ગુજરાતમાં હજુ આગામી દિવસોમાં પડી શકે છે વરસાદ, આ જિલ્લામાં આગાહી

ગુજરાતમાં પાછલા કેટલાક દિવસોથી વરસાદનું જોર ઘટી ગયું છે, આ સાથે ઓછામાં ઓછું વહેલી સવારે અને રાત્રે ઠંડીનો હળવો ચમકારો જોવા મળી રહ્યો છે.

થોડા દિવસ પહેલાં જ નવરાત્રિના કેટલાક દિવસો દરમિયાન રાજ્યમાં જામેલા વરસાદી માહોલે ખેલૈયાઓની મજા બગાડી હોવાનું બધાને યાદ છે.

હવે જ્યારે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે એવી ચર્ચા થઈ રહી છે કે શું દિવાળીની અગાઉના દિવસોમાં પણ પણ વરસાદની કોઈ શક્યતા ખરી કે એ દરમિયાન ઠંડીનો ચમકારો હજુ વધશે.

હવામાન વિભાગના નવા બુલેટિન પ્રમાણે આજે અને આગામી બે દિવસ સુધી વરસાદ પડવાની શક્યતા બહુ ઓછી છે, પરંતુ 16 અને 17 ઑક્ટોબરે ગુજરાતના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આગામી કેટલાક દિવસોમાં હવામાન કેવું રહેશે? હવામાન વિભાગે પોતાની નવી આગાહીમાં શું જણાવ્યું?

ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ પડશે ખરો?

હવામાન વિભાગે જાહેર કરેલા લેટેસ્ટ બુલેટિનમાં આપેલી વિગતોની વાત કરીએ તો ગત 24 કલાકમાં રાજ્યમાં વાતાવરણ શુષ્ક જોવા મળ્યું હતું.

આ સિવાય રાજ્યમાં કેટલાંક સ્થળોએ પવન જોવા મળ્યો હતો.

આગામી દિવસોમાં વાતાવરણની આગાહી અંગે હવામાન વિભાગે આપેલી જાણકારીની વાત કરીએ તો આગામી છ દિવસ સુધી રાજ્યના મહત્તમ તાપમાન કોઈ મોટો ફેરફાર થાય તેવી શક્યતા નથી. જ્યારે આગામી બે દિવસ સુધી ન્યૂનતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર ન થવાની આગાહી છે.

આ સિવાય એ બાદના દિવસોમાં વાતાવરણ બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે.

બુધવારના દિવસે મોટા ભાગે સમગ્ર રાજ્યમાં હવામાન શુષ્ક રહેવાની આગાહી છે.

એ બાદ ગુરુવારના દિવસે ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં કેટલાંક છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જેને બાદ કરતાં બાકીના તમામ જિલ્લાઓમાં વાતાવરણ શુષ્ક રહે તેવી સંભાવના છે.

શુક્રવારના દિવસે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ ખાતે કેટલાંક છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

શનિવારના દિવસે અમરેલી, ગીર સોમનાથ, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ ખાતે કેટલાંક છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે.

રવિવારે પણ ગીર સોમનાથ, ડાંગ, નવસારી અને વલસાડ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે. આ ઉપરાંત તમામ અન્ય જિલ્લાઓમાં મોટા ભાગે વાતાવરણ શુષ્ક રહેવાની શક્યતા છે.

આવતા અઠવાડિયે સોમવારના દિવસે પણ સમગ્ર રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેવાની શક્યતા છે.

અત્યાર સુધી રાજ્યમાં કેટલો વરસાદ પડ્યો?

ગુજરાતમાં અત્યાર સુધી પડેલા કુલ વરસાદની વાત કરીએ તો રાજ્યમાં અત્યાર સુધી 1041.63 એમએમ વરસાદ પડી ચૂક્યો છે. જે રાજ્યમાં પડતા વરસાદની સરેરાશ કરતાં 118.12 ટકા જેટલો છે.

નોંધનીય છે કે આ વખતે રાજ્યમાં ગત વર્ષ કરતાં ઓછો વરસાદ પડ્યો છે. ગત વર્ષે 15 ઑક્ટોબર સુધી રાજ્યમાં કુલ 1243 એમએમ વરસાદ પડ્યો હતો. જે રાજ્યની સરેરાશ કરતાં 140.77 ટકા હતો.

રાજ્યમાં પડેલા વરસાદની છેલ્લી ઉપલબ્ધ વિગતો અનુસાર કચ્છમાં અત્યાર સુધી લગભગ સરેરાશ 715.8 એમએમ, ઉત્તર ગુજરાતમાં 873.41 એમએમ, મધ્યપૂર્વ ગુજરાતમાં 942.36 એમએમ, સૌરાષ્ટ્રમાં 811.94 એમએમ અને દક્ષિણ ગુજરાતમાં 1836.24 એમએમ સરેરાશ વરસાદ પડી ચૂક્યો છે.

જો રાજ્યમાં સામાન્યપણે પડતા વરસાદની સરેરાશની સરખામણીએ આ વરસાદની ટકાવારીની વાત કરીએ તો કચ્છમાં સરેરાશ કરતાં 148.14 ટકા, ઉત્તર ગુજરાતમાં 121.51 ટકા, મધ્યપૂર્વ ગુજરાતમાં 117.09 ટકા, સૌરાષ્ટ્રમાં 108.59 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 123.26 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન