વર્ષે હજ દરમિયાન મક્કા અને મદીનામાં સરેરાશ તાપમાનમાં દોઢથી બે ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સાઉદી પ્રેસ એજન્સીએ જણાવ્યું કે માઉન્ટ અરાફાત પાસે એક સારવાર કેન્દ્રમાં ગરમીના કારણે તબિયત લથડવાના કેસ 225 કેસ સામે આવ્યા છે.
કંચનજંઘા ઍક્સપ્રેસને માલગાડીએ પાછળથી ટક્કર મારી, પાંચ લોકોનાં મોત
કંચનજંઘા ઍક્સપ્રેસ દુર્ઘટનામાં પાંચ લોકોનાં મોત થયાં છે અને 20થી 25 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
પશ્ચિમ બંગાળના સિયાલદહ જઈ રહેલી કંચનજંઘા ઍક્સપ્રેસની ન્યૂ જલપાઈગુડી પાસે એક માલગાડી સાથે અથડામણ થઈ હતી.
આ દુર્ઘટના સોમવારે સવારે નવ વાગ્યા આસપાસ ઘટી હતી. દાર્જિલિંગ પોલીસે આપેલી જાણકારી પ્રમાણે અત્યાર સુધી પાંચ લોકોનાં મૃત્યુની પુષ્ટિ કરાઈ છે અને ઓછામાં ઓછા 20થી 25 લોકો ઈજાગ્રસ્ત છે.
દાર્જિલિંગના ઍડિશનલ એસપી અભિષેક રૉયે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું, “કંચનજંઘા ઍક્સપ્રેસ ઊભી હતી અને માલગાડીએ પાછળથી આવીને ટ્રેનને ટક્કર મારી હતી. ત્રણ ડબ્બા પાટા પરથી નીચે ઊતરી ગયા છે. અત્યાર સુધી પાંચ લોકોનાં મૃત્યુની પુષ્ટિ કરાઈ છે અને ઈજાગ્રસ્ત લોકોની સંખ્યા 25-30 છે, તેમની સ્થિતિ ગંભીર નથી. અમે તેમને પોતાના સામાન સાથે બહાર કાઢ્યા છે. ઍમ્બ્યુલન્સ હાજર છે અને તેમને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.”
રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે એનડીઆરએફ અને એસટીઆરએફ એક સાથે કામ કરી રહ્યા છે અને રેસ્ક્યુ ઑપરેશન યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.
તેમણે ઍક્સ પર લખ્યું, “એનએફઆર ઝોનમાં એક દુર્ઘટનાપૂર્ણ અકસ્માત થયો છે. રેસ્ક્યુ ઑપરેશન યુદ્ધના ધોરણે ચાલુ છે. રેલવે, એનડીઆરએફ અને એસડીઆરએફ સાથે મળીને બચાવકાર્ય કરી રહ્યાં છે. ઈજાગ્રસ્તોને હૉસ્પિટલ પહોંચાડાઈ રહ્યા છે અને વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળ પર હાજર છે.”
આ પહેલાં રાજ્યનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ કહ્યું હતું કે દાર્જિલિંગના ફાંસીદેવા વિસ્તારમાં એક રેલ દુર્ઘટના વિશે જાણીને ખૂબ જ દુખ થયું. વિસ્તૃત જાણકારની રાહ જોવાઈ રહી છે. કહેવાઈ રહ્યું છે કે કંચનજંઘા ઍક્સપ્રેસને એક માલગાડીએ ટક્કર મારી દીધી. બચાવકાર્ય અને લોકોને હૉસ્પિટલ ખસેડવા માટે ડીએમ, એસપી, ડૉક્ટર, એમ્બ્યુલન્સો ઘટનાસ્થળ પર છે.
ચેક રિપબ્લિકે પન્નુ કેસના આરોપી નિખિલ ગુપ્તાને અમેરિકાને સોંપ્યા
ચેક રિપબ્લિકે ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાને અમેરિકાને સોંપી દીધા છે. નિખિલ ગુપ્તા ખાલિસ્તાન સમર્થક નેતા ગુરપતવંતસિંહ પન્નુની હત્યાના ષડયંત્રમાં સામેલ હોવાનો આરોપોનો સામનો કરી રહ્યા છે. મીડિયા અહેવાલોમાં આ વાત સામે આવી છે.
અમેરિકાની સરકારના અનુરોધ પર 52 વર્ષીય ગુપ્તાની ચેક રિપબ્લિકમાં ધરપકડ કરવામાં આવી હતી. મનાઈ રહ્યું છે કે તેમને સોમવારે ન્યૂયૉર્કની ફેડરલ કોર્ટમાં હાજર કરવામાં આવશે.
ગુપ્તા આ સમયે બ્રુકલિનના ફેડરલ મેટ્રોપૉલિટન ડિટેન્શન સેન્ટરમાં બંધ છે, જ્યાં તેમને કેદી તરીકે રાખવામાં આવ્યા છે. અમેરિકાના સમાચારપત્ર વૉશિંગ્ટન પોસ્ટે સૌથી પહેલા આ વિશે અહેવાલ છાપ્યો હતો.
વૉશિંગ્ટન પોસ્ટે લખ્યું કે ચેક રિપબ્લિકમાં ગુપ્તાની ધરપકડ કરવામાં આવી હતી. તેમને ન્યૂયૉર્ક લાવવામાં આવ્યા છે. આ મામલાથી પરિચિત વ્યક્તિએ નામ ન જાહેર કરવાની શરતે આ જાણકારી આપી છે. સામાન્ય રીતે પ્રત્યર્પણ કરવામાં આવેલા આરોપીને દેશમાં એક દિવસની અંદર કોર્ટમાં હાજર કરવા પડે છે.
પ્રૉસિક્યૂટરોનો આરોપ છે કે ગુપ્તાએ એક વ્યક્તિને અમેરિકામાં રહેતા ખાલિસ્તાની નેતા પન્નુને મારવાની સોપારી આપી હતી અને 15 હજાર ડૉલર ઍડવાન્સમાં આપ્યા હતા. એ પણ દાવો કરવામાં આવ્યો હતો કે આ ષડયંત્રમાં ભારત સરકારના એક અધિકારી પણ સામેલ છે.
ઈવીએમ વિવાદમાં ચૂંટણીપંચે શું સ્પષ્ટતા કરી હતી?
મુંબઈમાં મતગણના કેન્દ્રમાં ઈવીએમ સાથે ઉમેદવારના સંબંધીનો ફોન જોડાયેલા હોવાના મીડિયા અહેવાલને ચૂંટણી અધિકારીએ નકારી દીધો છે.
મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા ક્ષેત્રનાં રિટર્નિંગ ઑફિસર વંદના સૂર્યવંશીએ સમાચાર એજન્સી પીટીઆઈને કહ્યું, “ઈવીએમ એક સ્ટેન્ડઅલોન યંત્ર છે, જેમાં વાયર કે વાયરલૅસ કનેક્શનની કોઈ સુવિધા નથી. જે સમાચાર શૅર કરાઈ રહ્યા છે તે ખોટા અને પાયાવિહોણા છે.”
“સત્ય એ છે કે આ જ સમાચારપત્રના રિપોર્ટરને મેં ગઈ કાલે જણાવ્યું હતું કે મોબાઇલ ફોનથી કંઈ જ ન થઈ શકે. મતગણના વિભાગમાં રિઝલ્ટ બટન દબાવ્યા પછી જ પરિણામો દેખાય છે. મતદાન પછી જે દિવસે ઈવીએમ સીલ થાય છે તે દિવસે પોલિંગ એજન્ટ સાથે હોય છે. અને મતગણતરી જે દિવસે થાય છે તે દિવસે કાઉન્ટિંગ એજન્ટ સાથે હોય છે.”
સૂર્યવંશીએ કહ્યું કે આ મામલે સમાચારપત્રને નોટિસ આપવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે ચૂંટણીપંચના નિયમો પ્રમાણે જ મતગણતરીનું કામ કરવામાં આવ્યું હતું. અમે તે સમાચારપત્ર વિરુદ્ધ ખોટી ખબર છાપવા બદલ સેક્શન 499 અને 505 હેઠળ નોટિસ આપી છે.
આ પહેલાં કૉંગ્રેસ અને કેટલીક બીજી પાર્ટીઓએ પોતાના સોશિયલ મીડિયા પર આ સમાચારને શૅર કરીને ચૂંટણીપંચને સવાલો કર્યા હતા.
રાહુલ ગાંધી સહિત બીજા નેતાઓએ મીડિયા રિપોર્ટને શૅર કરતા ચૂંટણીપંચ પર સવાલો કર્યા હતા.
આ મીડિયા રિપોર્ટ પ્રમાણે મુંબઈમાં એનડીએના ઉમેદવાર રવીન્દ્ર વાયકરના સંબંધીનો મોબાઇલ ફોન ઈવીએમ સાથે જોડાયેલો હતો. એનડીએ ઉમેદવારની જીત મુંબઈ ઉત્તર-પશ્ચિમ બેઠક પર માત્ર 48 મતોથી થઈ છે.
વડા પ્રધાન મોદી અને પોપ ફ્રાંસિસની તસવીર પર કૉંગ્રેસે શું કહ્યું?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જી7 સંમેલન દરમિયાન પોપ ફ્રાન્સિસ સાથે મુલાકાત કરી હતી. પોપ દુનિયાના બધા જ કૅથલિક ચર્ચના પ્રમુખ છે.
આ મુલાકાત પર કેરળ કૉંગ્રેસે ટીખળ કરી હતી. ભાજપે તેના પર પલટવાર કરતા કહ્યું કે કૉંગ્રેસની કેરળ યુનિટને ‘અર્બન નક્સલ અને કટ્ટરપંથી ઇસ્લામિસ્ટો’ ચલાવી રહ્યા છે.
પોપ ફ્રાન્સિસની નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતવાળી તસવીર સાથે કેરળ કૉંગ્રેસે ઍક્સ પર પોસ્ટ કરીને લખ્યું, “અંતે પોપને ભગવાનને મળવાનો મોકો મળ્યો.”
લોકસભા ચૂંટણીમાં પ્રચાર દરમિયાન વડા પ્રધાન મોદીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, “મને લાગતું હતું કે જૈવિક રૂપે મારો જન્મ થયો છે પણ મારી માતાના અવસાન પછી જ્યારે હું બધી વસ્તુને જોડીને જોઉં તો મને ખાતરી છે કે મને ઈશ્વરે મોકલ્યો છે. આ ઊર્જા મને જૈવિક શરીરમાંથી મળતી નથી.”
કેરળ ભાજપના અધ્યક્ષ કે. સુરેન્દ્રને કેરળ કૉંગ્રેસની આ પોસ્ટનો વિરોધ કર્યો હતો.
તેમણે ઍક્સ પર લખ્યું, “એવું લાગે છે કે આ હેન્ડલને કટ્ટરપંથી ઇસ્લામિસ્ટ અને અર્બન નક્સલો ચલાવી રહ્યા છે. રાષ્ટ્રવાદી નેતાઓ વિરુદ્ધ અપમાનજનક પોસ્ટ તો કરવામાં આવતી રહી છે, હવે આ લોકો પોપની પણ મજાક ઉડાવે છે. એ વાત તો નક્કી છે કે કેરળના નેતા અને પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલને પણ આ વાતની જાણકારી હશે. સવાલ એ છે કે શું રાહુલ ગાંધી અને મલ્લિકાઅર્જુન ખડગે પણ આ વાતનું સમર્થન કરે છે?”
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા એ.કે. એન્ટનીના પુત્ર અનિલ એન્ટનીએ કૉંગ્રેસને આ ટ્વીટ પર માફી માગવાની વાત કરી હતી. અનિલ એન્ટની થોડા સમય પહેલાં જ ભાજપમાં જોડાયા હતા.
તેમણે લખ્યું, “આ દુખદ અને નિંદનીય છે કે કેરળ કૉંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના વધતા વૈશ્વિક મહત્ત્વ પ્રત્યે આંધળી નફરતને કારણે ફાધર પોપ ફ્રાન્સિસની પણ મજાક કરી હતી.”