You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાટણમાં બે પ્રેમીઓ પર દૃશ્યમ ફિલ્મથી પ્રેરાઈને આધેડને સળગાવીને હત્યા કરવાનો આરોપ, સમગ્ર મામલો શું છે?
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
બોલીવૂડ ફિલ્મ દૃશ્યમથી પ્રેરિત થઈને કથિત ખૂન કર્યું હોય તેવી એક નવી ઘટના ગુજરાતમાં સામે આવી છે. પાટણ જિલ્લાના જખોતરા ગામમાં લગ્નેતર સંબંધોમાં ફસાયેલા એક યુવાન અને યુવતી પર એક આધેડ વયની વ્યક્તિની હત્યા કરી નાખવાનો આરોપ છે.
આરોપ છે કે આ આધેડ વ્યક્તિના મૃત શરીરને યુવતીનાં કપડાં પહેરાવીને, તેને સળગાવીને યુવતીના મૃત શરીર તરીકે ખપાવવાના નિષ્ફળ પ્રયાસ કરાયો જ્યાર બાદ પોલીસે આ યુવતી અને યુવકની ધરપકડ પણ કરી લીધી છે.
પોલીસે આ ગુનામાં 22 વર્ષીય ગીતાબહેન આહીર અને 24 વર્ષીય ભરત આહીર નામના બે લોકોની ધરપકડ કરી છે.
પરંતુ પોલીસ અનુસાર જ્યારે ગુનાની હકીકત જાણવા મળી ત્યારે પોલીસ અધિકારીઓ પણ અચંબામાં મૂકાઈ ગયા હતા. કારણ કે ખૂન કરવા પાછળનો ઇરાદો માત્ર એક મૃત શરીરને ગીતાબહેનના શરીર તરીકે ખપાવવાનો હતો. જેમનું ખૂન કરવામાં આવ્યું તેમને તો આ લગ્નેતર સંબંધ વિશે ખબર પણ ન હતી કે તેઓ આ બંને વ્યક્તિઓને ઓળખતા પણ ન હતા.
પોલીસને જ્યારે આ મૃતદેહ મળી આવ્યો ત્યારે તેણે આસપાસનાં ગામડાંમાં તેની તસવીરો વહેતી કરી હતી અને પછી તેમને જાણવા મળ્યું હતું કે આ મૃતક વ્યક્તિનું નામ હીરજીભાઈ સોલંકી છે, જેઓ રખડતું ભટકતું જીવન જીવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. મૃતક હીરજીભાઈ સોલંકી એક દલિત વ્યક્તિ હોવાનું જણાવાયું છે.
કેમ કરવામાં આવ્યું ખૂન, મામલો શું છે?
અત્યાર સુધીની પોલીસ તપાસમાં આવેલી વિગતો અનુસાર 'થોડાં વર્ષો અગાઉ ગીતાબહેનનાં લગ્ન સુરેશ આહીર નામના એક પુરુષ સાથે થયાં હતાં. ગીતા જ્યાં મજૂરીએ જતાં હતાં, ત્યાં તેમની સાથે ભરત આહીર નામની એક વ્યકિત પણ કામ કરતી હતી. બંને વચ્ચે છેલ્લા થોડા સમયથી પ્રેમ થઈ ગયો હતો, જેની જાણ સુરેશ કે તેમના પરિવારને ન હતી.'
'ભરત અને ગીતાએ ભાગી જવાનો પ્લાન કર્યો હતો. જોકે, ગીતાને એ શંકા હતી, કે તેઓ ભાગી તો જશે પણ પછી તેમના પતિ સુરેશના પરિવારજનો તેમને શોધી કાઢશે અને તેમને ફરીથી સુરેશના ઘરે મોકલી દેશે. એટલા માટે તેમણે બન્નેએ નક્કી કર્યું કે, ગીતાનું મૃત્યુ થઈ ગયું છે, તેવી માહિતી જો સુરેશના પરિવારજનોને મળે તો તેઓ તેમને શોધવાનો પ્રયત્ન નહીં કરે.'
આથી, ભરત અને ગીતાએ કંઈક આવો જ પ્લાન ઘડ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ માટે બંનેએ નક્કી કર્યું હતું કે કોઈ એવી વ્યક્તિને શોધીએ કે જેનું ખૂન કરી શકાય, અને તેને ગીતાનાં કપડાં પહેરાવીને, તેના શરીરને બાળી દેવામાં આવે, તો સુરેશનો પરિવાર આ શરીરને ગીતા સમજીને તેની શોધખોળ ન કરે.
પોલીસતપાસમાં બહાર આવ્યું છે કે, "આ માટે ભરત કોઈ પુરુષ કે સ્ત્રીની શોધમાં હતો. સોમવારની બપોરે લગભગ બપોરના ત્રણ વાગ્યે ભરત પાટણની આજુબાજુના ગરામડી, સાંતલડી, વૌવા જેવા ગામડાઓમાં આવા કોઈ વ્યક્તિની શોધમાં નીકળ્યો હતો કે જેને મારીને તેના શરીરને ગીતાના શરીર તરીકે ખપાવી શકે."
વૌવા ગામમાંથી જ્યારે તે પસાર થઈ રહ્યો હતો, ત્યારે હીરજીભાઈ સોલંકી નામની 60 વર્ષની વ્યક્તિએ તેને આગળના ખેતર સુધી છોડી દેવાની વિનંતી કરી હતી.
પાટણ એલ.સી.બીના પોલીસ ઇન્સપેક્ટર રાકેશ ઉનાગરે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "તે ખેતરમાં ભરતે હીરજીભાઈ સોલંકીનું ગળું દબાવી દીધું હતું, અને તેઓ બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ એક દોરડાથી તેના શરીરને બાઇક પર બાંધીને તેમને ભરતે ગીતાબહેન અને સુરેશના ઘર નજીક લાવીને મૂકી દીધું હતું. રાત્રે લગભગ એક વાગ્યે ગીતા પોતાનાં કપડાં, ઝાંઝર અને 1 લિટર જેટલું પેટ્રોલ લઇને આવી હતી. તે બંનેએ હીરજીભાઈને તે કપડાં અને ઝાંઝર પહેરાવીને તેમના પર પેટ્રોલ નાખીને તેમને સળગાવી નાખ્યા હતા અને તેમનું મૃત્યુ નીપજાવ્યું હતું."
જોકે, વધુ પેટ્રોલ ન હોવાને કારણે, શરીર સંપૂર્ણ બળ્યું ન હતું.
પાટણ સુપ્રિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ, વી.એ. નાયીએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે, "ખરેખર તો ભરતે વધુ પેટ્રોલ લઇને આવવાનું હતું, પરંતુ ખૂન કરવા માટે તેને કોઈ વ્યક્તિ જલદી ન મળતા તે પેટ્રોલ લાવી શક્યો ન હતો."
આ ઘટનાની જાણ કેવી રીતે થઈ?
પોલીસ તપાસ અનુસાર હીરજીભાઈ સોલંકીનો મૃતદેહ ગીતા અને સુરેશના ઘરની પાછળની દિશામાં બાળવામાં આવ્યો હતો. જેથી પરિવારને લાગે કે ગીતાએ પોતાનો જીવ લઈ લીધો છે.
મંગળવારની સવારે સુરેશને ઘર પાછળ અડધો બળેલો મૃતદેહ મળતાં તેમણે પોલીસને જાણ કરી હતી. શરીર પર ગીતાનાં કપડાં અને ઝાંઝર મળી આવતા પોલીસે જ્યારે ગીતા વિશે તપાસ કરી તો ખબર પડી હતી કે તેઓ તો ગાયબ છે.
વધુ તપાસ કરતાં પોલીસને ખબર પડી કે બાજુમાં રહેતો ભરત પણ ગાયબ છે. પોલીસના જણાવ્યા અનુસાર, "હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા અમને ખબર પડી હતી કે આ બંને એકબીજાના પ્રેમમાં હતા, અને કદાચ બંને લોકો ભાગી ગયા છે."
વધુ તપાસ કરતા પોલીસને ભરતની બાઇક રાધનપુરથી મળી હતી. પોલીસની વિવિધ ટીમો બનાવવામાં આવી હતી, અને આખરે આ બંનેને પાલનપુર બસસ્ટેશનથી પકડી પાડવામાં આવ્યા હતા. આ બંને લોકો ભાગીને જોધપુર જવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા.
પોલીસે બંનેની ધરપકડ કરી હતી અને તપાસ દરમિયાન આ આખુંય કાવતરું બહાર આવ્યું હતું.
જોકે, આ ઘટનાની સંપૂર્ણ હકીકત બહાર આવે એ પહેલાં જ કૉંગ્રેસના ધારસભ્ય જિગ્નેશ મેવાણીએ એક વીડિયો મારફતે ગુજરાતના તમામ દલિત કર્મશીલોને સોલંકીના પરિવારની મદદ માટે પહોંચવાનું આહ્વાન કર્યું હતું.
તેમણે કહ્યું હતું કે, "રાજ્યમાં હાલમાં દલિત સમાજ પરના અત્યાચારો વધી રહ્યા છે."
જોકે, પોલીસતપાસ દરમિયાન આવી કોઈ વિગત બહાર આવી ન હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન